‘નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે મેં સમર્થન આપ્યું હતું’

પૂર્વ કેંદ્રીય મંત્રી યશવંત સિંહાએ ભાજપ છોડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી. એ પહેલેથી જ પાર્ટીથી નારાજ હતા.

પટણામાં આયોજિત એક કાર્યક્રમમાં યશવંત સિંહાએ કહ્યું કે તેઓ આજથી જ ભાજપ સાથેના બધા જ સંબંધો સમાપ્ત કરે છે.

સાથે તેમણે સક્રિય રાજનીતિમાંથી પણ સન્યાસ લઈ લીધો.

એમણે કહ્યું, "લાંબા અરસાથી ભાજપ સાથે મારા જે સંબંધો છે તેનાથી હું છેડો ફાડું છું."

તેમણે આ નિર્ણય પાછળનું કારણ એ કહ્યું કે આજે દેશમાં લોકશાહી જોખમમાં છે.

પટણામાં હાજર મનીષ શાંડિલ્યના જણાવ્યા મુજબ જાહેરાત પહેલા યશવંત સિંહાએ કહ્યું,

"મારૂ મન આજે પણ દેશની લોકશાહીની ચિંતામાં ધડકે છે. ચાર વર્ષ પહેલા મેં રાજકારણમાંથી સન્યાસ લીધો હતો. આજે હું પક્ષમાંથી સન્યાસ લઉં છું. હવે હું બીજા કોઈ પક્ષ સાથે નહીં જોડાઉં. હું મારા સાથીઓ સાથે મળીને લોકશાહીને બચાવવા આંદોલન કરીશ."

એમણે આગળ કહ્યું, મારા જીવનની હર એક પળ લોકશાહીને બચાવવા ઉપયોગમાં લઇશ. લોકશાહી છે તો દેશ છે, લોકશાહી છે તો આપણે છીએ, લોકશાહી છે તો આપણી સ્વતંત્રતા છે.

રાષ્ટ્ર મંચના કાર્યક્રમમાં પટણાના શ્રીકૃષ્ણ મેમોરિયલ હૉલમાં રાજદના તેજસ્વી યાદવ, કોંગ્રેસના રેણુકા ચૌધરી, આપના સંજય સિંહ અને રાષ્ટ્રીય લોક દલના જયંત ચૌધરી ઉપસ્થિત હતાં.

જોકે કેંદ્રની મોદીની કેબિનેટમાં યશવંત સિંહાના પુત્ર જયંત સિંહા હજી પણ મંત્રી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારત સરકારમાં ઘણા વર્ષો સુધી પ્રશાસનિક અધિકારીના રુપમાં અલગ-અલગ પદો પર કામ કરનારા યશવંત સિંહા 1984માં જનતા પાર્ટીમાં જોડાયા હતા.

1996માં એમણે ભાજપના રાષ્ટ્રિય પ્રવક્તા તરીકે કામ કર્યું. ત્યારબાદ ભાજપની સરકારમાં તેઓ નાણા પ્રધાન બન્યા હતા. આ સિવાય તેમની પાસે વિદેશ મંત્રીનો પોર્ટફોલિયો પણ હતો.

પીએમ મોદીને સમર્થન

તેમણે કહ્યું “મેં પણ ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે મોદીના નામને સમર્થન આપ્યું હતું. એમ પણ કહ્યું હતુ કે જો એમ થશે તો આપણે જીતી જઈશું.”

“પછી બીજા નેતાઓએ પણ આ વાત કહી હતી. એમને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા. એવું જ થયું, અમે જીતી ગયા.”

“એ વખતે મેનિફેસ્ટો બનાવવામાં હું પણ સામેલ હતો. પીએમ બન્યા પછી મોદીએ મેનિફેસ્ટો ધ્યાનથી જોયો પણ હતો.”

સિંહાએ કહ્યું, “અમે ઘણા બધા વાયદા કર્યા હતા. હવે પાછળ વળીને જોઉં છું તો વ્યક્તિગત રીતે મને બહુ દુખ થાય છે. કારણ કે એમાથી ઘણા વાયદા અમે પૂરા નથી કરી શક્યા.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો