પાછળના ખિસ્સામાં પર્સ રાખવું પીઠ માટે ખતરનાક છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભરત શર્મા
- પદ, બીબીસી સંવાદદાતા
સવારે ઊઠીને નાહી-ધોઈને તૈયાર થયા, વાળ ઓળ્યા, ઘડિયાળ પહેરી, મોબાઇલ ચેક કર્યો અને કાંસકો તેમજ પર્સ ખિસ્સામાં રાખી ઑફિસ કે દુકાને જવા માટે તૈયાર...
દુનિયાના મોટાભાગના પુરુષોની સવાર કંઈક આ જ રીતે શરૂ થાય છે.
મોબાઇલ સિવાય આ વસ્તુઓમાં એક વસ્તુ એવી છે કે જેને જો ભૂલી ગયા, તો આખો દિવસ અધૂરો લાગે છે. તે વસ્તુ છે પર્સ.
આ પર્સમાં રૂપિયા-પૈસા, ફોટો, ક્રેડિટ-ડેબિટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને બીજા જરૂરી ઓળખપત્ર સંભાળીને રાખેલાં હોય છે.
સ્પષ્ટ છે કે આ બધી વસ્તુઓ એક જગ્યાએ રાખવામાં આવે છે, તો પર્સના ભાગમાં જવાબદારીઓ પણ ઘણી આવે છે.

જાડા પર્સથી શું નુકસાન?

ઇમેજ સ્રોત, Getty Images
પર્સમાં ઘણી વસ્તુઓ રાખવાના કારણે તે જાડું પણ બની જાય છે. અને આ પર્સ ક્યાં રાખવામાં આવે છે? મોટાભાગે પાછળના ખિસ્સામાં.
પુરુષોની આ જ ટેવ ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમે થોડી ક્ષણ માટે પર્સ પાછળના ખિસ્સામાં રાખો છો, તો તેનાથી કોઈ ખાસ એવી સમસ્યા ન થવી જોઈએ.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પણ જો આખો દિવસ અથવા તો ઘણા કલાકો માટે પર્સ તમારા પાછળના ખિસ્સામાં આરામ કરે છે તો તમારે વિચારવાની જરૂર છે.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો વાતો કરી રહ્યા છે કે પાછળના ખિસ્સામાં જાડું પર્સ રાખવાથી પીઠનું હાડકું વળી જાય છે. શું આ વાત સાચી છે?
અને આપણે ત્યાં આમ પણ એવી ટેવ જોવા મળે છે કે પર્સ જેટલું જાડું હોય છે, તેનો વટ વધારે પડે છે.

ક્યાં થઈ શકે છે દુખાવો?

ઇમેજ સ્રોત, Getty Images
મેન્સહેલ્થમાં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો જેમાં યૂનિવર્સિટી ઑફ વાટરલૂના પ્રોફેસર ઑફ સ્પાઇન બાયોમેકેનિક્સ સ્ટુઅર્ટ મૈકગિલે જણાવ્યું કે આ પર્સ થોડીવાર રાખવા માટે હોય છે.
પરંતુ જો તમે તેમાં તમારા કાર્ડ, બિલ અને સિક્કાઓનો ખજાનો લઈને કલાકો સુધી બેસી રહેશો તો તેનાથી હિપ જૉઇન્ટ અને કમરના નીચેના ભાગમાં દુખાવો થવા લાગશે.
આ સમસ્યા શરૂ થાય છે સિયાટિક નર્વ સાથે, જે હિપ જૉઇન્ટની એકદમ પાછળ હોય છે.
જાડું પર્સ રાખવાના કારણે આ જ તંત્રિકા પર્સ અને હિપ વચ્ચે દબાય છે અને સમસ્યા ઊભી થઈ શકે છે.
આ ગંભીર મામલો એ માટે છે કેમ કે દુખાવો ભલે હિપથી શરૂ થાય છે પરંતુ ધીરે ધીરે તે પગના નીચેના ભાગ સુધી પણ પહોંચી શકે છે.
ડૉ. મૈકગિલે પીઠના દર્દના સમજવા માટે એક પ્રયોગ કર્યો કે જેમાં એક હિપના નીચે નાના આકારનું પર્સ રાખ્યું.

હિપ પર શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
પાછળના ભાગમાં જાડું પર્સ રાખવાના કારણે પેલ્વિસ પણ એક તરફ ઝૂકી જાય છે. જેના કારણે પીઠના હાડકાં પર વધારે દબાણ પડવા લાગે છે.
સીધા બેસવાની બદલે કમરના નીચેના ભાગમાં ઇન્દ્રધનુષ જેવો આકાર બની જાય છે.
અને પર્સ જેટલું વધારે જાડું હશે, શરીર એટલું વધારે એક તરફ ઝૂકશે અને તેટલો જ વધારે દુખાવો થશે.
પરંતુ સમસ્યા એ છે કે જાડા પર્સને આગળના ખિસ્સામાં રાખવાથી પણ મુશ્કેલી સર્જાઈ શકે છે કેમ કે આવું કરવાથી આગળ પણ દુખાવો થાય છે.
કેટલાક ડૉક્ટરનું કહેવું છે કે માત્ર જાડું પર્સ રાખવાથી પીઠનું હાડકું કે સ્પાઇન વાંકુ થઈ જશે, એ ભલે સાચી વાત ન હોય.
પણ સ્પાઇનમાં જો પહેલેથી કોઈ સમસ્યા છે તો આગળ તે મુશ્કેલીને નિમંત્રણ આપી શકે છે.
દિલ્હીની પ્રાઇમસ હૉસ્પિટલમાં હાડકાંના ડૉક્ટર કૌશલ કાંત મિશ્રાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પાછળના ખિસ્સામાં પર્સ રાખવાથી સમસ્યા થશે?
તેના જવાબમાં તેમણે જણાવ્યું, "આદર્શ સ્થિતિમાં કોઈ સમસ્યા ન થવી જોઈએ. જો સ્પાઇન સામાન્ય છે તો સમસ્યા નહીં થાય."

લાંબા કલાકો માટે ખતરો
આ મામલે પીઠના હાડકાંનુ સામાન્ય હોવું જરૂરી છે.
તો શું પછી એ માની લેવામાં આવે કે પાછળના ખિસ્સામાં પર્સ રાખવાથી કોઈ સમસ્યા નહીં આવે, તો તેમણે કહ્યું, "એવું પણ નથી. જો તમે થોડાં સમય માટે આમ કરો છો તો કોઈ વાત નહીં, પણ ઘણા કલાકો સુધી પર્સ પાછળના ખિસ્સામાં રાખો છો તો દુખાવો તો થશે જ."
તેમણે કહ્યું, "જો ઘણા કલાકો સુધી એક વ્યક્તિ પર્સને પાછળના ખિસ્સામાં રાખીને બેસે છે તો તેનાથી પીઠના હાડકાંનો આકાર નહીં બદલે પણ તેનાથી સાથળનો દુખાવો (સાયૅટિક) ચોક્કસથી થઈ શકે છે."
ડૉ. મિશ્રા જણાવે છે, "આ રેડિએટિંગ પેઇન થાય છે જેનો મતલબ છે એવો દુખાવો જે એક જ જગ્યાએ ન રહીને અલગ અલગ જગ્યા બદલે છે."

આ દુખાવાનો ઇલાજ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- ઘૂંટણ વાળી દો અને જમીન પર આડા પડી જાઓ. ઘૂંટણ નીચે લઈ જતા સમયે જમણી તરફ લઈ જાઓ. જ્યારે ખભા તેમજ હિપ જમીન પર રાખી છોડો અને ડાબી તરફ લઈ જાઓ. તેનાથી તમારા કમરના નીચેના ભાગમાં આરામનો અનુભવ થશે.
- જમીન પર સુઈ જાઓ અને ઘૂંટણને છાતી સાથે જોડો અને પગનો બહારનો ભાગ પકડી લો. કમરના ઉપરના ભાગને આધાર બનાવીને રોલ કરો. અને તમે જોશો કે પીઠનો દુખાવો કેટલીક હદે ઠીક થઈ રહ્યો છે.
પર્સ કેવી રીતે રાખવું જોઈએ?
- પૈસા રાખવા માટેની ક્લિપ કે પછી પાતળી સ્ટાઇલના વૉલેટ રાખી શકાય છે, જે સહેલાઇથી આગળના ખિસ્સામાં સમાઈ જાય.
- એવું પર્સ પણ ખરીદી શકો છો કે જેની સાથે ચાવીઓ જોડીને રાખી શકો છો. આમ કરવાથી જ્યારે તમે પર્સ પાછળના ખિસ્સામાં રાખીને બેસવા માગશો તો ચાવી ખૂંચશે અને તમે તેને આગળ રાખવા મજબૂર થઈ જશો.
- જો તમે ખાખી પૅન્ટ કે ડ્રેસ પૅન્ટ પહેરો છો તો તેનું બટન બંધ કરી દો કે જેથી પાછળ વૉલેટ રાખવાની ટેવ જ ન પડે.
- જો શક્ય છે તો પર્સ રાખવાનું જ છોડી દેવું જોઈએ. ઘણા લોકો છે કે જેઓ પાતળા કાર્ડ હોલ્ડરમાં કાર્ડ રાખી લે છે અને પૈસા આગળના ખિસ્સામાં મૂકી દે છે.
- તમારા પર્સ કે મોબાઇલને પાછળના ખિસ્સામાંથી કાઢીને રાખો અને તેને એક ચેલેન્જના રૂપમાં જુઓ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













