અમદાવાદ-પુરી ટ્રેન ઓડિશામાં એન્જિન વિના 15 કિમી ચાલી

    • લેેખક, સુબ્રત કુમાર પતિ
    • પદ, ભુવનેશ્વરથી બીબીસી ગુજરાતી માટે

શનિવાર રાત્રે ઓડિશાના તિતલાગઢ સ્ટેશન પર 22 ડબ્બાની એક પેસેન્જર ટ્રેન એન્જિન વિના 15 કિલોમીટર સુધી ચાલી ગઈ.

રાત્રે લગભગ 10 વાગ્યે તિતલાગઢ સ્ટેશન પર અમદાવાદ-પુરી એક્સપ્રેસ ઊભી હતી.

મુસાફરોથી ભરેલી 22 ડબ્બાવાળી આ ટ્રેન સંબલપુર જવાની હતી અને તેનું એન્જિન બદલવાનું હતું.

તમને આ વાંચવું પણ ગમશે:

એવામાં જ્યારે ટ્રેનનું એન્જિન અલગ કરવામાં આવ્યું, તો એ પ્લેટફોર્મથી નીકળીને લગભગ બે કલાક સુધી એન્જિન વિના ચાલતી રહી.

આ બાબતની જાણ થતાં જ કોઈ પણ પ્રકારના અકસ્માતને રોકવા માટે બધાં જ ક્રોસિંગને બંધ કરી દેવામાં આવ્યાં હતાં.

લગભગ 15 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ ટ્રેનને રાત્રે 12 વાગ્યે કેસિંગા સ્ટેશન પર પથ્થરોની મદદથી રોકવામાં આવી.

ઈસ્ટ કોસ્ટ રેલવેના મુખ્ય સુરક્ષા અધિકારી એસ એસ મિશ્રાએ આ ઘટનાને ટ્રેન ચાલકોની બેપરવાઈ ગણાવી છે.

કેવી રીતે બની આ ઘટના?

રેલવેએ આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરવાનો આદેશ આપી દીધો છે.

સંબલપુરના રેલવે ડીઆરએમ જયદેવ ગુપ્તાએ બીબીસીને જણાવ્યું કે સ્કિડ બ્રેકનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવ્યો હોવાથી આ ઘટના બની છે.

જોકે, થોડા સમય બાદ જ રેલવેના કર્મચારીઓના ધ્યાનમાં આવ્યું કે ટ્રેન તેના નિર્ધારિત સમય પહેલાં જ પાટા પર ચાલવા લાગી છે.

રેલવેનું કહેવું છે કે ટ્રેનમાં રહેલા તમામ મુસાફરો સુરક્ષિત છે.

ઈસ્ટ કોસ્ટ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી જ્યોતિ પ્રકાશ મિશ્રાએ બીબીસીને કહ્યું કે રેલવેએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે.

ડીઆરએમ પોતે ઘટનાસ્થળની મુલાકાતે ગયા હતા. તપાસનો અહેવાલ એક જ દિવસમાં આવવાની શક્યતા છે. જો તેમાં કોઈ વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર સાબિત થશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી થશે.

રેલવેએ આ બેપરવાઈ પર તાત્કાલિક કાર્યવાહી કરી છે અને બે ટ્રેન ચાલકો સહિત સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો