મમ્મી-પપ્પા વચ્ચેના ઝઘડાની સંતાનો પર ખરેખર માઠી અસર થાય?

પતિ-પત્ની વચ્ચે દલીલબાજી થવી સ્વાભાવિક છે, પણ તેની તેમનાં સંતાનો પર વિવિધ સ્તરે અસર થતી હોય છે. આવી દલીલબાજીની પોતાનાં સંતાનો પર ઓછામાં ઓછી થાય એ માટે પેરન્ટ્સ શું કરી શકે?

ઘરમાં જે થતું હોય છે તેની બાળકોના માનસિક આરોગ્ય અને વિકાસ પર લાંબા ગાળા સુધી ખરેખર માઠી અસર થતી હોય છે.

અહીં માતાપિતા અને તેમનાં સંતાનો વચ્ચેના સંબંધ ઉપરાંત બીજી ઘણી બાબતો મહત્વની હોય છે.

સંતાનના વિકાસમાં મમ્મી અને પપ્પા વચ્ચેનો મનમેળ મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે.

માતાપિતા વચ્ચે મનમેળ ન હોય તો તેની માઠી તેમના સંતાનના માનસિક આરોગ્યથી માંડીને શૈક્ષણિક સફળતા તથા ભાવિ સંબંધ સુધીની તમામ બાબતો પર થાય છે.

હા, માતાપિતા વચ્ચેની 'હકારાત્મક' દલીલબાજીમાંથી કંઈક સારું નીપજવાની શક્યતા પણ હોય છે.

મોટાભાગના કિસ્સામાં પેરન્ટ વચ્ચેની મામૂલી દલીલબાજી તેમનાં બાળકો પર બહુ ઓછી કે નહિવત્ નકારાત્મક અસર થતી હોય છે.

જોકે, પેરન્ટ્સ એકમેકની સામે બરાડા પાડવા લાગે અને ગુસ્સે થાય, જાણીજોઈને એકમેકની સાથે વાત ન કરે, એકમેકને 'સાયલન્ટ ટ્રીટમેન્ટ' આપવા લાગે ત્યારે ક્યારેક સમસ્યા સર્જાઈ શકે છે.

આ સંબંધે ઘરોમાંનાં લાંબા ગાળાનાં નિરિક્ષણો, ફોલો-અપ અને પ્રાયોગિક અભ્યાસો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

એ સંશોધનનાં તારણો સૂચવે છે કે પેરન્ટસ વચ્ચેની દલીલબાજીથી છ મહિના જેટલી નાની વયનાં બાળકોના હૃદયના ધબકારા અને સ્ટ્રેસ હોર્મોનમાં વધારો થતો હોય છે.

તમને આ વાંચવું પણ ગમશે:

શીશુઓ, બેથી બાર વર્ષનાં અને કિશોરવયનાં બાળકોમાં દિમાગના ક્ષતિગ્રસ્ત વિકાસ, ઊંઘમાં વિક્ષેપ, ચિંતા, હતાશા, વિચિત્ર વર્તણૂક અને બીજી ગંભીર સમસ્યાના સંકેતો પેરન્ટ્સ વચ્ચેની ઉગ્ર દલીલબાજીને કારણે જોવા મળતા હોય છે.

જેમના પેરન્ટ્સ તેમની વચ્ચેના મતભેદોનું નિરાકરણ કરતાં હોય તેવાં બાળકોની સરખામણીએ જેમનાં પેરન્ટ્સ સતત નાના-મોટા ઝઘડા કરતા હોય તેવાં બાળકોમાં આવી જ અસર જોવા મળે છે.

સ્વભાવ કે સંવર્ધન?

પેરન્ટ્સ વચ્ચેની દલીલબાજીની તેમના બાળકો પરની અસર હંમેશા એકસમાન હોતી નથી.

દાખલા તરીકે, જે પેરન્ટ્સે છૂટાછેડા લઈને અલગ-અલગ રહેવાનો નિર્ણય કર્યો હોય તેની તેમનાં સંતાનો પર દૂરગામી નુકસાનકારક અસર થતી હોય છે.

કેટલાક કિસ્સામાં પેરન્ટ્સ વચ્ચે છૂટાછેડા પહેલાં, એ સમયગાળા દરમ્યાન અને અલગ થયા પછી થતી દલીલબાજી વધારે નુકસાન કરતી હોવાનું માનવામાં આવે છે.

એવી જ રીતે, ઘર્ષણની પરિસ્થિતિમાં બાળક કેવો પ્રતિભાવ આપશે એમાં જિનેટિક્સની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોવાનું પણ માનવામાં આવે છે.

બાળકના માનસિક આરોગ્યમાં 'પ્રકૃતિ' કેન્દ્રસ્થાને હોય છે એ ખરું, પણ ઘરનું વાતાવરણ અને બાળકનું સંવર્ધન કેવી રીતે કરવામાં આવે છે એ ઘણું અર્થપૂર્ણ હોય છે.

પારિવારિક જીવનના પ્રભાવને કારણે બાળકનું માનસિક આરોગ્ય કથળી પણ શકે છે અને બહેતર પણ બની શકે છે.

પેરન્ટ્સ સાથે રહેતાં હોય કે ન હોય કે બાળક જિનેટિકલી તેમનું સંતાન હોય કે ન હોય, પણ દરેક કિસ્સામાં માતા-પિતા વચ્ચેનો ગુણવત્તાસભર સંબંધ કેન્દ્રસ્થાને હોય છે.

બાળકો વિશેના વિવાદ

આ બધાનો પેરન્ટ્સ માટે શું અર્થ છે?

સૌથી પહેલાં તો એ સમજી લેવું જોઈએ કે પેરન્ટ્સ માટે એકબીજા સાથે દલીલો કરવી કે એકમેકની સાથે અસહમત થવું એ એકદમ સામાન્ય બાબત છે.

અલબત, માતા-પિતા વચ્ચે વારંવાર, જોરદાર ઝઘડા થતા હોય અને ઝઘડાનું નિરાકરણ ન થતું હોય તો એ તેમના બાળક માટે જોખમી છે.

માતા-પિતા વચ્ચેના આવા ઝઘડાને કારણે બાળક ઊંઘમાં વિક્ષેપ અને શિશુ વયમાં મગજના અપૂરતા વિકાસ જેવી સમસ્યાનો ભોગ બની શકે છે.

પ્રાથમિક શાળાના સ્તરે બાળકમાં ચિંતા તથા વર્તણૂક સંબંધી સમસ્યાઓ જોવા મળી શકે છે. આગળ જતાં બાળકે હતાશા અને શૈક્ષણિક સમસ્યાઓ તથા બીજી ગંભીર તકલીફોનો સામનો કરવો પડે એવું બને.

ઘરેલુ ઝઘડાઓ અને હિંસા ખાસ કરીને બાળકો માટે નુકસાનકારક સાબિત થાય છે એ આપણે દાયકાઓથી જાણીએ છીએ.

તેની સાથે માતા-પિતા એકમેક પ્રત્યે ઉગ્રતાપૂર્ણ વર્તન ન કરે એ પણ એટલું મહત્ત્વનું છે.

માતા-પિતાની એકમેક પ્રત્યેની ઉષ્મામાં ઘટાડો થાય કે તેમની વચ્ચે અબોલા જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે બાળકના ભાવનાત્મક, આચરણ સંબંધી અને સામાજિક વિકાસ પર જોખમ સર્જાય છે.

સમસ્યાઓનો ત્યાં અંત આવતો નથી. પેરન્ટ્સ વચ્ચેના ખરાબ સંબંધની માઠી અસર માત્ર તેમના સંતાનો પૂરતી મર્યાદિત ન રહેતાં તેમની આગામી પેઢી પર પણ પડતી હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું હતું.

આપણે આજની પેઢીના સંતાનો અને પેરન્ટ્સ તથા પરિવારોની આગામી પેઢી માટે ખુશહાલ જીવન ઇચ્છતાં હોઈએ તો આ ચક્રને તોડવું જરૂરી છે.

'ખાનગીમાં' દલીલબાજી

પેરન્ટ્સ વચ્ચેની ઉગ્ર દલીલબાજીની સંતાનો પરની માઠી અસરને ઓછી કરવાના બીજા રસ્તા છે.

સંશોધનના તારણ અનુસાર, બાળકો બે વર્ષ કે તેથી ઓછી વયનાં હોય ત્યારથી તેમના પેરન્ટ્સની વર્તણૂકને ધ્યાનપૂર્વક નિહાળતા હોય છે.

માતા-પિતાને એમ હોય છે કે નાની વયનું સંતાન કશું સમજતું નથી અને 'ખાનગીમાં' ઝઘડા કરીશું તો કંઈ નહીં થાય, પણ પેરન્ટ્સ વચ્ચેની દલીલબાજીની નોંધ બાળકના મનમાં જરૂર થતી હોય છે.

માતા-પિતા વચ્ચેની દલીલબાજીનો સંતાન શું અર્થ સમજે છે અને તેનું ભાવિ પરિણામ શું આવી શકે છે એ સમજવું સૌથી વધારે મહત્ત્વનું છે.

પેરન્ટ્સ વચ્ચેની દલીલબાજીના ભૂતકાળના અનુભવને આધારે બાળકો ઝઘડો વધશે કે નહીં, તેમાં તેઓ પણ સપડાશે કે નહીં એ નક્કી કરતાં થઈ જાય છે.

ખાસ કરીને તરૂણ વયનાં બાળકો પારિવારિક સ્થિરતાનાં જોખમ બાબતે વિચારતાં થઈ જાય છે.

એ દલીલબાજીને કારણે પેરન્ટ્સ સાથેના પોતાના સંબંધની શક્યતા વિશે પણ તેમને ચિંતા થઈ શકે છે.

સંશોધન સૂચવે છે કે પેરન્ટ્સ વચ્ચેની દલીલબાજીની પરિસ્થિતિમાં છોકરા અને છોકરીઓનો પ્રતિભાવ અલગ-અલગ હોય છે.

છોકરીઓમાં ભાવનાત્મક સમસ્યા સર્જાવાનું અને છોકરાઓમાં વર્તણૂંક સંબંધી સમસ્યાઓ સર્જાવાનું જોખમ વધુ હોય છે.

સગાં-સબંધી, ભાઈબહેન, દોસ્તો અને શિક્ષકો જેવા અન્ય પુખ્ત લોકો સાથેનો સહાયકારક સંબંધ બાળકોના લાંબા ગાળાના સ્વસ્થ વિકાસ માટે મહત્ત્વનો હોય છે.

બાળકના ઘરમાં જે કંઈ થાય તેની સારી કે માઠી અસર આ સંબંધો પર જરૂર જોવા મળે છે.

પોતાની વચ્ચેની દલીલબાજીની સંતાન પર શું અસર થશે એ વિશે દરેક પેરન્ટ્સને ચિંતા થાય તે સ્વાભાવિક છે.

તેમ છતાં પેરન્ટ્સ વચ્ચે સામાન્ય દલીલબાજી થાય કે એકમેકની સાથે ક્યારેય અસમહત હોવું એ ખરાબ બાબત નથી.

પોતે કઈ બાબતે દલીલો કરતાં હતાં એ પેરન્ટ્સ યોગ્ય રીતે સમજાવે ત્યારે બાળકો તેનો સારો પ્રતિભાવ આપતાં હોય છે.

હકીકતમાં જે પેરન્ટ્સ તેમની વચ્ચેના મતભેદનું નિરાકરણ સફળતાપૂર્વક કરી શકતાં હોય તેમનાં બાળકો તેમાંથી હકારાત્મક શીખ મેળવતાં હોય છે.

એ પાઠ બાળકોને તેમની લાગણી પર કાબૂ મેળવતાં અને પરિવાર બહારના યોગ્ય સંબંધમાં આગળ વધવામાં મદદરૂપ થતો હોય છે.

પોતાના સંબંધની બાળકોના વિકાસ પર કેવી અસર થાય છે એ પેરન્ટ્સ સમજી લે તો ભવિષ્યના સ્વસ્થ પરિવારોના નિર્માણનો માર્ગ મોકળો થઈ શકે.

આ લેખ વિશે

બીબીસીએ આ લેખ સંસ્થા બહાર કામ કરતા નિષ્ણાત પાસે લખાવ્યો છે.

પ્રોફેસર ગોર્ડન હેરોલ્ડ સાયકોલોજીના પ્રોફેસર છે અને સસેક્સ યુનિવર્સિટીસ્થિત રડ સેન્ટર ફોર એડોપ્શન રિસર્ચ એન્ડ પ્રેક્ટિસના ડિરેક્ટર છે.

આ ક્ષેત્રમાંના તેમના વ્યાપક સંશોધનની સમીક્ષા 'ધ જર્નલ ઓફ ચાઈલ્ડ સાયકોલોજી એન્ડ સાઇકાઅટ્રી'માં તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

આ લેખનું સંપાદન જેનિફર ક્લર્ક અને ડંકન વોકરે કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો