દેશના સૌથી જૂના અને એકમાત્ર ઑપેરા હાઉસનો ગુજરાતીએ કરાવ્યો પુનરુદ્ધાર

    • લેેખક, સરિતા હરપળે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

એક સદી જૂના મુંબઈના રોયલ ઑપેરા હાઉસમાં ગુજરાતના પૂર્વ રાજવી પરિવારના પ્રયત્નોથી ફરી એક વખત ઑપેરાની સૂરાવલિઓ ગુંજતી થઈ છે.

23 વર્ષ સુધી બંધ રહ્યા બાદ ઑપેરા હાઉસ ફરી શરૂ થયું છે. લગભગ આઠ વર્ષ સુધી તેના પુનરુદ્ધારનું કાર્ય ચાલ્યું હતું.

'રોયલ ઑપેરા હાઉસ'ને યુનેસ્કોએ એશિયા-પૅસિફિકના સાંસ્કૃતિક વારસાની જાળવણીના પુરસ્કારથી સન્માનિત કર્યું છે.

તા. 27મી માર્ચને 'વર્લ્ડ થિયેટર ડે' તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે એક નજર ગોંડલના પૂર્વ રાજવી પરિવારે કળાક્ષેત્રે કરેલા પ્રદાન પર.

આઠ વર્ષ ચાલ્યું રેસ્ટોરેશન

રોયલ ઑપેરા હાઉસનાં નિર્માણમાં ભારતીય તથા યુરોપિયન શૈલીની છાંટ જોવા મળે છે.

પુન: સ્થાપનાનું કામ સંભાળનારા આર્કિટેક્ટ આભા લાંબાનાં કહેવા પ્રમાણે :

"ઑપેરા હાઉસની ઇમારતને મૂળ સ્વરૂપ સાથે લાઇટિંગ, સાઉન્ડ અને એસી જેવી આધુનિક સુવિધાઓ પણ પ્રેક્ષકોને પૂરી પાડવાની હતી. જે એક પડકારજનક કામ હતું."

નવનિર્મિત ઑપેરા હાઉસમાં ત્રણ માળના ઑડિટોરિયમમાં 575 પ્રેક્ષકો બેસી શકે છે. ઉપરાંત કાફે અને રેસ્ટોરાં માટે જોગવાઈ કરવામાં આવી છે.

રોયલ ઑપેરા હાઉસના ઓનરરિ ડાયરેક્ટર આશિષ દોશીના કહેવા પ્રમાણે, "1914માં ઓસ્ટ્રેલિયન પત્રકારે પાડેલા ફોટોગ્રાફ્સને કારણે આ ઇમારતની પ્રતિકૃતિ બનાવવા માટે મોટી મદદ મળી હતી."

અહીં પૃથ્વીરાજ કપૂર, દીનાનાથ મંગેશકર, લતા મંગેશકર, બાળ ગંધર્વ સહિત અનેક દિગ્ગજ કલાકારો અહીં પોતાની કળા દર્શાવી ચૂક્યા છે.

કેટલીક જાહેરાતો અને ફિલ્મોનાં શૂટિંગ પણ અહીં થયા છે. કહેવાય છે કે રાજ કપૂરને તેમની ફિલ્મોના પ્રીમિયર માટે ઑપેરા હાઉસ ખૂબ જ પસંદ હતું.

ગોંડલના પૂર્વ રાજવી પરિવાર સાથે સંબંધ

1952માં ગોંડલના પૂર્વ રાજવી પરિવારના ભોજરાજસિંહે કોલસાના વેપારી જેહાંગીર ફરામજી કારાકાના પાસેથી રોયલ ઑપેરા હાઉસની માલિકી મેળવી હતી.

ગોંડલના પૂર્વ રાજવી પરિવારનાં કુમુદ કુમારીએ જણાવ્યું હતું, "કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રોયલ ઑપેરા હાઉસનાં પુન:નિર્માણનું કામ હાથ ધર્યું હતું.

એ વાતની ખુશી છે કે અમારા સહિયારા પ્રયત્નોને યુનેસ્કોએ પણ નવાજ્યો છે."

કુમુદ કુમારી તેમના પતિ જ્યોતેન્દ્રસિંહને રેસ્ટોરેશનના પ્રેરણાસ્ત્રોત ગણાવે છે.

2008માં ઑપેરા હાઉસના રેસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

16 ઓક્ટોબર 2016ના રોયલ ઑપેરા હાઉસ ફરી શરૂ થયું, એક સદી અગાઉ 1916માં અહીં પહેલો શો યોજાયો હતો.

ભવ્યભૂતકાળ અને પડતી

1909માં બ્રિટીશ રાજ દરમિયાન ઑપેરા હાઉસનો પાયો નખાયો હતો, કિંગ જ્યોર્જ પંચમે 1911માં ભારત યાત્રા દરમિયાન આ ઇમારતનું ઉદઘાટન કર્યું હતું.

1912માં તેનું નિર્માણકાર્ય પૂર્ણ થયું હતું છતાંય 1915 સુધી તેમાં નાના-મોટા ફેરફાર થતા રહ્યા હતા.

શરૂઆતમાં અહીં માત્ર ઑપેરાનાં કાર્યક્રમો થતાં. ભારતનો સંપન્ન-ધનાઢ્ય વર્ગ તથા તત્કાલીન અંગ્રેજી અમલદારો તેને નિહાળી શકતા.

1935માં ટૉકીઝના આગમના બાદ અહીં ફિલ્મો દર્શાવવાની શરૂઆત થઈ, જેના કારણે તેના દર્શકોનો વ્યાપ વધ્યો.

વર્ષો પસાર થવા સાથે વીસીઆર તથા વીડિયો પાઇરસીને કારણે સિંગલ સ્ક્રીન થિયેટરની પડતીની શરૂઆત થઈ.

મુંબઈના કેપિટોલ તથા એડવર્ડ થિયેટર બંધ થઈ ગયા.

તેની અસરથી ઑપેરા હાઉસ પણ બાકાત ન રહ્યું અને 1993માં રોયલ ઑપેરા હાઉસ બંધ થઈ ગયું.

પેરા એટલે...

ઑપેરામાં થિયેટર એ પશ્ચિમી શાસ્ત્રીય સંગીત પરંપરાનો એક ભાગ છે.

16મી સદીના અંતભાગમાં ઈટાલીમાં તેની શરૂઆત થઈ, જે સમગ્ર યુરોપમાં લોકપ્રિય બન્યું.

તેમાં થિયેટરની જેમ જ એક્ટિંગ, સેટ અને કપડાં જેવાં મૂળ તત્વો હોય છે. ક્યારેક તેમાં ડાન્સનો પણ સમાવેશ કરવામાં આવે છે.

જોકે, ગાયકો અને સંગીતકારો દ્વારા આપવામાં આવતાં લાઇવ પર્ફૉર્મન્સ તેને સામાન્ય નાટકથી અલગ પાડે છે.

એક સમયે દક્ષિણ મુંબઈનું લેન્ડમાર્ક બિલ્ડીંગ આજે ફરી એકવખત કલ્ચરલ 'લેન્ડમાર્ક' બની રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો