You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ખરેખર મોદીના એપમાંથી માહિતી થર્ડ પાર્ટીને અપાય છે?
ફેસબુક પરથી ડેટા ચોરીના મામલે હાલ વિશ્વભરમાં અને ભારતમાં આક્ષેપબાજી ચાલી રહી છે.
કેમ્બ્રિજ એનાલિટિકા સાથે જોડાયેલી એક ભારતીય કંપનીના સંસ્થાપકે પત્રકારોને જણાવ્યું હતું કે તેમના સીઈઓ એલેરક્ઝાન્ડર નિક્સે ભારતની ચૂંટણીઓને પ્રભાવિત કરવાની કોશિશ કરી હતી.
હવે એક ફ્રેન્ચ સિક્યુરિટી રિસર્ચરે દાવો કર્યો છે કે વડા પ્રધાન મોદીની એપ્લિકેશન નમો એપ દ્વારા વ્યક્તિની સંમતિ વિના જ તેની ખાનગી માહિતી થર્ડ પાર્ટીને આપી દેવામાં આવે છે.
ઇલિયોટ એલ્ડરસને ઘણાં બધાં ટ્વીટ કરીને આ દાવો કર્યો છે. તેના દ્વારા કરવામાં આવેલા ટ્વીટ મુજબ ખાનગી માહિતી http://in.wzrkt.com નામની વેબસાઇટને મળે છે.
હવે ફેસબુક બાદ ભારતમાં નમો એપ ચર્ચાનું વિષય બની ગયું છે. શુક્રવારે ટ્વિટર પર #DeleteNamoApp નામનો ટ્રેન્ડ પણ શરૂ થયો હતો.
રાહુલ ગાંધીના ટ્વીટથી રાજકારણ ગરમાયું
હવે રાહુલ ગાંધીએ નમો એપના મામલે સીધા જ વડા પ્રધાનને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
રાહુલ ગાંધીએ ફ્રેન્ચ રિસર્ચરના દાવાના આધારે નમો એપ પર માહિતી લિક થવા મામલે સવાલો ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં કહ્યું, "હાય, મારું નામ નરેન્દ્ર મોદી છે. હું ભારતનો વડા પ્રધાન છું. જ્યારે તમે મારા એપ પર લોગ ઇન કરો છો તો હું તમારી બધી જાણકારી અમેરિકન કંપનીઓના મારા મિત્રોને આપી દઉં છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધીના આ ટ્વીટ બાદ નમો એપ પર ફરી ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.
તો કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ ટ્વીટ કરીને કેન્દ્ર સરકારને નિશાને લીધી હતી.
તેમણે કહ્યું હતું કે આઇટી મિનિસ્ટર નમો એપ પરથી થયેલી ડેટા ચોરી મામલે કોઈ પત્રકાર પરિષદ નહીં કરે.
શું મીડિયામાં હિંમત છે કે વડા પ્રધાન મોદીને એપ મામલે સવાલ કરી શકે?
તેમણે ટ્વીટમાં કહ્યું કે એનસીસીના 15 લાખ કેડેટ્સની ખાનગી માહિતીનું શું?
કથિત રીતે એવી વાત છે કે એનસીસીના કેડેટ્સને નમો એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
ભાજપે શું જવાબ આપ્યો?
રાહુલ ગાંધીના ટ્વીટ બાદ ભારતીય જનતા પાર્ટી તરફથી એક બાદ એક ટ્વીટ કરીને આ મામલે ખુલાસા કરવામા આવ્યા.
ભાજપે ટ્વીટ દ્વારા કહ્યું કે નમો એપની આ રીતે ટીકા કરીને કોંગ્રેસ સસ્તી લોકપ્રિયતા લેવા માગે છે.
ભાજપના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને રાહુલ ગાંધીને જવાબ આપવાની સાથે સાથે નમો એપ ડાઉનલોડ થયાનો ચાર્ટ પણ શેર કરવામાં આવ્યો હતો.
એક ટ્વીટમાં રાહુલ ગાંધીને જવાબ આપતા કહેવામાં આવ્યું, "આપણે બધા જાણીએ છીએ કે રાહુલ ગાંધીની સરખામણી નરેન્દ્ર મોદી સાથે થઈ ના શકે. પરંતુ નમો એપ અંગે તેમની ફાઇટ જોઈને આશ્ચર્ય થાય છે. "
"તેમના લોકોએ ગઈકાલે #DeleteNamoApp ટ્રેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. નમો એપની લોકપ્રિયતા અને ડાઉનલોડના આંકડા વધ્યા છે. આજે પણ તેમાં કોઈ ફરક જોવા મળ્યો નથી."
ભાજપે આ મામલે ખુલાસો કરતાં બીજા ટ્વીટમાં કહ્યું કે આ એક અનોખું એપ છે અને તે યુઝરને ગેસ્ટ મોડમાં પણ ઉપયોગ કરવાની સુવિધા પુરી પાડે છે.
જેમાં કોઈ ખાનગી માહિતી પુરી પાડવાનું કહેવામાં આવતું નથી.
ભાજપે રાહુલ ગાંધીના ટ્વીટ બાદ નમો એપ પર ઉઠી રહેલા સવાલોનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો.
અલ્ટ ન્યૂઝનો દાવો
અલ્ટ ન્યૂઝ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ફ્રેન્ચ રિસર્ચર દ્વારા કરવામાં આવેલો દાવો સાચો છે.
જેનો અર્થ એવો થયો કે યુઝર્સની માહિતી થર્ડ પાર્ટીને આપવામાં આવતી હોઈ શકે.
આ મામલે altnews.in દ્વારા એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ડેટા ચોરીનો મામલો સમજાવવામાં આવ્યો છે.
altnews.in એ પણ દાવો કર્યો છે કે આ મામલાને સમેટી લેવા માટે વડા પ્રધાનની વેબસાઇટે તેની પ્રાઇવસી પોલિસીમાં પણ ફેરફારો કરી દીધા છે.
આ વેબસાઇટ દ્વારા વડા પ્રધાનની વેબસાઇટની પહેલાની પ્રાઇવસી પોલીસીના સ્ક્રિન શોટ પણ શેર કરવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો