You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ રીતે અવિશ્વાસની દરખાસ્ત ક્યારેય રજૂ નહીં થાય
- લેેખક, નીરજા ચૌધરી
- પદ, વરિષ્ઠ પત્રકાર
માત્ર નાણાં ખરડો પસાર થવા સિવાય બીજું કોઈ જ કામ સંસદના સત્રમાં ન થયું હોય તેવું આ વખતે પહેલીવાર નથી બન્યું. નાણાં ખરડા બાબતે ખાસ ચર્ચા પણ થઈ ન હતી.
આ પહેલાં પણ આવું ઘણીવાર જોવા મળ્યું હતું. 2જી કૌભાંડ સંબંધે ભારતીય જનતા પાર્ટી(બીજેપી)એ સંસદની કાર્યવાહી ચાલવા દીધી ન હતી એ બધાને યાદ હશે.
બીજેપીએ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) રચવાની માગણી પણ કરી હતી.
જોકે, સોળમી લોકસભાની અલગ વાત એ છે કે તે સંસદની અંદરની કટુતા અને સરકાર તથા વિરોધ પક્ષ વચ્ચેનું વિવાદનું સ્તર વાતચીતની સંભાવના જ સર્જાવા દેતી નથી.
આ નિષ્ફળ સંસદીય સત્રોને લીધે દેશને જેટલું નાણાકીય નુકસાન થઈ રહ્યું છે તેનાં કરતાં વધારે નુકસાન આપણી સંસદીય લોકશાહીના ભવિષ્યને થઈ રહ્યું છે.
આ પરિસ્થિતિમાં રાજનેતાઓ અને રાજકીય પક્ષો બાબતે લોકોમાં ચીડની લાગણી સર્જાય તો તેમાં લોકોનો કોઈ વાંક નથી.
સંસદમાં કામ કઈ રીતે થશે?
બે પ્રાદેશિક પક્ષો વાયએસઆર કોંગ્રેસ અને તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)એ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની નોટિસ ઝડપભેર આપી હતી.
એ નોટિસ બાબતે ચર્ચા નહીં થવા દેવાનું મોદી સરકારનું રાજકારણ સંસદમાં કોઈ કામ ન થવા કરતાં વધારે ચિંતાજનક બાબત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંસદીય કામકાજ વચ્ચે આ ચર્ચાને અગ્રતા આપવી જોઈતી હતી, પણ લોકસભાનાં સ્પીકરે પણ ધાંધલધમાલ અને ગૃહમાં અશાંતિ વચ્ચે આ દરખાસ્ત બાબતે ચર્ચા કરવાની મનાઈ કરી દીધી હતી.
સ્પીકરે જણાવ્યું હતું કે શાંતિ નહીં થાય ત્યાં સુધી આ દરખાસ્ત બાબતે ચર્ચા નહીં કરી શકાય.
ખરું કહીએ તો સંસદમાં શાંતિ સ્થપાવાનું બહુ મુશ્કેલ છે, કારણ કે દરેક પક્ષે બેધારી નીતિ અપનાવેલી છે.
વચનનું પાલન નહીં
તેલંગાણા રાજ્યની રચના વખતે બીજેપીએ ટીડીપીને વચન આપ્યું હતું કે તે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવશે, પણ આ વચનની પૂર્તિમાં બીજેપીએ ટીડીપીને કોઈ મદદ કરી નથી.
તેથી નારાજ થઈને ટીડીપી ગઠબંધન છોડવાની વાતો કરી રહી છે.
આંધ્ર પ્રદેશમાં ટીડીપીના મુખ્ય પ્રતિસ્પર્ધી વાયએસઆર કોંગ્રેસે બીજેપી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની જાહેરાત કરી છે અને બન્ને પક્ષોએ તેલુગૂ ગૌરવને મુદ્દો બનાવ્યું છે.
આ એક રાજકીય ખેલ છે, કારણ કે બીજેપી પાસે સંસદમાં પૂરતું સંખ્યાબળ છે અને અવિશ્વાસની દરખાસ્તથી મોદી સરકાર પર કોઈ ખતરો નથી એ વાત બન્ને પક્ષો જાણે છે.
અન્ય બે પક્ષો ગૃહમાં સતત નારાબાજી કરી રહ્યાં છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને એઆઈડીએમકે બીજેપીનો બચાવ કરી રહ્યાં છે.
એઆઈડીએમકે બીજેપીનો ખાસ સહયોગી પક્ષ છે એ બધા જાણે છે, પણ તેની સાથે તેલંગાણા રાષ્ટ્ર સમિતિનું જોડાવું દિલચસ્પ છે.
પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ?
તેલંગાણા રાષ્ટ્ર સમિતિના વડા કે. ચંદ્રશેખર કોલકાતા જાય છે ત્યારે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને એવું કહે છે કે તેમણે બીજેપી તથા કોંગ્રેસને અલગ રાખીને ત્રીજો મોરચો રચવો જોઈએ.
સંસદમાં એ જ તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સભ્યો બીજેપીની પ્રતિષ્ઠા બચાવવા ઉતર્યા છે.
સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત બાબતે ચર્ચા થાય એવું બીજેપી ઇચ્છતી નથી એમાં કશું આશ્ચર્યજનક નથી.
બીજેપીને કેન્દ્રની સરકાર તૂટી પડવાનો ડર નથી અને તેના પાસે પૂરતું સંખ્યાબળ પણ છે.
મોદી સરકાર આ બાબતે ચર્ચા કરવા તૈયાર હોવાનું રાજનાથ સિંહ કહી ચૂક્યા છે, પણ દેખીતી રીતે એવું ન થાય તેવા પ્રયાસ બીજેપી કરશે, કારણ કે તેનાથી પક્ષની પ્રતિષ્ઠા ખરડાશે. તેમણે થોડી શરમનો સામનો કરવો પડશે.
બીજી તરફ નીરવ મોદી, રફાલ સોદો, ખેડૂતોનો ગુસ્સો, રોજગારની ઓછામાં ઓછી તકો અને બૅન્કિંગ જેવા અનેક મુદ્દાઓ લઈને વિરોધ પક્ષ કોંગ્રેસ તૈયાર છે.
બીજેપીએ ઉત્તર પ્રદેશમાં ફૂલપુર અને ગોરખપુરની સંસદીય બેઠકો આ મુદ્દાઓને કારણે જ ગુમાવી હોવાનું માનવામાં આવે છે.
આ પરિવર્તન માત્ર એક જ વર્ષમાં થયું છે, કારણ કે બીજેપીએ પ્રચંડ બહુમતી સાથે ઉત્તર પ્રદેશમાં એક વર્ષ પહેલાં જ સરકાર રચી હતી.
કોંગ્રેસની વ્યૂહરચના
કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપ્યો, પણ આ વિચાર સાથે એ સહમત હોય એવું લાગતું નથી.
કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી ફરી બેઠા થવાના સંકેત આપી રહ્યો છે.
ગુજરાત વિધાનસભામાં બહેતર દેખાવ હોય કે રાજસ્થાન તથા મધ્ય પ્રદેશની પેટાચૂંટણીમાં જીત હોય કે પછી દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલું પક્ષનું અધિવેશન.
આ કારણોસર કોંગ્રેસમાં એક ભરોસો સર્જાઈ રહ્યો છે.
આ પરિસ્થિતિમાં બીજેપી અવિશ્વાસની દરખાસ્તને આરામથી નિષ્ફળ બનાવશે તો ગૃહમાંના વિરોધ પક્ષો વચ્ચેના મતભેદ ફરી જાહેર થઈ જશે.
આ જ કારણસર દરેક રાજકીય પક્ષ દરરોજ સંસદની અંદર એક પ્રકારનું નાટક કરી રહ્યો છે. રાજકારણમાં આવાં નાટક ઘણીવાર બહુ જરૂરી બની જતાં હોય છે.
વ્યૂહરચના સામે સવાલ
હવે એવો સવાલ કરવામાં આવી રહ્યો છે કે સરકાર કોઈ ચર્ચા વિના નાણાં ખરડાને પસાર કરાવી શકતી હોય તો આટલા ગતિરોધ વચ્ચે એ અવિશ્વાસની દરખાસ્તથી શા માટે બચી રહી છે? આ વાર્તાની એક બાજુ છે.
સંસદમાં ધમાલને કારણે અવિશ્વાસની દરખાસ્ત વિશેની કાર્યવાહી ટાળવાનું દૂરગામી પરિણામ ભવિષ્યમાં જોવા મળી શકે છે.
સંસદમાં ગતિરોધ બહુ વધારે છે એ કારણે જ અવિશ્વાસની દરખાસ્ત સંબંધે કાર્યવાહી હાથ ન ધરાતી હોય તો ભવિષ્યમાં કોઈ પણ સરકાર તેના વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્તને રજૂ થવા દેશે નહીં.
સંસદમાં ગૃહની વચ્ચે જઈને ધમાલ કરવા, નારાબાજી કરવા બે-ત્રણ કે ચાર સહયોગી પક્ષોને તૈયાર કરવાનું કોઈ પણ સત્તાધારી પક્ષ માટે બહુ મુશ્કેલ કામ નહીં હોય.
એ પરિસ્થિતિમાં સરકાર વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત એકદમ ફિલ્મી અંદાઝમાં અટકાવી દેવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો