ડૉ. આંબેડકરના કથિત અપમાન બદલ હાર્દિક પંડ્યા સામે ફરિયાદ

ક્રિકેટર હાર્દિક પંડ્યા તેમની એક કથિત ટ્વીટને કારણે કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે.

ડો. બાબાસાહેબ આંબેડકર વિશે ટ્વીટ કરવા બદલ હાર્દિક પંડ્યા વિરુદ્ધ એસસીએસટી અત્યાચાર નિવારણ કાયદા હેઠળ કેસ નોંધવાનો આદેશ જોધપુરની એક અદાલતે આપ્યો છે.

હાર્દિક પંડ્યાએ તેમની ટ્વીટ મારફત ડો. આંબેડકરનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ જોધપુરના ડી. આર. મેઘવાળે એક અરજીમાં કર્યો પછી કોર્ટે પ્રસ્તુત આદેશ આપ્યો હતો.

અરજીમાં જણાવ્યા અનુસાર, હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે 26 ડિસેમ્બરે એક ટ્વીટ કરીને સવાલ પૂછ્યો હતો કે કોણ આંબેડકર?

શું છે આરોપ?

હાર્દિક પંડ્યાએ આ ટ્વીટમાં અનામતના મુદ્દે ડૉ. આંબેડકર વિશે આકરી ટિપ્પણી કરી હોવાનો આરોપ છે.

ડી.આર. મેઘવાળે કોર્ટને જણાવ્યું હતું કે હાર્દિક પંડ્યાએ માત્ર ડૉ. આંબેડકરનું અપમાન કર્યું છે એટલું જ નહીં, વિવિધ સમુદાયમાં નફરત પેદા કરવાનો પ્રયાસ પણ કર્યો છે.

ડી.આર. મેઘવાળના જણાવ્યા અનુસાર, આ કિસ્સામાં બનાવટી અકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એ ગંભીર બાબત છે અને એ સંબંધે કાર્યવાહી થવી જોઈએ.

તમને આ વાંચવું પણ ગમશે:

ડી.આર. મેઘવાળે બીબીસીને જણાવ્યું હતું કે "મને આ ટ્વીટની માહિતી સોશિઅલ મીડિયામાંથી મળી હતી. એ પછી હું મારા વિસ્તારના લૂણી પોલીસ સ્ટેશનમાં ગયો હતો."

"મેં પોલીસને કાર્યવાહી કરવા જણાવ્યું હતું, પણ પોલીસે તેનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો."

ડી.આર. મેઘવાળે લૂણી પોલીસ સ્ટેશનના તત્કાલીન અધિકારી રાજેન્દ્ર સિંહને પણ આ અરજીમાં આરોપી બનાવ્યા છે.

કઈ-કઈ કલમ હેઠળ કેસ?

આ કિસ્સામાં એસસીએસટી અત્યાચાર નિવારણ કાયદા ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ ક્રમાંક 124 (ક) અનુસાર કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. આ કલમ દેશદ્રોહ સંબંધી છે.

પોતે દલિત વર્ગના છે એમ કહીને ડી.આર. મેઘવાળે બીબીસીને જણાવ્યું હતું કે આવી ટિપ્પણી દેશ વિરુદ્ધનો અપરાધ છે. હાર્દિક પંડ્યાની આ ટિપ્પણીથી તેમને બહુ દુઃખ થયું છે.

કોર્ટે દંડ પ્રક્રિયા સંહિતા 156(3) અનુસાર, જોધપુર લૂણી પોલીસને આ મામલે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.

આ કિસ્સામાં હાર્દિક પંડ્યા તરફથી હજુ સુધી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો