Top News: પહેલી વખત IPLની આગામી સિઝનમાં લાગુ થશે આ સિસ્ટમ

ઇંડિયન પ્રીમિયર લીગની આગામી સીઝનમાં ડિજિટલ રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ) લાગુ કરવામાં આવશે. આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ બુધવારે પત્રકાર પરિષદ દરમિયાન આ અંગે ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

આંતરરાષ્ટ્રીય મેચોની જેમ જ દરેક ટીમને એક વખત ટીવી રિપ્લે સિસ્ટમ દ્વારા અમ્પાયરના નિર્ણયને પડકારવાની તક મળશે.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ટી-20 મેચોમાં અગાઉથી જ ડીઆરએસ સિસ્ટમ લાગુ થયેલી છે. આઈપીએલમાં પણ ડીઆરએસ લાગુ થશે, તેવી છેલ્લા કેટલાંક વર્ષોથી ચર્ચા ચાલી રહી હતી.

ઝારખંડમાં 11 'ગૌરક્ષકો'ને જનમટીપ

ઝારખંડમાં રામગઢની ફાસ્ટ કોર્ટે ટોળા દ્વારા અલીમુદ્દીન નામના યુવકની હત્યાના કેસમાં 11 કથિત ગૌ-રક્ષકોને આજીવન કેદની સજા ફટકારી છે.

દોષિતોમાં ભાજપના નેતા નિત્યાનંદ મહતોનો પણ સમાવેશ થાય છે. ગુનેગાર સાબિત થયેલા અન્ય શખ્સોમાં મુખ્ય આરોપી દીપક મિશ્રા, છોટૂ વર્મા અને સંતોષસિંહનો પણ સમાવેશ થાય છે.

જ્યારે સગીર આરોપી 'જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ' સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

આ શખ્સોએ 29મી જૂન 2017ના 'ગૌમાંસની હેરફેર'ની આશંકાએ અલીમુદ્દીન સાથે મારઝૂડ કરી હત્યા કરી નાખી હતી.

અલીમુદ્દીનના પત્નીના કહેવા પ્રમાણે, "અંતે અમને કોર્ટમાંથી ન્યાય મળ્યો છે. અમે લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા."

જે દિવસે અલીમુદ્દીનની હત્યા થઈ, એ દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રકારની હિંસાઓની ટીકા કરી હતી. એટલે અલીમુદ્દીનની હત્યાની દેશભરમાં ચર્ચા થઈ હતી.

બોકો હરામના ચુંગાલમાંથી 110 છોકરીઓ છૂટી

નાઇજીરિયાના દાપચી વિસ્તારમાંથી કિડનેપ કરાયેલી 110 છોકરીઓ ઘરે પરત ફરી છે. સ્થાનિકોએ બીબીસીને આ માહિતી આપી હતી.

એક મહિના અગાઉ તા. 19મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્કૂલમાંથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.

એક છોકરીનાં વાલી કુંદિલી બુકરે બીબીસીને જણાવ્યું કે ઉગ્રવાદીઓ એક વાહનમાં તમામ છોકરીઓને અહીં લાવ્યાં હતાં અને તેમને મૂકીને જતાં રહ્યાં હતાં.

શહેરની ચેકપોસ્ટ પર તહેનાત નાઇજીરિયાના સૈન્ય અધિકારીઓએ સમાચાર સંસ્થા રોયટર્સને જણાવ્યું, બોકો હરામના લોકો જ આ છોકરીઓને મૂકી ગયા હતા.

...તો ફેસબુક સામે કાર્યવાહી

ભારતના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, જો ફેસબુકે ભારતની ચૂંટણી પ્રક્રિયાને અનિચ્છનિય રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હશે તો 'કડક કાર્યવાહી' કરવામાં આવશે.

પ્રસાદે કહ્યું હતું કે સરકાર પ્રેસની સ્વતંત્રતા તથા સોશિયલ મીડિયા પર મુક્ત રીતે વિચારોના આદાનપ્રદાનની હિમાયતી છે.

પરંતુ ફેસબુક કે અન્ય કોઈ સોશિયલ મીડિયા સાઇટે દેશની ચૂંટણી પ્રક્રિયાને અનિચ્છનિય રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હશે તો સાંખી લેવામાં નહીં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

કાબુલમાં વિસ્ફોટ, 26નાં મોત

અફઘાનિસ્તાનની રાજધાનીમાં કાબુલ યુનિવર્સિટી પાસે આવેલી દરગાહની નજીક બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 26 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 18 અન્ય ઘાયલ થયા છે.

અધિકારીઓને આશંકા છે કે, ફિદાઇન દ્વારા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

હુમલાના સ્થળે લઘુમતી શિયા સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર હતા.

હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

ચાર મિનિટમાં લોકસભાની કાર્યવાહી મોકૂફ

તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ તથા કોંગ્રેસના સંસદ સભ્યોએ કરેલા વિરોધને પગલે રાજ્ય સભા બેઠક શરૂ થયાની માત્ર ચાર મિનિટમાં જ દિવસ માટે મોકુફ રાખી દેવાઈ છે.

વિરોધ પક્ષના સંસદ સભ્યોએ વિવિધ મુદ્દે ગૃહની કાર્યવાહી ખોરવી નાખી હતી.

રાજ્ય સભાના અધ્યક્ષ વેંકૈયાહ નાયડુએ ગૃહની કાર્યવાહીની શરૂઆત થયા વિરોધપક્ષના સભ્યો વેલમાં ધસી આવ્યા બાદ ચાર મિનિટમાં જ કાર્યવાહીને દિવસ માટે મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.

સંસદનું બજેટ સત્ર 5 માર્ચથી પુનઃ શરૂ થયા બાદ રાજ્ય સભામાં કોઈ નોંધપાત્ર કાર્યવાહી થઈ શકી નથી.

આ ત્રીજો દિવસ છે, જ્યારે ગૃહની કાર્યવાહીની શરૂઆત થયા બાદ તરત જ સંપૂર્ણ દિવસ માટે ગૃહ મોકુફ રાખવું પડ્યું હોય.

આંધ્ર પ્રદેશના તેલુગુ દેશમ પાર્ટી સહીતના વિવિધ રાજકીય પક્ષોના સભ્યો અને કોંગ્રેસના સંસદ સભ્ય કેવીપી રામચંદ્ર રાવે તેમના રાજ્યને વિશિષ્ટ દરજ્જાની માગણી કરતા સૂત્રોચ્ચાર કરીને વેલમાં ધસી ગયા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

જ્યારે તામિલનાડુના ડીએમકે અને એઆઈએડીએમકે પણ કાવેરી વૉટર મેનેજમેન્ટ બોર્ડની તાત્કાલિક રચના કરવા માટેની માગણી સાથે વેલમાં પહોંચી ગયા હતા.

કોંગ્રેસના સભ્યો પણ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વેલમાં પહોંચી ગયા હતા.

રાજ્ય સભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે દલિતો અને આદિવાસીઓ પરના અત્યાચારો તથા વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ઇરાકમાં 39 અપહૃત ભારતીયોની હત્યાના મામલે આપેલાં નિવેદન પર ચર્ચા માગી હતી.

જેના જવાબમાં ગૃહના અધ્યક્ષ વેંકૈયાહ નાયડુએ તેમને વિધિવત્ નોટીસ આપવાની અને સભ્યોને ગૃહની કાર્યવાહી થવા દેવા જણાવ્યુ હતું. તેમણે ગૃહને મુલતવી રાખતા પહેલાં કહ્યું, "આ શું થઈ રહ્યું છે. આપણે આટલાં અસહાય છીએ. તમારાં સ્થાન પર પાછા જાવ અને મુદ્દો ઉઠાવો. આ સંસદ છે કે બીજું કંઈ? મને માફ કરો આ (યોગ્ય) પદ્ધતિ નથી."

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ અમેરિકન સંસદમાં કોલ સેન્ટર સંબંધિત એક બિલ રજૂ થયું છે.

આ બિલમાં પ્રસ્તાવ કરાયો છે કે ભારત સહિતના કોઈપણ દેશમાં કોલ સેન્ટર ચલાવતી અમેરિકન કંપનીઓના કર્મચારીઓએ ગ્રાહકને તેઓ કયા દેશના, કયા સ્થળેથી બોલી રહ્યા છે તે જણાવવું પડશે.

ત્યાર પછી જો ગ્રાહકને પોતાનો કોલ અમેરિકન કોલ સેન્ટરમાં ટ્રાન્સફર કરવો હશે તો કરી શકશે.

જો આ બિલ પસાર થશે તો અમેરિકન ગ્રાહકો અમેરિકાના સર્વિસ એજન્ટ સાથે જ વાત કરવાનું પસંદ કરી શકે છે. આ બિલ ઓહાયોના ડેમોક્રેટ સેનેટર શેરોડ બ્રાઉને રજૂ કર્યું હતું.

આ બિલમાં એ તમામ કંપનીઓની યાદી બનાવવાનું સૂચન કરાયું છે, જે અમેરિકન કોલ સેન્ટરની નોકરીઓ આઉટસૉર્સ કરે છે.

આ બિલમાં કોલ સેન્ટર જેવી સર્વિસ આઉટસૉર્સ નહીં કરતી કંપનીઓને સરકારી રાહે છૂટછાટ આપવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે.

આ બિલ પસાર થઈ જશે તો અમેરિકામાં કોલ સેન્ટરની નોકરીઓ વધશે, કર્મચારીઓની સુરક્ષા પણ વધશે. પરંતુ ભારત સહિતના દેશોમાં અમેરિકન કોલ સેન્ટર્સની નોકરીઓ પર ખતરો વધી જશે.

એટ્રોસિટી એક્ટ હેઠળ સીધી ધરપકડ નહીં: SC

નવગુજરાત સમયના અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટે સરકારી બાબુઓ સામે આકરા શિડ્યુલ્ડ કાસ્ટ એન્ડ શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઑફ એટ્રોસિટી)ના આડેધડ થતા દુરુપયોગની નોંધ લીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કાયદા હેઠળ થયેલી ફરિયાદ અંગે કોઈ તત્કાળ ધરપકડ ન થવી જોઇએ. એસસી/એસટી એક્ટ હેઠળ સરકારી બાબુની ધરપકડ પહેલાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ રેન્કના અધિકારી દ્વારા પ્રાથમિક તપાસ જરૂરી છે.

જસ્ટિસ આદર્શ ગોયલ અને યુ યુ લલિતની બેન્ચે જણાવ્યું હતું કે કાયદાની આકરી જોગવાઈઓ હેઠળ સરકારી બાબુઓને આગોતરા જામીન મંજૂર કરવા સામે કોઈ પ્રતિબંધ ન હોવો જોઇએ.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આરટીઆઈના એક જવાબ મુજબ છેલ્લા 17 વર્ષમાં ગુજરાતમાં દલિતો સામે એટ્રોસિટીના કેસ સૌથી વધારે છે.

2017માં આ કેસ 1515 હતા જે, છેલ્લા 17 વર્ષમાં સૌથી મોટો આંકડો છે. જેમાં 25 તો હત્યાના કેસ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વિધાનસભામાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા ઉનાકાંડના પીડિતોને અપાયેલા નોકરી અને જમીનના વચનો અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હતો.

સરકારે કહ્યું હતું કે ઉનાકાંડના પીડિતોને પાંચ એકર જમીન આપવાની અને સરકારી નોકરી આપવાની જાહેરાતનો કોઈ રેકોર્ડ નથી.

સરકારના મંત્રી ઇશ્વર પરમારે આ જવાબ આપતા કહ્યું હતું કે આવો કોઈ રેકોર્ડ ન હોવાથી તે વચનો પૂરા કરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.

ઉપરાષ્ટ્રપતિ નાયડૂ સાંસદોથી નારાજ

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ રાજ્યસભામાં સાંસદોની સતત ધમાલને કારણે 12 દિવસથી કોઈ કામગીરી થઈ નથી.

તેનાથી નારાજ રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડૂએ સાંસદો સાથેનું ડિનર રદ કરી દીધું હતું.

ડિનરની તમામ તૈયારીઓ ગયા અઠવાડિયે થઈ ગઈ હતી. નાયડૂએ આ માટે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ગૃહના નેતા, વિપક્ષના નેતા અને વિવિધ પક્ષોના નેતાઓ સાથે વાત પણ કરીને તેમને આમંત્રણ પણ આપી દીધું હતું.

નાયડૂને આશા હતી કે સોમવાર સુધી ગૃહની કામગીરી રાબેતા મુજબની થઈ જશે. આ ડિનર માટે ખાસ આંધ્ર મેનુ રખાયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો