You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્ટીફન હૉકિંગ ભારતમાં જન્મ્યા હોત તો? શું થયું હોત?
વર્તમાન સમયમાં વિશ્વના શ્રેષ્ઠ ભૌતિકશાસ્ત્રીઓમાં પ્રો. હૉકિંગ ટોચનું સ્થાન ધરાવતા હતા. તેમણે ઇશ્વરના અસ્તિત્વ જેવા ગૂઢ વિષયો પર વૈજ્ઞાનિક સમજૂતિ આપી હતી.
જવલ્લે જ જોવા મળતી મજ્જાતંતુની બીમારી છતાંય પ્રો. હૉકિંગ વિજ્ઞાનક્ષેત્રે અજોડ સિદ્ધિઓ હાંસલ કરી છે.
પરંતુ જો પ્રો. હૉકિંગ ભારતમાં જન્મયા હોત તો આવી આટલી મોટી સિદ્ધિઓ હાંસલ કરી શક્યા હોત?
આ અંગે બીબીસી ગુજરાતીએ દિવ્યાંગો તથા તેમના અધિકારો માટે કામ કરતી સંસ્થા સાથે વાત કરી હતી.
દિવ્યાંગોના અનુભવ
પ્રો. હૉકિંગને માત્ર 22 વર્ષની ઉંમરે ચેતાતંત્રની બીમારી થઈ હતી. બીમારીને કારણે પ્રો. હૉકિંગને આજીવન વ્હિલચેરને આશ્રિત થવું પડ્યું હતું.
તેઓ વૉઇસ સિન્થસાઇઝર નામના સાધન વિના બોલી પણ નહોતા શકતા.
'સેરેબ્રલ પૉલ્ઝી'થી પીડાતા બાળકો માટે કામ કરતી 'સેન્સ ઇન્ટરનેશનલ ઇંડિયા'ના ડિરેક્ટર અખિલ પૉલ આ અંગે વાત કરતા કહે, ''સ્ટીફન હૉકિંગ જો ભારતમાં જન્મ્યા હોત તો હાલમાં જે સિદ્ધિ મેળવીએ છે કદાચ મેળવી ના શક્યા હોત કારણ કે, પશ્ચિમની સરખામણીમાં ભારતીય સમાજ બહુ જ અલગ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ભારતમાં આજે પણ શારીરિક અક્ષમતાને 'ભગવાનની સજા' કે 'ગત જન્મના કર્મો' ગણવામાં આવે છે.
"સ્ટીફન હૉકિંગવાળી વાત કરીએ તે 76 વર્ષ પહેલાં ભારતીય સમાજ આજે જેટલો સક્ષમ છે એટલો પણ નહોતો.
"વિકલાંગ હોવા છતાં તેમણે પશ્ચિમમાં જે અભ્યાસ કર્યો, જે રીતે કારકિર્દી બનાવી એ અહીં શક્ય જ નથી."
આ અંગેનું એક ઉદાહરણ આપતા પૉલ જણાવે છે, "સેન્સ ઇન્ટરનેશનલ ઇંડિયામાં ઝમીર ઘાલે ઍડવોકસી ઑફિસર તરીકે કામ કરે છે. જે ડેફ અને બ્લાઇન્ડ છે."
ઝમીર ઘાલેએ હિંદી ફિલ્મ 'બ્લેક' માટે અમિતાભ બચ્ચન અને રાની મુખરજીને તાલીમ આપી હતી. જો ઝમીર વિદેશમાં હોત તો અત્યારે જેટલું કરી શક્યા છે, એનાથી ક્યાંય વધી કરી શક્યો હોત.''
ભારત અને વિકલાંગ
મેડિકલ જનરલ BMJના રિપોર્ટ અનુસાર વિશ્વની 10 ટકા વસ્તી શારીરિક રીતે વિકલાંગ છે.
ભારતમાં કુલ વસ્તીના 3.8 ટકા લોકો શારીરિક ઉણપ ધરાવે છે.
જેમાંથી લગભગ 15થી 20 ટકા બાળકો 'સેરેબ્રલ પૉલ્ઝી'થી પીડાય છે. દર 1000 જન્મે 3 બાળકો આ બીમારીનો ભોગ બને છે.
રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ભારતના ગ્રામીણ અને નાના શહેરી વિસ્તારોમાં ટેકનિકલ સુવિધાઓના અભાવને પગલે આ બાળકો આ બીમારીનો ભોગ બનતા હોય છે.
...તો હું ઘણો આગળ નીકળી શક્યો હોત
અમદાવાદમાં ટ્યુશન કરાવતા અને વીડિયો એડિટિંગ કરતા ઇર્શાદ પઠાણ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાય છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, ''મારે કમ્પ્યુટરનો અભ્યાસ કરવો હતો પણ પરિસ્થિતિ એવી હતી કે હું કરી ના શક્યો.
"હું મારી રીતે જ એડિટિંગ શીખ્યો. હું મારી રીતે વીડિયો એડિટિંગ કરતો થયો પણ જો મને યોગ્ય તાલીમ મળી શકી હોત તો હું ઘણું વધુ કરી શક્યો હોત.
"હું આજે જ્યાં છું ત્યાંથી ઘણો આગળ નીકળી શક્યો હોત.''
પોતાના અનુભવ પરથી ઇર્શાદ કહે છે, '' પ્રો. સ્ટીફન હૉકિંગ જો ભારતમાં જન્મ્યા હોત તો એ મુકામ ક્યારેય હાંસલ ના કરી શક્યા હોત કે જે તેમણે હાંસલ કર્યું.
"આપણા દેશમાં વિકલાંગો માટે ખાસ કોઈ તક નથી. સ્ટીફન તો અહીં પૂરતો અભ્યાસ પણ ના કરી શક્યા હોત. તો મહાન વૈજ્ઞાનિક બનવાની તો વાત જ ક્યાં કરવી?"
માતાપિતાનું વલણ બદલાય
ઇંડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મૅનેજમેન્ટ-અમદાવાદમાં ફરજ બજાવતા નિશિતા ઠાકર જણાવે છે, ''શારીરિક અક્ષમતાને લીધે સમાજમાં ભેદભાવનો સામનો કરવો પડે છે.
"અને એમા સૌથી પહેલો અનુભવ માતાપિતાથી થાય છે. મહિલા જો શારીરિક રીતે અક્ષમ હોય તો સૌ પ્રથમ તો માતાપિતાનું જ તેમના પ્રત્યેનું વલણ બદલાઈ જતું હોય છે."
તેઓ એવું પણ ઉમેરે છે, ''આપણા સમાજમાં પણ વિકલાંગો માટે પૂરતી સુવિધાનો અભાવ જોવા મળે છે. પ્રો. સ્ટીફન હૉકિંગ જો ભારતમાં જન્મ્યા હોત તો એમને પણ આ જ મુશ્કેલી પડી હોત.''
જોકે, નિશિતા એવું પણ કહે છે, 'જોકે, આ બધા છતાં તમારો પોતાનો આત્મવિશ્વાસ સૌથી વધુ મહત્ત્વનો છે. મન હોય તો માળવે જવાય.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો