You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભામાં આ બાબતને કારણે થઈ ધારાસભ્યો વચ્ચે મારામારી!
બુધવારે ગુજરાત વિધાનસભાનું સત્ર હિંસક બન્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યે કથિત રીતે ભાજપના ધારાસભ્ય પર હુમલો કર્યો હતો.
હિંસાચાર બાદ સ્પીકરે રાજેન્દ્ર ત્રિવેદીએ બંને પક્ષોના પ્રતિનિધિઓને મળીને તપાસ હાથ ધરી.
જોગવાઈઓ પ્રમાણે, જો કોઈ ધારાસભ્ય વિધાનસભામાં હિંસા માટે જવાબદાર ઠરે તો ગૃહની શિસ્ત સમિતિ તેમની સામે કાર્યવાહી કરી શકે છે.
અધ્યક્ષે કોંગ્રેસના બે ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને ત્રણ વર્ષ અને ભળદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. તેમને સંકુલમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો.
ખંભાળિયા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમના કહેવા પ્રમાણે:
"નીતિન પટેલે ઉઠાવેલા પોઇન્ટ ઑફ ઑર્ડર પર હું ચર્ચામાં ભાગ લેવા માગતો હતો.
"ત્યારે ભાજપના ધારાસભ્યે એ કોંગ્રેસના ધારાસભ્યોને અપશબ્દો કહ્યા હતા."
સ્થાનિક પત્રકાર હરેશ ઝાલાના જણાવ્યા પ્રમાણે, "રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર સવાલ પૂછી રહ્યા હતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઈ દૂધાતે આરોપ મૂક્યો હતો કે, ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલે કોંગ્રેસના ધારાસભ્ય ડેરને અપશબ્દ કહ્યા."
પ્રતાપભાઈના આરોપ બાદ ગૃહનું વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.
વિધાનસભા સ્પીકરના આદેશ બાદ સાર્જન્ટ્સ ગૃહમાં પ્રવેશ્યા હતા.
ઝાલાના કહેવા પ્રમાણે, "સાર્જન્ટ્સ અંબરીશ ડેરને બહાર લઈ ગયા હતા.
"આ ગાળામાં પ્રતાપભાઈ દૂધાત ટેબલ પરનું માઇક તોડીને વેલમાં ધસી ગયા હતા.
"તેમણે ટ્રેઝરી બેન્ચના ધારાસભ્ય પર માઇકથી હુમલો કર્યો હતો."
સમગ્ર ઘટનાક્રમને પગલે સ્પીકરે ધારાસભ્ય દૂધાતને 'નેમ' કર્યા હતા, એટલે તેમને ગૃહમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા.
હોબાળાને પગલે ગૃહની કાર્યવાહીને મોકૂફ કરી દેવામાં આવી હતી.
બાદમાં સ્પીકરે ભાજપ તથા કોંગ્રેસના ધારાસભ્યોની સાથે મુલાકાત કરી હતી અને બંનેના પક્ષ જાણ્યા હતા.
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલના કહેવા પ્રમાણે:
"પ્રતાપભાઈ દૂધાતે માઇક તોડીને ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ પર હુમલો કર્યો હતો.
"અમે ગૃહના અધ્યક્ષને રજૂઆત કરીશું કે ગૃહની કાર્યવાહીના સીસીટીવી ફૂટેજને સત્તાવાર રીતે મીડિયાને આપવામાં આવે, જેથી સત્ય બહાર આવી શકે."
જોગવાઈઓ પ્રમાણે, બંને પક્ષોને સાંભળ્યા બાદ સ્પીકર સમગ્ર પ્રકરણ વિધાનસભાની શિસ્ત સમિતિને સોંપી શકે છે, જેમાં બંને પક્ષોના ધારાસભ્યોનો સમાવેશ થતો હોય છે.
સમિતિની ભલામણનાં આધારે સ્પીકર ધારાસભ્ય સામે કાર્યવાહી કરે છે. જેને હાઈ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે.
ગુજરાત વિધાનસભા દ્વારા ગૃહની કાર્યવાહીનું પ્રસારણ નથી કરવામાં આવતું.
પરંતુ, સીસીટીવી (ક્લોઝ્ડ સર્કિટ કેમેરા રેકોર્ડિંગ) થતું હોય છે, જેનો ઉપયોગ થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો