જાહ્નવી કપુરે માતા શ્રીદેવીને આ રીતે યાદ કર્યાં

ઇમેજ સ્રોત, Sridevi.kapoor/Instagram
વિખ્યાત અભિનેત્રી શ્રીદેવીના અવસાન બાદ તેમના પતિ બોની કપુરે શ્રીદેવીના ટ્વિટર હેન્ડલ પરથી તેમને યાદ કરતાં છેલ્લું ટ્વીટ કર્યું હતું.
હવે, શ્રીદેવીના પુત્રી જાહ્વવીએ તેમના માતાને યાદ કરતાં ઇન્સ્ટાગ્રામ પર ભાવનાસભર પત્ર લખ્યો છે.
તા. 25મી ફેબ્રુઆરીના શ્રીદેવી દુબઈ ગયા હતા, ત્યારે તેમનું નિધન થયું હતું. શ્રીદેવી તેમના ભત્રીજાના લગ્ન માટે દુબઈ ગયાં હતાં.
બુધવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે શ્રીદેવીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
શ્રીદેવી તેમની અને પુત્રી જાહ્નવીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર મૂકતાં. જાહ્નવીની ફિલ્મ અંગે શ્રીદેવી ખૂબ જ ઉત્સાહિત હતાં.

આંખ બંધ કરું છું, તમે દેખાવ છો

ઇમેજ સ્રોત, Sridevi.kapoor/Instagram
જાહ્નવીએ માતાનાં નિધન બાદ પ્રથમ વખત જાહેરમાં કંઈ કહ્યું છે. પોતાના પત્રમાં તેમની માતા શ્રીદેવીને પરિવારની તાકાત તથા સૌથી પરમ મિત્ર ગણાવ્યાં હતાં.
જાહ્નવીએ પત્રમાં લખ્યું, "મને દિલમાં ખાલીપો અનુભવાય છે. પરંતુ મને ખબર છે, મારે આ ખાલીપા સાથે જ જીવવાનું છે. આ ખાલીપા સાથે હું આપનો પ્રેમ અનુભવું છું.."
"મને લાગે છે કે દુખ અને તકલીફમાં આપ મારું રક્ષણ કરો છો. જ્યારે પણ આંખ બંધ કરું છું, મને આપની માત્ર સારી વાતો જ યાદ આવે છે. મને ખ્યાલ છે, આપ જ આ બધું કરી રહ્યાં છો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આપ વરદાન હતા

ઇમેજ સ્રોત, janhvi.kapoor/Instagram
"આપ અમારા જીવનમાં વરદાન હતા, તમારી સાથે અમે પસાર કરેલો સમય આશીર્વાદ જેવો હતો. પરંતુ તમે આ દુનિયા માટે ઘડાયાં ન હતાં. આપ ખૂબ જ સારા, પવિત્ર અને પ્રેમસભર હતા.
"આથી, આપને પરત બોલાવી લેવામાં આવ્યા. ખુશી એ વાતની છે કે તમે અમારી સાથે રહ્યાં તો ખરાં."
"મારી સખીઓ મને કહેતી કે તું હંમેશા ખુશ રહે છે અને હવે મને અનુભવાય છે કે આ બધું તમારા કારણે હતું. કોઈએ શું કહ્યું તે ગૌણ હતું, કોઈ સમસ્યા મોટી ન હતી અને કોઈ દિવસ ઉદાસ ન હતો. કારણ કે, તમે મારી સાથે હતાં."
"તમે મને પ્રેમ કરતા હતાં. મને હંમેશા આપની જરૂર હતી. આપ મારી આત્માનો ભાગ છો. મારી પરમ દોસ્ત. મારું સર્વસ્વ. આજીવન આપે જિંદગીમાં માત્ર આપ્યું જ અને મમા હું પણ આપ માટે એ બધું કરવા માંગતી હતી."

હું આપને પ્રેમ કરું છું

ઇમેજ સ્રોત, Sridevi.kapoor/Instagram
"હું ઇચ્છું છું કે આપને ગર્વ થાય. દરરોજ, હું જે કાંઈ કરીશ એ આશાએ કરીશ કે દરરોજ આપને મારી ઉપર ગર્વ થાય. હું વચન આપું છું કે દરરોજ આ વિચાર સાથે જ ઉઠીશ.
"કારણ કે, આપ અહીં છો અને હું આપને અનુભવી શકું છું. આપ મારામાં, ખુશીમાં અને પપ્પામાં છો. આપે અમારી ઉપર જે છાપ મૂકી છે તે એટલી ગાઢ છે કે, જીવન આગળ ધપાવવા માટે પૂરતી પરંતુ ક્યારેય તે હવે સંપૂર્ણ નહી બની શકે.
"હું આપને પ્રેમ કરું છું, મારું સર્વસ્વ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












