'હું ભારતીય છું, મને પાકિસ્તાની કહીને પોલીસવાળાઓએ કેમ માર્યો?'

રાજપથ પર ભારતના ગણતંત્ર દિવસની ઉજવણી, અનુસંધાનમાં તસવીરનો પ્રતીકાત્મક ઉપયોગ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અરવિંદ છાબડા
    • પદ, બીસીસી ગુજરાતી માટે પંચકૂલાથી

શુક્રવારે સમગ્ર રાષ્ટ્રે 69મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો. ત્યારે પથારીવશ 64 વર્ષીય મોહમ્મદ રમઝાનના મગજમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે.

'તેમણે મને પાકિસ્તાની કહીને કેમ માર માર્યો?' રમઝાનની આંખોમાં ગુસ્સો પણ છે અને લાચારી પણ છે.

પાસેના સાકેતરી ગામ ખાતે એક દુકાનદારને ત્યાં ડ્રાઇવર તરીકેનું કામ કરી આજીવિકા રળતા રમઝાન ઘરે પરત ફરી રહ્યા હતા.

ત્યારે હરિયાણા પોલીસના બે કર્મચારીઓએ તેમને અટકાવ્યા હતા.

તેમણે રમઝાનની ગાડી રોકી અને પોલીસ સ્ટેશને લઈ ગયા.

તમને આ પણ વાંચવું ગમશે

line

ફૂટબૉલની જેમ ફટકાર્યો

ખાટલા પર ઇજાગ્રસ્ત રમઝાનની તસવીર

રમઝાન કહે છે, "પોલીસ સ્ટેશનમાં અમારા કપડાં ઉતરાવ્યા.

મેં વિરોધ કર્યો તો તેમણે કહ્યું, 'તું પાકિસ્તાની અને મુસ્લિમ ઉગ્રવાદી છો' તેમણે કહ્યું કે 'હું મુસ્લિમ છું અને બહુ ખરાબ માણસ છું.'

"પોલીસવાળાઓએ મારા કપડાં ફાડી નાખ્યા અને મને નિર્દયપણે ફટકાર્યો. મને એવી રીતે મારતા હતા જાણે કે હું ફૂટબૉલ હોઉં."

આટલું બોલતા રમઝાન તેમના થાપા તરફ ઇશારો કરે છે. રમઝાન માંડમાંડ ખાટલા પર બેસી શકે છે.

રમઝાન તેમના પાંચ પુત્રો સાથે રહે છે. તેમાંથી ચારના નિકાહ થઈ ગયા છે.

line

'અમે ભારતીય છીએ, પાકિસ્તાની નહીં'

ઇજાગ્રસ્ત રમઝાનની પુત્ર મોહમ્મદ અસલમ સાથેની તસવીર

"મારો જન્મ આ ગામમાં જ થયો છે. ત્યારથી હું અહીં જ રહું છું. મારા પરિવારજનો આર્મીમાં છે છતાંય એ લોકોએ મને પાકિસ્તાની અને ઉગ્રપંથી કહ્યો."

રમઝાન કહે છે કે તેમણે પોલીસવાળાઓને ડૉક્યુમેન્ટ્સ દેખાડ્યા, પરંતુ તેમણે વાત ન સાંભળી.

"એમને નોકરી કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે અમારી કોઈ વાત ન સાંભળી."

રમઝાનના 27 વર્ષીય દીકરા મોહમ્મદ અસલમ નારાજગી વ્યક્ત કરતા કહે છે,

"મને તો વિશ્વાસ નથી બેસતો કે પોલીસવાળાઓએ મારા અબ્બુ સાથે આવું કર્યું. અમે ભારતીય છીએ, પાકિસ્તાની નથી."

ગામની બજારમાં દુકાન ચલાવતા અસલમ કહે છે, "એ પોલીસવાળાઓને નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ."

પુત્રનો આરોપ છે કે પોલીસવાળાઓએ પિતા પાસે રહેલા રૂ. 3700 ઝૂંટવી લીધા હતા.

line

'એક કર્મચારી સસ્પેન્ડ'

રમઝાનની તસવીર
ઇમેજ કૅપ્શન, મૂઢમારને કારણે રમઝાન ખાટલા પર બરાબર બેસી નથી શકતા

પંચકૂલાના પોલીસ કમિશ્નર એ. એસ. ચાવલાએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે બે પોલીસકર્મીઓ પર આરોપ છે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચાવલાના કહેવા પ્રમાણે, "તેમાંથી એક સ્પેશિયલ પોલીસ ઓફિસર છે. તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

"બીજા આરોપી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે. તેમની ઉપર મૂકવામાં આવેલા આરોપો અંગે તપાસ ચાલી રહી છે.

જો તેમની સંડોવણી જણાશે તો તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવશે."

કમિશનર ચાવલા ઉમેરે છે, " હું ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે.

"છતાંય જો પીડિતને લાગતું હોય કે તેમને ન્યાય નથી મળ્યો, તો તેમણે ડીસીપીને રજૂઆત કરવી જોઈએ."

હાલ રમઝાન સારવાર હેઠળ છે. આવતા અઠવાડિયે તેમનું તબીબી પરીક્ષણ હાથ ધરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો