પ્રેસ રિવ્યૂ: હવે ચાલુ ફ્લાઇટમાંથી પણ કરી શકશો ફોન અને ઇન્ટરનેટ સર્ફિંગ

હવાઈ મુસાફરી કરતા લોકો હવે ફ્લાઇટ દરમિયાન તેમના મોબાઇલ ફોનથી કોલિંગ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. ધ ઇકોનોમિક ટાઇમ્સની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) દ્વારા ભલામણ કરવામાં આવી છે.

જેમાં ભારતની હવાઈ સીમામાંથી પસાર થતી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સમાં ફોન કોલ કરવાની અને ઇન્ટરનેટ સર્ફિંગ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી સૂચના એરલાઇન્સને આપવામાં આવી છે.

તમને આ વાંચવું પણ ગમશે:

આ વેબસાઇટ અનુસાર શુક્રવારે ટ્રાઈએ જણાવ્યું હતું કે, વિમાનની અંદર વાઈ-ફાઈના માધ્યમથી ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડી શકાશે.

આ ઉપરાંત વિમાન ત્રણ હજાર મીટરની ઊંચાઈએ પહોંચે ત્યારબાદ ફોન કરવાની છૂટ પણ આપવામાં આવશે.

હવે જો કોઈને ફ્લાઇટમાંથી ફોન કોલ કરવો હશે તો વિમાનમાં સામાન્ય રીતે ફ્લાઇટ મોડમાં રાખવામાં આવતા ફોનને ફ્લાઇટ મોડને બંધ કરીને સામાન્ય સ્થિતિમાં રાખવાનો રહેશે.

ટ્રાઈએ જણાવ્યું હતું કે વિમાનમાંથી ચાલુ ફ્લાઇટ દરમિયાન ફોન કોલ કરવા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધાની ખૂબ જ તીવ્ર માંગણી થઈ રહી હતી.

સુપ્રીમ કોર્ટ: જન્મથી નક્કી થતી જ્ઞાતિ, લગ્નથી બદલાઈ ન શકે

સુપ્રીમ કોર્ટે ગુરુવારે આપેલા એક ચૂકાદામાં જણાવ્યું છે કે વ્યક્તિની જ્ઞાતિ લગ્ન કર્યા બાદ બદલાતી નથી.

સર્વોચ્ચ અદાલતે આ ચૂકાદો કેંદ્રીય વિદ્યાલયની એક શિક્ષિકાની નિમણૂકને રદ કરવાના સંદર્ભે આપ્યો.

આ શિક્ષિકાએ અનુસુચિત જાતિ (એસસી - શિડ્યુઅલ કાસ્ટ)ના પુરુષ સાથે લગ્ન કર્યા હતા અને એના આધારે અનામતનો લાભ લઈને 21 વર્ષ પહેલાં કેંદ્રીય વિદ્યાલયમાં નોકરીમાં જોડાયાં હતા.

જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ એમ એમ શાંતાનાગૌદારની બેન્ચે જણાવ્યું કે બે દાયકા સુધી સ્કૂલમાં કામ કર્યાં બાદ મહિલા હવે વાઇસ પ્રિન્સિપાલ બન્યાં છે.

પરંતુ તેમને અનામતના લાભ એટલા માટે મળવા પાત્ર નથી કારણ કે તેમનો જન્મ ઉચ્ચ જ્ઞાતિમાં થયો હતો અને તેમણે એક અનુસુચિત જાતિના પરિવારમાં લગ્ન કર્યા બાદ તેમની જ્ઞાતિમાં કોઈ બદલાવ થતો નથી.

ગુજરાતમાં મલ્ટિપ્લેક્સમાં નથી જોવા મળે પદ્માવત

છેલ્લાં કેટલાક સમયમાં સૌથી વધુ વિરોધ સહન કરનારી બોલીવૂડની ફિલ્મ પહ્માવત ગુજરાતના મલ્ટિપ્લેક્સમાં પ્રદર્શિત નહીં કરવાનો નિર્ણય ગુજરાત મલ્ટિપ્લેક્સ ઓનર્સ એસોશિએશને લીધો છે.

ન્યૂઝ18 ડોટ કોમ વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર બે રાજપૂત સંગઠનો કરણી સેના અને મહાકાલ સેના આ ફિલ્મને ગુજરાતમાં પ્રદર્શિત કરવાના વિરોધમાં અગ્રેસર છે.

આ ઉપરાંત અન્ય સાત ક્ષત્રિય સંગઠનોએ પણ ફિલ્મ એક્ઝિબિટર્સને ગુજરાતમાં પદ્માવતને પ્રદર્શિત ન કરવાના પત્રો આપ્યા છે.

આ વેબસાઇટ પર પ્રકાશિત સમાચાર અનુસાર સુપ્રીમ કોર્ટે ગુરુવારે પદ્માવત પર પ્રતિબંધ મૂકી ચૂકેલાં રાજ્યો મધ્ય પ્રદેશ, હરયાણા, રાજસ્થાન અને ગુજરાતની સરકારોને નિર્દેશ આપ્યો હતો કે તેમના રાજ્યોમાં આ ફિલ્મ પ્રદર્શિત થાય અને સરકારો એ બાબતનું ધ્યાન રાખે કે એ સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

આમ છતાં મહાકાલ સેનાના પ્રમુખ સંજય સિંઘ રાઠોડને ટાંકીને સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, 'કાયદો અને વ્યવસ્થાની ઐસી કી તૈસી. અમે પદ્માવતને ગુજરાતમાં પ્રદર્શિત નહીં થવા દઈએ.'

આ પ્રકારના વિરોધને ધ્યાનમાં રાખીને ગુજરાત મલ્ટિપ્લેક્સ ઓનર્સ એસોશિએશનની કોર કમિટીના સભ્ય રાકેશ પટેલને ટાંકતા એ વેબસાઇટના સમાચારમાં જણાવ્યું હતું કે, તેમણે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સાથે મુલાકાત કરી હતી. તેમને પોલીસ તરફથી એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, તેમના મલ્ટિપ્લેક્સ પર પૂરતાં પ્રમાણમાં પોલીસ હાજર રહેશે.

જોકે, દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર પોલીસે થિયેટર માલિકોને સુરક્ષા પૂરી પાડવાની વાત કરી હતી. પણ જો કોઈ નુકસાન થાય તો તેની જવાબદારી થિયેટર માલિકોની રહેશે તેમ પણ કહ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો