શિયાળાની હાડ થિજવતી ઠંડીમાં દિલ્હીના ગરીબો કેવી રીતે પસાર કરે છે રાત?

ઇમેજ સ્રોત, SUNILKUMAR ALEDIA
- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
"જે રીતે કૂતરાનું બચ્ચું જન્મે છે એવી જ રીતે આ જન્મ્યો હતો. અહીં ફ્લાયઓવર નીચે. તેની ગર્ભનાળ બ્લેડથી કાપી હતી."
આ વાત કોઈ બીજાએ નહીં, પણ અંદાજે બે મહિના પહેલાં જન્મેલા એક બાળકની દાદીએ કરી હતી.
સામાન્ય રીતે પરિવારમાં પૌત્રનો જન્મ થાય તો સૌથી વધારે ખુશ દાદી થતાં હોય છે, પણ પોતાનાં પૌત્ર માટે આવું કોઈ કહે?
પાસે બેઠેલી એક અન્ય સ્ત્રી કહે છે કે "અમારાં અને કૂતરાઓમાં કોઈ ફરક થોડો છે. જ્યાં અમે ઊંઘીએ છીએ ત્યાં કૂતરાઓ પણ ઊંઘે છે.
"કૂતરાઓ અમારી થાળીમાંથી ખાવાના પ્રયાસ કરે છે. અમે કૂતરાઓને લાત મારીને ભગાડીએ છીએ અને મોટા માણસો અમને એ રીતે ભગાડે છે."

આ બધું સાંભળીને સવાલ થાય છે કે આપણે કેવા દિલ્હીમાં રહીએ છીએ?
દિલ્હીમાં લોકોનો એક વર્ગ એવો છે જેઓ યમુનાનાં કિનારે ઊંઘે છે. જ્યાંથી પસાર થતી વખતે કેટલાક લોકો નાકને રૂમાલ વડે ઢાંકી દે છે એ યમુના નદીને કિનારે.
સૂરજ ઢળતાંની સાથે યમુનાનાં કિનારે ચહલપહલ શરૂ થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકો આવે-જાય છે અને ખાલી જગ્યા ભરાતી રહે છે. ભીના રેતાળ પટમાં ઊંઘવા માટે જમીનનો હિસાબ થવા લાગે છે.
લોકો આવે છે અને સવારે જે પથ્થર નીચે બિસ્તરો છૂપાવીને ગયાં હતાં એ હટાવીને ઊંઘવા લાગે છે.

જેઓ પગરખાં સદા પહેરી રાખે છે

કોઈ અજાણ્યા પગલાંના હળવા અવાજથી સંખ્યાબંધ કૂતરાઓ ભસવા લાગે છે.
જોણે કે કૂતરાઓ ભસીને કહેતા હોય આ લોકોને અહીં ઊંઘવા દો.
બેઘર લોકો માટે કામ કરતા શૈલેન્દ્રએ અમને જણાવ્યું હતું કે અહીં ઊંઘતા લોકો તેમના પગરખાં ક્યારેય ઉતારતા નથી.
દિવસ દરમ્યાન કામ કરવા માટે તેમણે પગરખાં પહેરવાં પડે છે, જ્યારે રાતે ઠંડીથી બચવા માટે.
શૈલેન્દ્ર કહે છે કે "એ લોકોનું પાલન યમુના માતા કરી રહી છે. જે પાણીથી સફાઈ કરે છે એ જ પાણીથી કોગળા કરે છે. બિસ્તરને પથ્થર નીચે દબાવીને કામ પર ચાલ્યાં જાય છે."
નદીનાં કિનારાથી થોડા ઉપર ચડીએ એટલે એક તરફ પીડબલ્યુડીની શાનદાર ઇમારત છે.
બીજી તરફ ગાય, કૂતરાં, કચરા અને પેશાબની વચ્ચે શણના કોથળા પર ઊંઘતા લોકો.
ઉપર ડાબી બાજુએ વળવાથી દૃશ્ય બદલાઈ જાય છે. કેટલાક લોકો ગૂંબજ પર બેસીને ટીવી નિહાળતા જોવા મળે છે.
તપાસ કરતાં માલૂમ પડ્યું કે તેઓ રૈનબસેરા (રાત્રિ રોકાણ માટે કરવામાં આવેલી વ્યવસ્થા)માં રહે છે.
ચાંદની ચોક અને આઈએસબીટી વિસ્તારમાં 30થી 33 રૈનબસેરા છે, જેમાં સ્થાયી, અસ્થાયી અને ટેન્ટ ત્રણેય પ્રકારનાં શેલ્ટરનો સમાવેશ થાય છે.
મહિલાઓ માટે અલગ, પુરુષો માટે અલગ અને વૃદ્ધો માટે અલગ.


દિલ્હી અર્બન શેલ્ટર ઇમ્પ્રૂવમૅન્ટ બોર્ડ(ડીયુએસઆઈબી)ના બિપીન રાય કહે છે કે "દિલ્હીમાં કુલ 258 રૈનબસેરા છે. એ પૈકીના 83 ઇમારતોમાં છે, જ્યારે 115 પોટા કેબિન્સ અને 70 ટેન્ટ્સમાં છે.
"એ ઉપરાંત એક સબ-વેને પણ શેલ્ટર બનાવી દેવામાં આવ્યો છે."
યમુનાના કિનારા પરના આ રૈનબસેરાઓમાં લોકોને કોઈ તકલીફ નથી.
બિપીન રાય જણાવે છે કે રૈનબસેરામાં રહેતા લોકોને મૂળભૂત સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવે છે.
આ રૈનબસેરાઓમાં બેડિંગ, ધાબળા, પાણી, ટોયલેટ, તબીબી સુવિધા અને સવારની ચા સાથે ટોસ્ટ આપવામાં આવે છે. ૉ

મહિલાઓ માટે કેવી વ્યવસ્થા છે?

ઇમેજ સ્રોત, SUNILKUMAR ALEDIA
બિપીન રાયના જણાવ્યા અનુસાર, મહિલાઓ તથા બાળકો માટે ખાસ ધ્યાન આપીને શેલ્ટર તૈયાર કરવામાં આવ્યાં છે.
જોકે, શેલ્ટર ઓછાં છે અને એ સમસ્યાનું કાયમી નિવારણ કરવું જરૂરી છે એવું બિપીન રાય માને છે.
એક શેલ્ટરના કેરટેકર રાજબીર જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ શેલ્ટરમાં આવીને રહી શકે છે. તેણે ઓળખપત્ર દેખાડવું જરૂરી નથી.
તેમનું નામ, તેમના પિતાનું નામ અને કાયમી સરનામું પૂરતાં હોય છે. અલબત, તેમના સામાનની ચકાસણી જરૂર કરવામાં આવે છે.
નિઝામુદ્દિન પૂલથી થોડે દૂર આવેલા રૈનબસેરા કંઈક અલગ કથા કહે છે.
એ રૈનબસેરામાં 50થી 60 લોકો રહે છે, પણ શેલ્ટર ત્રણ જ છે.
આ શેલ્ટર્સમાં રહેતા મોટાભાગના લોકો પરિવારવાળા છે. તેમની સાથે દૂધ પીતાં બાળકો પણ છે. એ પૈકીના મોટાભાગના મુસલમાન છે.
અહીં રહેતાં યાસ્મીન કહે છે, "બીજે ક્યાંય રહી શકતા નથી એટલે અહીં રહીએ છીએ. ટોયલેટથી માંડીને દરેક ચીજની અહીં મુશ્કેલી છે.
"શેલ્ટરમાં અનેક પ્રકારના લોકો રહે છે. ડર લાગે છે, પણ બીજો કોઈ આશરો નથી.
"શેલ્ટર રસ્તાને કિનારે હોવાથી બાળકો દોડીને રસ્તા પર ચાલ્યાં ન જાય તેનો ભય પણ લાગે છે.
"અહીં લાઇટ નથી અને તબીબી સુવિધા પણ નથી."
આ શેલ્ટરમાં રહેતાં સલમા બે મહિના પહેલાં ત્રીજા બાળકનાં માતા બન્યાં છે. તેની સુવાવડ ફ્લાયઓવર નીચે કરવામાં આવી હતી.
સલમાની સાથે રહેતી સ્ત્રીઓએ જ સલમાના બાળકની નાળ કાપી હતી. એ પછી સલમા તેનાં બાળકો સાથે રૈનબસેરામાં રહેવા આવી ગયાં હતાં.

દિલ્હીનાં શેલ્ટરોમાં કેવી છે પરિસ્થિતિ?

સલમા કહે છે કે "અહીં સંખ્યાબંધ સમસ્યાઓ છે. ભોજન આપતા નથી. દવા મળતી નથી, પણ બાળકોને લઈને અન્યત્ર જઈ શકતાં નથી. અહીં કમસેકમ ઊંઘવા તો મળે છે."
શેલ્ટરમાં આઠ મહિનાની ગર્ભવતી એક અન્ય મહિલા પણ રહે છે.
એ મહિલા કહે છે કે "કોઈને અમારી પરવા નથી. ક્યારેય પેટમાં પીડા થાય છે તો ક્યારેક તાવ આવી જાય છે, પણ દવા આપવાવાળું કોઈ નથી."
બાળકનો જન્મ કેવી રીતે થશે અને એ પછી શું થશે, તેની કલ્પના એ મહિલા કરી શકતી નથી.
એક સ્વૈચ્છિક સંગઠન માટે કામ કરતા સુનિલ જણાવે છે કે આ બાબત આફતથી કમ નથી. દિલ્હીમાંનું એક પણ શેલ્ટર માપદંડ અનુસારનું નથી.
દરેક શેલ્ટરમાં નિર્ધારિત સંખ્યા કરતાં અનેકગણાં વધુ લોકો રહે છે.
માપદંડ અનુસાર, દરેક શેલ્ટરમાં તમામ મૂળભૂત સુવિધાઓ હોવી જોઈએ, પણ વાસ્તવિકતા દુઃખદાયક છે.
કચરો વીણીને ગુજરાન ચલાવતા જમદ અલી જણાવે છે કે તેમની 16 વર્ષની દીકરી અહીં શેલ્ટરમાં જ રહે છે. તેમનો દીકરો માનસિક રીતે થોડો અસ્થિર છે.
સંખ્યાબંધ લોકો વચ્ચે દીકરીને એકલી છોડીને કામ પર જતા જમદ અલી સતત ડર રહ્યા કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













