મહેસાણા-આણંદની આ ખાસિયતો આપ જાણો છો?

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.

બીજો તબક્કો રાજકારણની દૃષ્ટીએ તો ખરો જ પરંતુ રાજકારણ સિવાયની બાબતે પણ રસપ્રદ છે.

ગુજરાત તેના ઉદ્યોગ, હસ્તકલા, કુદરતી સંપદા, લોકકલા અને ખાણીપીણી માટે પ્રખ્યાત છે.

બીજા તબક્કામાં આવતાં આવાં કેટલાંક સ્થળો વિશે રાજકારણ સિવાયની રસપ્રદ માહિતી મેળવીએ.

તમને આ પણ વાંચવું ગમશે

ઇતિહાસ અને આધુનિક્તાનો સમન્વય એટલે અમદાવાદ

  • સાબરમતી નદીના કિનારે વસેલું અમદાવાદ શહેર તેના ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે.
  • અહીં આધુનિક્તા સાથે ઐતિહાસિકતાનો સમન્વય થયો છે.
  • મહાત્મા ગાંધીએ સાબરમતીના કિનારે તેમનો આશ્રમ સ્થાપ્યો હતો.
  • અહીંની અડાલજની વાવ, સરખેજ રોજા, હઠીસિંહનાં દેરાં, સીદી સૈયદની જાળી, જૈન દેરાસર, કાળુપુરનું સ્વામીનારાયણ મંદિર અને જુમ્મા મસ્જિદ તેનાં સ્થાપત્ય અને કોતરણી માટે પ્રસિદ્ધ છે.
  • અમદાવાદમાં સંખ્યાબંધ કાપડની મિલ્સ હોવાથી એક સમયે તે પૂર્વનું માન્ચેસ્ટર શહેર ગણાતું હતું. હવે અમદાવાદમાં કેમિકલ્સ, ઓટૉમોબાઇલ્સ, એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ્સ જેવા ઉદ્યોગો અગ્રતાક્રમે છે.
  • નવરાત્રિમાં લૉ ગાર્ડનનાં ટ્રેડિશનલ કપડાં ન ખરીદો તો નવરાત્રિ અધુરી ગણાય છે.
  • અમદાવાદના કોટ વિસ્તારની પોળોમાં હજી પણ સદીઓ પહેલાં જીવાતા જીવનનું ઝલક જોવા મળે છે.
  • પુરાતન ઇમારતો શિલ્પ અને સ્થાપત્યના ઉત્તમ નમૂનાને કારણે અમદાવાદને દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે.

ગબ્બર ડુંગર અને બટાકાનગરી એટલેબનાસકાંઠા

  • આધ્યાત્મિક્તાનું પ્રતીક ગણાતી 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ બનાસકાંઠાના અંબાજીમાં છે.
  • બનાસકાંઠાનાં સેંબલપાણી ગામે ઐતિહાસિક ગુફાચિત્રો પણ મળ્યા હોવાનું કહેવાય છે.
  • બનાસકાંઠા બટાકાનાં ઉત્પાદનમાં મોખરે છે. ડીસાની આજુબાજુના વિસ્તારમાં મુખ્યત્વે બટાકાની ખેતી થાય છે. તેથી ડીસાને બટાકાની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • બનાસકાંઠાનું ઢીમા ગામ પશુમેળા અને કાંકરેજ તાલુકો કાંકરેજી ભેંસ માટે જાણીતો છે.
  • બાજરીનું સૌથી વધારે ઉત્પાદન કરતા આ જિલ્લાનાં દાંતીવાડામાં રાજ્યની પહેલી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી.
  • આ જિલ્લાની સૌથી મોટી સમસ્યા મહિલાઓમાં શિક્ષણનું ઓછું પ્રમાણ છે.

દૂધની ડેરી અને ઇડરિયા ગઢનું રમણીય રૂપ એટલેસાબરકાંઠા

  • સાબરકાંઠાના શહેર ઈડરના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ પહેલાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની સ્થાપના ઈ.સ. ૧૪ર૬માં કરી હતી.
  • સુલતાનને આ સ્થળ ખૂબ પસંદ હોવાથી તેનું નામ અહમદનગર રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
  • ઇ.સ. ૧૮૪૮ માં ઈડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું હતું તેના રાજા હિંમતસિંહજીના નામ પરથી તેનું હાલનું નામ હિંમતનગર રાખવામાં આવ્યું હતું.
  • પ૦૦ ફુટ ઊંચાઈની ખડકાળ ટેકરીવાળા ઈડરગઢની તળેટીમાં ઈડર વસેલું છે.
  • સાબરકાંઠામાં આવેલા પોળોના જંગલ અને ત્યાંના ઐતિહાસિક મંદિરોના પુરાતત્વ અવશેષો ખૂબ જ ઓછા જાણીતા પરંતુ મનોરમ્ય છે.

સંસ્કાર નગરી વડોદરા

  • ગાયકવાડ વંશ એ પશ્ચિમ ભારતમાં આવેલ વડોદરા રાજ્યનો શાસક વંશ છે.
  • વિશ્વામિત્રી નદીને કિનારે વડ(સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાં ઘણા ઝાડ હોવાથી વડ હેઠળ વિકસેલું શહેર 'વટસ્ય ઉદરે' કાળક્રમે અપભ્રંશ થઈને વડોદરા થઈ ગયું છે.
  • વડોદરા ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું.
  • ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓ સૌથી વધુ સંખ્યામાં વસેલા છે.
  • વડોદરા ગુજરાતનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે. અહીં પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ અને એન્જિનિયરિંગ ઉદ્યોગ વિકસ્યા છે
  • એક સમયે દેશ જ નહીં વિદેશમાં પણ શિક્ષણ માટે જાણીતી હતી તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં છે.
  • કામદાર વર્ગથી લઈ આર્થિક રીતે સાધનસંપન્ન વર્ગ પણ જેને મન ભરીને માણે છે એ સેવઉસળ એ વડોદરાનો સૌથી પ્રિય નાસ્તો છે.

શ્વેતક્રાંતિનું જન્મસ્થાન આણંદ

  • આણંદની ઓળખ માત્ર દેશને શ્વેતક્રાંતિની ભેટ આપનારા જિલ્લાની જ નથી.
  • ચરોતર પ્રદેશ તરીકે ઓળખાતા આ વિસ્તારના પરિવારોના સભ્યો મોટા પ્રમાણમાં વિદેશમાં સ્થાયી થયેલાં છે.
  • ૧૯૯૭ માં ખેડા જિલ્લામાંથી આ જિલ્લાને અલગ પાડવામાં આવ્યો હતો.
  • આણંદ વૃક્ષોના છેદન અને તેમાંથી આવક પ્રાપ્ત કરવામાં પહેલા નંબરે છે
  • જોકે, અહીં જેટલાં વૃક્ષો કપાય છે તેનાથી બમણાં વૃક્ષો વાવવામાં આવે છે.
  • વિદ્યાનગર એ સદાયુવાન રહેતું નગર છે, કારણ કે સરદાર પટેલ યુનિવર્સિટી સાથે જોડાયેલી અઢળક કોલેજો વિદ્યાનગરમાં છે.
  • દર વર્ષે દેશનાં ખૂણે ખૂણેથી યુવાનો અહીં અભ્યાસ માટે આવે છે.

સૂર્ય મંદિર, દૂધ સાગર ડેરી અને ખનીજ તેલના ભંડાર એટલેમહેસાણા

  • મહેસાણા જિલ્લામાં ઐતિહાસિક વારસા સમાન મોઢેરાનું સૂર્ય મંદિર છે.
  • મહેંસાણવી ભેંસની પ્રજાતિ સૌથી વધુ દૂધ આપે છે. જેને કારણે આ જિલ્લો દૂધ ઉત્પાદનમાં પણ મોખરે છે.
  • મહેસાણા છોકરાઓ સામે છોકરીઓના ઓછા જન્મદરની સમસ્યાનો સામનો કરી રહેલો જિલ્લો છે.
  • મહેસાણાની ધરતીના પેટાળમાં ખનીજ તેલનાં ભંડાર પણ મળ્યા છે.
  • આ જિલ્લો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ અને રાજ્યનાં પ્રથમ મહિલાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગૃહ જિલ્લો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો