You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચૂંટણી પંચ : રાહુલ ગાંધીનો ઇન્ટર્વ્યૂ આચારસંહિતાનો ભંગ
ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ઇન્ટર્વ્યૂ પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
બુધવારે મોડી સાંજે આપેલા આદેશમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ઇન્ટર્વ્યૂનું પ્રસારણ કરવામાં આવશે તો તેને આદર્શ આચારસંહિતાનો ભંગ માનવામાં આવશે.
ચૂંટણી પંચે ઇન્ટર્વ્યૂ પ્રસારિત કરનારી ચેનલ્સ સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
પીયૂષ ગોયલે ફરિયાદ કરી હતી
કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે રાહુલ ગાંધીના ઇન્ટર્વ્યૂના પ્રસારણ સામે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી.
પીયૂષ ગોયલે કહ્યું હતું, "આચારસંહિતા વિશે મારે જેટલી સમજ છે તે મુજબ 48 કલાકમાં ઇન્ટર્વ્યૂ દેખાડી ન શકાય.
"ચૂંટણી પંચ પાસેથી અમને માહિતી મળી હતી કે મંગળવાર સાંજથી ઇન્ટર્વ્યૂ પ્રસારિત મંજૂરી ન હતી.
"કોંગ્રેસના લોકો કદાચ ગભરાઈ ગયા છે. તેમને લાગે છે કે સ્થિતિ કથળી રહી છે. તેમને ભય છે કે ભાજપ 150થી વધુ બેઠકો જીતી જશે. એટલે જ તેમણે આચારસંહિતાનો ભંગ કર્યો હતો."
ચૂંટણી પંચના આદેશમાં શું છે?
ચૂંટણી પંચે તેના આદેશમાં જણાવ્યું હતું કે "બીજા તબક્કાના મતદાન પૂર્વે કેટલીક ટીવી ચેનલ્સ કોંગ્રેસના સ્ટાર પ્રચારક તથા નેતા રાહુલ ગાંધીના ઇન્ટર્વ્યૂનું પ્રસારણ કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઇન્ટર્વ્યૂમાં રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા વિશે વાત કરી રહ્યા છે. ગુરુવારે બીજા તબક્કામાં જ્યાં વોટિંગ થવાનું છે ત્યાં પણ આ ઇન્ટર્વ્યૂનું પ્રસારણ થઈ રહ્યું છે.
આથી તેનું પ્રસારણ કરવું એ આદર્શ આચારસંહિતાનો ભંગ છે.
તે લોકપ્રતિનિધિત્વ કાયદા - 1951ની કલમ 126(3) હેઠળ આવે છે.
કોંગ્રેસનો વળતો પ્રહાર
ભાજપના આરોપ બાદ કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો હતો.
પાર્ટીના નેતા રણદીપ સુરેજવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું, "ભાજપ ચૂંટણી પંચનું સન્માન કરે છે તો 2014માં વોટિંગના એક દિવસ અગાઉ મોદીજીએ તેમની એક ભક્ત ચેનલને ઇન્ટર્વ્યૂ આપીને તેનો પ્રચાર-પ્રસાર કેમ કરાવ્યો હતો?"
સુરજેવાલાએ ટ્વીટ પણ કર્યું હતું. એ ટ્વીટમાં તેમણે નીચે મુજબ જણાવ્યું હતું.
"ચૂંટણી પંચના ન્યાયના નવા નિયમ :
1. ભાજપના નેતાઓ અને નાણાપ્રધાન ચૂંટણીના એક દિવસ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને તેમનો મૅનિફેસ્ટો જાહેર કરે છે, પરંતુ કોઈ એફઆઈઆર નહીં
2. મોદીજી ચૂંટણીના દિવસે ચાર જાહેરસભા સંબોધિત કરે છે, પરંતુ કોઈ એફઆઈઆર નહીં
3. અમિત શાહે આજે જ અમદાવાદમાં પત્રકાર પરિષદ કરી હતી, પરંતુ કોઈ એફઆઈઆર નહીં
4. પિયૂષ ગોયલે આજે બે વખત પત્રકાર પરિષદ સંબોધિત કરી, પરંતુ કોઈ એફઆઈઆર નહીં
રાહુલજીનો ઇન્ટર્વ્યૂ પ્રસારિત કર્યો તો એફઆઈઆર થશે. "
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો