જવાબી કાર્યવાહી સ્વરૂપે ઇઝરાયલે હમાસ પર હુમલા કર્યા

ઇઝરાયેલી પ્રસાશને જણાવ્યું છે કે રોકેટ દ્વારા તેમના પર કરાયેલા હુમલાઓની જવાબી પ્રક્રિયાના ભાગરૂપે ઇઝરાયેલે આતંકવાદી જૂથ હમાસના ગાઝા સ્થિત મથકો પર સંખ્યાબંધ હુમલાઓ કર્યા છે.

ઇઝરાયલી લશ્કરના જણાવ્યા મુજબ, તેમણે ગાઝા સ્થિત હમાસની વસાહતોમાં શસ્ત્રોની ઉત્પાદન વ્યવસ્થા અને દારૂગોળા સંગ્રહસ્થાનો પર હુમલા કર્યા હતા.

છેલ્લા થોડા દિવસો દરમિયાન ઇઝરાયલ પર ગાઝામાંથી ત્રણ રોકેટો છોડવામાં આવ્યા હતા, જેમાંથી એક રોકેટ દક્ષિણના સદરૉટ શહેરમાં પડ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલની રાજધાની તરીકે જેરુસલેમને ઘોષિત કરતા ઇઝરાયલીઓ અને પેલેસ્ટાઇનવાસીઓ વચ્ચે તણાવ વધ્યો છે.

બુધવારે ટ્રમ્પ દ્વારા લેવાયેલા આ નિર્ણયે અમેરિકાના આ મુદ્દે દાયકાઓ જૂના તટસ્થતાના માપદંડો બદલાતા જોયા. ઇઝરાયલ જેરુસલેમને તેની રાજધાની ગણાવી છે.

પેલેસ્ટાઇને પૂર્વ જેરુસલેમ પર પોતાનો દાવો કર્યો છે. 1967ના યુદ્ધ બાદ ઇઝરાયલ દ્વારા આ વિસ્તાર પર કબજો કરવામાં આવ્યો હતો.

પેલેસ્ટાઇનવાસીઓ પૂર્વ જેરુસલેમને તેમના રાષ્ટ્રની ભવિષ્યની રાજધાની તરીકે સ્થાપિત કરવા માંગે છે.

તાજેતરની પરિસ્થિતિ મુજબ :

ઇઝરાયેલી સૈનિકોએ શુક્રવારે થયેલી અથડામણો બાદ ગાઝામાં ભીડ પર ગોળીબાર કર્યો, જેમાં પેલેસ્ટાઇનના બે પુરુષો મૃત્યુ પામ્યા હતા.

ઇઝરાયેલના જણાવ્યા પ્રમાણે, તેમણે એક રોકેટને આંતર્યું હતું. વધુ એક રોકેટ ઇઝરાયલના ઉત્તર સદેરોતમાં પડ્યું હતું.

બંન્ને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ઇઝરાયલી હવાઈ દળેએ શુક્રવારે હમાસની ગાઝા સ્થિત વસાહતો પર સંખ્યાબંધ હુમલાઓ કર્યા હતા.

પેલેસ્ટાઇનના આરોગ્ય મંત્રાલયએ એએફપીને જણાવ્યું હતું કે ઉપરોક્ત હુમલાઓમાં 25 લોકો ઘાયલ થયા છે.

સદેરોત પર થયેલા હુમલા બાદ શનિવારે વહેલી સવારે વધુ હવાઈ હુમલાઓ હાથ ધરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત હુમલાઓ દ્વારા થયેલા સંપૂર્ણ નુકસાનનો તાત્કાલિક ચોક્કસ અંદાજ મળ્યો ન હતો.

અગાઉ શુક્રવારે હમાસના વરિષ્ઠ નેતા ફથિ હમ્માદે કહ્યું હતું કે, જે કોઈ પણ પોતાના દૂતાવાસને જેરુસલેમ ખાતે ખસેડવા માંગતા હોય તે 'પેલેસ્ટાઇનના દુશ્મન છે.'

શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રસંઘ સમક્ષ બોલતા અમેરિકાના રાજદૂત નિકી હેલીએ જણાવ્યું હતું કે યુ.એસ. "એ તથ્યને માન્યતા આપે છે કે જેરૂસલેમ ઇઝરાયેલની રાજધાની છે. કાયમી શાંતિ કરાર પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે."

હેલીએ યુએનના (સંયુક્ત રાષ્ટ્રસંઘના) પૂર્વગ્રહ પર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે ઇઝરાયલ પ્રત્યે યુએનનું વલણ બરોબર નથી રહ્યું.

હેલીએ વધુમાં ભારપૂર્વક કહ્યું હતું કે, યુનાઇટેડ નેશન્સ અથવા ઇઝરાયલની સલામતી માટે તેમની અવગણના સાબિત કરતા દેશોના કોઈ પણ સમૂહ દ્વારા કરવામાં આવતા કરારોથી ઇઝરાયલે ક્યારેય છેતરાવું ના જોઈએ.

શુક્રવારની નમાઝ બાદ પેલેસ્ટાઇનના નેતાઓ દ્વારા વિરોધને સમર્થન આપવામાં આવ્યું હતું. જેના પગલે વધુ હિંસા વકરશે એવી સંભાવનાને ધ્યાનમાં લઇને ઇઝરાયેલે વેસ્ટ બેન્કમાં વધારાની લશ્કરી કુમકો તહેનાત કરી હતી.

વેસ્ટ બેન્ક અને પૂર્વ જેરૂસલેમના સંઘર્ષમાં ઓછામાં ઓછા 217 લોકો ઘાયલ થયા હોવાનું પેલેસ્ટાઇનના તબીબોએ જણાવ્યું હતું.

હજ્જારો પેલેસ્ટાઇન સમર્થકોએ જોર્ડન, ઇજિપ્ત, ઇરાક, તુર્કી, ટ્યુનિશિયા અને ઈરાનમાં ટ્રમ્પની જાહેરાતના વિરોધમાં દેખાવો યોજ્યા હતા.

તદુપરાંત પેલેસ્ટાઇનના સમર્થકોએ મલેશિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, કાશ્મીર અને વિશ્વની સૌથી મોટી મુસ્લિમ-બહુમતી ધરાવતા દેશ ઇન્ડોનેશિયામાં પણ ટ્રમ્પની જાહેરાત સામે વિરોધ પ્રદર્શનો અને રેલીઓ યોજી હતી.

ટ્રમ્પની જાહેરાત

જેરુસલેમ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન બન્ને રાષ્ટ્રો માટે અતિ મહત્વનું છે. જેરુસલેમ ત્રણ મુખ્ય ધર્મો યહુદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ માટે પવિત્ર સ્થળોમાંથી એક સ્થળ છે.

અગાઉ 1967માં જોર્ડન દ્વારા જેરુસલેમના પૂર્વીય ક્ષેત્ર પર જે કબજો મેળવાયો હતો, તેના પર ઇઝરાયલે કબજો મેળવ્યો હતો અને તેના પર ફરી 1980માં કાબુ લઈ લીધો હતો.

પરંતુ ઇઝરાયલના આ પગલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્યારેય માન્યતા આપવામાં નહોતી આવી.

પૂર્વ જેરુસલેમમાં લગભગ સાડા ત્રણ લાખ પેલેસ્ટીનિયનો રહે છે, જેમાં લગભગ એકાદ ડઝન વસાહતોમાં આશરે બે લાખ ઇઝરાયલી યહુદીઓ પણ રહેતા હતા.

ઉપરોક્ત વસાહતોને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ગેરકાયદેસર માનવામાં આવે છે.

જોકે, ઇઝરાયલ ઉપરોક્ત વસાહતોને માન્ય નથી રાખતું, પરંતુ તેને કાયદેસરના પાડોશીનો દરજ્જો જરૂર આપે છે.

1993માં ઇઝરાયલ-પેલેસ્ટાઇન શાંતિ સમજૂતી મુજબ, જેરુસલેમનો મુદ્દો શાંતિ વાટાઘાટના અંતિમ તબક્કા બાદ ચર્ચા પર લેવાનો રહે છે.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની છેલ્લી શાંતિવાર્તા વાટાઘાટો 2014માં પડી ભાંગી હતી.

હાલમાં જ્યારે અમેરિકા બન્ને રાષ્ટ્રો વચ્ચે તાજી શાંતિવાર્તા માટે દરખાસ્તો તૈયાર કરી રહ્યું છે, ત્યારે પેલેસ્ટાઇનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રમ્પની જાહેરાતથી ભવિષ્યની વાટાઘાટોમાં અમેરિકાની મધ્યસ્થીને ગેરલાયક ઠેરવવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો