ગુજરાતમાં બીજેપી ક્યાંય નથી, સર્વત્ર દેખાય છે નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Indranil mukherjee/afp/Getty Images

ઇમેજ કૅપ્શન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના શબ્દબાણ વધુ આકરાં બનતા જાય છે. ગુજરાત છેલ્લા બે દાયકાથી શાસન કરી રહેલી બીજેપીને ફરી ચૂંટશે કે પરિવર્તન પસંદ કરશે એ બાબતે જોરદાર ચર્ચા થઈ રહી છે.

ગુજરાતમાં સત્તારૂઢ બીજેપીથી કથિત રીતે નારાજ દલિતો અને પાટીદારોની માગણી સાથે ઊભા થયેલા નેતાઓને જે સમર્થન મળી રહ્યું છે તે નોંધપાત્ર છે.

બીજી તરફ, કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી નવા આક્રમક અવતારમાં જોવા મળી રહ્યા છે.

રાહુલને સાંભળવા માટે સંખ્યાબંધ લોકો એકઠા થઈ રહ્યા છે અને લોકો એવું પણ કહી રહ્યા છે કે, ગુજરાતમાં કોંગ્રેસ પુનરાગમન કરી શકે છે.

તમને આ પણ વાંચવું ગમશે

રાજકીય વિશ્લેષક અને સીનિયર પત્રકાર નીરજા ચૌધરીએ અમદાવાદ, મહેસાણા, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, ભરૂચમાં વસાવા આદિવાસીઓની બહુમતીવાળા વિસ્તારો સહિત ઘણાં શહેરોની મુલાકાત તાજેતરમાં લીધી હતી.

એમણે આ વિસ્તારોમાં ફરીને ચૂંટણીના મુદ્દાઓ અને લોકોનું વલણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. બીબીસીનાં સંવાદદાતા માનસી દાશે નીરજા ચૌધરી સાથે વાત કરી હતી અને એમના પ્રવાસનો અનુભવ જાણ્યો હતો.

ગુજરાતની ચૂંટણી વિશેનું નીરજા ચૌધરીનું આકલન વાંચો.

line

2016ને નથી ભૂલ્યા પાટીદારો

સુત્રોચ્ચાર કરી રહેલા પાટીદાર યુવાનો

ઇમેજ સ્રોત, Sam Panthaky/AFP/GettyImages

ઇમેજ કૅપ્શન, ગયા વર્ષે થયેલા ગોળીબારકાંડની અસર અને ગુસ્સો પાટીદાર સમાજમાં સ્પષ્ટપણે જોવા મળે છે

''હું ગામમાંથી પસાર થઈ, ત્યારે મને લાગ્યું હતું કે લોકો પરિવર્તન ઇચ્છે છે. મહેસાણાના પાટીદારો ગુસ્સામાં છે. મહેસાણામાં અનામત આંદોલન કે અનામત નહીં આપવાનો મુદ્દો ન હતો.

''એમનું કહેવું એમ હતું કે અનામત તો અમને બીજેપી કે કોંગ્રેસ બેમાંથી કોઈ નહીં આપે, છતાંય કોંગ્રેસની તરફેણમાં છે, કારણ કે કોંગ્રેસે પાટીદારોની કમ સે કમ હત્યા તો નથી જ કરી.

''અનામત આંદોલન સમયે થયેલા ગોળીબારકાંડની અસર અને ગુસ્સો પાટીદાર સમાજમાં સ્પષ્ટપણે જોવા મળે છે.''

2015માં પાટીદાર નેતાઓની એક રેલીમાં સામેલ થયેલા લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો.

તેમાં 14 લોકો મૃત્યુ પામ્યા હતા. એ માટે પાટીદારો તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને જવાબદાર માને છે. પાટીદારોએ એમનાં માટે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

પાટીદારોએ ત્યારે કહ્યું હતું, ''તેઓ બહુ અભિમાની થઈ ગયાં છે. તેઓ માને છે કે ગુજરાતને તેમનું ગૌરવ છે. તેઓ મનફાવે તેમ વર્તી રહ્યાં છે. તેમને એક ઝટકો આપવો જરૂરી છે, જેથી તેઓ લાઇન પર આવી જાય.''

line

આક્રોશ નહીં, નારાજગી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Sam Panthaky/AFP/GettyImages

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

નીરજા ચૌધરીએ કહ્યું હતું, ''જે ગ્રામ્ય વિસ્તારોમાંથી હું પસાર થઈ હતી, ત્યાં દરેક જગ્યાએ આક્રોશ જોવા મળ્યો ન હતો, કેટલાક લોકો નારાજ જરૂર હતા. ખેડાના એક ગામમાં નારાજગી જોવા મળી હતી.

આખા દેશના કુલ ઘરેલું ઉત્પાદનની વાત કરીએ તો તેમાં મોખરે છે ખેડા જિલ્લાનાં ગામો. એ ગામોના પાટીદારો વિદેશમાં વસેલા છે અને ત્યાંથી મોટા પ્રમાણમાં પૈસા દેશમાં મોકલે છે.

યુવા વર્ગ હાર્દિક પટેલને ટેકો આપી રહ્યો છે અને સુરતમાં તેમની ઝુંબેશ પણ સારી રીતે ચાલી રહી છે.

સુરતની બાર શહેરી બેઠકો પૈકીની ચાર બેઠકો પર જોરદાર ટક્કર જોવા મળી શકે છે.

અગાઉની ચૂંટણીઓમાં 72 ટકા પાટીદારોએ બીજેપીને મત આપ્યા હતા. આ વખતે શું થશે એ કહી શકાય નહીં.''

line

ગામડાંઓમાં શાસનવિરોધી પવન

ગ્રામીણ મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં રસ્તાઓ ઘણા સારા છે. ગામડાંઓમાં શૌચાલયો છે, પાક્કાં ઘરો છે. એ જુઓ તો લાગે કે વિકાસ થયો છે તેમાં કોઈ શંકા નથી, પણ ત્યાં આંગણવાડી કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી.

તેઓ પરિવર્તન ઇચ્છે છે. એ લોકો સરકારી અને બિન-સરકારી કાર્યક્રમોમાં યોગદાન આપે એવી આશા રાખવામાં આવે છે, પણ તેમનો પગાર બહુ ઓછો છે. આથી તેઓ નારાજ છે.

આધારને રેશન કાર્ડ સાથે જોડવાના મુદ્દે પણ ઘણા લોકો નારાજ છે.

આદિવાસી વિસ્તારોના લોકોનું કહેવું એવું હતું કે, અગાઉ તેમના પરિવારનો કોઈ પણ સભ્ય જઈને રેશન લઈ આવતો હતો, પણ હવે જેની પાસે આધાર કાર્ડ નહીં હોય રેશન લેવા જશે તો તેના પરિવારને રેશન નહીં મળે.

ફિંગર પ્રિન્ટના સ્કેનિંગમાં થોડી ગડબડ થઈ જાય, તો પણ રેશન નથી મળતું. એ ગડબડના ઇલાજ માટે દૂર આવેલી સરકારી ઓફિસે જવું પડે છે.

બીજેપી અહીં લાંબા સમયથી સત્તા પર છે અને લોકો હવે એ વિચારવા લાગ્યા છે કે, 22 વર્ષમાં વર્ષમાં તેમના માટે કંઈ થયું નથી અને મોંઘવારી તથા મુશ્કેલી બન્નેમાં વધારો થયો છે.

line

શહેરી લોકો શું માને છે?

સુરતની પાવરલૂમ

ઇમેજ સ્રોત, Sam Panthaky/AFP/GettyImages

ઇમેજ કૅપ્શન, સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યમીઓ નરેન્દ્ર મોદીને જ ટેકો આપશે

જોકે, શહેરોમાં પરિસ્થિતિ અલગ છે. સુરતમાં તો એકદમ અલગ પરિસ્થિતિ જોવા મળી હતી.

કપડાંના વેપારીઓને જીએસટીને કારણે થયેલા નુકસાન વિશે ઘણું વાંચ્યું હતું, પણ ત્યાંની માર્કેટમાં લોકોએ કહ્યું હતું કે, તેઓ મોદીને મત આપશે.

વેપારીઓએ જણાવ્યું હતું કે, માર્કેટમાં અગાઉ જબરી ભીડ જોવા મળતી હતી, પણ જીએસટીને કારણે બજાર ખાલી રહેવા લાગ્યાં છે.

બજારમાં મંદી આવી છે, પણ તેના ઇલાજ માટે તેઓ મોદીને જ ટેકો આપશે, કારણ કે તેમણે ઇલાજની શરૂઆત કરી દીધી છે.

બીજેપી હારી જશે તો જીએસટીના દર ફરી ઘટાડીને સરકારે જે મદદ કરી છે, તેનો લાભ ફરી કદાચ નહીં મળે એવો વેપારીઓને ડર છે.

તેથી તેઓ ફરી બીજેપી પાસેથી આશા રાખી રહ્યા છે. અમદાવાદમાં મધ્યમવર્ગના લોકોમાં ઘણી બાબતે નારાજગી જોવા મળી હતી.

લોકોમાં ખાસ કરીને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છીનવાઈ જવાનો ડર જોવા મળ્યો હતો. લોકો સત્તારૂઢ પક્ષથી જ સંતુષ્ટ રહેવા ઇચ્છતા હોય એવું અનુભવાયું હતું.

line

વાંધો છે બીજેપી સામે

ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ

ઇમેજ સ્રોત, Sam panthaky/afp/getty images

ઇમેજ કૅપ્શન, ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ

ગુજરાતમાં સૌથી વધારે ગુસ્સો પાટીદારોમાં છે, એવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. પાટીદારોએ જણાવ્યું હતું કે, તેમને નરેન્દ્ર મોદી સામે નહીં, બીજેપી સામે છે.

પાટીદારોના જણાવ્યા મુજબ, તેઓ વ્યક્તિ અને પાર્ટીને ભેદ રાખે છે. તેમને નરેન્દ્ર મોદી માટે હજુ પણ આદર છે.

કોંગ્રેસ તરફ ઢળેલા લોકો બીજેપીને ઝટકો દેવા ઇચ્છે છે. એ લોકોએ કહ્યું હતું, ''બીજેપીને તેની ઓકાત દેખાડવી છે.''

રાજકોટમાં ઘણા લોકોએ એવું કહ્યું હતું, ''અત્યારે ઝટકો આપીશું, ફટકો મારીશું તો 2019 માટે લાઇનમાં આવી જશે, નહીં તો એમના મનમાં રાઈ ભરાઈ જશે.''

લોકો બીજેપીને રવાના કરીને બીજી સરકાર લાવવા નથી ઇચ્છતા. બીજેપી ઠીક થઈ જાય, તેનું અભિમાન ઉતરી જાય એવું લોકો ઇચ્છે છે.

line

બદલાયેલા રાહુલ ગાંધીની અસર

કોંગ્રેસના ઉપ પ્રમુખ રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Sam panthaky/afp/Getty Images

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી આ વખતે ગુજરાતમાં અલગ મિજાજમાં દેખાઈ રહ્યા છે

કોંગ્રેસના ઉપ પ્રમુખ રાહુલ ગાંધી આ વખતે ગુજરાતમાં અલગ મિજાજમાં દેખાઈ રહ્યા છે. તર્કબદ્ધ ભાષણો, આક્રમક અભિગમ અને એમનો નવો અવતાર જોવા મળી રહ્યો છે, પણ ગુજરાતને રાહુલ ગાંધીમાં નવો નેતા દેખાય છે?

આ વખતે એવું લાગી રહ્યું છે કે લોકો રાહુલ ગાંધીની વાત સાંભળી રહ્યા છે.

ગુજરાતમાં જે મૂડ છે, તેને કારણે લોકોમાં એવી આશા બંધાઈ છે કે, એક તક આપ્યા વિના રાહુલ ગાંધીને હડસેલી દેવા ઠીક નથી.

લોકો હવે એવું માનતા થયા છે કે, રાહુલ ગાંધીને સરકાર ચલાવવાની એક તક આપવી જોઈએ. એ પછી જ તેમની કાબેલિયત વિશે ટિપ્પણી કરવી જોઈએ.

સુરેન્દ્રનગરમાં કેટલાક લોકોએ નરેન્દ્ર મોદી માટે અપશબ્દો કહ્યા, ત્યારે રાહુલ ગાંધીએ તેમને અટકાવ્યા હતા.

રાહુલે એ લોકોને કહ્યું હતું, ''આવું હું પણ નહીં બોલું અને તમારે પણ નથી બોલવાનું, કારણ કે તેઓ આપણા વડા પ્રધાન છે.'' રાહુલની આ વાત લોકોને બહુ પસંદ પડી હતી.

line

યુપી પાલિકા ચૂંટણીના પરિણામની અસર થશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Indranil mukherjee/afp/Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સ્થાનિક સંદર્ભમાં વિચારીએ તો એવું સામાન્ય રીતે થતું નથી, પણ સોશિઅલ મીડિયાના આ દૌરમાં લોકોને દરેક પ્રકારના સમાચાર મળતા હોય છે.

તેથી ઉત્તર પ્રદેશ પાલિકા ચૂંટણીના પરિણામની કોઈ અસર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર નહીં પડે એવું કહેવું મુશ્કેલ છે.

જે લોકો ટેલિવિઝન પર, સોશિઅલ મીડિયા પર આ સમાચાર વાંચી રહ્યા હશે તેમણે માત્ર આ સમાચાર જ નહીં વાંચ્યા હોય.

નરેન્દ્ર મોદી પણ એવા લોકો સાથે જોડાઈ રહ્યા છે, જેઓ સોશિઅલ મીડિયા સાથે જોડાયેલા છે. એ લોકો મોદીને વાંચી પણ રહ્યા છે અને તેમની અપીલ પણ સાંભળતા હશે.

નરેન્દ્ર મોદી ખુદને એક એવા ગુજરાતી તરીકે પ્રસ્તુત કરી રહ્યા છે, જે કોઈ પણ ભોગે બધું બહેતર કરવા માટે તૈયાર હોવાનું વચન આપે છે. નરેન્દ્ર મોદી મેદાનમાં ન હોય તો બીજેપી બહુ ખરાબ રીતે ચૂંટણી હારી શકે છે.

line

શહેરી વિસ્તારોમાં બીજેપીનું પલડું ભારે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Indranil Mukherjee/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

મોદી લહેરનો જાદુ હજુ યથાવત છે એવું તો ન કહી શકાય, પણ શહેરી વિસ્તારોમાં બીજેપીનું પલડું ભારે છે.

ગુજરાતમાં બીજેપી વિરોધી વાતાવરણ રચાઈ રહ્યું હોવાનું પણ સ્પષ્ટપણે કહી શકાય.

કોંગ્રેસ અને હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી તથા અલ્પેશ ઠાકોરની ત્રિપુટી એક રીતે બીજેપી વિરોધી લહેર પર સવાર થઈ ગયાં છે.

ગુજરાતનો મતદાતા છેલ્લે શું વિચારશે તેનો આધાર, કોંગ્રેસ તથા ત્રિપુટી બીજેપી વિરોધી લહેરનો કેટલો લાભ લઈ શકે છે તેના પર છે.

કોંગ્રેસ માટે મોટી સમસ્યા એ છે કે, તેનું સંગઠન અત્યંત નબળું પડી ગયું છે. તેને ફરી મજબૂત બનાવવું પડશે.

બીજેપી પાસે સંખ્યાબંધ કાર્યકરો છે, પણ કોંગ્રેસના કિસ્સામાં એવું નથી. આ બાબત પણ કોંગ્રેસ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો