સત્યનારાયણ ઐયરે પોતાનું નામ બદલીને ‘રિગ્રેટ’ ઐયર કેમ રાખ્યું?

ઇમેજ સ્રોત, ASIF SAUD
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા
તેમના માતા-પિતાએ તેમનું નામ સત્યનારાયણ ઐયર રાખ્યું હતું. પરંતુ તેમણે એ નામ બદલીને 'રિગ્રેટ' ઐયર કરી દીધું.
જ્યારે હું 67 વર્ષના ઐયરને મળી, તેમણે મને કહ્યું કે બાળપણમાં તેઓ પત્રકાર બનવા માગતા હતા. અંતે એ જ તેમનું નામ બદલવા માટેનું કારણ બન્યું.
1970માં તેમણે કોલેજમાં એક લેખ લખ્યો હતો 'હું કોણ છું?' આ સવાલ દરેક ટીનેજરને સતાવતો રહે છે.
કોલેજ મેગેઝિનમાં એ લેખ પ્રકાશિત થતાં તેમને જે પ્રશંસા મળી તેનાથી તેમને લાગ્યું કે તેઓ પત્રકાર બની શકે છે.
તેમણે તંત્રીને પત્રો લખવાનું શરૂ કર્યું. જે આજના સમયમાં ઓનલાઇન વેબપોર્ટલના આર્ટિકલ પર કમેન્ટ કરવા બરાબર છે.

ઇમેજ સ્રોત, ASIF SAUD
તેઓ વધારે મહત્વાકાંક્ષી બન્યા. તેમણે પ્રખ્યાત કન્નડ ભાષાના પ્રખ્યાત સાંધ્ય દૈનિક 'જનવાણી'ને પોતાનો લેખ મોકલ્યો. જે બિજાપુર ગામના ઇતિહાસ પર હતો.
જેના થોડા દિવસો બાદ તેમને 'રિગ્રેટ લેટર' મળ્યો હતો. આ પત્રની શરૂઆતમાં તંત્રીએ તેમનો આભાર માન્યો હતો.
ત્યારબાદ તેમણે ખેદ સાથે જણાવ્યું હતું કે તેઓ આ લેખ પ્રકાશિત નહીં કરી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઐયરે મારી સાથે વાત કરતાં મને કહ્યું "હું નિરાશ થયો પરંતુ હિંમત ન હાર્યો."

ઇમેજ સ્રોત, ASIF SAUD
આવનારા કેટલાંક વર્ષો માટે તેઓ અંગ્રેજી અને કન્નડ ન્યૂઝપેપરને પત્રો, લેખો, કાર્ટૂન્સ, ફોટોગ્રાફ્સ અને કવિતાઓ મોકલતા રહેશે.
તેમણે મંદિરો, પ્રવાસન સ્થળો, લોકોની ફરિયાદો જેવા કેટલાય વિષયો પર પત્રો લખ્યા છે.
1970-80ના દાયકામાં તેમને ઓળખતા એક સ્થાનિક વરિષ્ઠ પત્રકાર કહે છે કે એ સમયે તેઓ તંત્રીઓ માટે દુ:સ્વપ્ન બની ગયા હતા.
તેમનું કેટલુંક કામ પ્રકાશિત પણ થયું. પરંતુ મોટા ભાગનું કામ નકારી દેવામાં આવ્યું.
થોડાં જ વર્ષોમાં તેમણે 375 'રિગ્રેટ લેટર' ભેગા કરી લીધા હતા. જેમાં ભારતની સાથે સાથે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો તરફથી મળેલા પત્રો પણ હતા.

ઇમેજ સ્રોત, ASIF SAUD
તેઓ કહે છે "મારા પર 'રિગ્રેટ લેટર'નો મારો ચાલ્યો. મને નથી ખબર કે મારું કામ કેમ નકારી દેવામાં આવતું હતું."
"મેં વિચારવાનું શરૂ કર્યું. હું ક્યાં ચૂક કરું છું. પરંતુ તંત્રીઓ તરફથી પ્રયાસ પણ નહોતો કરવામાં આવતો કે લેખક કે ફોટોગ્રાફરને જણાવે કે શું ભૂલ થઈ રહી છે."
વરિષ્ઠ પત્રકાર નાગેશ હેગડેને ઐયરના નવા નામ માટે શ્રેય અપાય છે. તેઓ કહે છે કે તેમને મળતા નકારનું કારણ તેમની 'ચીલાચાલુ' લેખન શૈલી હતી.
હેગડેએ તાજેતરમાં કહ્યું "તેઓ ન્યૂઝ એકઠા કરવામાં કુશળ હતા પણ તેઓ આકર્ષક રીતે લખી નહોતા શકતા અને તેમની લેખનશૈલી ચીલાચાલુ હતી."
અગ્રણી કન્નડ ન્યૂઝપેપર 'પ્રજાવાણી'માં કૉલમ લખતા હેગડેએ ઘણી વખત તેમનું કામ નકારી કાઢ્યું છે.
તેઓ કહે છે "ક્યારેક હું તેમનો લખેલો એકાદ ભાગ પ્રકાશિત કરી દેતો, જેથી તેમનો પીછો છૂટે."

ઇમેજ સ્રોત, ASIF SAUD
1980માં એક દિવસ સત્યનારાયણ ઐયર 'પ્રજાવાણી'ની ઑફિસ પહોંચ્યા હતા. તેમણે હેગડેને તેમના 'રિગ્રેટ લેટર'ની વાત કરી હતી.
"મેં તેમની પાસે પુરાવા માંગ્યા. બીજા દિવસે તેઓ બહુ બધા 'રિગ્રેટ લેટર' લઈને આવી ગયા હતા."
પછી તરતની કૉલમમાં હેગડેએ 'રિગ્રેટ ઐયર' વિશે લખ્યું હતું. હેગડે કહે છે કે કોઈપણ આ પ્રકારના પત્રોને છુપાવે છે પણ ઐયર તેને ગર્વથી બતાવે છે.
સત્યનારાયણ ઐયર સારી રીતે જાણે છે કે તેઓ નિષ્ફળતાને સફળતાની સીડી તરીકે ઉપયોગ કરી પોતાની સામેની પ્રતિકૂળતાને કઈ રીતે ફાયદામાં ફેરવવી.
ઐયર કહે છે "મારા માટે સંપાદકો પાસે ઘણાં નામ હતા પણ છેલ્લે 'રિગ્રેટ ઐયર' પર મહોર મારવામાં આવી. જ્યારે આ નામ મને મળ્યું ત્યારે ખબર પડી કે કલમની તાકાત કેટલી હોય."
એટલે તેઓ સિવિલ કોર્ટ ગયા અને નામ બદલવાનું સોગંદનામું કરાવી લીધું હતું.
તેઓ કહે છે કે મારા પાસપોર્ટ અને બેન્કનાં ખાતાથી લઈ મારી કંકોત્રીમાં પણ મેં આ જ નામનો ઉપયોગ કર્યો હતો.

ઇમેજ સ્રોત, ASIF SAUD
"પહેલાં લોકો મારા પર હસતા હતા. મારું અપમાન પણ થયું હતું. પરંતુ મારા પિતાએ મને હિંમત આપી.
જે રીતે મારા પરિવારે મને ટેકો આપ્યો એ જોઈને હું પોતાને સૌથી નસીબદાર વ્યક્તિ ગણું છું."
તેમનું મોટાભાગનું પુખ્તવયનું જીવન તેમના પિતાએ આપેલા રૂપિયા પર જ વીતી ગયું હતું.
પરંતુ ધીમે ધીમે તેમના જીવનમાં પરિવર્તન આવતું ગયું. તેમના વધારેને વધારે ફોટોગ્રાફ અને લેખો પ્રકાશિત થતા ગયા.
તેમણે સાચી રીતે કામ કરતા શીખી લીધું અને કર્ણાટકના અંગ્રેજી અને કન્નડ ન્યૂઝપેપરમાં તેમનો સ્વીકાર થવા લાગ્યો હતો.
"હું મારા કેમેરા, પેન, સ્કૂટર, હેલમેટ અને 'રિગ્રેટ ઐયર'ના લોગો વાળા શર્ટ સાથે હું વન-મેન આર્મી હતો."
સમય જતાં તેમની પત્ની અને બાળકોએ પણ તેમનું 'રિગ્રેટ ઐયર' નામ પોતાના નામ સાથે જોડી દીધું.

ઇમેજ સ્રોત, ASIF SAUD
હેગડે કહે છે "'રિગ્રેટ ઐયર'ને કર્ણાટકના પહેલા 'સિટીઝન જર્નલિસ્ટ' કહી શકાય, કદાચ ભારતના પણ પહેલા હોઈ શકે."
હેગડે કહે છે "અમારા માટે તેઓ તુચ્છ હતા. પરંતુ વાચકો માટે તેઓ મહાન હતા. લોકો ન્યૂઝપેપરમાં જેવી વાતો શોધતા હોય છે તેવા તેમના રિપોર્ટ અને ફોટોગ્રાફ્સ હતા. જેથી તેમને પ્રસિધ્ધિ મળી ગઈ."
"દ્રઢતા તેમની મોટી તાકાત હતી. તે સ્ટોરી મેળવવા કંઈપણ કરી છૂટતા હતા. અને એ પ્રસિધ્ધ થયા પછી તેમનાથી અધિકારીઓ ડરવા લાગ્યા."
"તેઓ હંમેશા કેમેરો સાથે રાખતા. તેઓ ગરીબો, ધરાશાયી થયેલા વૃક્ષો, પોલીસ એટ્રોસિટી, જાહેર પાણી વ્યવસ્થાના નળનાં લીકેજ, રસ્તામાં કચરાના ઢગ એમ બધી જગ્યાના ફોટોગ્રાફ્સ લેતા હતા."
તેમના જણાવ્યા મુજબ આટલી નિષ્ફળતાઓ બાદ પણ તેમણે ક્યારેય બૂમો ના પાડી. કારણ કે તેમનો નકાર સાથે લાંબો સંબંધ રહ્યો હતો.
ક્યારેક તેમણે તેમની નિષ્ફળતાની મોજ પણ માણી.

ઇમેજ સ્રોત, ASIF SAUD
"મેં 'ઇન્ટરનેશનલ રિગ્રેટ સ્લિપ કલેક્ટર્સ એસોસિયેશન' બનાવવાનો પણ પ્રયાસ કર્યો પણ કોઈ જોડાયું જ નહીં. કોઈ નિષ્ફ્ળ બનવા જ નથી માંગતું."
મેં ઐયરને પૂછ્યું કે તેમને તેમનું નામ બદલવાનો ક્યારેય અફસોસ થયો છે?
તેમણે તરત જ 'ના'માં જવાબ આપ્યો. તેઓએ સાથે જ ઉમેર્યું "તે 'રિગ્રેટ લેટર'ના કલેક્ટર તરીકે ઇતિહાસ તેમને લાંબો સમય યાદ રાખશે."
"એવો એક દિવસ આવશે જ્યારે 'રિગ્રેટ લેટર' હશે જ નહીં."
"આજની ડિજિટલ દુનિયામાં લોકો મને પૂછે છે કે આ 'રિગ્રેટ લેટર' શું હોય? એક દિવસ દુનિયાના બધા કમ્પ્યૂટરના સર્વર બંધ થઈ જશે પરંતુ મારા કબાટના 'રિગ્રેટ લેટર' એમના એમ જ રહેશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












