સંગીતે બદલી ઈરાનના પિયાનોવાદકની જિંદગી

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના પિયાનોવાદક રમિન બહરામી સાડા પાંચ વર્ષના હતા ત્યારે તેમણે જર્મન સંગીતકાર જે. એસ. બાકની એક સંગીતરચના સાંભળી હતી અને તેમનું જીવન બદલાઈ ગયું હતું.
સંગીત પ્રત્યેનો તેમનો ઉત્કટ પ્રેમ તેમને તેમની જન્મભૂમિથી ઈટલી લઈ ગયો હતો.
ઈટલીમાં તેમણે બાકના કામને સૌથી વધુ સારી રીતે સમજતા વિદ્વાનો પૈકીના એક તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.
રમિન બહરામીએ ઈરાનમાંનાં તેમના બાળપણ વિશે બીબીસી સાથે વાત કરી હતી.
''હું તહેરાનમાં ઉછર્યો છું. તહેરાન વિવિધ સંસ્કૃતિઓના રંગોથી રંગાયેલું શહેર હતું.
એ પર્શિયન સામ્રાજ્ય જેવું હતું, જ્યાં વિવિધ વર્ગના લોકો સાથે મળીને શાંતિથી રહેતા હતા.
મારો પરિવાર પર્શિયન સામ્રાજ્યની નાનકડી કૉપી જેવો હતો. મારા પપ્પા અર્ધા જર્મન અને અરધા ઇરાની હતા.
મારાં મમ્મી પૂર્વજો ટર્કી અને રશિયાના હતા. તેથી હું અલગ-અલગ સૂરો સાંભળીને મોટો થયો હતો. મારું ઘર વિવિધ સંસ્કૃતિનું સંગમસ્થાન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ પણ વાંચવું ગમશે:
સંગીતપ્રેમી પરિવારમાં મારો જન્મ થયો એ બદલ હું ખુદને સદભાગી માનું છું. સંગીત હંમેશાં મારા જીવનનો મોટો હિસ્સો બની રહ્યું છે.
હું ત્રણ વર્ષનો હતો ત્યારે કિચન ટેબલ પર ઊભો રહેતો હતો અને વિખ્યાત ઓરકેસ્ટ્રા કન્ડકટર હર્બટ વોન કારયાન હોવાનો ડોળ કરતો હતો. એ બહુ ક્રેઝી બાળક હતો.
હું સવારે ઉઠીને મહાન જર્મન સંગીતકાર લુડવિગ વાન બીથોવનની નાઈન્થ સિમ્ફની સાંભળતો હતો.
બપોરે પ્રસિદ્ધ અમેરિકન ગાયક, સંગીતકાર તથા અભિનેતા એલ્વિસ પ્રિસ્લીને સાંભળતો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
બપોરે ત્રણેક વાગ્યે આર્મેનિયન ગીતો સાંભળતો હતો અને સાંજે પાંચ વાગ્યે મારા નહાવાનો સમય થતો હતો.
મારી જિંદગી એવી હતી. તહેરાનમાં શરદઋતુની એક બપોર મારા જીવનમાં મોટું પરિવર્તન લાવી હતી.
એ સમયે હું સાડા પાંચ વર્ષનો હતો અને અમે પેરિસથી પાછી આવેલી એક ફેમિલી ફ્રેન્ડને મળવા ગયાં હતાં.
એ પેરિસથી કર્ણમંજુલ સંગીતની રેકોર્ડઝ લાવી હતી.
એ સાંભળીને હું પહેલી નજરે જ સંગીતના પ્રેમમાં પડી ગયો હતો. એ સંગીત ઉન્માદભર્યું અને હ્રદયસ્પર્શી હતું.
મને એ સમયે જ સમજાઈ ગયું હતું કે મારે ઘરે જઈને બાકના મ્યુઝિકનો અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ.
એ સંગીત મારા હૈયામાં, આત્મામાં, રગેરગમાં પ્રસરી ગયું હતું અને આજે 40 વર્ષ પછી પણ એ અનુભૂતિ મારી સાથે છે.
મારા પપ્પા અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ હતા. તેમણે એન્જિનિયર તરીકે કામ કર્યું હતું.
આયાતોલ્લા ખૌમેનીએ મારા પપ્પાને સત્તા પરથી હટાવી દીધા હતા.
એક દિવસ મારા પપ્પા અચાનક ગૂમ થઇ ગયા હતા. બાદમાં અમને ખબર પડી હતી કે મારા પપ્પા જેલમાં છે.
અમે તેમને મળી કે તેમની સાથે વાત કરી શકતા ન હતા, પણ તેઓ અમને સુંદર પત્રો લખતા હતા.
એ પૈકીનો તેમનો એક પત્ર મેં આજે પણ સાચવી રાખ્યો છે.
એ પત્રમાં તેમણે લખ્યું હતું કે મહાન કળાકારોની સંગતમાં રહેજે કારણ કે તેઓ તને છોડીને ક્યારેય નહીં જાય.
સંસ્કૃતિ માટેનો મારા પપ્પાનો પ્રેમ તેમનો સૌથી મોટો વારસો છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે મને બાકનું સંગીત સાંભળવા પ્રોત્સાહિત કર્યો હતો. મને લાગે છે કે મારા પપ્પાની ગેરહાજરીને કારણે સર્જાયેલો અવકાશ બાકે પૂર્યો હતો.
આઠ વર્ષ બાદ મારા પપ્પા જેલમાં મરણ પામ્યા હતા. તેમને અંતિમ વિદાય આપવાની તક પણ મને મળી ન હતી.
તેમના મોતના સમાચાર સાંભળ્યા એ દિવસ મારી જિંદગીનો સૌથી ગમગીન દિવસ હતો.
પપ્પા સાથે ફરી હવે ક્યારેય મુલાકાત નહીં થાય એ વાત હું માની જ શકતો ન હતો.
એટલે હું રડી શક્યો ન હતો. હું પિયાનો સામે બેસતો હતો અને કી-બોર્ડ સામે તાકતો રહેતો હતો.
હું બાકની ધૂનો વગાડી શકતો ન હતો, કારણ કે બાક અમર છે, એ મૃત્યુની પેલે પાર છે.
તેથી મેં ઓસ્ટ્રિયાના મહાન કમ્પોઝર ફ્રાન્ઝ પીટર શૂબરની ધૂનો વગાડવાનું પસંદ કર્યું હતું.
શૂબર્ટે અદભૂત ધૂનો રચી હતી અને પીડામાંથી બહાર આવવા મને તેની જરૂર હતી. તમે સમજી શકો છો કે સંગીત મારી જિંદગી છે.
મારા પપ્પા સાથે જે થયું તેને પગલે મેં અને મારી મમ્મીએ ઇરાન છોડવાનો ફેંસલો કર્યો હતો.
હું દસ વર્ષનો હતો. હું દસ વર્ષનો હતો અને બાક જર્મનીમાં રહેતા હતા એટલે જર્મની જવા ઈચ્છતો હતો,
પણ એક દિવસ ઈટલીના રાજદૂત મારા પરિવારને મળવા આવ્યા હતા. તેમણે મને પિયાનો બજાવતો સાંભળ્યો હતો.
તેમણે મને ઈટલીની પ્રતિષ્ઠિત મ્યુઝિક સ્કૂલમાં એડમિશન લેવા જણાવ્યું હતું. મેં એમ કર્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
મને સ્કોલરશિપ મળી, વીઝા મળ્યા. પછી હું અને મારી મમ્મી મિલાન જવા રવાના થયા હતા.
મિલાને મને આવકાર્યો હતો અને કેટલીક આશ્ચર્યકારક વ્યક્તિઓ સાથે મુલાકાતની તક આપી હતી.
એ બધું મારા પરિવારનો હિસ્સો બની ગયું છે. એ મારા જીવનનો સૌથી ખુશહાલ તબક્કો હતો.
એ બધાં વર્ષોમાં બાકે મારો સાથ ક્યારેય છોડ્યો ન હતો. ખરેખર તો એ મારા જીવનનો વધારે મહત્વનો હિસ્સો બની ગયા હતા.
બાકને કારણે જ હું મારી પત્નીને મળી શક્યો હતો. મારી પત્ની ઈટલીની સૌથી વધુ પ્રતિભાશાળી ઓર્ગનવાદકો પૈકીની એક છે.
એ મારા એક ક્લાસમાં આવી હતી અને ઓર્ગન વગાડવા લાગી હતી.
બાકની રચનાને સુંદર રીતે વગાડી શકતી આ સ્ત્રીને જ મારે પરણવું જોઈએ એ મેં નક્કી કરી લીધું હતું.
મારી ત્રણ વર્ષની દિકરીને અભ્યાસ કરાવવામાં પણ બાક મારી મદદ કરે છે. તેનું એક ઉદાહરણ આપું છું.
આપણે બધાની વાત સાંભળવી જોઈએ અને મતભેદ દૂર કરવા જોઈએ એ વાત મારી પુત્રીને સમજાવવા હું બાકના કાઉન્ટર પોઈન્ટ કન્સેપ્ટનો ઉપયોગ કરું છું.
કાઉન્ટર પોઈન્ટનો અર્થ છે એક સૂરની સામે બીજો સૂર.
એક સૂર પછીનો બીજો સૂર...બધા સૂર ભલે અલગ-અલગ હોય, પણ તેઓ સાથે મળીને સુમધુર ધૂન સર્જે છે.
વિવિધ સૂરોની માફક લોકો પણ સંઘર્ષ વિના સંપીને રહેવાનું શીખી શકે. બાક તેના સંગીત સાથે આ સમજાવે છે.
મને લાગે છે કે બાકની મારા જીવન પર ઊંડી અસર થઈ છે. હું એમ કહીશ કે તેણે મારું જીવન બચાવ્યું છે.
હું આજે પણ મુશ્કેલ સ્થિતીમાં હોઉં ત્યારે બાક મને ઉગારે છે અને સૌથી મહત્વની વાત- મારી કોફી મેટ પર બાકના ચહેરાનું ચિત્ર છે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












