You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સતીશ ઇન્ડિયા ગેટ પર સૂટ-બૂટ પહેરીને કેમ કચરો ઉપાડે છે?
- લેેખક, નવીન નેગી
- પદ, બીબીસી સંવાદદાતા
તે સૂટ-બૂટ પહેરીને આવે છે અને ગળામાં કાળી ટાઈ અને માથે ટોપી પહેરવાનું ક્યારેય નથી ભૂલતા. આંખો પર લગાવેલા ચશ્મા તેમના અનુભવની ઝલક આપે છે.
દિલ્હીના ઇન્ડિયા ગેટ નજીક જોવા મળતી આ વ્યક્તિના પોષાક અને વાતચીત કરવાની છટા પરથી આપણે તેમના પ્રભાવ અને સંપત્તિ વિશે કોઈ અંદાજ લગાવીએ તે પહેલાં જ તે એક વિશિષ્ટ સ્કૂટર પરથી ઊતરી કચરો ઉઠાવવા લાગે છે.
તમને આ પણ વાંચવું ગમશે
અમે વાત કરી રહ્યા છીએ સતીશ કપૂરની. તેમની ઉંમર 79 વર્ષ છે, પરંતુ ઉંમર એ તેમના માટે માત્ર એક આંકડા સમાન છે.
લોકો તેમને જોઈને આશ્ચર્ય પામે છે. કેટલાંક લોકો હસે પણ છે, પરંતુ કમરથી નમી તે ધીરે-ધીરે કચરો વીણવાના કામમાં લાગ્યા રહે છે.
'ગંદકી જોઈ ખિન્ન થયો'
સામાન્ય રીતે આ ઉંમરે જ્યારે વૃદ્ધો ઘરે આરામ કરવાનું પસંદ કરતાં હોય, ત્યારે સતીશ ઈન્ડિયા ગેટ પર સફાઈ શા માટે કરી રહ્યા છે?
જવાબમાં તેમણે કહ્યું, "ગત વર્ષે 17મી સપ્ટેમ્બરે હું મારો જન્મદિવસ ઉજવવા ઈન્ડિયા ગેટ પર આવ્યો હતો."
"હું ઈચ્છતો હતો કે શહીદોના આ મંદિરમાં જન્મદિવસની ઊજવણી કરું, પરંતુ અહીં પડેલી ગંદકી જોઈને હું ખિન્ન થયો હતો. મેં ત્યારે વિચાર્યું કે હું જ આ કચરાને શા માટે સાફ ન કરું?"
સતીશ કપૂર દરરોજ ગ્રેટર કૈલાશથી નીકળી સાંજે ચાર વાગ્યે ઈન્ડિયા ગેટ પહોંચી જાય છે. 6 વાગ્યાની આરતી સુધી તે અહીં રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "જો મેં આ કામ માટે કોઈની મદદ મળવાની રાહ જોઈ હોત તો ઘણો સમય લાગી જાત. એટલે મેં વિચાર્યું કે આ કામને એકલા હાથે શરૂ કરી દેવું જોઈએ. સાંજની આરતી સુધી હું અહીં કચરો સાફ કરું છું."
'ડંડાવાળા અંકલ'
સતીશ કપૂર છેલ્લાં એક વર્ષથી ઈન્ડિયા ગેટ પર સફાઈ કરી રહ્યા છે. તે પોતાની સાથે લાકડી રાખે છે. જ્યારે કોઈ કચરાપેટીમાં કચરો ન નાંખે ત્યારે તેમને ઠપકો આપવા માટે સતીશ તેમને લાકડી પણ બતાવે છે.
ઇન્ડિયા ગેટ પરના લારી-ગલ્લાવાળાં પણ તેમને ઓળખવા લાગ્યા છે. તે કહે છે કે 'ડંડાવાળા અંકલ' રોજ અહીં આવે છે અને સૌને કચરો કચરાપેટીમાં નાખવાનું સૂચન કરે છે.
સતીશને જોઈને હવે અન્ય લોકો પણ કચરો વીણવામાં તેમની મદદ કરે છે. જ્યાં-ત્યાં પડેલા કચરાને ઉપાડીને લોકો સતીશના સ્કૂટરમાં રાખેલી પોલિથિન બેગમાં રાખી જાય છે.
લાકડી બતાવવાની આદત પર સતીશ કહે છે, "લોકોને સમજાવતા-સમજાવતા મને ઘણીવાર ગુસ્સો આવી જાય છે. કેટલાંક લોકો મારી વાત જરા પણ નથી માનતા અને સમજાવવા છતાં કચરો રસ્તા પર ફેંકી દે છે."
"તેમને ડરાવવા માટે મેં આ લાકડી રાખી છે. એકવાર આ બાબતે કેટલાંક યુવાનો મારી સાથે ઝગડવા લાગ્યા ત્યારે મને ડર લાગ્યો કે ક્યાંક તે લોકો મારી સાથે મારપીટ ન કરી બેસે. છતાં પણ મેં લાકડી બતાવવાનું નથી છોડ્યું."
પિતા પાસેથી મળી પ્રેરણા
સતીશ જણાવે છે કે આઝાદી પહેલાં તેમનો પરિવાર પાકિસ્તાનમાં રહેતો હતો. ભાગલા વખતે તેમનો પરિવાર પાકિસ્તાન આવ્યો હતો અને તેમના પિતાએ અહીં ઈંટોનો ભઠ્ઠો શરૂ કર્યો હતો.
શરૂઆતમાં તે પહાડગંજ વિસ્તારમાં રહેતા હતા. તેમના પિતા સાયકલ પર ભઠ્ઠાએ પહોંચતા હતા. તેમને યાદ કરીને સતીશ કહે છે, "તેમની મહેનતને લીધે આજે અમે શાંતિપૂર્ણ જીવન જીવીએ છીએ."
"મેં મારા પિતાને મહેનત કરતા જોયા છે અને તેથી મેં વિચાર્યું છે કે હું પણ છેલ્લાં શ્વાસ સુધી કોઈને કોઈ સારું કામ કરતો રહીશ."
સતીશ જણાવે છે, "હું કૉલેજનું ભણતર પૂરું કર્યા વિના વ્યવસાયમાં લાગી ગયો હતો. પહેલાં મેં ગાડીઓ ભાડે આપવાનો વ્યવસાય કર્યો અને બાદમાં બીજા વ્યવસાયો પર પણ હાથ અજમાવ્યો."
"હું કોઈ એક જગ્યાએ રોકાઈને રહેનારો માણસ નથી."
અલગ પ્રકારનું સ્કૂટર બનાવડાવ્યું
જે સ્કૂટર પર સતીશ રોજ ઇન્ડિયા ગેટ આવે છે તે પણ ખૂબ ખાસ પ્રકારનું છે. તેને થ્રી-વ્હીલરમાં ફેરવવામાં આવ્યું છે.
તેની છત પર એક સોલર પેનલ લાગેલી છે. આ સ્કૂટરને મોડીફાઈ કરવામાં લગભગ દોઢ લાખ રૂપિયાનો ખર્ચો થયો છે.
સતીશ કહે છે, "કચરો ઉપાડવા માટે મારે વારંવાર નીચે નમવું પડતું હતું જેના કારણે મારી કમર અને કરોડરજ્જુ પર અસર પડતી હતી."
"ડૉક્ટરે મને કમરથી નમવાની ના કહી છે. તેથી મેં સ્કૂટરને થ્રી-વ્હીલરમાં ફેરવ્યું છે, જેથી તેને ચલાવવું મારા માટે સરળ થઈ શકે."
સતીશ તેમની સાથે હાથ ધોવા માટે પાણી અને સેનિટાઈઝર પણ રાખે છે. સ્કૂટરની આગળના ભાગે એક નાનો ટુવાલ પણ રાખે છે.
જ્યારે કોઈ કચરો ઉપાડીને તેમના બેગમાં નાખે ત્યારે સતીશ તેમને હાથ ધોવાનું સૂચન કરવાનું ક્યારેય નથી ભૂલતા.
શિયાળાના દિવસોમાં સ્કૂટરમાં ચાર્જિંગ કરવું મુશ્કેલ થઈ જશે તેથી થોડાં સમયમાં તે ઈલેક્ટ્રિક ચાર્જિંગથી ચાલતું સ્કૂટર ખરીદવાના છે.
તેમણે સ્કૂટરમાં લાઉડસ્પીકર અને માઈક પણ રાખ્યા છે. પેનડ્રાઈવમાં રહેલો તેમનો રેકૉર્ડેડ અવાજ પણ લાઉડસ્પીકર પર વાગતો રહે છે.
લાઉડસ્પીકર વિશે તે કહે છે, "આ ઉંમરમાં વધુ જોરથી બોલવું મુશ્કેલ થઈ જાય છે એટલે હું માઈક અને લાઉડસ્પીકર સાથે રાખુ છું. કેટલીકવાર વધુ બોલવાના કારણે શ્વાસ ચડે છે."
"તેથી મેં મારો અવાજ રેકૉર્ડ કરી પેનડ્રાઈવમાં સ્ટૉર કર્યો છે, જેને સ્પીકર પર વગાડું છું."
'લોકો મજાક ઉડાવે છે, પરંતુ પરિવર્તન થાય છે'
ઇન્ડિયા ગેટ પર રોજ સેંકડો મુલાકાતીઓ આવે છે. તેમના માટે સતીશ કપૂર એક કુતૂહલ સમાન છે. કેટલાંક લોકો તેમને જોઈને હસે છે. સતીશ પણ સામે હસીને કહે દે છે, "હસી લો, પરંતુ કચરો કચરાપેટીમાં જ નાંખો."
શું એક વર્ષમાં લોકોના વ્યવહારમાં કોઈ પરિવર્તન આવ્યું છે? જવાબમાં સતીશ કહે છે, "લોકો ધીરે-ધીરે બદલાઈ રહ્યા છે. તે મારું સ્કૂટર જોતાં જ કચરો ઉપાડવા લાગે છે."
"જો કે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. ક્યારેક-ક્યારેક મને લાગે છે કે હું ક્યાં સુધી લોકોને ખીજાતો અને સમજાવતો રહીશ."
વૃદ્ધત્વના કારણે ધીમે પગલે ચાલીને કચરો ઉપાડતા સતીશને જોઈને લાગે છે કે કદાચ પોતાના યુવાન જુનૂનના જોરે ક્યારેક તેઓ ઇન્ડિયા ગેટ આસપાસનું દરેક તણખલું વીણી લેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો