ડો.મનમોહનસિંઘ: નોટબંધીએ દેશના અર્થતંત્રને તોડી નાખ્યું છે

ઇમેજ સ્રોત, AFP
નોટબંધીને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ 7મી નવેમ્બરે અમદાવાદના પ્રવાસે હતા.
અહીં તેમણે હાલની કેન્દ્ર સરકાર પર નોટબંધી મામલે પ્રહારો કર્યા હતા.
સિંઘે કહ્યું, "એક તરફ નોટબંધી અને બીજી તરફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના (જીએસટી) ઝડપી અમલીકરણે દેશના અર્થતંત્ર પર નકારાત્મક અસરો કરી છે."
તમને આ પણ વાચવું ગમશે
મનમોહન સિંઘે કહ્યું કે નોટબંધીને કારણે સમગ્ર દેશમાં નાના ઉદ્યોગો ભાંગી પડયા હતા.
ગુજરાતમાં ખાસ કરીને રાજકોટ, મોરબી, સુરત અને વાપીના નાના ઉદ્યોગોએ નોટબંધીને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નોટબંધી એ માત્ર વિકલ્પ નથી

ઇમેજ સ્રોત, Getty Images
ડો. સિંઘે કબુલ્યું હતું કે દેશમાં કરચોરી અને કાળાંનાણાને ડામવું જરૂરી છે પણ નોટબંધી એ એકમાત્ર વિકલ્પ નથી.
ડો. સિંઘે જણાવ્યું કે, "નોટબંધીના ફાયદાઓ કરતા વધારે નુકસાન થવાની શક્યતા અને અર્થતંત્ર પર થતી આડઅસરોની સંભાવના જોતા અમારી સરકારે નોટબંધીની સલાહને નકારી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે સાથે ડો. સિંઘે કહ્યું કે લેસકેશ (રોકડા નાણાંનો ઓછો વપરાશ) અર્થતંત્ર કરવાની વડાપ્રધાનની અપેક્ષા પણ ઠગારી નીવડી છે.
હાલના સમયમાં ચલણમાં 90%ની આસપાસ રોકડ રકમ અર્થતંત્રમાં હજુ કાર્યરત છે.
ડો. સિંઘે આક્ષેપ કર્યો કે નોટબંધીને કારણે દેશનો આર્થિક વૃદ્ધિ દર 2% તૂટ્યો છે.
આર્થિક વૃદ્ધિ દરમાં 1%ના ઘટાડાએ અંદાજિત દોઢ લાખ કરોડનું નુકસાન થાય છે.
જેને કારણે આજે ભારતમાં ઉદ્યોગો મંદીમાં સપડાયા, નાના ઔદ્યોગિક એકમો બંધ થયા અને કરોડો લોકોએ નોકરીઓ ગુમાવી.
નોટબંધી પહેલા દેશનો આર્થિક વૃદ્ધિ દર 7.5% હતો અને નોટબંધી બાદનો આર્થિક વૃદ્ધિ દર 5.7% છે.

કાળુંનાણું નાબૂદ થયું?

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
મનમોહન સિંહે કાળાંનાણા વિશે બોલતા કહ્યું કે નોટબંધીની ઘોષણામાં 500 અને 1,000 રૂપિયાની ચલણી નોટો નાબૂદ અને 2,000 રૂપિયાની નોટ અર્થતંત્રમાં દાખલ કરવાનો નિર્ણય તદ્દન ખોટો હતો.
તેમણે કહ્યું, "આ નોટબંધી કાળુંનાણું નાબૂદ કરવા માટે નિષ્ફળ રહી છે અને ગરીબ વર્ગ હેરાન થયો."
"નોટબંધી એ માત્ર ગર્જના હતી જેના ચોક્કસ રાજકીય લાભ લણવામાં આવ્યા છે જ્યારે સામે પક્ષે જે અપરાધીઓ હતા તે છટકી ગયા છે."
"જે વાત તેમણે સંસદમાં કહી હતી તે વાત આજે પણ તેઓ ફરી ફરીને કહે છે કે નોટબંધી એ મોદી સરકાર દ્વારા અમલમાં મુકાયેલી સંગઠિત લૂંટ અને કાયદેસરની ભૂલ છે."
તેમણે કહ્યું કે નોટબંધીની ઘોષણા આતંકવાદને નાણાકીય સહાય પર રોક, કાળા નાણાં પર કાબુ અને ખોટી ચલણી નોટોનો અર્થતંત્રમાંથી ખાત્મો કરવાના હેતુથી કરાઈ હતી.
પરંતુ આ હેતુઓ પાર પાડવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. મને ક્યારેક ક્યારેક એ વિચાર આવે છે કે નોટબંધીની સલાહ વડાપ્રધાનને (નરેન્દ્ર મોદીને) કોણે આપી હશે?

ભાજપની પ્રતિક્રિયા

ભાજપે સિંઘના આક્ષેપોને નકારતા કહ્યું કે પોલિસી પેરાલીસીસથી પીડિત અર્થતંત્રમાં એક પ્રકારે જોમ અને ઝંઝાવાત લઈ આવવો જરૂરી હતો.
નોટબંધીનો નિર્ણય એ કોઈપણ રાષ્ટ્ર્માં ન થયેલી અભૂતપૂર્વ નાણાકીય કવાયત છે.
જેટલીએ ઉમેર્યું કે કેશલેસ કે ડિજિટલ અર્થવ્યવસ્થાને કારણે ભ્રષ્ટાચાર પર કાબુ મેળવવા જે પ્રયત્નો થયા છે તેને વેગ મળશે.
જો આ દેશને એક વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો એક લેસકેશ અર્થતંત્ર બનવું આવશ્યક છે.

ઉદ્યોગોનો સુર

ઇમેજ સ્રોત, AFP
ડો. સિંઘે સુરત, વાપી, રાજકોટ અને મોરબીના કરેલા ઉલ્લેખને અંગે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગીક જગત સાથે સંકળાયેલા લોકો સાથે વાતચીત કરી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સમીર શાહે સ્વીકાર્યું કે નોટબંધીએ નાના વેપારીઓ અને નાના ઉદ્યોગોની કમર તોડી નાખી છે.
શાહે કહ્યું, "નાના વેપારીઓને ધંધો કરવા સહેલાઇથી ધિરાણ મળી રહે તે જરૂરી છે.
"નોટબંધીની આડઅસર રૂપે નાના વેપારીઓ-નાના ઉદ્યોગો તૂટયા, લોકો બેરોજગાર થયા એટલે બજારોમાં પૈસાનો વપરાશ ઓછો થયો છે."
"આજે લોકો પાસે હજુ પણ પૈસાની અછત છે અને એટલે તેઓ છૂટથી પૈસા વાપરતા નથી."
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ પ્રમુખ રોહિત મહેતા કહે છે કે નોટબંધીની આડઅસરો હવે સુધારવી શક્ય નથી.
જો કે અર્થતંત્રને કેશલેસ તરફ લઈ જવાની દિશામાં સરકારે તેની ગતિ ધીમી કરવાની જરૂર છે.
ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એશોસિયેશનના મેનેજીંગ ડાયરેક્ટર નિમિષ ફડકે કહે છે કે સરકાર નોટબંધીની ભૂલ સુધારી શકે એવા કોઈ સંકેતો હાલ અર્થતંત્રમાં કે રાજકીય ઈચ્છાશક્તિની દ્રષ્ટિએ જોવા નથી મળતા.

નોટબંધીની રાજકીય અસર

ઇમેજ સ્રોત, AFP
નોટબંધીનું એક વર્ષ પૂર્ણ થયે આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ નિર્ણયની પહેલી વર્ષગાંઠે રાજકીય ક્ષેત્રે કેવા પ્રત્યાઘાતો જોવા મળશે?
આ પ્રશ્નના જવાબમાં અમદાવાદ સ્થિત રાજકીય વિશ્લેષક અચ્યુત યાજ્ઞિક કહે છે, "અહેવાલો મુજબ નોટબંધીને કારણે ગુજરાતમાં 25% નાના ઉદ્યોગો બંધ થયા છે. ખાસ કરીને નોટબંધીની વ્યાપક આડઅસરો સૌરાષ્ટ્રમાં (જે પટેલ સમુદાયનો ગઢ છે ત્યાં) જોવા મળી છે."
"નોટબંધીને કારણે જે લોકોએ નોકરીઓ ગુમાવી છે અને રોજીરોટી પર જ્યાં અસર થઈ છે તે વર્ગ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે."
"એનો અર્થ એ નથી થતો કે ભાજપ હારી જશે પણ આવી પરિસ્થિતિમાં ભાજપને ચૂંટણી જીતવી અઘરી છે."
"રાજકીય આકલન મુજબ તેમને મળનારી બેઠકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે."
યાજ્ઞિકે ઉમેર્યું કે ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં હજુ ભાજપ મજબૂત પકડ ધરાવે છે જ્યાં નોટબંધીની અસરો એટલી વ્યાપક ન હતી.

નોટબંધીની સામાજિક અસર

ઇમેજ સ્રોત, Getty Images
એચ. એલ. કોમર્સ કૉલેજના પ્રોફેસર ડો. મહેશ શાહ કહે છે કે નોટબંધીના નિર્ણયથી ગરીબ અને સમાજના નીચલા વર્ગને બહુ મોટી હાલાકીઓ ભોગવવી પડી છે.
શાહ જણાવે છે કે અર્થતંત્ર એટલે તૂટ્યું છે કારણ કે ઉત્પાદન ઘટ્યું છે.
ભારત દેશનું 92% ઉત્પાદન અસંગઠિત (અનઓર્ગનાઈઝડ) ક્ષેત્રે થાય છે જ્યારે માત્ર 8% ઉત્પાદન સંગઠિત (ઓર્ગનાઇઝડ) ક્ષેત્રે થાય છે.
શાહ આ સંદર્ભે થોડો મતભેદ ધરાવે છે અને કહે છે, "જુના ગણિત મુજબ આર્થિક વૃદ્ધિ દર 3.7% થયો છે અને એટલે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે ઉત્પાદન ક્ષેત્રે આ નોટબંધીની ભયંકર અસરો થઈ છે."
શાહ કહે છે, "નોટબંધીને કારણે બેરોજગારી વધી છે કારણ આજે દેશમાં ચાર કરોડ નાના વેપારીઓ અને બે કરોડ નાના ઉદ્યોગકારો છે જેમના આર્થિક વ્યવહારો રોકડામાં જ ચાલે છે."
શાહ ઉમેરે છે કે દેશના ચલણમાં રહેલી 86% ચલણી નોટો રાતોરાત ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવી.
જેના કારણે આ ધંધાઓ સાથે સંકળાયેલો ગરીબ મજૂર કે છેવાડાનો વર્ગ તેની રોજગારી ગુમાવી બેઠો કારણ કે તેમને વળતર આપવા માટેના નાણાં ચલણમાં ન હતા.

હવે સરકાર નોટબંધીની ભૂલ કેવી રીતે સુધારી શકે?

ઇમેજ સ્રોત, AFP
શાહ ભારપૂર્વક કહે છે, "નોટબંધી એ કોઈ કુદરતી હોનારત ન હતી. આજે સરકાર કુદરતી હોનારતમાં નુકસાની માટે વળતરની ઘોષણા કરે છે."
શાહ કહે છે, "પૂર પીડિતો કે ધરતીકંપ પીડિતો જે કુદરતી હોનારતો છે અને તેના અસરગ્રસ્તો માટે સરકાર કેશડોલ્સ આપે છે."
"નોટબંધી એ પણ એક માનવસર્જિત કૃત્ય હતું તો નોટબંધી દરમ્યાન રોજિંદી આવકનું નુકસાન પામેલા પીડિતોને તેમના કુટુંબના સભ્યો દીઠ ગણતરી કરીને સરકાર કેમ કોઈ નાણાકીય સહાય જાહેર નથી કરતી?"

સરકાર કરે તો પણ શું કરે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતાને કારણે હાલ સરકાર પ્રકારની લોકભોગ્ય કે નાણાકીય જાહેરાતો કરી શકે એમ નથી.
જેથી આ સંદર્ભે સરકાર તુરંત કોઈ નિર્ણય લે એવી શક્યતાઓ દેખાતી નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














