બેગ ભરીને ચલણી નોટોથી જ્યાં ખરીદી શકાય છે થોડા શાકભાજી!
મૈથ્યુ વિકેરી
બીબીસી ફ્યુચર

ઇમેજ સ્રોત, Getty Images
સરકાર દેશની અર્થવ્યવસ્થા કેશલેસ બનાવવા માંગે છે. ડિજિટલ લેવડ-દેવડને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. લોકોને રોકડમાં ઓછી લેવડ-દેવડ કરવા માટે અવગત કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે નોટબંધીનું એલાન કર્યું હતું, ત્યારે એમનો આશય દેશમાં કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહિત કરવાનો હતો.
તમામ કોશિશ અને અનેક દાવાઓ કર્યા બાદ પણ આપણા દેશમાં રોકડમાં વ્યવહારો કરવા માટેનો લોકોનો પ્રેમ ઓછો થયો નહિ. ચલણી નોટો બજારમાં પર્યાપ્ત પ્રમાણમાં મળ્યા બાદ રોકડા નાણાકીય વ્યવહારો એજ સ્તર પર પહોંચી ગયા, જે ૮ નવેમ્બર ૨૦૧૬ પહેલા હતા.
આપણે ત્યાં કેશલેસ ઈકોનોમીની સરકારની પુરજોર કોશિશો પણ નાકામ રહી છે. પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં સરકારની કોઈપણ પ્રકારની કોશિશ વગર સમગ્ર દેશના આર્થિક વ્યવહારો કેશલેસ્સ થઇ રહ્યા છે. આ દેશ ન તો ભારતની જેમ વિકાસશીલ રાષ્ટ્ર છે કે ન તો ટેક્નોલોજી ક્રાંતિનો દાવેદાર છે, તેમ છતાં આ દેશના ૮૦% ટકાથી વધારે આર્થિક વ્યવહારો કેશલેસ રીતે થઇ રહ્યા છે.

ઇમેજ સ્રોત, AFP/SIMON MAINA

લોકો ચલણીનોટોની થપ્પીઓ રેંકડીમાં લાદીને બજારમાં લઇ જાય છે.
આ દેશનું નામ સોમાલીલેન્ડ છે, ઉત્તરી આફ્રિકામાં એડનની ખાડી આસપાસ ૧૯૯૧માં સોમાલિયાથી અલગ પડીને સોમાલીલેન્ડ - એક નવા દેશની સ્થાપના કરવામાં આવી હતી. જો કે અત્યાર સુધી કોઈ રાષ્ટ્રે સોમાલીલેન્ડને માન્યતા આપેલ નથી, તેમ છતાં ૪૦ લાખની વસ્તી વાળા આ દેશે આપમેળે સ્વાયત્તતાનો દાવો કરી દીધેલ છે.
સોમાલીલેન્ડ બહુ ગરીબ દેશ છે. આ દેશથી મોટામાં મોટી નિર્યાત ઊંટોની થાય છે. આ દેશનો અડધો વિસ્તાર રણ-પ્રદેશ છે અને બાકી નો અડધો વિસ્તાર હંમેશા દુષ્કાળ પ્રભાવિત વિસ્તાર હોવાને કારણે, સોમાલીલેન્ડમાં ભયંકર ભૂખમરો અને ગરીબી જોવા મળે છે.
અહીંનું ચલણ શિલિંગ છે જેનું કોઈ મૂલ્ય ન હૉવાને કારણે એક અમેરિકી ડોલરની સામે ૯ હજાર શિલિંગની ચલણી નોટો આપવી પડે છે. સોમાલીલેન્ડમાં શિલિંગનું ચલણ ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની ચલણી નોટોના સ્વરૂપે જોવા મળે છે. જો તમારે એક સિગારેટ પણ ખરીદવી હોય તો ૫૦૦ અને ૧,૦૦૦ની નોટ જોઈએ, એક થેલી ભરીને શાકભાજી ખરીદવા માટે એક થેલી સોમાલીલેન્ડ શિલિંગ્સ સાથે લઇને જાવું પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોમાલીલેન્ડમાં જો કોઈ ઘરેણા ખરીદવાનું વિચારે તો આવો વિચાર કરતા ખરીદારે રેંકડી ભરીને શિલિંગ્સ લઇને ખરીદી કરવા જવું પડે છે.
તમને એ જાણીને નવાઈ લાગશે કે અહીં એક પૈડાં વળી લારી બહુ ચલણમાં છે, રાજધાની હરગીશાની બજારોમાં તમને રોજ ઘણા લોકો આવી એક પૈંડાવાળી ગાડી પર ચલણી નોટો લાદીને ચાલતા જોવા મળે છે.
ચલણી મુદ્રાનું અવમૂલ્યન અને ચલણી નોટોનું પસ્તીમાં તબદીલ થઇ જવાને કારણે સોમાલીલેન્ડમાં મોટાભાગના નાગરિકો કેશલેસ લેવડ-દેવડ કરતા જોવા મળે છે. તમારે અહીંનું સૌથી લોકપ્રિય નશીલું ડ્રગ ખટ લેવું હોય, એકાદી સિગારેટ લેવી હોય, કે પછી કપડાં-લત્તા, આપ દરેક વ્યવહારનું પેમેન્ટ મોબાઈલથી કરી શકો છો.
સોમાલીલેન્ડમાં આપ ભિખારીને પણ મોબાઈલ દ્વારા લેણ-દેણ કરતો જોઈ શકશો, કારણ એ છે કે નાની-મોટી ખરીદારી માટે પણ આપને થેલો ભરીને ચલણી નોટો જોઈએ. હવે આટલા બધા રૂપિયાનો ભાર થેલામાં લઇને કોઈ ક્યાં સુધી લાંબુ ચાલી ને જાય? એટલે આજે સોમાલીલેન્ડમાં ૮૦%થી વધુ કારોબાર કેશલેસ થઇ ગયો છે.
ફૂટપાથ પર શાકભાજી કે ભંગાર વેંચનારો હોય અથવા તો ચમકતી દુકાનોમાં બેઠેલા મોટા શેઠિયાઓ, ક્યાંયે પણ જાઓ, સોમાલીલેન્ડમાં બસ આપને પોતાના મોબાઈલમાંથી કોઈપણ વસ્તુ કે સેવા ખરીદતી વખતે સામેવાળા વસ્તુ કે સેવા વેંચનાર દુકાનદારનો મોબાઈલ નંબરની સાથે એનો એક કોડ જોડવાનો હોય છે, પૈસા ખરીદનારના ખાતામાંથી સીધા વેંચનારના ખાતામાં ચાલ્યા જાય છે.

ઇમેજ સ્રોત, MATTHEW VICKERY

કેશલેસ કેવી રીતે થવું?
સોમાલીલેન્ડમાં બે કંપનીઓ મોબાઈલ બેન્કિંગની સુવિધા આપી રહી છે. પેહલી કંપની જાડ અને બીજી કંપનીનું નામ છે ઈ-દહાબ, આ બંન્ને મોબાઇલ કંપનીઓ સોમાલીલેન્ડના નાગરિકોને મોબાઈલ દ્વારા બેન્કિંગની બધી સુવિધાઓ આપી રહી છે.
સોમાલીલેન્ડમાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનું ચલણ નથી, માત્ર મોબાઈલ દ્વારા આ સમગ્ર દેશની અર્થવ્યવસ્થા કેશલેસ થઇ ગઈ છે, સોમાલીલેન્ડની મોટાભાગની વસ્તી નિરક્ષર છે, પણ સાદા મોબાઈલ હેન્ડસેટ દ્વારા આ લોકો સરળતાથી આર્થિક વ્યવહારો કરી લે છે. આ પ્રક્રિયા ખુબજ સરળ છે અને આમાં માત્ર મોબાઈલ નંબર અને દુકાનદારનો કોડ ગ્રાહકોએ ડાયલ કરવાનો હોય છે.
રાજધાની હરગીશામાં ઘરેણા વહેંચવાવાળી ઈમાન અનીસ કહે છે કે જો તમારે ઘણો સામાન ખરીદવો હોય તો રેંકડીમાં પૈસા લાદીને ખરીદી કરવા આવવું પડે, હવે આ કામ કાંઈ સહેલું કામ તો નથી એટલેજ લોકો મોબાઈલ બેન્કિંગ પસંદ કરે છે, સહેલું પણ છે અને લેણ-દેણ ફટાફટ થઇ જાય છે.
છેલ્લા બે-ત્રણ વર્ષોમાં સોમાલીલેન્ડમાં મોબાઈલ પેમેન્ટ પાંચ ટકા થી વધીને ૮૦ ટકાએ પહોંચ્યું છે, જો આપ ભિખારીઓને પણ ભીખ આપવા માંગતા હો તો મોબાઈલ બેન્કિંગ દ્વારા આપ એમને પૈસા દઈ શકો છો.

ઇમેજ સ્રોત, MATTHEW VICKERY

દુષ્કાળથી ખરાબ પરિસ્થિતિ
છેલા કેટલાયે વર્ષોથી સોમાલીલેન્ડમાં દુષ્કાળની પરિસ્થિતિ પ્રવર્તમાન છે. એવી પરિસ્થિતિમાં શહેરોમાં કામ કરવાવાળાઓ માટે કેશલેસ અર્થતંત્ર વરદાન સાબિત થઇ રહ્યું છે. લોકો પોતાના ગામડે વસતા પ્રિયજનોને સરળતાથી પૈસા મોકલી શકે છે. ગામડાઓમાં ૬૦ ટકાથી વધારે લોકો હવે મોબાઈલ વડે લેણ-દેણ કરી રહ્યા છે.
હાલની પરિસ્થિતિ તો એવી છે કે સોમાલીલેન્ડ ખાતેની ઘણી કંપનીઓ પણ હવે મોબાઈલ ફોન દ્વારા તેમના કર્માચારીઓને માસિક પગાર પણ ચૂકવી રહી છે. સોમાલીલેન્ડમાં ૧૬ વર્ષની ઉમરથી વધારે ઉમરના ૮૮ ટકા લોકો પાસે મોબાઈલ ફોન છે. એમને માટે ફોન હવે વાતચીતનું માધ્યમ હોવા ઉપરાંત એમની ખાનગી બેન્ક છે.
સોમાલીલેન્ડ સિવાયે આફ્રિકાના કેટલાયે રાષ્ટ્રો છે જેમાં કેશલેસ અર્થવ્યવસ્થા ઝડપથી પગપેસારો કરી રહી છે. ઘાના, તાન્ઝાનિયા, યુગાંડામાં પણ મોબાઈલ બેન્કિંગ ક્રાંતિ આવી ગઈ છે, કેન્યામાં પણ બહુ મોટા પ્રમાણમાં લોકો M-pesa (એમ-પેસા) દ્વારા આર્થિક વ્યવહારો કરી રહ્યા છે.
આમ ઘણા લોકો કેશલેસ અર્થવ્યવસ્થાથી પણ નારાજ જોવા મળે છે, તે લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે મોબાઈલ બેન્કિંગની સુવિધા આપનારી ખાનગી કંપનીઓ ભરપૂર ભ્રષ્ટાચાર કરી રહી છે. આ કંપનીઓ કેશલેસ ચલણી નોટો છાપી રહી છે, આને કારણે મોંઘવારી વધી રહી છે અને અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે, મોંઘવારીથી ત્રસ્ત પ્રજાજનો મોબાઈલ બેન્કિંગની સેવા આપનારી કંપનીઓ પર કાયદાકીય લગામ લગાવવા સોમાલીલેન્ડની સરકારને અરજ કરી રહી છે.
સોમાલીલેન્ડની મુદ્રા શિલિંગની કોઈ કિંમત નથી, એટલે અમેરિકી ડોલરને બદલે સોમાલીલેન્ડ શિલિંગની ચલણી નોટોની અદલા-બદલી કરી આપનારાઓ પણ દુઃખી છે, કારણ કે મોબાઈલ પર આર્થિક વ્યવહારો અને લેણ-દેણ થતા આ ચલણી નોટોના સૌદાગરોનો ધંધો પણ મંદો ચાલી રહ્યો છે અને તેઓ દુઃખી છે.
સોમાલીલેન્ડની રાજધાની હરગીશાનો આવો એક સોમાલીલેન્ડ શિલિંગ ચલણી નોટોનો સૌદાગર મુસ્તફા હસન કહે છે, મોબાઈલ બેન્કિંગ ભ્રષ્ટ છે, આને કારણે અર્થવ્યવસ્થામાં કાળું ધન વધી રહ્યું છે, મુસ્તફાનું કેહવું છે કે મોબાઈલ બેન્કિંગના વધી રહેલા ઉપયોગને કારણે કોઈપણ વ્યક્તિ સોમાલીલેન્ડની કરંસી એટલે કે શિલિંગનો કોઈ ઉપયોગ નથી કરી રહ્યું, આને કારણે દેશનું બહુ મોટું નુકસાન થઇ રહ્યું છે, જો કે મુસ્તફા એ સ્વીકારે છે કે મોબાઈલ બેન્કિંગને કારણે લોકોનું જીવન ઘણું સરળ થઇ ગયું છે.
ત્યારે બીજા પક્ષે અમુક લોકો એવા પણ છે, જેમને રોકડમાંજ આર્થિક વ્યવહારો કરવા પસંદ છે, હરગીશા ના રહેવાસી અબ્દુલ્લાહ કહે છે કે તમારા ખિસ્સામાં મોબાઈલ હોવાનો અર્થ એ છે કે તમારા ખિસ્સામાં બેન્ક છે, આની ચોરી પણ થઇ શકે છે એટલે અબ્દુલ્લાહ હંમેશા રોકડીયો આર્થિક વ્યવહાર કરવો પસંદ કરે છે.
અબ્દુલ્લાહ કહી રહ્યા છે કે તેઓ તેમના છેલ્લા શ્વાશ સુધી મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ નહિ કરે.












