શાહરૂખના દીકરાને જેલમાં નાખનાર એ અધિકારી જેની સામે હવે 25 કરોડની ખંડણીનો કેસ થયો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ના પૂર્વ અધિકારી સમીર વાનખેડે સામેના એક કેસમાં મોટો ખુલાસો થયો છે. એનસીબીના વિજિલન્સ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઍક્ટર શાહરૂખ ખાનના પરિવારને ધમકી આપવામાં આવી હતી કે જો 'તેઓ 25 કરોડ રૂપિયાની ખંડણી નહીં આપે તો તેમના પુત્ર આર્યન ખાનને નાર્કોટિક્સના કેસમાં ફસાવી દેવાશે.'

સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે સીબીઆઇએ સમીર વાનખેડે સામે દાખલ કરેલી ફરિયાદમાં જણાવાયું છે કે 2 ઑક્ટોબર, 2021ના રોજ 'કૉર્ડેલિયા ક્રૂઝ'માં જે દરેડો પાડવામાં આવ્યો હતો, એની વિજિલન્સની તપાસમાં ખુલાસો થયો છે કે સંદિગ્ધોની યાદીમાં શરૂઆતમાં કુલ 27 નામો હતાં, જે ઘટીને 10 થઈ ગયાં હતાં. ઘણાને કોઈ પણ કાર્યવાહી વગર જવા દેવામાં આવ્યા હતા.

NCBની વિજિલન્સ રિપોર્ટમાં શું છે?

એનસીબી વિજિલન્સનો રિપોર્ટ 11 મેના રોજ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. 25 ઑક્ટોબર, 2021ના રોજ આ તપાસ શરૂ થઈ હતી. એનસીબીની વિજિલન્સ ટીમે તત્કાલીન મુંબઈ ઝોનના ડાયરેક્ટર સમીર વાનખેડે, સુપરિન્ટેન્ડેન્ટ વિશ્વવિજયસિંહ અને ઇન્ટેલિજન્સ ઓફિસર આશીષ રંજન સામે કાર્યવાહીની માગ પણ કરી હતી.

એનસીબીની વિજિલન્સની તપાસમાં જાણવા મળ્યું કે સંદિગ્ધોને સ્વતંત્ર સાક્ષી કે. વી. ગોસાવીના વાહનમાં લાવવામાં આવ્યા હતા. ગોસાવીને એસસીબીના અધિકારી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ગોસાવીના સહયોગી સંવિલે ડિસોઝાએ આર્યન ખાનના પરિવાર પાસે 25 કરોડ રૂપિયા વસુલવાનું ષડ્યંત્ર રચ્યું. તેમને ફસાવવાની ધમકી આપી અને આખરે 18 કરોડમાં ડીલ પાકી થઈ અને ગોસાવીને ટોકન મની તરીકે 50 લાખ રૂપિયા મળ્યા હતા.

જોકે, આ રકમ પૈકી કેટલોક હિસ્સો પરત કરી દેવામાં આવ્યો. સમીર વાનખેડેના કહેવાથી ગોસાવીએ આર્યન ખાનને એનસીબી અધિકારી બનીને ધમકાવ્યો હતો.

એનસીબી વિજિલન્સ ટીમને પોતાની તપાસમાં સમીર વાનખેડેની વિદેશયાત્રાઓ વિશે પણ માહિતી મળી છે. તેઓ તેમની વિદેશયાત્રાના ખર્ચાના સ્રોત વિશે જાણકારી આપી શક્યા નથી. તેમની મોંઘી ઘડિયાળોની લે-વેચમાં એક વ્યક્તિ સામેલ હતી અને વાનખેડેએ એ વ્યક્તિ વિશે જાણકારી આપી નહોતી.

વિજિલન્સના રિપોર્ટ અનુસાર આ અધિકારીઓએ પોતાની ફરજ ભૂલીને આરોપીઓ પાસેથી ફાયદો ઉઠાવવાની કોશિશ કરી. આ રિપોર્ટ પ્રમાણે સીબીઆઈએ સમીર વાનખેડે અને અન્ય લોકો સામે કેસ કર્યો અને 29 જગ્યાઓએ દરોડો પાડ્યો.

સમીર વાનખેડેનાં પત્નીએ પતિ સામેના આરોપો જૂઠા ગણાવ્યા

જોકે સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે સમીર વાનખેડેનાં પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેએ તમામ આરોપો જૂઠા હોવાનું જણાવ્યું છે.

ક્રાંતિ રેડકર વાનખેડેએ એએનઆઈને જણાવ્યું કે તેમના પતિ અને પરિવાર સીબીઆઈને આ મામલે તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છે.

તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે તેમના પતિને 'ઇમાનદાર અને દેશભક્ત હોવાની સજા મળી' છે.

ઉલ્લેખનીય છે કે 18 જેટલા સીબીઆઈ અધિકારીઓએ વાનખેડેના ઘરે 12 કલાક સુધી રેડ પાડીને સર્ચ અભિયાન ચલાવ્યું હતું.

કોણ છે સમીર વાનખેડે?

મૂળ મહારાષ્ટ્રના જ સમીર વાનખેડે 2008ની બેચના ઇન્ડિયન રેવેન્યૂ સર્વિસ (આઈઆરએસ) અધિકારી છે.

આઈઆરએસ બનતા પહેલાં વાનખેડે 2006માં સૅન્ટ્રલ પોલીસ ઑર્ગેનાઇઝેશન (સીપીઓ)માં જોડાયા હતા.

ઇન્ટેલિજન્સ બ્યૂરો, સીબીઆઈ, નેશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) તથા અન્ય કેટલાક વિભાગો સીપીઓ હેઠળ આવે છે.

સમીર વાનખેડેના પિતા પણ પોલીસ અધિકારી હતા તેમ જણાવવામાં આવે છે.

આઈઆરએસ બન્યા પછી વાનખેડેની નિમણૂક કસ્ટમ વિભાગમાં થઈ હતી. મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર તેઓ આસિસ્ટન્ટ કમિશનર (કસ્ટમ્સ) તરીકે ફરજ બજાવતા હતા.

આ ઉપરાંત તેમણે ત્રાસવાદી પ્રવૃત્તિઓ અંગેના કેસોમાં તપાસ કરતી ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સ તથા એનઆઈએમાં પણ કામ કર્યું છે.

2020માં તેમની નિમણૂક નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના મુંબઈ ઝોનલ ડિરેક્ટર તરીકે થઈ હતી.

કેન્દ્રના ગૃહ મંત્રાલય તરફથી તેમને બેસ્ટ ઇન્વેસ્ટિગેશન માટેનો ઍવૉર્ડ પણ મળેલો છે.

વાનખેડે અને વિવાદો

આર્યન ખાનની ધરપકડ કરાઈ ત્યારે સમીર વાનખેડે ચર્ચામાં આવ્યા હતા. એ વખતે જમણેરી સમૂહોએ એમને નાયક તરીકે રજૂ કર્યા હતા અને સોશિયલ મીડિયામાં પણ એમને વધાવી લેવાયા હતા.

સમીર વાનખેડે અગાઉ મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર કસ્ટમ ડિપાર્ટમૅન્ટમાં કામ કરતા હતા ત્યારે પણ તેમણે બોલીવૂડના જાણીતા લોકોને ટાર્ગેટ કર્યા હોવાના આરોપ લાગ્યા હતા.

કસ્ટમ-ડયૂટી છુપાવવાના મામલે તેમણે હિંદી ફિલ્મોના જાણીતા અભિનેતા અને અભિનેત્રીઓ સામે કાર્યવાહી કરી હતી.

કસ્ટમ-ડયૂટી ન ભરવાના મામલે સમીર વાનખેડેએ મીનિષા લાંબા અને ગાયક મિકાસિંહને દંડ ફટકાર્યો હતો.

2011માં વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ પરત ફરી ત્યારે તેની વિજેતાની ટ્રૉફી માટેની ડ્યૂટી ભર્યા પછી જ તેને મુંબઈ ઍરપૉર્ટની બહાર લઈ જવાની મંજૂરી આપવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા.

ટ્રૉફી સોનાની બનેલી હતી એટલે તેના પર કસ્ટમ-ડ્યૂટી માગવામાં આવી હતી. તે વખતે કસ્ટમમાં સમીર વાનખેડે કામ કરતા હતા.

સમીર વાનખેડેએ જાણીતી મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકર સાથે લગ્ન કર્યાં છે. ક્રાંતિએ ઘણી હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આર્યન ખાનની ધરપકડ પછી વાનખેડે સામે ઘણા આક્ષેપો થયા છે. આ બધા વચ્ચે ક્રાંતિ રેડકરે એનસીબીની પ્રસંશા કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી.