સિક્કિમમાં ભયાનક પૂર: સમયસર ચેતવણીના અભાવે 70 લોકોનો ભોગ લેવાયો?

    • લેેખક, નવિનસિંહ ખડકા
    • પદ, પર્યાવરણીય વિષયક સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ

સિક્કિમમાં આવેલું ભયાનક પૂર સૂચવે છે કે ભારતને ગ્લેશિયલ લૅક વિષયક વૉર્નિંગ સિસ્ટમમાં સુધારાઓ કરવાની તાતી જરૂર છે.

આ પૂરમાં ઓછામાં ઓછા 70 લોકોનાં મૃત્યુ થયાં છે જેમાં 9 સૈનિકો પણ સામેલ છે. કુલ 100થી વધુ લોકો લાપતા છે. આ પૂર હિમાલયમાં આવેલા સાઉથ લોનાક નામના ગ્લેશિયલ લેકના ફાટવાથી આવ્યું હતું.

આ પ્રકારે વિસ્ફોટ જેવી પરિસ્થિતિઓ સર્જાવાથી કે ગ્લેશિયરમાંથી બનેલા લેકમાંથી ઓચિંતા પાણી આવવા જેવી ઘટનાઓ બનવા પાછળ ભારે વરસાદ, ભૂકંપ કે હિમપ્રપાત પણ જવાબદાર હોય છે.

વહેલી માહિતી આપતી વૉર્નિંગ સિસ્ટમ અધિકારીઓને સમયસર લોકોને બહાર કાઢવામાં મદદ કરી શકે છે અને નુકસાનને ઓછું કરવા માટે ડૅમના ગેટ ખોલી શકે છે.

સિક્કિમ દુર્ઘટના પછી, ભારતની નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી (NDMA)એ જાહેર કર્યું કે તેમણે હિમનદી કે તળાવ ફાટવાની ઘટના ન બને તે માટે અને ‘રીઅલ-ટાઇમ વૉર્નિંગ’ મળી રહે તે માટે સપ્ટેમ્બરની શરૂઆતમાં બે જોખમી તળાવોનું સર્વેક્ષણ કર્યું હતું.

બીબીસીને જાણવા મળ્યું છે કે, “સર્વેક્ષણ કરાયેલાં તળાવોમાંથી એક દક્ષિણ લોનાક ખાતે પણ હતું જ્યાં વહેલી વૉર્નિંગ મળી રહે તે માટે કેટલીક કામગીરી શરૂ કરવામાં આવી હતી.”

પરંતુ આ કામગીરી પછી થોડાં અઠવાડિયાંમાં જ આવેલા પૂરથી લોકોને એ પ્રશ્ન થાય છે કે શા માટે ત્યાં પહેલાથી જ કોઈ વહેલી ચેતવણી આપતી સિસ્ટમ કાર્યરત ન હતી. કારણ કે આ તળાવ લાંબા સમયથી જોખમી હોવાની વાત જાણીતી છે.

કેમ સર્જાઈ આ દુર્ઘટના?

પણ સાઉથ લોનાકના વિસ્તારોમાં આ પ્રકારે કેમ વિસ્ફોટ જેવી પરિસ્થિતિ સર્જાઈ તેના પાછળનું ચોક્ક્સ કારણ હજુ પણ જાણવા મળ્યું નથી. ઘણા લોકો કહે છે કે આ ઘટના વાદળ ફાટવાથી થઈ છે, તો ઘણા લોકો કહે છે કે આ ભારે વરસાદને કારણે બન્યું છે.

કેટલાક લોકો એવું પણ કહે છે કે નબળા શિલાખંડો, પથ્થરો અને માટીને કારણે ગ્લેશિયલ લેકની કિનારીઓ નબળી પડી જવાને કારણે આ ઘટના બની છે. પરંતુ ઘણા લોકો તેને ભૂકંપ સાથે પણ જોડે છે.

ઘણા અભ્યાસોએ ચેતવણી આપી હતી કે સાઉથ લોનક લેકમાં આ પ્રકારે પૂર આવવાની સંભાવના છે.

ગ્લેશિયર પીગળવાને કારણે આ લેકનો વિસ્તાર છેલ્લા ત્રણ દાયકામાં અઢી ગણો વધ્યો છે. 2016માં પણ સત્તાવાળાઓ એ ઓવરફ્લો થતો ટાળવા માટે કેટલુંક પાણી છોડ્યું હતું. પરંતુ તે સમયે અગાઉથી ચેતવણી આપે તેવી કોઈ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી ન હતી.

ચુંગથાંગ ડેમમાં કામ કરી રહેલા લોકોએ સ્થાનિક મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે અમને ડૅમના દરવાજા ખોલવાના આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. પૂરનું પાણી ત્યાં સુધીમાં તો બહુ વધી ચૂક્યું હતું.

ચુંગથાંગ ડૅમ તીસ્તા નદી પર આવેલો છે જેમાં જે પૂરના અતિશય પાણીને કારણે તૂટી ગયો હતો.

વિશેષજ્ઞો કહે છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે ગ્લેશિયરો વધુ પીગળી રહ્યા છે અને તેના કારણે હિમાલયન તળાવોની જળસપાટીમાં સતત વધારો થતો રહે છે.

તેના કારણે અનેક નવાં સરોવરો પણ રચાય છે અને અનેક સરોવરો હવે એક થઈ ચૂક્યાં છે. આ સરોવરો હવે અતિ ભયાવહ બની ચૂક્યાં છે, કારણ કે વાદળ ફાટવાથી કે વધુ વરસાદ થવાથી તેમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

એનડીએમએ કહે છે કે રીઅલ-ટાઇમ ઍલર્ટ આપે અને અગાઉથી ચેતવણી આપે તેવી વૉર્નિંગ સિસ્ટમ કુલ 56 સરોવરોમાં સ્થાપિત કરવાનો તેમનો પ્લાન છે.

ધ ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેઇન ડૅવલપમૅન્ટ એક એનજીઓ છે જે હિમાલયમાં આવતી આપત્તિઓ પર કામ કરે છે. તેનું અનુમાન છે કે આ પ્રકારનાં સરોવરોની સંખ્યા 200થી વધુ છે જે જોખમી હોય. બીજા શબ્દોમાં કહીએ તો તે ગમે ત્યારે તે ફાટી શકે છે.

માત્ર સિક્કિમમાં જ 700 નાનાંમોટાં સરોવર છે જેમાંથી 20 જેટલાં જોખમી છે.

વૉર્નિંગ સિસ્ટમ કેમ સ્થાપિત ન કરાઈ?

સિક્કિમના વિજ્ઞાન અને ટેક્નૉલૉજી વિભાગના ડાયરેક્ટર ધીરેન શ્રેષ્ઠાએ પુષ્ટિ કરી છે કે “લોનાક પર નજર રાખવામાં આવી રહી હતી અને તેની જોખમી તરીકે ચિન્હિત કરવામાં આવ્યું હતું.”

પરંતુ તેમણે બીબીસીના એ પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો કે સરોવરોમાં વહેલી ચેતવણી આપતી પ્રણાલી કેમ ન હતી અને સરોવર છલકાવાનું શરૂ થયા પછી વસાહતો અને મુખ્ય ઇમારતોને કેવી રીતે ચેતવણી આપવામાં આવી હતી.

એનડીએમએ, સૅન્ટ્રલ વૉટર કમિશન અને જળ સંસાધન મંત્રાલય સહિત ભારતની અન્ય કોઈ પણ ફેડરલ એજન્સીઓએ પણ આ પ્રશ્નોના જવાબ આપ્યા નથી.

સ્વિટ્ઝર્લૅન્ડ એનડીએમએને સાઉથ લોનાકમાં ‘અર્લી વૉર્નિંગ સિસ્ટમ’ સ્થાપિત કરવામાં મદદ કરી રહ્યું છે. દિલ્હીમાં તેમના દૂતાવાસે બીબીસીને વિગતો આપી ન હતી કે શા માટે કામમાં આટલો લાંબો સમય લાગી રહ્યો છે.

સિક્કિમ યુનિવર્સિટીના ગ્લેશિયોલૉજીના વિદ્યાર્થી રાજીવ રજકે જણાવ્યું હતું કે, "કદાચ વહેલી ચેતવણી મળે તેવી પ્રણાલીનો અભાવ એ અધિકારીઓ સાથે સંકળાયેલો છે અને એ પણ હકીકત છે કે ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ આ કામ (સિસ્ટમ સેટ કરવા) સાથે સંકળાયેલી છે."

હિમાલયમાંથી નીકળતી નદીઓ પર ડૅમના નિર્માણનો વિરોધ કરી રહેલા કેટલાક ઍક્ટિવિસ્ટોએ કહ્યું કે સાઉથ લોનાક સરોવર એ સુરક્ષાના દૃષ્ટિકોણથી સંવેદનશીલ છે અને તેના કારણે ચેતવણી પ્રણાલી સ્થાપિત કરવાનું કામ ધીમું પડ્યું હશે.

એક ઍક્ટિવિસ્ટે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "આ સરોવર એવા પ્રદેશમાં છે જે ચીનના કબજાના ક્ષેત્ર તિબેટની સરહદે છે અને તેમાં ચોક્કસપણે લશ્કરી સંવેદનશીલતાનો સમાવેશ થાય છે. તેનો અર્થ એ છે કે કોઈ પણ બિન-લશ્કરી કાર્યમાં સમય લાગશે."

ગ્લોબલ વૉર્મિંગ કેટલું જવાબદાર?

ગ્લેશિયોલૉજિસ્ટ્સ કહે છે કે ગ્લોબલ વૉર્મિંગ-પ્રેરિત ફેરફારો હિમાલયમાં ખૂબ જ ઝડપથી થઈ રહ્યા છે અને તેના પર સતત દેખરેખ રાખવાની જરૂર છે.

ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડૅવલપમૅન્ટ (આઇસીઆઈએમઓડી)ના સિનિયર ક્રાયોસ્ફિયર (પૃથ્વીની સપાટીના એવા વિસ્તારો જ્યાં પાણી બરફ સ્વરૂપે હોય) નિષ્ણાત મરિયમ જેક્સને જણાવ્યું હતું કે, "હવે આપણી પાસે સમય નથી."

"સરોવરોનું મૉનિટરિંગ, ચેતવણી પ્રણાલી સ્થાપિત કરવી, સ્થાનિક સમુદાયોને આ કામમાં સામેલ કરવા અને મૉનિટરિંગ માટેનાં સાધનો સ્થાપિત કરવા અને તે સાધનોનું સતત મૉનિટરિંગ કરવું જેવી અનેક કામ આપણે કરવાના બાકી છે."

આ દરમિયાન ગ્લેશિયલ લેક્સને જોખમી બનાવતાં કારણો જેમ જેમ હવામાન ગરમ થતું જાય એમ વધતા જાય છે.

પરંપરાગત રીતે ઝડપથી પીગળતા ગ્લેશિયરોને જ મુખ્ય કારણ ગણવામાં આવે છે. પરંતુ આ પ્રકારે ગ્લેશિયર ઓછા થવાને કારણે જે તે સ્થળના ભૂપૃષ્ઠમાં પણ બદલાવ થઈ રહ્યો છે. જેના કારણે ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની રહી છે.

વૈજ્ઞાનિકો કહે છે કે વધતા તાપમાને કારણે ઊંચાઈવાળા પ્રદેશોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. આ વિસ્તારો મોટે ભાગે ભૂતકાળમાં બરફ આચ્છાદિત રહેતા હતા. જેના કારણે હિમાલય સહિત મોટા ભાગના પર્વતીય વિસ્તારોમાં ભૂગોળ અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે.

વૉર્મિંગનો અર્થ પરમાફ્રોસ્ટ (એવી જમીન જે પહેલાં કાયમ થીજેલી રહેતી હતી)નું પીગળવું પણ થાય છે જેના કારણે પર્વતીય ઢોળાવો પણ તૂટવાની સંભાવના રહે છે. વરસાદ અથવા અન્ય પરિબળોને કારણે ઢોળાવો અચાનક તૂટી જાય છે જે પછી પૂરનું કારણ બની શકે છે.

આઇસીઆઈએમઓડીના સંશોધક જૅકબ સ્ટીનર કહે છે, "એવા પુરાવા છે કે દક્ષિણ લોનાકમાં પૂરનું કારણ બનેલો ઢોળાવ અગાઉનાં વર્ષો કરતાં વધુ ઝડપથી મોટો બન્યો હતો."

"વૈજ્ઞાનિકો હવે તમામ સરોવરોમાં ઢોળાવની નિષ્ફળતાઓ (ઉપગ્રહ તસવીરો દ્વારા) પર નજર રાખી રહ્યા છે અને તમામ સરોવરોની આસપાસના તમામ ઢોળાવોને માપી પણ રહ્યા છે અને તેમાંથી કેટલા અસાધારણ રીતે મોટા બની રહ્યા છે તે પણ તપાસી રહ્યા છે."

પરંતુ આ તમામ દેખરેખ માત્ર ત્યારે જ ઉપયોગી થશે જો ગ્લેશિયલ લેક ફાટવા માટે અગાઉથી ચેતવણી આપતી પ્રણાલી હોય. નહીંતર આવી ઘટનાઓ ફરીથી બનશે.