ફોરેન્સિક સાયન્સમાં ડિગ્રી કેવી રીતે મેળવવી, કેવી નોકરીઓ મળે?

    • લેેખક, પ્રિયંકા ઝા
    • પદ, બીબીસી હિંદી સંવાદદાતા

જો તમે પણ ક્રાઇમ થ્રિલર ફિલ્મો અને ઓટીટી સિરીઝના શોખીન હો, તો તમે જોયું હશે કે જ્યારે કોઈ ગુનો થાય છે, ત્યારે ઘટનાસ્થળ પર રહી ગયેલો એકાદ વાળ, ફિંગરપ્રિન્ટ, નખમાં મળી આવતા રજકણ કે કોઈ મોબાઇલ મૅસેજ કઈ રીતે મહત્ત્વનો પુરાવો બનીને સત્ય સુધી પહોંચવાનો માર્ગ મોકળો કરે છે.

જે લોકો આ પુરાવા એકત્ર કરીને તેને ઉકેલવા કે સમજવાની ક્ષમતા ધરાવે છે, તેઓ ફોરેન્સિક સાયન્સ સાથે જોડાયેલા હોય છે. આ એક એવું ક્ષેત્ર છે જે લૉજિક, ટૅકનૉલૉજી અને સાયન્સના ત્રણ પાયા પર ઊભું છે.

આજે આપણે આ ક્ષેત્રમાં રહેલી કારકિર્દી અને તેની સાથે સંકળાયેલી નોકરીઓની સંભાવનાઓ વિશે વાત કરીશું. કયા લોકો માટે આ કારકિર્દી યોગ્ય સાબિત થઈ શકે છે અને આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે કઈ કઈ યોગ્યતાઓ જરૂરી છે? ચાલો, આ સવાલોના જવાબ શોધીએ.

ફોરેન્સિક સાયન્સમાં કરિયરની શક્યતા

ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ હવે ગંભીર ગુનાઓમાં તપાસ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાના હેતુથી ફોરેન્સિક પુરાવા એકત્ર કરવા ફરજિયાત બનાવ્યા છે.

જેમ-જેમ ગુનાખોરીના પ્રકારો બદલાઈ રહ્યા છે, તેમ-તેમ ફોરેન્સિક ઍક્સપર્ટની જરૂરિયાત પણ વધતી જાય છે. ફોરેન્સિક સાયન્ટિસ્ટ તે વ્યક્તિ છે, જે ક્રાઇમ સીન એટલે કે ગુનાવાળી જગ્યાએથી મળતા પુરાવાનું વૈજ્ઞાનિક રીતે વિશ્લેષણ કરે છે.

ત્યારબાદ તેઓ જે રિપોર્ટ આપે છે, તેનાથી પોલીસ, વકીલો, તપાસકર્તાઓ કે જજોને એ સમજવામાં મદદ મળે છે કે તે કેસમાં વાસ્તવમાં શું થયું હશે.

ફોરેન્સિક ઍક્સપર્ટ ક્યાં-ક્યાં કામ કરી શકે છે:

  • સેન્ટ્રલ અને સ્ટેટ ફોરેન્સિક લૅબ (CFSL/ FSL)
  • ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)
  • ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB)
  • સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)
  • પોલીસ વિભાગ
  • પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીઓ
  • સાયબર ક્રાઇમ સેલ
  • કોર્ટ લૅબોરેટરી
  • રિસર્ચ સંસ્થાઓ

જાણકારોના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક સાયન્સના અભ્યાસ માટે દેશની અગ્રણી સંસ્થાઓમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન્સિક સાયન્સ (મુંબઈ), બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) અને હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટી સામેલ છે.

દેશના અલગ-અલગ રાજ્યોમાં NFSUનાં કેમ્પસ આવેલાં છે, જેના માટે કોમન ઍન્ટ્રન્સ ટેસ્ટ (CET) લેવાય છે. આ ઉપરાંત પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં પણ આ કોર્સ ઉપલબ્ધ છે.

ફોરેન્સિક સાયન્સના વિવિધ પ્રકારો

ફોરેન્સિક સાયન્સ એક વિશાળ ક્ષેત્ર છે જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને કમ્પ્યુટર સાયન્સ જેવી વિવિધ શાખાઓનો સમાવેશ થાય છે.

તેનો મુખ્ય હેતુ એવા પુરાવા તૈયાર કરવાનો છે જેને અદાલતમાં રજૂ કરી શકાય. તેના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે:

  • ફોરેન્સિક બાયોલોજી (Forensic Biology): આમાં ડીએનએ, લોહી અને વાળ જેવા જૈવિક પુરાવાનું વિશ્લેષણ કરવામાં આવે છે.
  • ફોરેન્સિક કેમિસ્ટ્રી (Forensic Chemistry): આમાં ડ્રગ્સ, કેમિકલ અને વિસ્ફોટકો વગેરેની તપાસ થાય છે.
  • ફોરેન્સિક પેથોલોજી (Forensic Pathology): મૃત્યુનું કારણ અને સમય જાણવા માટે મૃતદેહોનો અભ્યાસ કરવામાં આવે છે.
  • ફોરેન્સિક ટોક્સિકોલોજી (Forensic Toxicology): શરીરમાં રહેલા ઝેર, ડ્રગ્સ કે અન્ય નશીલા પદાર્થોનું વિશ્લેષણ થાય છે.
  • ડિજિટલ ફોરેન્સિક (Digital Forensics): ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને સાયબર ગુનાની તપાસ આના નિષ્ણાતો કરે છે.
  • ફોરેન્સિક એન્થ્રોપોલોજી (Forensic Anthropology): હાડપિંજર કે અવશેષો દ્વારા વ્યક્તિની ઓળખ અને મૃત્યુનો સમય જાણવામાં આવે છે.
  • ફોરેન્સિક ઓડોન્ટોલોજી (Forensic Odontology): દાંત સંબંધિત પુરાવાની તપાસ કરવામાં આવે છે.

કારકિર્દી માટેની યોગ્યતા

જો કોઈ વિદ્યાર્થી ફોરેન્સિક સાયન્સ ભણવા ઇચ્છતા હોય, તો તેમના માટે ધોરણ 12માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી/મેથ્સ હોવા અનિવાર્ય છે. મોટા ભાગની કૉલેજોમાં પ્રવેશ માટે ધોરણ 12માં લઘુત્તમ 50 ટકા માર્ક્સ જરૂરી હોય છે.

હિમાચલ પ્રદેશના નિવાસી સિમરન ઠાકુર, જેઓ હાલ આ વિષયમાં પીએચડી કરી રહ્યાં છે, તેઓ જણાવે છે કે માત્ર ડિગ્રી જ પૂરતી નથી, પરંતુ ચોક્કસ કૌશલ્યો હોવા પણ જરૂરી છે. તેમના મતે:

નિરીક્ષણ શક્તિ : તમારી આસપાસની દરેક નાની વિગત પર તમારી નજર હોવી જોઈએ.

ધીરજ: ફોરેન્સિક તપાસમાં તારણ પર પહોંચવા માટે ખૂબ જ ધૈર્ય અને મહેનતની જરૂર હોય છે.

સમસ્યા ઉકેલવાની આવડત: જટિલ કેસ ઉકેલવા માટે તાર્કિક ક્ષમતા હોવી જોઈએ.

નોકરીની તકો અને પરીક્ષાઓ

ફોરેન્સિક નિષ્ણાતો આગળ જઈને ફોરેન્સિક સાયન્ટિસ્ટ, ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેટર, ડીએનએ ઍનાલિસ્ટ કે સાયબર ફોરેન્સિક ઍક્સપર્ટ બની શકે છે. સરકારી નોકરીઓ માટે નીચેની પરીક્ષાઓ મહત્ત્વની છે:

  • SSC CGL: કેન્દ્રીય વિભાગો માટે.
  • State PSC: રાજ્યની લૅબમાં ભરતી માટે.
  • UPSC: CBI કે IB માં સાયન્ટિફિક અધિકારી માટે.
  • IB: દર વર્ષે મોટી સંખ્યામાં ભરતી બહાર પાડે છે.

ડૉ. વિશ્વપ્રકાશ નાઈક જણાવે છે કે માત્ર ગુનાની તપાસ જ નહીં, પરંતુ આઈટી કંપનીઓમાં ઍનાલિસ્ટ તરીકે, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સેળભેળની તપાસ માટે અને બૅન્કિંગ કે ઇન્શ્યૉરન્સ સેક્ટરમાં ફિંગરપ્રિન્ટ કે ડૉક્યુમેન્ટ વિશ્લેષણ માટે પણ ફોરેન્સિક ઍક્સપર્ટ્સની ભારે માંગ છે.

આ ઉપરાંત, વકીલોને સાયન્ટિફિક રિપોર્ટ સમજાવવા માટે લૉ ફર્મ્સમાં પણ સારી તકો ઉપલબ્ધ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન