ટ્રમ્પની પીએમ મોદી સાથે 'મિત્રતા' માત્ર નામની છે કે ખરેખર ભારત માટે કામની છે?

નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, વિદેશનીતિ, ભારત અને અમેરિકા, રશિયા અને ચીન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીને પોતાના મિત્ર ગણાવે છે અને પીએમ મોદી પણ ટ્રમ્પને પોતાના મિત્ર ગણાવે છે.

અંદાજે દોઢ મહિના પહેલાં જ પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના આમંત્રણથી ક્વૉડ સમિટમાં સામેલ થવા માટે અમેરિકા ગયા હતા ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે પીએમ મોદી સાથે તેમની મુલાકાત થશે.

એ સમયે ટ્રમ્પ ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા. જોકે, ટ્રમ્પ અને મોદીની મુલાકાત થઈ ન હતી અને મોદી તેમને મળ્યા વગર જ ભારત આવી ગયા હતા.

17 સપ્ટેમ્બરે મિશિગનના ફ્લિન્ટમાં એક ટાઉનહૉલ દરમિયાન રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમેદવાર ટ્રમ્પે કહ્યું હતું કે, “આવતા અઠવાડિયે મોદી અમેરિકા આવવાના છે અને તેમની સાથે મુલાકાત થશે. તેઓ શાનદાર વ્યક્તિ છે.”

પોતાના ચૂંટણીઅભિયાન દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીનું અનેક વાર નામ લીધું અને તેમના નેતૃત્વનાં ખૂલીને વખાણ પણ કર્યાં. છ નવેમ્બરે જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે એ લગભગ નક્કી થઈ ગયું ત્યારે પણ પીએમ મોદીએ તેમને જીતની શુભેચ્છા દોસ્ત સંબોધિત કરીને આપી હતી.

સપ્ટેમ્બર 2019માં ટ્રમ્પ અને મોદીની ‘દોસ્તી’ હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ સમયે જોવાલાયક હતી. ત્યારે ટ્રમ્પ અને મોદીએ અંદાજે 50 હજાર ભારતીય મૂળના અમેરિકી નાગરિકોને સંબોધિત કર્યા હતા.

ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત ઓછો ટૅક્સ લગાવે

નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, વિદેશનીતિ, ભારત અને અમેરિકા, રશિયા અને ચીન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ અનેક વાર ભારતની નીતિઓની ખૂલીને ટીકા કરતા રહ્યા છે

નરેન્દ્ર મોદીને ટ્રમ્પ પોતાના મિત્ર ગણાવે છે પરંતુ સાથે સાથે જ તેઓ ભારતની નીતિઓ પર પ્રહારો પણ કરે છે.

ટ્રમ્પ અનેક વાર ફરિયાદો કરી ચૂક્યા છે કે ભારત અમેરિકાના સામાનો પર વધુ ટૅક્સ લગાવે છે અને જ્યારે પોતે અમેરિકામાં નિકાસ કરે છે ત્યારે ‘ટૅક્સ ફ્રી’ની આશા રાખે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

17 સપ્ટેમ્બરે ટ્રમ્પે કહ્યું હતું કે, “ઇન્ડિયા ખરેખર મુશ્કેલ છે. બ્રાઝીલ પણ ખૂબ મુશ્કેલ છે. હું તમને આ વાત કહેવા માગું છું.”

જુલાઈ 2024માં ટ્રમ્પે એક ચૂંટણીસભામાં કહ્યું હતું કે, “જો તમે ચીનમાં કંઈક બનાવવા માગો છો, તો તેમની ઇચ્છા હશે કે આપણે અહીં જ તેનું ઉત્પાદન કરીએ અને પછી ચીન મોકલીએ. પછી તેઓ આપણા પર પણ 250 ટકા ટૅક્સ લગાવશે. અમે એ ઇચ્છતા નથી. પછી તમને આમંત્રણ મળે છે કે તમે અહીં તમારો પ્લાન્ટ સ્થાપિત કરો. પછી કંપનીઓ ત્યાં જાય છે.”

ટ્રમ્પે કહ્યું, “ભારતે હાર્લી ડેવિડસન સાથે પણ આવું જ કર્યું. 200 ટકા ટેરિફ લાદવાને કારણે હાર્લી ડેવિડસન ત્યાં તેની બાઇક વેચી શકી નથી.”

ટ્રમ્પ ભારત સાથે સંરક્ષણ સંબંધો અંગે સ્પષ્ટ છે. ટ્રમ્પ ભારત સાથે સંરક્ષણ ભાગીદારી વધારવા માગે છે પરંતુ તેઓ વેપાર સંબંધો અને ઇમિગ્રેશનને લઈને ભારત પર પ્રહારો કરી રહ્યા છે.

ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ મોદી સાથેની મિત્રતાના અવકાશને મર્યાદિત કરે છે. આ નીતિ હેઠળ ટ્રમ્પ ભારતની આઈટી, ફાર્મા અને અમેરિકામાં ટૅક્સટાઇલની નિકાસ પર ટેરિફ લાદી શકે છે.

ટ્રમ્પ પહેલા જ ભારતને ટેરિફ કિંગ કહી ચૂક્યા છે. ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત જેટલો ટૅક્સ લગાવશે એટલો જ અમેરિકા પણ લગાવશે.

અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. ભારતના મુખ્ય વેપારી ભાગીદારોમાં અમેરિકા એકમાત્ર એવો દેશ છે જેની સાથે ભારતને વેપાર ખાધ નથી. એટલે કે ભારત અમેરિકામાં પોતાનો વધુ માલ વેચે છે અને ખરીદે છે ઓછો.

ભારત-અમેરિકા વેપાર

નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, વિદેશનીતિ, ભારત અને અમેરિકા, રશિયા અને ચીન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

2022માં ભારત અને અમેરિકાનો દ્વિપક્ષીય વેપાર એ 191.8 અબજ ડૉલર જેટલો હતો. ભારતે 118 અબજ ડૉલરની નિકાસ કરી હતી અને 73 અબજ ડૉલરની આયાત પણ કરી હતી. એટલે કે ભારતનો 45.7 અબજ ડૉલરનો સરપ્લસ વેપાર હતો.

પરંતુ ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટ પૉલિસી અંતર્ગત ભારત પર પણ ટૅક્સ લગાવશે તો પરિસ્થિતિ બદલાવાની સંભાવના છે.

ભારતના પૂર્વ વિદેશ સચિવ અને રશિયામાં ભારતના રાજદૂત તરીકે કામ કરી ચૂકેલા કંવલ સિબ્બલ સાથે બીબીસીએ વાત કરી હતી.

કંવલ સિબ્બલ કહે છે, “દોસ્તી પોતાનાં હિતો સાથે જોડાયેલી હોય છે. આ હિત જ્યાં સુધી સધાતા રહે છે ત્યાં સુધી એ સીમાઓથી પરે રહે છે. પરંતુ જ્યારે હિતોનો ટકરાવ થાય છે ત્યારે તેની હદ સમજાઈ જાય છે.”

સિબ્બલ કહે છે, “અમેરિકા ભારતની ટૅક્સ મામલે કેવી રીતે બરાબરી કરી શકે? અમેરિકા મુક્ત વેપારની વાત ત્યારે જ કરે છે જ્યારે આ રમતમાં પોતાનું પલડું ભારે હોય. અત્યારે મામલો સંરક્ષણવાદી નથી. દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા જે ખુદ ડૉલરને આધારે સમગ્ર વિશ્વની નાણાકીય વ્યવસ્થા પર કંટ્રોલ રાખતી હોય એ ભારત સાથે બરાબરીની માગ કેવી રીતે કરી શકે? અમેરિકા માટે સમસ્યા ચીન છે, ભારત નથી.”

તેમનું કહેવું છે કે, “કેટલાક મામલે ટ્રમ્પની નીતિઓ મોદી માટે સારી રહેશે. જ્યાં તમને દેખાશે કે બંનેની દોસ્તી મજબૂત છે. જેમ કે ભારતના આંતરિક રાજકારણમાં ટ્રમ્પ દખલ નહીં કરે. એટલે કે માનવાધિકાર, ધાર્મિક સમાનતા અને લોકતંત્રના બહાને ટ્રમ્પ એ બાઇડનની જેમ નહીં બોલે. હિન્દુત્વના રાજકારણ પર પણ ટ્રમ્પ કંઈ નહીં બોલે. જોકે, અમેરિકી કૉંગ્રેસના નિયંત્રણમાં કામ કરનારી એજન્સીઓ પર ટ્રમ્પ લગામ નહીં લગાવી શકે.”

‘રશિયા સાથે દુશ્મની અને ચીનની ઉપેક્ષા’

નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, વિદેશનીતિ, ભારત અને અમેરિકા, રશિયા અને ચીન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના વિશ્લેષકો એ વાતને ઘણી વાર રેખાંકિત કરે છે કે અમેરિકા એ રશિયા પ્રત્યે દુશ્મનાવટના પ્રયાસમાં ચીનના ખતરાને અવગણી રહ્યું છે.

ઘણા વિશ્લેષકોનું કહેવું છે કે અમેરિકાની નીતિઓને કારણે રશિયા અને ચીન નજીક આવી રહ્યા છે.

બ્રહ્મા ચેલાની એ વિદેશનીતિ અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે. ટ્રમ્પની જીત પછી, તેમણે અંગ્રેજી મૅગેઝિન ઓપનમાં લખ્યું છે કે, "ટ્રમ્પ વહીવટીતંત્ર એ હકીકતને નજરઅંદાજ કરી શકશે નહીં કે પશ્ચિમના હિત અને અમેરિકાની આગેવાની હેઠળની સિસ્ટમને વાસ્તવિક ખતરો ચીનથી છે, રશિયાથી નથી, કારણ કે રશિયા તેના પાડોશીઓ સુધી જ મર્યાદિત છે જ્યારે ચીન અમેરિકાનું સ્થાન લેવા માગે છે.”

“ચીનની અર્થવ્યવસ્થા એ તેની વસ્તીની જેમ જ રશિયા કરતાં દસ ગણી મોટી છે. ચીનનું સૈન્ય બજેટ પણ રશિયા કરતાં ચાર ગણું વધારે છે ચીન તેનાં પરમાણુ હથિયારોમાં વધારો કરી રહ્યું છે. લશ્કરી પ્રવૃત્તિઓ વિસ્તરી રહી છે. પરંતુ બાઇડનનું વહીવટીતંત્ર ખોટા દુશ્મન પર ધ્યાન કેન્દ્રિત કરતું રહ્યું.”

બ્રહ્મા ચેલાનીએ લખ્યું છે કે, "યુક્રેન પર હુમલા બાદ રશિયા વિરુદ્ધ બાઇડનની કડકાઈથી ચીનને સીધો ફાયદો થયો છે. અમેરિકાએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાને તેણે હથિયાર બનાવી છે. આ ચીન માટે વરદાન સાબિત થયું, કારણ કે મજબૂરીમાં જ રશિયન બૅન્કોએ ચીની ચલણ યુઆનનો આંતરરાષ્ટ્રીય ઉપયોગ વધાર્યો. રશિયા હવે તેનો મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર યુઆનમાં કરી રહ્યું છે. રશિયા એ તમામ યુઆન હવે ચીનની બૅન્કોમાં રાખી રહ્યું છે અને તેનો ફાયદો ચીનને મળી રહ્યો છે.”

‘દોસ્તી એ પર્સનલ કનેક્ટ માટે’

નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, વિદેશનીતિ, ભારત અને અમેરિકા, રશિયા અને ચીન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બ્રહ્મા ચેલાનીને લાગે છે કે ટ્રમ્પ આ મામલે અલગ વલણ અપનાવશે અને રશિયાને બદલે ચીન પર ધ્યાન કેન્દ્રિત કરશે. જો આવું થશે તો તે ભારતના પક્ષમાં પણ રહેશે, કારણ કે ભારત અને રશિયા વચ્ચે વધતી જતી નિકટતા અંગે બાઇડન પ્રશાસનની જેમ ટ્રમ્પ પ્રશાસનનો દબાવ નહીં હોય.

લંડનની કિંગ્સ કૉલેજમાં આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રોફેસર હર્ષ પંત કહે છે કે કોઈને મિત્ર તરીકે બોલાવવું એ ‘પર્સનલ કનેક્ટ’ બનાવવા માટે વધુ હોય છે.

પ્રોફેસર પંત કહે છે, “જો કોઈ વ્યક્તિ કોઈને મિત્ર કહે છે, તો તેનો અર્થ એ નથી કે તેનાથી નીતિ વિષયક બાબતોમાં કોઈ છૂટછાટ મળશે. મોદીજીની મુત્સદ્દીગીરીની એ પોતાની શૈલી છે કે તેઓ આમ પર્સનલ કનેક્ટ બનાવે છે અને કેટલીક વાર આ પદ્ધતિ કામ પણ કરે છે.”

પંત કહે છે, “જ્યાં સુધી ટ્રમ્પનો સવાલ છે, તેઓ વિશ્વના નેતાઓને પસંદ કરવાના અને નાપસંદ કરવાના મામલામાં બિલકુલ સ્પષ્ટ છે. નરેન્દ્ર મોદી પણ વિશ્વના એવા નેતાઓમાં સામેલ છે જેમને ટ્રમ્પ પસંદ કરે છે. પરંતુ આનો અર્થ એ નથી કે ટ્રમ્પ મોદી માટે તેમનાં હિતોને છોડી દેશે.”

"ટ્રમ્પનું વલણ વેપાર અને ઇમિગ્રેશનના મામલામાં ભારત પ્રત્યે કડક રહેશે. એક વાત નક્કી છે કે ભારતીય રાજકારણમાં જે કંઈ થઈ રહ્યું છે તેનાથી તેમને કોઈ ફરક પડશે નહીં. પરંતુ જો ભારતમાં ખ્રિસ્તીઓ વિશે કંઈક થશે, તો ટ્રમ્પ તેના પર અવાજ ઉઠાવશે, કારણ કે તેમણે તેમના દેશોમાં ખ્રિસ્તી બહુમતી લોકોની ભાવનાઓનું પણ ધ્યાન રાખવું પડશે.”

જુલાઈ 2019માં પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાન અમેરિકાના પ્રવાસે હતા. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં ઇમરાન ખાનનું સ્વાગત કરી રહ્યા હતા. ત્યારે ટ્રમ્પે કાશ્મીર પર મધ્યસ્થીની વાત કરી હતી.

આ દાયકાઓ પછી બન્યું હતું કે જ્યારે એક અમેરિકન રાષ્ટ્રપતિએ કાશ્મીર પર મધ્યસ્થી કરવાની વાત કરી હતી.

ટ્રમ્પે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે પીએમ મોદી પણ ઇચ્છે છે કે તેઓ કાશ્મીર પર મધ્યસ્થી કરે. જોકે, ભારતે ટ્રમ્પના દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે પીએમ મોદીએ ટ્રમ્પને આવું કંઈ કહ્યું નથી.

પાકિસ્તાને ટ્રમ્પના આ નિવેદનને આવકાર્યું હતું જ્યારે ભારત માટે તે અસહજ હતું. ભારતની સત્તાવાર લાઇન છે કે તે કાશ્મીર પર કોઈની મધ્યસ્થતા સ્વીકારશે નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.