You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અક્ષર પટેલ મુદ્દે સૂર્યકુમાર યાદવની ટીકા કેમ થઈ રહી છે?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે બીજી ટી-20 વનડે મૅચ સૅન્ટ જ્યોર્જ્સ પાર્ક ખાતે રમાઈ હતી, જેમાં મહેમાન દેશનો ત્રણ વિકેટે પરાજય થયો છે.
ભારતે 20 ઓવરમાં 124 રન બનાવ્યા હતા, જવાબમાં બૅટિંગ કરવા ઊતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે મૅચના છ બૉલ બાકી હતા, ત્યારે 128 રન બનાવ્યા હતા.
17 ઓવર સુધી ભારતની પરિસ્થિતિ મજબૂત દેખાતી હતી પણ છેલ્લી ત્રણ ઓવરમાં જીતની આશા પર પાણી ફરી વળ્યું અને આખરે દક્ષિણ આફ્રિકાની ટીમ જીતી ગઈ હતી.
ભારતની હારનાં કારણો વિશે મૅચ પછી સોશિયલ મીડિયા ઉપર ચર્ચા છેડાઈ હતી, જેમાં કેટલાક લોકોના મતે લગભગ 17 ઓવર સુધી ભારત મજબૂત સ્થિતિમાં હતું, પરંતુ એ પછી કૅપ્ટન સૂર્યકુમાર યાદવે અમુક ખોટા નિર્ણય લીધા, જેના કારણે પરાજય થયો.
ટીકાકારોના કહેવા પ્રમાણે, ફાસ્ટ બૉલરો પાસે બૉલિંગ કરાવવાના બદલે અક્ષર પટેલને એક કરતાં વધુ ઓવર માટે તક આપવી જોઇતી હતી.
આ સિવાય અક્ષર પટેલ જે રીતે આઉટ થયા, તે પણ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મૅચની ટી-20 શ્રેણી રમાનારી છે, જેમાં બંને દેશે 1-1 મૅચ જીતી છે. પહેલી મૅચમાં ભારત વિજયી થયું હતું.
ત્રણ ઓવરમાં બાજી પલટાઈ
16મી ઓવર સુધીમાં એવું લાગતું હતું કે મૅચ ભારત તરફ ઢળી રહી છે. સાઉથ આફ્રિકાએ સાત વિકેટ ગુમાવી દીધી હતી. યજમાન દેશે 24 બૉલમાં 37 રન કરવાના હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કપ્તાન સૂર્યકુમાર યાદવે અર્શદીપ અને આવેશ ખાન પાસે 17મી, 18મી અને 19મી ઓવર કરાવી હતી. તેમનો આ નિર્ણય ખોટો પડ્યો હતો અને ભારતનો પરાજય થયો હતો.
અર્શદીપે 17મી ઓવર કરી, જેમાં 12 રન આપ્યા હતા. કોત્ઝીએ એક છગ્ગા સાથે સાત રન અને સ્ટબ્સે એક ચોગ્ગ સાથે પાંચ રન લીધા હતા.
18મી ઓવરમાં આવેશ ખાને 12 રન આપ્યા હતા. કોત્ઝીએ અગ્યાર અને સ્ટબ્સે એક રન લીધો હતો.
દક્ષિણ આફ્રિકાને 12 બૉલમાં 13 રનની જરૂર હતી. જોકે, 19મી ઓવરમાં સ્ટબ્સે ચાર ચોગ્ગા સાથે 16 રન બનાવ્યા હતા. તેમણે વિનિંગ શૉટમાં બાઉન્ડ્રી ફટકારીને મૅચની સ્ટાઇલિશ સમાપ્તિ કરી હતી.
અક્ષર મુદ્દે અકસર ચૂક
જોકે, આ સાથે જ વિવાદ શરૂ થયો હતો કે સૂર્યકુમાર યાદવના ખોટા નિર્ણયોને કારણે ભારતનો પરાજય થયો. જેમાં સ્પિનર્સ સામે સંઘર્ષ કરી રહેલા દક્ષિણ આફ્રિકન બૅટ્સમૅન સામે ફાસ્ટ બૉલરોને ઉતારવાના અને અક્ષર પટેલને બૉલિંગ નહીં આપવાના નિર્ણય વિશે વાદ થયો હતો.
સ્પૉર્ટ્સ યારી નેટવર્કના સ્થાપક સુશાંત મહેતાએ તેમની ઍક્સ પોસ્ટમાં લખ્યું, 'દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅન સ્પિનર્સ સામે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે સૂર્યકુમારે અક્ષર પટેલ પાસે બૉલિંગ કેમ ન કરાવી. નબળી કૅપ્ટનશિપ.'
પૂર્વ ક્રિકેટર રૉબિન ઉથ્થપાએ ક્રિકેટ કૉમેન્ટ્રી દરમિયાન કહ્યું કે અક્ષર પટેલ પાસે બૉલિંગ કરાવવી જોઈતી હતી. આ નિર્ણય 'જરાપણ મગજ લગાવવું ન પડે' એવો હતો.
તો સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ રાહુલ રાવતે લખ્યું, "વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ બંને આ મૅચમાં 'રહસ્યમયી' રહ્યા હતા. ચક્રવર્તી દક્ષિણ આફ્રિકા માટે અને પટેલ ભારતને માટે."
મૅચ પછી સૂર્યકુમાર યાદવે તેમના ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'ટી-20માં 120 રનન જુમલો ખાસ ન કહેવાય. છતાં અમે જે રીતે બૉલિંગ કરી તેના ઉપર અમને ગર્વ છે. અમારે (દક્ષિણ આફ્રિકાને) 125 રનના લક્ષ્યાંકને આંબવા નહોતું દેવાનું.'
'વરુણ તેમની બૉલિંગ ઉપર મહેનત કરી રહ્યા છે. 1-1થી શ્રેણી બરાબરીએ છે અને બે મૅચ બાકી છે. જે મનોરંજક બની રહેશે. જૉહાનિસબર્ગની મૅચમાં મજા આવશે.'
ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે આયોજિત પહેલી ટી-20 મૅચમાં પણ અક્ષર પટેલ પાસે માત્ર એક ઓવર કરાવવામાં આવી હતી, જેમાં તેમણે આઠ રન આપ્યા હતા.
અક્ષર પટેલે 21 બૉલમાં 27 રનનો ફાળો આપ્યો હતો. તેઓ પીટરના બૉલને આગળ આવીને રમવા ગયા હતા, એવામાં તેમનો શૉટ પીટરના હાથને અડકીને નૉન-સ્ટ્રાઇકર ઍન્ડર પર સ્ટમ્પ સાથે અથડાયો હતો.
અક્ષર પટેલ સ્ટ્રાઇકર ઍન્ડ પર ક્રિઝની બહાર હતા, એટલે તેમને રન-આઉટ જાહેર કરવામાં આવ્યા હતા.
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે આ ઘટના સંદર્ભે પોતાની ટિપ્પણી આપતા કહ્યું, ક્રિકેટને 'બૅટ્સમૅનની રમત' તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આજે અક્ષર પટેલ જે રીતે આઉટ થયો, તે આપણને વિચાર કરતા મૂકી દે એમ છે. એક બૅટ્સમૅન અલગ-અલગ 11 રીતે આઉટ થઈ શકે છે.'
ક્રિકેટસંગ્રામનો સારાંશ
દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને ભારતને બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતની પહેલી ત્રણ વિકેટ ખૂબ જ ઝડપથી પડી ગઈ હતી.
ગત મૅચમાં સદી ફટકારનારા બૅટ્સમૅન સંજૂ સૅમ્સન આ મૅચમાં ઝીરો રને આઉટ થયા હતા. અભિષેક વર્મા તથા કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ચાર-ચાર રનનો ફાળો આપ્યો હતો.
હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 39 રન બનાવ્યા. આ સિવાય અક્ષર પટેલ (21 બૉલ, 27 રન) અને તિલક વર્મા (20 બૉલ, 20 રન) ફટકાર્યા હતા અને ટીમના સ્કૉરને સન્માનજનક આંકડા સુધી પહોંચાડ્યો હતો.
છ વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા હતા. જવાબમાં દાવ લેવા ઉતરેલી દક્ષિમ આફ્રિકાની ટીમે 19 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
દક્ષિણ આફ્રિકાની ટીમની એક પછી એક વિકેટો પડી હતી, પરંતુ ટ્રિસ્ટન સ્ટબ્સે એક છેડો જાળવી રાખ્યો હતો અને 41 બૉલમાં 47 રનની અણનમ ઇનિંગ રમી. સ્ટમ્બસને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન