‘મને મારી મમ્મી પહેલાં મૅનોપૉઝ આવી ગયો’

વર્ષો સુધી એમ્મા ડેલાનોયે મૅનોપૉઝનો સામનો એકલપંડે કર્યો
ઇમેજ કૅપ્શન, વર્ષો સુધી એમ્મા ડેલાનોયે મૅનોપૉઝનો સામનો એકલપંડે કર્યો
    • લેેખક, ડિયર્ડ્રે ફિનેર્ટી, એલિસ વિકર અને યાઝમિના ગાર્સિયા
    • પદ, બીબીસી ન્યૂઝ

કલ્પના કરો કે તમે હજુ 17-18 વર્ષનાં કે આયુષ્યની વીસીમાં છો અને ખબર પડે કે તમને મૅનોપૉઝ (રજોનિવૃત્તિ એટલે કે માસિક બંધ થવું) આવી ગયો છે.

એમ્મા ડેલાનોય, સો માયત નોહ અને એલ્સ્પેથ વિલ્સનને પુખ્તાવસ્થાના પ્રારંભે તેમની સાથે આવું થશે તેની કલ્પના કરી ન હતી.

તે સ્ત્રીના જીવનની એક ઘટના વિશે જાણવાની એકલ યાત્રાનો પ્રારંભ હતો. આવું દરેક સ્ત્રી સાથે જીવનના એક તબક્કે થતું હોય છે, પરંતુ તેઓ આ બાબતે ભાગ્યે જ વાત કરે છે.

ગ્રે લાઇન
બીબીસી ગુજરાતી

એ મહિલાઓની કહાણી જેમને નાની ઉંમરમાં મૅનોપૉઝનો સામનો કરવો પડે છે

બીબીસી ગુજરાતી
  • સામાન્યપણે મૅનોપૉઝ મોટી ઉંમરની મહિલાઓમાં સર્જાતી પરિસ્થિતિ છે પરંતુ એવાં પણ કેટલાય કિસ્સાઓ છે જેમાં ખૂબ જ ઓછી વયે મહિલાઓને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે
  • મૅનોપૉઝમાં અંડાશય કામ કરતું બંધ થઈ જાય છે અને આ પરિસ્થિતિનો સામનો કરતાં મહિલાનું શરીર પૂરતા પ્રમાણમાં એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનનું ઉત્પાદન કરતું નથી, આ બન્ને હોર્મોન માસિક ચક્રનું નિયમન કરતા હોય છે
  • તેનો અર્થ એ થયો કે ઓછી વયે મૅનોપૉઝની સમસ્યાનો સામનો કરનાર મહિલાઓમાં બાળક પેદા કરવાની સંભાવના લગભગ શૂન્ય થઈ જાય છે
  • મળો, આવાં જ કેટલાંક મહિલાઓને, જેઓ જીવનમાં પ્રેરણાદાયી રીતે આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે
બીબીસી ગુજરાતી

એમ્મા ડેલાનોયની વાત

એમ્મા ડેલાનોય

ઑગસ્ટ – 2013ની એક સવારે એક નિષ્ણાતે એમ્મા ડેલાનેયના મેડિકલ રેકૉર્ડ તપાસ્યા હતા અને એમ્માને જણાવ્યું હતું કે તેને 25 વર્ષની વયે મૅનોપૉઝ આવી ગયો છે.

એમ્મા હૉસ્પિટલની ખુરશીમાં સ્થિર થઈ ગયાં હતાં. ડૉક્ટરની વાત સાંભળીને તેમનું મન વિચલિત થઈ ગયું હતું.

થોડાં વર્ષો અગાઉ ગોળી લેવાને કારણે બંધ થયેલું તેમનું માસિક ફરી કદાચ ક્યારેય નહીં આવે. તેઓ કુદરતી રીતે ગર્ભવતી થઈ શકે તેવી શક્યતા શૂન્યવત્ થઈ ગઈ હતી.

એમ્મા કહે છે, “શું પ્રતિભાવ આપવો હું સમજી શકતી ન હતી. ડૉક્ટરે જે કહ્યું એ સાંભળીને મને લાગ્યું કે જાણે હું બધું ગુમાવી બેઠી છું. હું ક્યારેય માતા બની શકીશ નહીં.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એમ્મા પ્રાઇમરી ઓવેરિયન ઇનસફિશિયન્શી (પીઓઆઈ) નામની તકલીફથી ગ્રસ્ત મહિલાઓ પૈકીનાં એક છે. પીઓઆઈથી ગ્રસ્ત મહિલાઓમાં 40 વર્ષથી ઓછી વયે મૅનોપૉઝ આવી જાય છે.

મોટા ભાગના કિસ્સામાં તેનું કોઈ જાણીતું કારણ નથી. પીઓઆઈથી ગ્રસ્ત મહિલાઓ 50 વર્ષની થાય ત્યાં સુધી મૅનોપૉઝનાં લક્ષણો અનુભવતી હોય છે.

બ્રિટનમાં પ્રત્યેક 100માંથી એક સ્ત્રીને આવી તકલીફ થતી હોય છે અને નિષ્ણાતો માને છે કે આ તકલીફ વધારે સર્વસામાન્ય હોઈ શકે છે. છતાં આ બાબતે બહુ ઓછી ચર્ચા થાય છે.

મૅનોપૉઝ કેરમાં વિશેષ રસ ધરાવતાં ટિકટોક સ્ટાર ડૉ. નિઘત આરિફ કહે છે, “યુવા વયની છોકરીઓમાં મૅનોપૉઝ બાબતે પૂરતી ચર્ચા થતી નથી. સામાન્ય રીતે વૃદ્ધ, શ્વેત વાળવાળી મહિલાઓ જોવા મળે છે, પરંતુ તેમને આવી તકલીફ હોતી નથી.”

એમ્મા જેવી કેટલીક મહિલાઓ એ સમજી શકતી નથી કે તેમનું અંડાશય કામ કેમ કરતું નથી, પરંતુ પીઓઆઈની તકલીફ ઑટોઇમ્યુન કન્ડિસન, ક્રોમોઝોમલ ડિસોર્ડર અથવા ગર્ભાશય કે અંડાશયની શસ્ત્રક્રિયાને કારણે પણ થઈ શકે છે.

આ તકલીફનું નિદાન થયા પછી શરીર ઉપરાંત મનોજગત પર પણ તેની માઠી અસર થઈ શકે છે. ડૉક્ટરે આ નિદાન કર્યું એ પછી એમ્મા કલાકો સુધી તેમની કારમાં એકલાં રડતાં રહ્યાં હતાં. તેઓ જે વ્યસ્ત હેર સલૂનમાં કામ કરતાં હતાં ત્યાં વૃદ્ધ મહિલાઓ પાસેથી મૅનોપૉઝ વિશે થોડું સાંભળ્યું હતું, પણ મૅનોપૉઝ બાબતે એનાથી વધુ કશું એમ્મા જાણતાં ન હતાં.

એમ્માએ વિચાર્યું હતું કે તેઓ બે સંતાનનાં માતા બનશે, તેમનો સારી રીતે ઉછેર કરશે, પરંતુ તેમનું એ સપનું રોળાઈ ગયું હતું.

એ પછીના અનેક મહિના સુધી એમ્માએ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી (એચઆરટી) ટૅબ્લેટ લીધી હતી. તેમને જાણવા મળ્યું હતું કે તેમનું અંડાશય કામ કરતું બંધ થઈ ગયું છે અને તેમનું શરીર પૂરતા પ્રમાણમાં એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનનું ઉત્પાદન કરતું નથી. આ બન્ને હોર્મોન માસિક ચક્રનું નિયમન કરતા હોય છે.

આ અસંતુલનનો તેમના આરોગ્ય પર વર્ષો સુધી પ્રભાવ રહ્યો હતો. એમ્માને એ પણ સમજાયું હતું કે તેમને વિચારશૂન્યતાની જે પરિસ્થિતિનો અનુભવ થતો હતો તે તેમના વ્યક્તિત્વનો હિસ્સો ન હતી.

જેમાં આખા શરીરમાં ફટાકડા ફૂટતા અનુભવાય છે તે હોટ ફ્લેશિસ માટે હેર ડ્રાયરનો ઉપયોગ જવાબદાર ન હતો. રાતે ઊંઘ ન આવવાનું કારણ અનિદ્રાની તકલીફ ન હતી, પરંતુ તે હોર્મોનલ અસંતુલનનું એક વધારે લક્ષણ હતું.

એમ્માનાં માતા સાથે પણ આવું થયું હતું. તેમને મૅનોપૉઝ આવ્યો ન હતો, જ્યારે તેમની સખીઓને પોતપોતાનાં સંતાનો હતાં અને સેટલ થઈ રહ્યાં હતાં.

એમ્મા કહે છે, “મને કોઈ સમજી શકતું ન હોય એવું લાગતું હતું.”

એમ્મા કામકાજમાં સતત વ્યસ્ત રહેવા લાગ્યાં હતાં અને પોતાની તકલીફના નિદાન વિશે કોઈ સાથે વાત કરતાં ન હતાં. તેઓ મોડી રાત સુધી દોસ્તો સાથે મોજ કરતાં હતાં અને કેઝ્યુઅલ ડેટ પર પણ જતાં હતાં. એમ્મા તેમના મિત્ર યુગલોથી તદ્દન વિપરીત જીવન જીવતાં હતાં.

એમ્મા કહે છે, “મેં ખૂબ મદ્યપાન અને સેક્સ કરીને મારું શરીર બગાડ્યું હતું. મારે મારી તકલીફ બાબતે કોઈ સાથે વાત કરવી કેટલી જરૂરી છે તે હું સમજી શકી ન હતી.”

રજોનિવૃત્તિમાંથી પસાર થવાનું ઓછું મુશ્કેલ હોય તેમ, અનેક મહિલાઓને, બીજી ગંભીર તકલીફ બાબતે સારવાર શરૂ હોય પછી તેઓ આ સમસ્યાથી પીડાતી હોવાનું નિદાન થાય છે.

ગ્રે લાઇન

સો માયત નોહની વાત

સો માયત નોહ
ઇમેજ કૅપ્શન, સો માયત નોહને 23 વર્ષની વયે મૅનોપૉઝ થયો

બ્રિટનમાં ગ્રાફિક ડિઝાઇનનો અભ્યાસ કરતાં 23 વર્ષની વયનાં સો માયત નોહ માટે મૅનોપૉઝ, કૅન્સરની સારવારના અનપેક્ષિત પરિણામ સ્વરૂપે આવી પડ્યો હતો. તેમને આંતરડાનું ત્રીજા તબક્કાનું કૅન્સર હોવાનું નિદાન આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. પેડુની આજુબાજુના વિસ્તારમાં રેડિયેશનને કારણે તેમના અંડાશયને નુકસાન થયું હતું, પરંતુ એ વખતે સો માયતને તેનો અર્થ સમજાયો ન હતો.

સો માયત કહે છે, “ડૉક્ટરો અને નર્સોનું ધ્યાન માત્ર મારી કૅન્સરની સારવાર પર હતું. તેને લીધે મૅનોપૉઝની સંભવિત તકલીફ વિશે કોઈ ક્યારેય ઉલ્લેખ કર્યો હોય તેવું મને યાદ નથી.”

તેઓ અચાનક કાનમાં જોરદાર ઝણઝણાટી, ચિંતા અને થાક તીવ્રતાથી અનુભવવા લાગ્યાં હતાં.

સો માયત નોહ મોટાં થતાં હતાં ત્યારે માસિક, પ્રજનનક્ષમતા અને મૅનોપૉઝ વિશે ભાગ્યે જ ચર્ચા થતી હતી. તેથી તેઓ એ વિશે કશું જાણતાં ન હતાં. કૉલેજમાંની તેમની સખીઓ ગર્ભાશયમાંની આંકડી તથા ગર્ભનિરોધક ટીકડીઓ બાબતે વધારે ચિંતિત હતી અને સો માયતને તેમાં રસ પડતો ન હતો.

સો માયત કહે છે, “મારી સાથે જે કંઈ થયું હતું તેને હું મોટી વયની સ્ત્રીઓ સાથે સાંકળતી હતી. મને એવું લાગતું હતું કે હું મારા જીવનનો એક મોટો હિસ્સો માણી શકી નથી.”

સો માયત નોહ તેમની માનસિક તકલીફ બાબતે થેરપિસ્ટ સાથે વાત કરી હતી, પરંતુ તેમાં મૅનોપૉઝનાં શારીરિક લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવ્યાં ન હતાં.

કિમોથેરપીથી કંટાળી ગયેલાં સો માયત પોતાની સમસ્યાનું નિરાકરણ જાતે જ કરવું પડ્યું હતું. ચોક્કસ પ્રકારના કૅન્સરથી પીડાતી સ્ત્રીઓ માટે એચઆરટી ઉપયોગી સાબિત થતી નથી, પરંતુ સો માયત માટે સલામત સારવાર જડી આવી હતી. તેમણે એ પદ્ધતિની સારવાર લેવાનું શરૂ કર્યું પછી તેમની સ્થિતિમાં સુધારો થયો હતો. એચઆરટી ઉપરાંત તેઓ ચાલવા જવા અને ગરમ પીણાં પીવાનું ટાળવા જેવા બિન-તબીબી ઉપચાર કરે છે.

તેઓ માને છે કે આવી તકલીફનું નિરાકરણ કઈ રીતે કરવું તેની સલાહ વહેલી મળી હોત તો સારું થાત. તેનો સામનો કરવાનું આસાન બની રહ્યું હોત.

સો માયત કલા વડે તેમના અનુભવોને વ્યક્ત કરે છે
ઇમેજ કૅપ્શન, સો માયત કલા વડે તેમના અનુભવોને વ્યક્ત કરે છે

ડૉ. નિઘત આરિફના સોશિયલ મીડિયા ઍકાઉન્ટમાં, સમાન અનુભવ કરી ચૂકેલી મહિલાઓના મૅસેજનો ગંજ ખડકાયેલો છે.

ડૉ. નિઘત તેને હેલ્થ પ્રૉફેશનલોમાં ‘મૅનોપૉઝની સારવાર સંબંધી સૂક્ષ્મ બાબતો વિશે વધેલી સમજણ’ ગણાવે છે અને તમામ વયની સ્ત્રીઓ આ બાબતે મુક્ત રીતે ચર્ચા કરતી થાય તેવું ઇચ્છે છે.

ડૉ. નિઘત આરિફ કહે છે, “તમારાં દાદી, માતા, પત્ની, કાકી, માસી, કાકી-માસીની દીકરીઓ અને તમારી સખીઓ સાથે મોકળા મને ચર્ચા કરો. તમે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હો એ વિશે ચર્ચા કરવામાં શરમાવા જેવું કશું નથી.”

ડૉ. નિઘતના જણાવ્યા મુજબ, જાગૃતિ વધવાને કારણે વધુ મહિલાઓને પીઓઆઈની તકલીફ હોવાનું નિદાન થઈ રહ્યું છે, પરંતુ નિદાન કરાવવા હજુ પણ લાંબો સમય લાગે છે. પીઓઆઈની સારવાર ન કરવામાં આવે તો તેનાથી લાંબા ગાળે સ્ત્રીનાં હાડકાં, હૃદય અને માનસિક આરોગ્ય પર માઠી અસર થઈ શકે છે.

ડૉ. નિઘત આરિફ કહે છે, “કેટલીક મહિલાઓને તેઓ અંધારિયા ઓરડામાં પુરાઈ ગઈ હોય એવું લાગે છે.”

પીઓઆઈથી પીડાતી ઘણી મહિલાઓને પીડાદાયક સેક્સ અને કામેચ્છાના અભાવનો અનુભવ થતો હોવાનું પણ ડૉ. નિઘતના ધ્યાનમાં આવ્યું છે. પીઓઆઈનાં આ લક્ષણો બાબતે પણ બહુ ઓછી ચર્ચા થાય છે.

બીબીસી ગુજરાતી

એલ્સ્પેથ વિલ્સનની વાત

એલ્સ્પેથ જ્યારે 15 વર્ષનાં હતાં ત્યારે તેમનું નિદાન થયું હતું
ઇમેજ કૅપ્શન, એલ્સ્પેથ જ્યારે 15 વર્ષનાં હતાં ત્યારે તેમનું નિદાન થયું હતું

23 વર્ષનાં એલ્સ્પેથ વિલ્સન આ બધું બહુ સારી રીતે સમજે છે. તેઓ માત્ર 15 વર્ષનાં હતાં ત્યારે તેમને પીઓઆઈની તકલીફ હોવાનું નિદાન થયું હતું. સેક્સની તકલીફ પર તેમણે સમગ્ર પ્રેમજીવનમાં વિજય મેળવ્યો છે.

એલ્સ્પેથ વિલ્સન કહે છે, “કોઈની સાથે રિલેશનશિપમાં હોવું અને તમે તેને પ્રેમ કરો છો તે દર્શાવવું બહુ મુશ્કેલ હોય છે. તમારું શરીર તમારી સાથે સહમત થતું નથી અને કેટલીક બાબતો પ્રતિકૂળ હોય છે. મને વધુ નિરાશા એ વાતની છે કે આ સમસ્યા હોઈ શકે છે એવું ડૉક્ટરોએ મને ક્યારેય જણાવ્યું ન હતું.”

એલ્સ્પેથે કૉલેજમાં માર્કેટ રિસર્ચર તરીકે હમણાં જ નોકરી શરૂ કરી છે. સધિયારો આપવા બદલ તેઓ તેમના નોકરીદાતાને વખાણે છે, પરંતુ પીઓઆઈની તકલીફ સાથે આગળ વધવાનું મુશ્કેલ હોય છે.

એલ્સ્પેથ કહે છે, “આ તકલીફ આત્મશ્રદ્ધામાં ઘટાડો કરે છે. ઘણીવાર મને વિચારશૂન્યતાનો અનુભવ થાય છે અને તેની સાથે ખરાબ વિચારોનો તબક્કો શરૂ થાય છે.”

એલ્સ્પેથને તેમના જેવી જ તકલીફ ધરાવતી મહિલાઓના વૉટ્સઍપ ગ્રૂપમાંથી સાંત્વન મળે છે. તેમના ગ્રૂપમાં બધી જ ચર્ચા થાય છે.

એલ્સ્પેથ કહે છે, “સવાલો પૂછવાની અને બળાપો વ્યક્ત કરવાનું કોઈ સ્થાન હોય એ સારું છે. તમારી તકલીફ બાબતે મોકળા મને વાત કરવાની આવડત હોય તો બધું આસાન બની જાય છે.”

બીબીસી ગુજરાતી

સધિયારાની વ્યવસ્થા

ડૉ. નિઘત આરિફ પોતાના મૅનોપૉઝને લઈને ખૂલીને વાત કરવાની વાત પર ભાર મૂકે છે

ઇમેજ સ્રોત, BBC/ELISE WICKER

ઇમેજ કૅપ્શન, ડૉ. નિઘત આરિફ પોતાના મૅનોપૉઝને લઈને ખૂલીને વાત કરવાની વાત પર ભાર મૂકે છે

સો માયેત નોહ કૅન્સરને કારણે સર્જાતા મૅનોપૉઝની તકલીફથી પીડાતી યુવતીઓના એક ઓનલાઈન સપોર્ટ ગ્રૂપમાં જોડાયાં છે. તેઓ એલ્સ્પેથની વાત સાથે સહમત થાય છે.

એમ્મા પણ આ વાત અનુભવે સમજ્યાં છે. નિદાનની પીડાને રોકવાના પ્રયાસ વર્ષો સુધી કર્યા બાદ હવે એમ્માએ પોતાના અનુભવ વિશે મોકળાશથી બોલવાનું શરૂ કર્યું છે.

એમ્મા તેમને થતી અનુભૂતિ બાબતે કાઉન્સેલર સાથે વાત કરે છે અને તેઓ એમ્માને ફરી પૂર્વવત્ થવામાં મદદ કરે છે.

એમ્મા કહે છે, “મારા નિદાનથી વધુ ફરક પડ્યો ન હતો. હું એ જ હતી. તે મારા નિદાનથી વિશેષ હતું. તેમાંથી ઘણું શીખવા મળ્યું.”

થોડા સમય પહેલાં એમ્મા તેમની તકલીફ સમજતાં અને હવે સાથે રહેતાં એક દંપતીને મળ્યાં હતાં. ઇન્સ્ટાગ્રામ પર તેઓ મૅનોપૉઝ સંબંધી હેશટેગને ફોલો કરે છે. તેમના ધ્યાનમાં ડેઇઝી નેટવર્ક આવ્યું હતું. આ સખાવતી સંસ્થા પીઓઆઈની તકલીફથી પીડાતી મહિલાઓના માહિતી તથા ટેકો આપવા માટે રચવામાં આવ્યું છે.

મૅનોપૉઝ

હવે 34 વર્ષનાં થયેલાં એમ્મા માને છે કે ભવિષ્યમાં તેમનાં સંતાન પણ હશે. એગ ડોનેશન અને આઇવીએફની પ્રક્રિયા જટિલ હોય છે. તેથી એમ્મા આગામી કેટલાંક વર્ષમાં સંતાન દત્તક લેવાનું વિચારી રહ્યાં છે.

તેઓ લાઉન્જમાં જાય ત્યારે #MakeMenopauseMatter લખેલું ટી-શર્ટ અચૂક પહેરે છે. તેમના ક્લાયન્ટ એવું કહે છે કે મૅનોપૉઝ માટે તેઓ બહુ નાનાં છે. એ વખતે એમ્મા તેમને પોતાની પરિસ્થિતિ સમજાવે છે.

એમ્મા કહે છે, “તેઓ મને જણાવે છે કે મારી સાથેની છેલ્લી 30 મિનિટમાં તેમણે મૅનોપૉઝ વિશે જેટલું જાણ્યું છે એટલું આખા જીવનમાં જાણ્યું ન હતું. તેનાથી મને ગર્વ થાય છે કે હું તમામ સ્ત્રીઓ માટે ખાસ સંદેશનો પ્રસાર કરી રહી છું.”

રેડ લાઇન
રેડ લાઇન