You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પર્યટક યુવતી લપસીને 3700 મીટર ઊંચા જ્વાળામુખીમાં પડી, નજરે દેખાવા છતાં કેમ કાઢી ન શકાઈ?
ઇન્ડોનેશિયામાં બ્રાઝિલનાં એક પર્યટક યુવતી માઉન્ટ રિંજાની જ્વાળામુખીમાં પડી ગયા પછી બચાવ ટુકડીના લોકોએ દિવસો સુધી શોધખોળ કરી હતી. હવે અંતે તેમનો મૃતદેહ મળી આવ્યો છે.
જ્વાળામુખી જોવા જતી વખતે પગ લપસી જવાથી પડી જનારાં 26 વર્ષીય યુવતીનું નામ જુલિયાના મેરિન્સ હોવાનું જાણવા મળ્યું છે. ગયા શનિવારે તેઓ જ્વાળામુખી પર ફરવાં ગયાં હતાં.
શરૂઆતમાં તેઓ એક ભેખડ પરથી પડી ગયાં ત્યારે બચી ગયાં હતાં. બચાવકર્તાઓએ શનિવારે તેમની ચીસો પણ સાંભળી હતી.
એક જટિલ રેસ્ક્યૂ ઑપરેશન પાર પાડ્યા પછી મંગળવારે બચાવ ટુકડીઓને તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
બ્રાઝિલના અધિકારીઓએ કહ્યું કે જ્વાળામુખીના મુખની ધાર નજીક તેઓ લપસી ગયાં હતાં.
જુલિયાનાની શોધખોળ ચાલતી હતી ત્યારે ઇન્ડોનેશિયાના અધિકારીઓએ કહ્યું કે અહીં ગાઢ ધુમ્મસ છે અને પ્રતિકૂળ હવામાનના કારણે બચાવકાર્ય આગળ નથી વધી રહ્યું.
માઉન્ટ રિંજાની પાર્કના અધિકારીઓએ સોશિયલ મીડિયા પર કહ્યું કે શનિવારે જુલિયાનાની મદદ માટેની ચીસો સાંભળવા મળી હતી.
તેમણે કહ્યું કે તે વખતે તેઓ બહુ ગભરાયેલાં હતાં, પરંતુ સુરક્ષિત હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુવતી કેટલો સમય જીવિત રહ્યાં?
જ્વાળામુખી પર ચઢનારા કેટલાક લોકોએ વીડિયો શૂટ કરીને ઑનલાઇન પોસ્ટ કર્યા છે. ડ્રોન ફૂટેજમાં જોવા મળ્યું કે શનિવારે યુવતી જીવિત હોય તેમ લાગતું હતું.
ફૂટેજમાં જોવા મળ્યું કે પર્વત પર ચઢવાના તળિયાના ભાગમાં તેઓ ભૂખરા રંગની જમીન પર બેઠાં છે.
બીજા દિવસે બચાવ ટુકડીઓ 300 મીટરની ઊંડાઈ સુધી ગઈ હતી, જ્યાં આ યુવતી હોવાની આશંકા હતી. બચાવદળે તેને બોલાવવા બૂમો પાડી પણ કોઈ પ્રતિભાવ ન મળ્યો. તેઓ યુવતીને શોધી ન શક્યા.
પાર્કના અધિકારીઓએ કહ્યું કે ડ્રોન ફૂટેજ પરથી જાણવા મળ્યું કે રવિવારે સવારે યુવતી ત્યાં ન હતાં. તેમણે કહ્યું કે ગાઢ ધુમ્મસના કારણે બચાવકાર્યમાં મુશ્કેલી પેદા થઈ અને થર્મલ ડ્રોનના ઉપયોગને પણ અસર થઈ.
યુવતીના પરિવારના સભ્યોએ કહ્યું કે સોમવારે બચાવ ટુકડીઓને ફરીથી યુવતી જોવા મળી હતી. તેઓ જ્વાળામુખીમાં વધી નીચે ધકેલાયા હોય એમ લાગતું હતું. ખરાબ હવામાનના કારણે તે વખતે પણ બચાવકાર્ય અટકાવી દેવું પડ્યું હતું.
પરિવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે બચાવ દળની ટુકડીઓ માત્ર 250 મીટરની ઊંડાઈ સુધી જઈ શકી હતી. જુલિયાના સુધી પહોંચવા માટે તેમણે હજુ 350 મીટર નીચે જવાનું હતું, પરંતુ તેઓ પરત આવી ગયા.
પરિવારનો દાવો છે કે આ પાર્ક હજુ પણ ખુલ્લો છે અને પર્યટકો હજુ પણ એ જ રૂટ પર જાય છે.
તે સમયે તેના પરિવારજનોએ કહ્યું કે, "જુલિયાનાને મદદની જરૂર છે. તેની હાલત કેવી છે તે કોઈ નથી જાણતું. ત્રણ દિવસથી તેમને પાણી કે ખોરાક નથી મળ્યો. તેમની પાસે ઠંડી સહન કરી શકે તેવાં કપડાં નથી."
જ્વાળામુખી પાસે પર્વતારોહણ યથાવત ચાલુ છે
મંગળવારે જુલિયાનાના પરિવારે સોશિયલ મીડિયા પર કહ્યું કે તેમને બચાવવા રેસ્ક્યૂ કામગીરી ચાલુ છે.
બ્રાઝિલિયન ટીવી નેટવર્ક ગ્લોબો સાથે વાત કરતા જુલિયાનાની ટીમના બે સભ્યોએ કહ્યું કે આ ચઢાણ બહુ મુશ્કેલ હતું.
અન્ય એકે જણાવ્યું કે આખું જૂથ ગાઇડની સાથે નીચે ઊતરતું હતું, ત્યારે જુલિયાના સૌથી છેલ્લે હતાં. તે વખતે અકસ્માત થયો હતો.
તેમણે કહ્યું, "પરોઢના અજવાળા અગાઉ માત્ર એક ફાનસના સહારે તે જગ્યાએ રહેવું બહુ મુશ્કેલ છે. ત્યાં પગ લપસી શકે છે."
બ્રાઝિલના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ઇન્ડોનેશિયાની સરકાર સાથે સંપર્કમાં છે અને રાહત કાર્ય પર નજર રાખવા માટે દૂતાવાસના બે કર્મચારીઓને મોકલ્યા હતા.
ફૉરેસ્ટ ઑફિસર સત્યવાને સોમવારે કહ્યું કે પર્વતારોહણ કરતી વખતે પર્વતારોહકોએ પોતાની સુરક્ષાનો સૌથી પહેલાં ખ્યાલ રાખવો જોઈએ.
2022માં આ જ્વાળામુખીના શિખર પરથી પડી જવાથી પોર્ટુગલની એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ વર્ષે મે મહિનામાં મલેશિયાના એક પર્વતારોહક પણ જ્વાળામુખી પર ચઢવા જતી વખતે નીચે પડીને મૃત્યુ પામ્યા હતા.
માઉન્ટ રિંજાની એ ઇન્ડોનેશિયામાં બીજા ક્રમે સૌથી ઊંચો જ્વાળામુખી છે અને તેની ઊંચાઈ 3700 મીટર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન