SCO : ચીનમાં પીએમ મોદી અને શી જિનપિંગ મળ્યા, બંને નેતા શું બોલ્યા?

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી.

આ બેઠક ચીનના તિયાનજિન શહેરમાં થઈ, જ્યાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ ચાલી રહી છે.

પીએમ મોદીએ શી જિનપિંગ સાથે વાતચીત દરમિયાન કહ્યું,"ગયા વર્ષે કઝાનમાં અમારી ખૂબ જ અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી. અમારા સંબંધોને એક સકારાત્મક દિશા મળી છે. સરહદ પર ડિસઍન્ગેજમેન્ટ પછી શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ છે. અમારા વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે સરહદ વ્યવસ્થાપન અંગે સહમતિ બની છે."

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શું કહ્યું?

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું, "દુનિયા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. ચીન અને ભારત દુનિયાની બે સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ છે. અમે બંને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છીએ અને ગ્લોબલ સાઉથનો ભાગ છીએ. મિત્ર બન્યા રહેવું, સારા પાડોશી હોવું અને ડ્રૅગન અને હાથીનું સાથે આવવું ખૂબ જ જરૂરી છે."

મોદીનો આ પ્રવાસ એવા સમયે થયો છે જ્યારે પૂર્વી લદ્દાખમાં એપ્રિલ 2020 પહેલાંની સ્થિતિ હજુ પુનઃસ્થાપિત થઈ નથી.

ચીને 2020 પછી અનેક વખત અરુણાચલ પ્રદેશના વિસ્તારોને મંદારિનમાં નામકરણ કર્યાં છે. ચીન અરુણાચલને દક્ષિણ તિબેટ કહે છે.

જોકે, ભારત 'વન ચાઇના પૉલિસી'ને માન્યતા આપે છે, જેમાં તિબેટ અને તાઇવાન બંનેને ચીનનો ભાગ છે.

મોદીનો ચીન જવાનો નિર્ણય ખૂબ અપેક્ષિત નહોતો માનવામાં આવ્યો. 2023માં ભારતે SCOની અધ્યક્ષતા કરી હતી અને સમિટ વર્ચ્યુઅલ રીતે યોજી હતી.

આ નિર્ણયથી એવો સંકેત મળ્યો કે ભારત ચીનના પ્રભાવ ધરાવતાં ગઠબંધનો પ્રત્યે ખૂબ ઉત્સાહિત નથી.

2022માં ભારતે G20 સમિટનું આયોજન કર્યું હતું, જેમાં શી જિનપિંગ હાજર નહોતા.

આથી મોદીના ચીન પ્રવાસને અમેરિકા સાથે ભારતના બગડતા સંબંધો સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

મોદી અને શી જિનપિંગ છેલ્લે ગયા વર્ષે ઑક્ટોબરમાં રશિયાના કઝાનમાં BRICS સમિટ દરમિયાન મળ્યા હતા. BRICS અને SCO બંનેને અમેરિકી હિતોનાં વિરોધી ગઠબંધનો તરીકે જોવામાં આવે છે.

તિયાનજિનમાં મોદીની મુલાકાતનો ઉદ્દેશ માત્ર ભારત-ચીન સંબંધો મજબૂત કરવો એ જ નહીં, પણ અમેરિકી ટેરિફ્સનો સામનો કરવો પણ છે.

SCO સમિટમાં પીએમ મોદીને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફનો પણ સામનો કરવો પડશે. પહલગામ હુમલા અને ઑપરેશન સિંદૂર પછી આ પહેલી વખત બંને નેતા એક જ સમિટમાં સાથે થશે.

મોદી શું બોલ્યા આ બેઠકમાં?

મોદીએ શી જિનપિંગ સાથેની બેઠકમાં કઝાનમાં થયેલી મુલાકાત અને તાજેતરના કેટલાક સહમતિઓની ચર્ચા કરી.

તેમણે કહ્યું, "કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ છે. બંને દેશો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ રહી છે. અમારા સહયોગથી 2.8 અબજ લોકોનાં હિત જોડાયેલાં છે. આ સમગ્ર માનવજાતના કલ્યાણનો માર્ગ ખોલે છે. પરસ્પર વિશ્વાસ, સન્માન અને સંવેદનશીલતાના આધારે આપણે સંબંધો આગળ વધારવા પ્રતિબદ્ધ છીએ. SCOની અધ્યક્ષતા માટે હું તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું."

સાત વર્ષ પછી ચીન પ્રવાસ

પીએમ મોદી સાત વર્ષ પછી ચીન ગયા છે. 2018 પછી આ પહેલી વખત છે જ્યારે બંને નેતાઓ ચીનમાં સામસામે મળ્યા છે.

વિશ્લેષકો માને છે કે ભારત ચીન સાથે સંબંધ સુધારીને અમેરિકી દબાણ સામે સંતુલન સાધવા ઇચ્છે છે.

ચીન પહેલેથી જ ભારતનો મોટો વેપાર ભાગીદાર છે, પણ વેપારનું સંતુલન ચીનના પક્ષમાં છે.

2024માં ભારતે ચીનથી 48 અબજ ડૉલરનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો આયાત કર્યાં હતાં.

વિશ્લેષકો શું કહે છે?

સંરક્ષણ વિશ્લેષક સુશાંતસિંહ કહે છે કે મોદી શી જિનપિંગ સાથે એવી સ્થિતિમાં મળ્યા છે જ્યારે તેઓ મુશ્કેલ સ્થિતિમાં છે.

તેમણે લખ્યું, "મોદી ખૂબ નબળી સ્થિતિમાં ચીન ગયા છે કારણ કે, ટ્રમ્પે તેમને નિશાન બનાવ્યા છે અને તેમની પાસે દબાણ બનાવવા માટે કોઈ શક્તિ નથી."

"ચીન ભારત સાથે મિત્રતા ઇચ્છે છે પણ સંપૂર્ણપણે પોતાની શરતો પર. ચીને LAC, વેપાર, તિબેટ કે રેર અર્થ્સ પર કોઈ છૂટછાટ આપી નથી."

"પાકિસ્તાનને લઈને પણ ચીન કોઈ વચન આપતું નથી — ન તો સૈન્ય સહયોગમાં, ન તો અન્ય ક્ષેત્રોમાં. અંતે, ચીન અમેરિકા માટેનો વિકલ્પ બની શકે નહીં — અને આ ત્રણેય પક્ષો આ વાત જાણે છે."

રશિયા-ચીન મિત્રતા પણ ભારત માટે પડકાર

થિંક ટૅન્ક બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશન્સનાં સિનિયર ફૅલો તન્વી મદન કહે છે કે રશિયા અને ચીન વચ્ચેની નજદીક સંબંધો પણ ભારત માટે પડકારરૂપ છે.

તેમણે લખ્યું, "આજે રશિયા અને ચીનના સંબંધો ભારત કરતાં વધારે મજબૂત છે. ચીન ભારતનો પ્રતિસ્પર્ધી છે અને રશિયા હવે ચીન પર વધુ નિર્ભર છે. લોકો ભૂલી જાય છે કે ભારત અને રશિયા વચ્ચેના જૂના નજીકના સંબંધોનું કારણ ચીન સાથેનો વિવાદ હતો."

ચીનથી 'સાવચેત' રહેવાની જરૂર

સામરિક વિશ્લેષક બ્રહ્મા ચેલાની કહે છે કે ચીન અગાઉના અનુભવના આધારે ભારતની નબળાઈનો લાભ લેવા પ્રયાસ કરશે.

તેમણે લખ્યું, "જ્યારે મોદી 2014માં પીએમ બન્યા ત્યારે તેમને લાગ્યું કે સંબંધ સુધારી શકાય છે. પણ ચીને તેમની મિત્રતાવાળી નીતિનો ઉપયોગ કરીને જમીન પર આગળ વધવાનું ચાલુ રાખ્યું અને મોદીએ દિશા બદલવાની ભૂલ કરી."

"મેમાં જ્યારે ભારતે પાકિસ્તાનનાં આતંકી ઠેકાણાં પર હુમલો કર્યો ત્યારે ચીને પાકિસ્તાનને રિયલ-ટાઇમ રડાર અને સેટેલાઈટ ડેટા આપીને મદદ કરી. ઉપરાંત, ચીને તાજેતરમાં વિશ્વનું સૌથી મોટો ડૅમ બનાવવાની યોજના જાહેર કરી જે ભારતની સરહદ નજીક છે. જે ભારત માટે પર્યાવરણની દૃષ્ટિએ અને રાષ્ટ્રીય સુરક્ષા એમ બંને માટે ગંભીર છે."

ભારત પાસે કયા વિકલ્પો?

'ધ હિંદુ'ના આંતરરાષ્ટ્રીય સંપાદક સ્ટેનલી જૉની કહે છે, "મોદી ટ્રમ્પના દબાણ સામે નમશે નહીં. ભારત ક્યાંથી ઑઇલ ખરીદે એ નિર્ણય ભારત કરશે, અમેરિકા નહીં. આનો અર્થ એ નથી કે ભારત-અમેરિકા સંબંધો તૂટી રહ્યા છે. સંબંધો ફરી મજબૂત થઈ શકે છે — પણ માત્ર ટ્રમ્પની શરતો પર નહીં."

"ભારત જાણે છે કે ચીન સાથે શક્તિનું સંતુલન નથી. ભારતને પોતાની વ્યૂહાત્મક ખામીઓને પૂરી કરવા માટે અમેરિકાની જરૂર છે. પણ જો અમેરિકા દુશ્મન જેવો વ્યવહાર કરશે તો ભારત પાસે અન્ય વિકલ્પો પણ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન