ગળામાં પહેરેલી નવ કિલોની ચેઇન બની જીવલેણ, MRI મશીનમાં ફસાઈ જવાથી વ્યક્તિનું મોત

    • લેેખક, મેડલિન હેલ્પર્ટ
    • પદ, બીબીસી ન્યૂઝ, ન્યૂયૉર્ક

એક 61 વર્ષીય વ્યક્તિનું એક મેડિકલ સેન્ટરમાં મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) મશીનમાં ફસાઈ જવાથી મૃત્યુ થયું છે, આમ થવાનું કારણ એ હતું કે આ વ્યક્તિએ ભારે ધાતુની ચેઇન પહેરી હતી.

નાસાઉ કાઉન્ટી પોલીસ વિભાગે જણાવ્યું હતું કે, ન્યૂ યૉર્કના લૉંગ આઇલૅન્ડ પર વેસ્ટબરીમાં નાસાઉ ઓપન એમઆરઆઈના એક રૂમમાં મંજૂરી લીધા વિના એ વ્યક્તિ પ્રવેશી હતી.

તેમની પત્નીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેમના સ્કૅન પછી MRI રૂમમાં પતિને બોલાવ્યા હતા, તેમણે ચેઇન પહેરેલી હતી જેના કારણે તેઓ મશીન તરફ ખેંચાઈ ગયા.

અધિકારીઓ કહે છે એ પ્રમાણે આ કારણે મેડિકલ સમસ્યા સર્જાઈ હતી અને વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

કેવી રીતે આ ઘટના બની હતી?

એમઆરઆઈ મશીન ડિટેઇલ ઇમેજ બનાવવા માટે પ્રબળ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે.

દર્દીને સામાન્ય રીતે એમઆરઆઈ સ્કૅન કરાવતા પહેલાં કે મશીન પાસે જતા પહેલાં ધાતુની વસ્તુ પહેરેલી હોય તો કાઢી નાખવા માટેની સૂચના આપવામાં આવે છે.

આ ઘટનાની તપાસ કરી રહેલા નાસાઉ કાઉન્ટી પોલીસ કહ્યું, પીડિત પુરુષે પોતાના ગળામાં એક ધાતુની ચેઇન પહેરી હતી. જેને કારણે તે મશીનની ચપેટમાં આવી ગયા હતા. જેને કારણે મેડિકલ સમસ્યા સર્જાઈ હતી.

પોલીસે પીડિતનું નામ જણાવ્યું નથી પણ ઍડ્રિએન જોન્સ-મૅકએલિસ્ટરે સ્થાનિક ટેલિવિઝન સ્ટેશન ન્યૂઝ 12 લૉન્ગ આઇલૅન્ડને જણાવ્યું હતું કે મૃતક એમના પતિ કીથ હતા.

એમણે કહ્યું, "મારા પતિએ મને અલવિદા કહ્યું અને પછી એમનું શરીર શિથિલ થઈ ગયું હતું."

ઍડ્રિયન જોન્સ-મૅકએલિસ્ટરે જણાવ્યું કે એમના ઘૂંટણનું એમઆરઆઈ સ્કૅનિંગ કરવામાં આવી રહ્યું હતું. એમણે એમના પતિને અંદર જવાનું કહ્યું હતું. એમણે કહ્યું કે એમના પતિએ 9 કિલોની ચેઇન પહેરી હતી. જેમાં એક લૉક લાગ્યું હતું જેનો ઉપયોગ તેઓ વેટ ટ્રેનિંગ માટે કરતા હતા. એ જ સમયે મશીને એમને અંદર ખેંચી લીધા હતા.

તેઓ વધુમાં જણાવે છે કે, ટેકનિશિયને એમના પતિને મશીનથી દૂર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

જોન્સ મૅકએલિસ્ટરે કહ્યું, "મેં કહ્યું કે, શું તમે મશીન બંધ કરી શકો છો. 911 પર કૉલ કરો. કંઈ પણ કરો પણ આ બંધ કરો."

બીબીસીએ આ મામલે નાસાઉ ઓપન એમઆરઆઈનો સંપર્ક કર્યો હતો.

અમેરિકન ફૂડ ઍન્ડ ડ્ર્ગ્સ ઍડમિનિસ્ટ્રેશન અનુસાર એમઆરઆઈ મશીનમાં ચુંબક હોય છે. જે ચાવી, મોબાઇલ ફોન કે ઑક્સિજન ટૅન્ક જેવી કોઈ પણ આકારની વસ્તુને પોતાની તરફ ખેેંચી લે છે.

2001માં ન્યૂ યૉર્ક શહેરના એક મેડિકલ સેન્ટરમાં એમઆરઆઈ પરીક્ષણ દરમિયાન એક આઠ વર્ષની બાળકીની ખોપડીમાં ફ્રૅકચર થવાથી મૃત્યુ થયું હતું. કારણ કે શક્તિશાળી ચુંબકીય બળને કારણે ઑકિસજન ટૅન્કને રૂમમાં ધકેલી દીધી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન