You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મારી પત્ની તો આવી નહોતી', દુર્ઘટના બાદ 12 વર્ષની યાદશક્તિ ખોઈ ચૂકેલી વ્યક્તિની કહાણી
- લેેખક, જો ફિજ્જન અને એડગર મૅડિકૉટ
- પદ, o લાઇવ્સ લેસ ઑર્ડિનરી અને બીબીસી વર્લ્ડ સર્વિસ
- લેેખક, ઍન્ડ્ર્યૂ વેબ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
ડૉ. પિએરદાંતે પિચ્ચોની એક અનિચ્છિત ટાઇમ ટ્રાવેલર છે. 2013માં એક કાર અકસ્માતમાં તેમના મગજ પર ગંભીર ઈજા થઈ હતી.
તેના કારણે તેમના જીવનમાંની 12 વર્ષની યાદો સંપૂર્ણપણે ભૂંસાઈ ગઈ હતી. આ દુર્ઘટના પછી જ્યારે તેઓ બીજા દિવસે હૉસ્પિટલમાં ભાનમાં આવ્યા ત્યારે તેમને લાગ્યું કે 2001નું વર્ષ ચાલી રહ્યું છે. તેઓ પોતાનાં પત્ની અને વયસ્ક પુત્રોને ઓળખી પણ ન શક્યા.
પિએર (પિએરદાંતેને તેમના નજીકના લોકો આ જ નામે બોલાવે છે) હવે આ આઘાત સામે ઝઝૂમી રહ્યા છે. તેઓ પોતાનો ડૉક્ટરી વ્યવસાય પણ ચાલુ રાખવામાં નિષ્ફળ થયા છે.
હવે તેઓ એ વ્યક્તિને શોધી રહ્યા છે, જે પોતે પહેલાં હતા.
હજારો ઈ-મેલમાં ખાંખાંખોળા કર્યા દરમિયાન તેમને એવું પણ જાણવા મળ્યું કે તેમના વ્યક્તિત્વની એક કાળી બાજુ પણ હતી.
તેમનો આ અનુભવ એવો હતો કે તેના પર એક ઇટાલિયન ટીવી શો બન્યો.
તેમાં દર્શાવવામાં આવ્યું કે એક યુવા ડૉક્ટરને ગોળી વાગે છે અને પિએરની જેમ તેની પણ 12 વર્ષની સ્મૃતિ ભૂંસાઈ જાય છે.
સમય કેટલો આગળ નીકળી ગયો હતો
પિએર 31 મે 2013એ ઇટાલીના લોદી શહેરમાં એ જ હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડના બેડ પર સૂતા હતા, જેમાં તેઓ કામ કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પિએર કહે છે, "સૌથી પહેલાં મેં જે જોયું, તે એક સફેદ પ્રકાશ હતો. તે એ ઇમર્જન્સી રૂમનો પ્રકાશ હતો, જ્યાં મારા સહકર્મીઓએ મને દુર્ઘટના પછી દાખલ કર્યો હતો. હું લગભગ છ કલાક કોમામાં રહ્યો; અને જ્યારે હું જાગ્યો, ત્યારે મેં સૌથી પહેલાં મારા સાથીઓની આંખો જોઈ."
તેઓ જણાવે છે, "જ્યારે તેમણે મને પૂછ્યું, 'આજે કઈ તારીખ છે?' તો મેં પાંચ-છ સેકન્ડ વિચાર્યું અને જવાબ આપ્યો– આજે 25 ઑક્ટોબર 2001 છે."
ત્યાર પછી પિએરે પોતાના એક સહયોગીને આઇપેડમાં કશુંક ટાઇપ કરતા જોયા.
આ એક એવી ડિવાઇસ હતી, જે 2001માં અસ્તિત્વમાં જ નહોતી. તે સમયે તો મોબાઇલ ફોન પણ માત્ર કૉલ કરવા, મેસેજ મોકલવા અને બેઝિક ન્યૂઝ અપડેટ્સ મેળવવા સુધી સીમિત હતા.
'મારી પત્ની આવી તો નહોતી'
પરંતુ સૌથી ચોંકાવનારી ઘટના હવે થવાની હતી.
મારા સહયોગીઓએ મને પૂછ્યું, "શું તમે તમારાં પત્નીને મળવા ઇચ્છશો?"
"જરૂર. મેં જવાબ આપ્યો, હું મારી પત્નીને મળવા ઇચ્છું છું."
પિએર કહે છે, "મારા મગજમાં એવી છબી હતી કે મારી પત્ની રૂમમાં આવશે; પરંતુ બાર વર્ષ પહેલાં વાળી, જ્યારે તે યુવાન હતી. પરંતુ, જે મહિલા રૂમમાં આવી, તે મારી પત્ની જેવી તો હતી, પરંતુ મને તે મારી પત્ની ન લાગી. તેના ચહેરા પર ઘણી કરચલી હતી."
પિએરે એવું પણ સ્વીકારવું પડ્યું કે તેમનાં સંતાનો હવે મોટા થઈ ગયાં છે અને વયસ્ક થઈ ચૂક્યાં છે.
પિએર કહે છે, "મેં તેમને પૂછ્યું, તમે લોકો કોણ છો? મારાં બાળકો ક્યાં છે? કેમ કે, મને વિશ્વાસ નહોતો બેસતો કે તેઓ મારા જ પુત્રો છે."
પછી તેમનાં પત્નીએ તેમને ચોંકાવનારી બીજી એક વાત જણાવી. પિએરનાં માતા, જે તેમની સ્મૃતિમાં સંપૂર્ણ સ્વસ્થ હતાં, ત્રણ વર્ષ પહેલાં જ ગુજરી ચૂક્યાં હતાં.
પિએર જણાવે છે, "જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મને લાગ્યું કે હું 53 વર્ષનો છું. પરંતુ આખા દિવસમાં મને અહેસાસ થયો કે મારી ખરી ઉંમર હવે 65 વર્ષ થઈ ચૂકી છે."
ખરાબ વ્યક્તિ
જ્યારે પિએરે એ 12 વર્ષ દરમિયાનની ઘટનાઓના પુરાવા શોધવાનું શરૂ કર્યું, જે તેમની સ્મૃતિમાંથી ભૂંસાઈ ગયા હતા, તો એ જાણીને વિસ્મય પામ્યા કે તે જમાનામાં તેઓ હંમેશા એક સારા વ્યક્તિ નહોતા.
તેઓ કહે છે, "મેં મારા મિત્રો, સહકર્મીઓ અને પત્નીને પૂછ્યું, હું કેવો વ્યક્તિ હતો? સારો કે ખરાબ?"
"મારા સહકર્મીઓએ જણાવ્યું કે જ્યારે હું અમારા ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટનો પ્રમુખ બન્યો, ત્યારે લગભગ 230 લોકો મારા હાથ નીચે કામ કરતા હતા."
પિએર (જેમને તેમની ઑફિસમાં ડૉક નામથી બોલાવાતા હતા) કહે છે કે એ વાત માનવી તેમના માટે અશક્ય હતી, કેમ કે, તેમણે પોતાને ક્યારેય ખરાબ વ્યક્તિ નહોતા માન્યા.
પિએર કહે છે, "તેમણે મને કહ્યું, તમારા વ્યક્તિત્વની એક કાળી બાજુ છે. તમે ખૂબ મજબૂત છો. પરંતુ બીજાઓ માટે ખૂબ કઠોર પણ છો."
તેમના સહયોગીઓએ તેમનું એક ખરાબ નામ પાડ્યું હતું.
પોતાની જ શોધ
જ્યારે પિએરે એ જાણવાનું શરૂ કર્યું કે તેમની ખોવાઈ ગયેલી યાદો દરમિયાન દુનિયા કેટલી આગળ વધી ચૂકી હતી, ત્યારે તેમણે પોતાને ઓળખવા માટે જૂના ઈ-મેલમાં સત્ય શોધવાની કોશિશ શરૂ કરી.
તેમણે કહ્યું, "મેં બધા ઈ-મેલ વાંચ્યા. તે 76 હજાર કરતાં પણ વધારે હતા. કેટલાક ઈ-મેલ વાંચીને લાગ્યું કે, ખરેખર હું ખરાબ વ્યક્તિ હતો; એક કડક વિભાગ પ્રમુખ અને એક કઠોર વ્યક્તિ."
તેઓ કહે છે કે, 'તેમણે એવું જોયું કે તેમના સહકર્મીઓએ જે કંઈ કહેલું, તે બધું સાચું હતું.'
"મેં જ્યારે એ બધા ઈ-મેલ વાંચ્યા, ત્યારે મને ખૂબ વધારે દુઃખ થયું."
તેથી પિએરે નક્કી કર્યું કે હવે તેઓ એક સારી વ્યક્તિ બનશે.
તેઓ જણાવે છે, "મેં રોજિંદી ડાયરી લખવાનું શરૂ કર્યું. હું જે કંઈ અનુભવતો હતો, ભલે તે કોઈ મહત્ત્વની વાત હોય કે પછી કોઈ સામાન્ય વસ્તુ, તેમાં જરૂર લખતો હતો."
"હું એક ખોટા સમયે ખોટો માણસ હતો. તે મારો સમય નહોતો. હું એક એવી વ્યક્તિ જેવો હતો, જે કોઈ અજાણી દુનિયામાં આવી ગયો હોય, જેને તે સમજી જ નહોતો શકતો."
પિએર એક અંધકારમય સમયગાળામાં પહોંચી ગયા.
તેમણે કહ્યું, "મેં લાંબા સમય સુધી મને એકલો અનુભવ્યો. કેમ કે, મારી માતાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, અને એવું લાગ્યું, જાણે મારાં બાળકો પણ મરી ચૂક્યાં છે."
"એટલે પછી જીવવાનો શો અર્થ રહ્યો હતો? એ પળોમાં મેં આત્મહત્યા વિશે પણ વિચાર્યું; કેમ કે, આ દુનિયા મારી નહોતી લાગતી."
પરંતુ, આખરે પિએરે પોતાને આ બધા નકારાત્મક વિચારોમાંથી બહાર કાઢવાનો રસ્તો શોધી જ લીધો.
ફરીથી પ્રેમના બંધનમાં
કાર અકસ્માત પહેલાં પિએર દરરોજ 15થી 16 કલાક કામ કરતા હતા.
દુર્ઘટનામાં પોતાની બાર વર્ષની સ્મૃતિ ગુમાવી દીધા પહેલાં તેઓ કામમાં સંપૂર્ણ પરોવાયેલા રહેતા હતા.
તેમનાં પત્નીએ જણાવ્યું કે જ્યારથી તેઓ ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટના પ્રમુખ બન્યા હતા, ત્યારથી તેઓ ભાગ્યે જ ક્યારેક ઘરે રહેતા હતા.
પિએર કહે છે, "તેણે મને કહ્યું, મને ખરેખર ખબર નથી કે તમારે કોઈ ગર્લફ્રૅન્ડ હતી કે કદાચ એક કરતાં વધારે. તમે એટલા બધા વર્કહૉલિક હતા કે મને શંકા થવા લાગી હતી."
પિએરે ફરીથી એક સારા પતિ બનવાનો નિર્ણય કર્યો.
જેવા તેઓ કોમામાંથી બહાર આવ્યા, તેમને પોતાની પત્ની સાથે ફરીથી પ્રેમ થઈ ગયો.
પિએર કહે છે, "જ્યારે મારી પત્ની રૂમમાંથી બહાર નીકળવા માટે ફરી, ત્યારે મને લાગ્યું, હું પ્રેમમાં છું. એ પળ ખૂબ ખાસ હતી. ખરેખર ખૂબ સારું લાગ્યું."
"મને લાગે છે કે હું એકલો માણસ છું, જે કહી શકે છે, મેં મારી પત્ની માટે મારી પત્ની સાથે દગો કર્યો. કેમ કે, તે હવે એક બીજી વ્યક્તિ લાગતી હતી અને હું તેની સાથે ફરીથી પ્રેમમાં પડી ગયો હતો."
પિએર કહે છે કે તેમની નવી હકીકત હવે આશાસ્પદ છે.
તેઓ કહે છે, "મને માત્ર પોતાની વ્યક્તિગત યાત્રા પર જ ગર્વ નથી, પરંતુ એ વાતની પણ ખુશી છે કે, મેં આ દુનિયાની નવી યાદોને સાચવી છે. આ જ મારો મંત્ર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન