નવજાત બાળકને બૉટલથી દૂધ આપવામાં ચેપ લાગવાનો કેટલો ખતરો?

    • લેેખક, અંજલિ દાસ
    • પદ, બીબીસી હિન્દી માટે

કેટલાંક વર્ષો પહેલાં ઑસ્ટ્રેલિયાની સંસદમાં સાંસદ લારિસા વૉટર્સે તેમની બે મહિનાની નવજાત બાળકીને સ્તનપાન કરાવ્યું હતું. આ સમાચારની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી.

લાંબા સમયથી આપણે એ સાંભળતા આવ્યા છીએ કે માનું દૂધ બાળક માટે અમૃતતુલ્ય છે. જન્મથી લઇને છ મહિના સુધી બાળક માટે આ દૂધને જાણે કે ‘પ્રવાહી સોનું’ ગણવામાં આવે છે.

તે સ્વચ્છ અને સુરક્ષિત હોય છે. તેમાં ઍન્ટિ-બોડી હોય છે જે બાળકને વિવિધ પ્રકારના ચેપ અને નાની ઉંમરે થતી અનેક બીમારીઓથી બચાવે છે. આ વાત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, યુનિસેફ અને ભારત સરકારના પરિવાર કલ્યાણ મંત્રાલયના દિશા-નિર્દેશોમાં કરવામાં આવી છે.

તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જન્મ પછી તરત થોડા જ દિવસોમાં માનાં દૂધમાંથી એક ખાસ પ્રકારનું પ્રોટીનયુક્ત તત્ત્વ કૉલોસ્ટ્રોમ બાળકને મળે છે જે બાળક માટે ખૂબ પૌષ્ટિક હોય છે.

પરંતુ અમુક કારણોથી કેટલીક માતાઓ તેમના બાળકને સ્તનપાન કરાવવા માટે સક્ષમ નથી હોતી.

બાળકને જન્મ આપ્યા પછી માતા નબળાઈમાંથી તરત જ બહાર આવી શકતી નથી. તેમની ઊંઘ પૂરી થતી નથી, તેના કારણે તણાવ વધે છે અને તેની અસરને કારણે ઓછું દૂધ આવે છે.

એક અભ્યાસ અનુસાર દર સાતમાંથી એક માતાને તણાવ અને નબળાઈને કારણે ઓછું દૂધ આવે છે.

આ પરિસ્થિતિમાં માતા બ્રેસ્ટ મિલ્ક અથવા તો ફૉર્મૂલા મિલ્કને બૉટલમાં ભરીને પોતાનાં બાળકને આપે છે.

કારણો અલગ-અલગ હોઈ શકે છે પણ એ વાત સ્પષ્ટ છે કે બાળકને બૉટલમાં ભરીને ફૉર્મ્યુલા મિલ્ક આપવાનું ચલણ દુનિયાભરમાં વધી રહ્યું છે. પરંતુ શું નવજાત બાળકને આપવામાં આવી રહેલા દૂધમાં વપરાતા પાણીને બરાબર ગરમ કરવામાં આવી રહ્યું છે?

સંશોધનમાં શું સામે આવ્યું?

હાલમાં જ આવેલા એક સંશોધનમાં એ ચેતવણી આપવામાં આવી છે કે ફૉર્મ્યુલા મિલ્ક તૈયાર કરનારાં 85 ટકા મશીનો હાનિકારક બૅક્ટેરિયાને મારી શકતાં નથી.

આ સંશોધનમાં સામેલ થનારી એક માતા આ વાત જાણીને સ્તબ્ધ છે કે બાળકો માટે જ ખાસ બનાવવામાં આવેલાં આ મશીનો તપાસમાં નિષ્ફળ નીવડ્યાં.

આ તપાસથી એ પણ જાણવા મળે છે કે જે બાળકો ફૉર્મ્યુલા મિલ્ક પર નભી રહ્યાં છે તેમને આ દૂધના બૅક્ટેરિયાને કારણે ચેપ લાગવાનો સૌથી વધુ ખતરો છે.

સ્વાન્સી યુનિવર્સિટીના આ સંશોધનમાં 69 માતાપિતાએ પાણી ગરમ કરવા માટે કીટલીનો ઉપયોગ કર્યો જેમાં 22 ટકા લોકોએ જે પાણી ગરમ કર્યું એ પર્યાપ્ત માત્રામાં ગરમ કર્યું ન હતું.

આ શોધમાં સામેલ એક માતા જૉની કૂપર કહે છે, “જ્યારે મેં પહેલીવાર મશીનનાં પાણીને ટેસ્ટ કર્યું તો તેનું તાપમાન 52 ડિગ્રી સેલ્શિયસ હતું. તેને જોઈને હું અચંબિત રહી ગઈ હતી. કારણ કે હું માનતી હતી કે મશીનને એક ગાઇડલાઇન અને ધારાધોરણો પ્રમાણે બનાવવામાં આવ્યું હશે.”

બાળકને ચેપ ન લાગે તે માટે બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાનું કહેવું છે કે ઇન્સ્ટન્ટ ફૉર્મ્યુલા બનાવવામાં બૅક્ટેરિયા ન રહે તે માટે પાણી ઓછામાં ઓછું 70 ડિગ્રી સુધી ગરમ કરવું જોઇએ. પછી ફરીથી તેને ઠંડુ થવા દઈને બાળકો માટે ઉપયોગ કરવો જોઇએ.

જૉની કૂપર કહે છે કે, “હું માતાપિતાને સલાહ આપું છું કે તેઓ મશીનમાં ગરમ થયેલા પાણીના તાપમાનને જોઈને જ ખરીદે.”

ભારતમાં પરંપરાગત પદ્ધતિ શું છે?

ભારતમાં પણ ફૉર્મ્યુલા મિલ્કનું ચલણ વધી રહ્યું છે. એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ વેબસાઇટો પર તેની ઘણી પ્રોડક્ટ્સ દેખાય છે, ખરીદી થાય છે.

ડૉ. પ્રાર્થના ઓડિશાના મહાનદી કૉલફીલ્ડમાં એક બાળરોગ વિશેષજ્ઞ છે. તેઓ કહે છે કે ભારત સરકાર હોય કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, આ બધા લોકો સ્તતપાનને પહેલી પસંદગી આપવાનું કહે છે.

તેઓ કહે છે કે, “તેમ છતાં પણ ફૉર્મ્યુલા મિલ્કનું પ્રચલન વધી રહ્યું છે તેનાં અનેક કારણો હોઈ શકે છે. જેમ કે શરૂઆતમાં માનાં શરીરમાં દૂધ ઓછું બને છે તો તેઓ ફૉર્મ્યુલા મિલ્કને વિકલ્પરૂપે અપનાવે છે.”

ડૉ. પ્રાર્થના સલાહ આપે છે કે, "ફૉર્મૂલા મિલ્કની વાત હોય કે દૂધની બૉટલને સાફ કરવાની, બન્ને સ્થિતિમાં, પાણીને મહત્તમ તાપમાને ગરમ કરો અને જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેનો ઉપયોગ કરો. ભારતીય ઘરમાં આ પરંપરાગત રીતે જ કરવામાં આવે છે."

તેઓ એ પણ સલાહ આપે છે કે, "નવજાત શિશુની કોઈપણ વસ્તુને સ્પર્શ કરતા પહેલાં તમારા હાથને સારી રીતે ધોઈ લો, અન્યથા તે બાળક માટે ચેપનું જોખમ વધારે છે."

કેટલું હોવું જોઈએ પાણીનું તાપમાન?

સ્વાન્સી યુનિવર્સિટીમાં આ સંશોધનનું નેતૃત્વ કરનાર ડૉ. એમી ગ્રાન્ટ કહે છે, "ફૉર્મ્યુલા દૂધ માટે પાણીનું તાપમાન ઓછામાં ઓછું 70 ડિગ્રી સેન્ટિગ્રેડ હોવું જોઈએ. જો કોઈ માતાપિતા તાપમાન વિશે ચિંતિત હોય, તો તેઓ ફૂડ થર્મોમીટર ખરીદી શકે છે."

ડૉ. પ્રાર્થના કહે છે કે ભારતમાં માતા-પિતા માટે વારંવાર તાપમાન તપાસવું શક્ય નથી, તેથી પાણીનો ઉપયોગ કરતા પહેલા તેને મહત્તમ તાપમાન સુધી ગેસ પર ગરમ કરો.

તરુલતા 11 મહિનાનાં બાળકનાં માતા છે. તેમના એક પુત્રી પણ છે, જેઓ 10 વર્ષનાં છે અને ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે.

તેઓ કહે છે, "મેં મારા બંને બાળકોને સ્તનપાન કરાવ્યું છે. તે માતા અને બાળક વચ્ચે એક અતૂટ બંધન રચે છે. 11 મહિના પહેલાં મારાં બાળકનો જન્મ થયો ત્યારથી આજ સુધી, મારામાં હજુ પણ સ્તનપાન કરાવવાની તાકાત છે. તેથી હું સ્તનપાન જ કરાવું છું. હું શા માટે ફૉર્મ્યુલા મિલ્ક અપનાવું?

બાળકો માટે કેટલું ફાયદાકારક છે સ્તનપાન?

પુડુચેરીનાં રહેવાસી પ્રતિભા અરુણ કહે છે, "જ્યારે મારી દીકરી એક વર્ષથી વધુ ઉંમરની હતી, ત્યારે ક્યારેક હું તેને બૉટલમાં દૂધ આપતી હતી. પછી તે બૉટલને લગતી દરેક વસ્તુ જંતુમુક્ત રાખવા માટે હું ખાસ કાળજી લેતી હતી. આ માટે હું ઊકળતા પાણીનો ઉપયોગ કરતી હતી.”

તરુલતા કહે છે, "સ્તનપાન બાળકની સાથે સાથે માતા માટે પણ ફાયદાકારક છે. મેં પણ ત્રણ વર્ષની ઉંમર સુધી મારી માતાનું દૂધ પીધું છે."

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે જો માતાનું દૂધ ઉપલબ્ધ ન હોય તો ફૉર્મ્યુલા મિલ્ક એક વિકલ્પ છે પરંતુ તે બાળકની ઉંમર પ્રમાણે ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કરવું જોઈએ. તે એ પણ સલાહ આપે છે કે જો તમને સ્તનપાન કરાવવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો કોઈ અન્ય વિકલ્પ પસંદ કરતા પહેલાં ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.