'ચાર દિવસ સુધી સૂતો નહીં, ખાધું નહીં અને વીડિયો ગેમ રમતો રહ્યો, છેવટે બાંધીને હૉસ્પિટલ લઈ ગયા'

ઑનલાઈન ગેમિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર
    • લેેખક, પ્રમિલા કૃષ્ણન
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ચ્યુઅલ વીડિયો ગેમ્સમાં સૌથી શક્તિશાળી પાત્રોમાંના એક હોવાનો દાવો કરનાર તામિલનાડુના એક કિશોર વીડિયો ગેમરને સરકારી માનસિક સ્વાસ્થ્ય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઊંઘની ગોળીઓ અને કાઉન્સેલિંગ સહિતની એક અઠવાડિયાની સારવાર પછી હવે તે માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકોની મદદથી ધીમે ધીમે વ્યસનમુક્તિ કાર્યક્રમમાં આગળ વધી રહ્યો છે.

ગેમર છોકરાને રાનીપેટ જિલ્લા હૉસ્પિટલથી ઍમ્બ્યુલન્સમાં ચેન્નાઈ શહેરમાં તેના હાથપગ દોરડાથી બાંધીને લઈ જવાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શૅર કરવામાં આવ્યો.

ચાર દિવસ સુધી પૂરતી ઊંઘ અને ખોરાક લીધા વિના વર્ચ્યુઅલ વીડિયો ગેમ રમ્યા બાદ તેમના પુત્રના વર્તણૂકમાં ફેરફાર પર મૌન રહેનાર ગેમરનાં માતાએ આખરે મદદ માટે આરોગ્ય અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કર્યો.

ગેમરનાં માતાએ આ ઘટના વિશે મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

લત માત્ર એક કે બે દિવસમાં નથી લાગતી

ઑનલાઈન ગેમિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર

ગેમરની સારવાર કરી રહેલા એક ડૉક્ટરે ન નામ આપવાની શરતે વર્ચ્યુઅલ ગેમના વ્યસનનો ભોગ બનવા વિશે બીબીસી સાથે વાત કરી.

"છોકરાને આ લત એક-બે દિવસમાં નહોતી લાગી. તે વર્ચ્યુઅલ વીડિયો ગેમ્સને તેનો શ્રેષ્ઠ મિત્ર માને છે, કારણ કે બાળપણમાં તે દાદાગીરીનો શિકાર બન્યો હતો અને પરિવાર તેની અવગણના કરતો હતો."

વર્ચ્યુઅલ વીડિયો ગેમની દુનિયામાં ભાવનાત્મક રીતે તે સુરક્ષિત અનુભવતો અને ગેમ્સ હંમેશાં તેને જરૂર હોય ત્યારે હાજર રહેતી હતી. તેના પિતાના મૃત્યુ પછી તેમનાં માતા પાસે ગુજરાન ચલાવવા કામ કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડૉક્ટરે જણાવ્યું, “તેનો મોટો ભાઈ પણ કામ અર્થે વિદેશ ગયો હતો. દરમિયાન છોકરાએ વર્ચ્યુઅલ વીડિયો ગેમ્સ રમવાનું શરૂ કર્યું અને તેની લત લાગી ગઈ."

ડૉક્ટર કહે છે, “જ્યારે તેને સારું પ્રદર્શન કરવા બદલ રિવોર્ડ મળતો ત્યારે તેને આનંદ થતો હતો.” આના કારણે તે વર્ચ્યુઅલ દુનિયામાં આનંદ અને નિષ્ફળતા સહિતના અનુભવો કરવા લાગ્યો હતો.

ડૉક્ટર જણાવે છે, “આ સમયે ચાર દિવસ સુધી વીડિયો ગેમ રમ્યા પછી તે વિચિત્ર વર્તન કરવા લાગ્યો હતો. તે વસ્તુઓ ફેંકવા લાગ્યો હતો અને એક શક્તિશાળી વ્યક્તિની જેમ વર્તન કરતો હતો. શરૂઆતમાં તેને શાંત કરવા અમે ઊંઘની ગોળીઓ આપી અને પછી કાઉન્સેલિંગ શરૂ કર્યું. ત્યારે તે ઘણો પ્રતિકાર કરી રહ્યો હતો પણ આખરે તે સારવાર લેવા માની ગયો હતો.”

ડૉક્ટરે કહ્યું કે છોકરો રાહત અને આનંદ મેળવવા વારંવાર ગેમિંગમાં વ્યસ્ત રહેતો હતો અને આવી રીતે તે એક ધૂની જેવો બની ગયો હતો.

તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે જે વ્યક્તિને કોઈ વસ્તુનું વ્યસન હોય તેને તાત્કાલિક છોડી દેવાની ફરજ પાડવી જોઈએ નહીં, પરંતુ વ્યસન પાછળ વિતાવેલા સમયને મર્યાદિત કરીને સારવાર કરવી જોઈએ.

તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે "જો આપણે વ્યક્તિ પર દબાણ કરીશું તો તેનાં વિનાશક પરિણામો આવશે. તેના બદલે તેમને અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ કરીને ધીમે ધીમે વ્યસન છોડાવવાના વૈકલ્પિક માર્ગો તેમને આપવા જોઈએ. તે ડ્રગ અને શરાબની લત જેવું છે."

તેમણે કહ્યું કે અગાઉ પણ તેઓ આવા દર્દીની સારવાર હાલમાં જ કરી ચૂક્યા હતા અને આ માત્ર બાળકો અને કિશોરો પૂરતું જ મર્યાદિત નથી પરંતુ પ્રેમ, ધ્યાન અને સંભાળની ઇચ્છા ધરાવતા પુખ્ત વયના લોકોમાં પણ જોવા મળે છે.

પહેલું ઉદાહરણ

ઑનલાઈન ગેમિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર

એક આધેડ વયનો માણસ અસુરક્ષાના વિચારોથી ત્રાસી ગયો હતો. તેણે લગભગ રોજ શહેર પોલીસમાં ફરિયાદો નોંધાવવાનું શરૂ કર્યું હતું.

તે પોલીસ હેલ્પલાઇન પર ફોન કરે અને કહે કે કોઈએ તેના ઘર પાસે બૉમ્બ મૂક્યો છે અને તે સુરક્ષાનાં કારણસર પોલીસને ઍલર્ટ કરવા માગતો હતો.

હકીકતમાં તેના ઘરની નજીક આવું કંઈ મળ્યું ન હતું. પરંતુ તે દરરોજ પોલીસને ફોન કરતો હતો. છતાં તે સામાન્ય જીવન જીવતો હતો.

અન્ય એક ઉદાહરણ

ઑનલાઈન ગેમિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર

એક છોકરો પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળવી રહ્યો હતો, કારણ કે તેણે ગેમિંગમાં ઘણો સમય પસાર કર્યો હતો. તેનાં માતા-પિતાએ તેને કડક ચેતવણી આપી અને તેને ઑનલાઇન ગેમ રમવાથી રોક્યો.

તેની પાસેથી ગેમ પડાવી લીધી અને કબાટમાં મૂકી દીધી. તેને કહેવાયું કે જો તે આગામી ટેસ્ટમાં સારો સ્કોર કરશે તો જ તેને ગેમ પાછી આપવામાં આવશે. કમનસીબે તેણે અગાઉની પરીક્ષાની સરખામણીમાં ખૂબ ઓછા માર્ક્સ મેળવ્યા.

જ્યારે માતા-પિતા તેને અમારી પાસે લાવ્યા ત્યારે અમે ભલામણ કરી કે માતાપિતા ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાને બદલે સ્ક્રીન ટાઇમ બ્રૅક આપે.

અમે માતા-પિતાને તેને આઉટડોર ગેમ્સમાં પણ સામેલ કરવા અને તેની સાથે સમય વિતાવવા, તેના પ્રયત્નોની પ્રશંસા કરવા, અન્ય બાબતોની સાથે પ્રગતિ કરવાની સલાહ આપી અને સૌથી અગત્યનું ઘરના સભ્યોને પણ પોતાનો સ્ક્રીન સમય ઘટાડવાની સલાહ આપી.

જ્યારે તેનાં માતા-પિતાએ પણ તેની સાથે આ બાબતોનું ધ્યાન રાખ્યું ત્યારે છોકરાની બે મહિના સુધી સારવાર કરવામાં આવી અને તે સાજો થઈ ગયો.

ગેમિંગ ડિસઑર્ડરનાં લક્ષણો

ઑનલાઈન ગેમિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વિવિધ દેશોમાં ગેમિંગના વ્યસનને ધ્યાનમાં રાખીને 'ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઑફ ડિસીઝ' (ICD)ના 11મા રિવીઝનમાં ગેમિંગ ડિસઑર્ડરનો સમાવેશ કર્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રવક્તા ક્રિશ્ચિયન લિન્ડમેયરે બીબીસીને જણાવ્યું કે ગેમિંગ ડિસઑર્ડરને સત્તાવાર રીતે જાન્યુઆરી 2022માં ICD યાદીમાં સામેલ કરાયો છે.

"2019માં થોટ ગેમિંગ ડિસઑર્ડરને નિદાન કરી શકાય તેવી આરોગ્ય સ્થિતિ માનવામાં આવી હતી. નિષ્ણાતોએ ઉપલબ્ધ પુરાવાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યા પછી જે તારણો સામે આવ્યાં તેને ધ્યાનમાં લઈ આ નિર્ણય કરાયો હતો.

તેમણે કહ્યું, “અમે ઘણાં ક્ષેત્રોમાં સંશોધન પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે અને ગેમિંગ ડિસઑર્ડરને દૂર કરવાની જરૂર છે.”

ગેમિંગની લત લાગી હોવાનું દર્શાવતા ચેતવણી સમાન ચિહ્નો

  • અન્ય વસ્તુઓમાં કાર્યરત્ હોવા કરતા વધારે સમય ગેમ રમે
  • ગેમ રમવા ના મળે તો ચીડાઈ જાય
  • ઘર, કામ કે શાળા સહિતની અન્ય રોજિંદી પ્રવૃત્તિઓમાં રુચિનો અભાવ
  • મનપસંદ ખોરાક અને મનોરંજનથી દૂર રહેવું
  • શાળા/કાર્યસ્થળ પર ધ્યાનનો અભાવ
  • ચીડિયાપણું અને તણાવપૂર્ણ વર્તન
  • મિત્રતાથી દૂર જવું

ગેમિંગ કંપનીઓની જવાબદારી

ગેમિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર

ઑનલાઇન ગેમ્સની દુનિયામાં રોજ હજારો રમતોનો ઉમેરો થતો રહે છે. એમાં ઘણી તો મફતમાં રમી શકાય છે.

આવી ગેમ્સનું ઉત્પાદન વિશ્વભરની કંપનીઓએ કરે છે. પણ ગેમિંગની લતને કાબૂમાં લેવાનાં જે પગલાં છે તેમાંથી કોઈ પણનું અસરકારક અમલીકરણ ભારતમાં કરી શકાયુ નથી.

અમે વર્ચ્યુઅલ ગેમ્સમાં ઉપલબ્ધ સુરક્ષા પગલાં વિશે જાણકારી મેળવવા ચેન્નાઈની એક ગેમ પ્રોડક્શન કંપની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો.

એક ખાનગી ગેમ ડેવલપમૅન્ટ ફર્મના સીઈઓ શ્રીધર ગેમ કંપનીઓની ભૂમિકા સ્પષ્ટ કરવા તૈયાર થયા.

ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં બે દાયકાનો અનુભવ ધરાવતા શ્રીધરે કહ્યું, "મોટા ભાગની રમતોમાં ચેતવણી હોય છે કે 18 વર્ષ અને તેથી વધુની ઉંમરના લોકોએ રમત રમવી જોઈએ. બાળકો માટે રચાયેલ કેટલીક રમતોને માતાપિતાની પરવાનગી અને દેખરેખની જરૂર હોય છે. પરંતુ માતા-પિતા વયમર્યાદાને ગંભીર સમસ્યા ગણતા નથી. મહત્ત્વની વાત એ છે કે જે વ્યક્તિ ગેમ રમે છે તેણે ગેમમાં કેટલો સમય વિતાવવો તે બાબતે પોતાના પર કાબૂ રાખવો જોઈએ નહીં કે નફો કમાવવા માટે જેણે નાણાંનું રોકાણ કરી ગેમ બનાવી છે તે કરનાર કંપની પર. કોઈ પણ કંપની ઇચ્છે છે કે ગ્રાહક તેમના ઉત્પાદનનો ઉપયોગ કરે અને અમે તે જ કરીએ છીએ."

ઉપયોગના સમયને મર્યાદિત કરવા કોઈ બિલ્ટ-ઇન વિકલ્પો કેમ નથી તે અંગે પૂછતા તેમણે કહ્યું, "ગૂગલ પ્લે સ્ટોર અને ઍપલ પ્લે સ્ટોરે ગેમ્સમાં હિંસા પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ ગેમે સ્ક્રીન ટાઇમ સંબંધિત કોઈ પ્રતિબંધનો વિકલ્પ આપ્યો નથી."

તેમણે કહ્યું, “કદાચ વપરાશકર્તાઓ સ્ક્રીન સમય શેડ્યૂલ કરવા ઑનલાઇન એલાર્મ સેટ કરી શકે છે. મોટા ભાગની રમતો મફત છે અને કેટલીક રમતોમાં ખેલાડી કેટલાક રાઉન્ડ મફતમાં રમી શકે છે અને રમત ચાલુ રાખવા ચુકવણી કરવી પડે છે. સ્ક્રીન સમયને મર્યાદિત કરવા માટે હવે આ એકમાત્ર વિકલ્પ ઉપલબ્ધ છે."

ભારતીય કાયદાની ભૂમિકા

ગેમિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર

વ્યવસાયે વકીલ કાર્તિકેયન સાયબર ક્રાઇમ અને ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજીથી સારી રીતે વાકેફ છે. તેમણે એ વાતની પણ ખાતરી આપી કે ગેમિંગની લત માટે કોઈ કંપની સામે કેસ કરી શકાય નહીં.

તેમણે જણાવ્યું, "બહુ બહુ તો અમે સાયબર ક્રાઇમ વિભાગને જાણ કરી શકીએ છીએ, જો કોઈની ગોપનીય વિગતો જેમ કે બૅંકની વિગતો, ગેમિંગ સાઇટ્સ પરના ઓળખકાર્ડ વગેરે ઑનલાઈન હેક કરવામાં આવે આવે કિસ્સામાં. ગેમિંગ પ્લૅટફૉર્મને પ્રતિબંધિત કરવા અન્ય કોઈ વિકલ્પો નથી. ઉપરાંત ઘણી કંપનીઓ તેમનાં ઉત્પાદનોનું ઑનલાઇન માર્કેટિંગ કરે છે અને તેમની ઑનલાઇન કંપનીઓ ક્લાઉડ પ્લૅટફૉર્મ પર છે.”

તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષકો અને વાલીઓ માટે ગેમિંગ ડિસઑર્ડર પર એક માર્ગદર્શિકા બહાર પાડી હતી અને ગેમિંગ કંપનીઓને ઍપની ખરીદી કરવાની ફરજ પાડવાની દોષી ઠેરવવામાં આવી હતી.

માર્ગદર્શિકા કહે છે કે આ રમત એવી રીતે ડિઝાઇન કરાઈ છે કે દરેક નવું સ્તર અગાઉના સ્તર કરતાં વધુને વધુ જટિલ હોય છે. આનાથી ખેલાડી રમતમાં પ્રગતિ કરવા તેની ક્ષમતાઓને વધારવાનો પ્રયાસ કરે છે.

"કોઈ પણ પ્રતિબંધ અને સ્વ-મર્યાદા વિના ઑનલાઇન રમતો રમવાથી ઘણા ખેલાડીઓ વ્યસની બની જાય છે અને આખરે ગેમિંગ ડિસઑર્ડરનો ભોગ બને છે.”

માર્ગદર્શિકાની નોંધમાં એમ પણ કહેવામાં આવ્યું છે, “ગેમિંગ કંપનીઓ લગભગ બાળકોને ભાવનાત્મક રીતે ઉચ્ચ સ્તરોની ખરીદી કરવા અને ઍપ્સ ખરીદવા દબાણ કરે છે.”

બીબીસી
બીબીસી