રાજીવ ગાંધી હત્યાનાં દોષિત નલિનીએ 32 વર્ષના જેલવાસ બાદ બહાર આવીને શું કહ્યું?

રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષિત થયેલાં નલિની
    • લેેખક, મુરલીધરન કાસી વિશ્વનાથન
    • પદ, બીબીસી સંવાદદાતા

પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષિત નલિનીને 32 વર્ષ બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે.

ગયા અઠવાડિયે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલાં નલિની અને આરપી રવિચંદ્રન સહિત તમામ દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

આ આદેશના એક જ કલાકમાં નલિની સહિત બાકીના દોષિતો પણ જેલમાંથી બહાર આવી ગયાં.

આ છ દોષિતોમાંથી ચાર - સંથન, મુરુગન, જયકુમાર અને રૉબર્ટ પાયસ શ્રીલંકાના હતા જેમને વિશેષ કૅમ્પમાં લઈ જવામાં આવ્યા હતા.

બીબીસી સાથેની ખાસ વાતચીતમાં એ ઘટના પર ઊંડો ખેદ વ્યક્ત કરતા નલિનીએ કહ્યું કે હવે તે તેમનાં પરિવારને એક કરવાં અને તેમનાં પારિવારિક સંબંધોને મજબૂત કરવાં પર ધ્યાન કેન્દ્રિત કરશે.

નલિનીને આત્મઘાતી ટુકડીના સભ્ય તરીકે દોષી ઠેરવવામાં આવ્યાં હતાં અને તેમને અન્ય ત્રણ દોષિતો સાથે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

પરંતુ સોનિયા ગાંધીની અપીલ બાદ તેમની સજા ઘટાડીને આજીવન કારાવાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ પોતાની મુક્તિ માટે કાનૂની લડાઈ લડી રહ્યાં હતાં.

નલિની કહે છે કે જેલમાં જતાં પહેલાં તેમને આ બધી બાબતો વિશે કંઈ જ ખબર નહોતી, “જ્યારે મને રિમાન્ડ પર લેવામાં આવી અને એક અલગ સેલમાં રાખવામાં આવી ત્યારે હું ખૂબ જ ડરી ગઈ હતી.”

“હું ખૂબ રડી. હોબાળો થયો. હું બહાર ભાગી ગઈ. અધીરાઈ અને મારી માતા નજીકનાં સેલમાં જ બંધ હતાં, તેઓ પણ ખૂબ ડરી ગયાં હતાં. મારી હાલત જોઈને તેઓ પણ રડવાં લાગ્યાં.”

પણ તેમણે મને અંદર જવા સમજાવી. મેં રાઈફલથી સજ્જ સીઆરપીએફ જવાનોને કહ્યું કે આના કરતા તો એ વધું સારૂં ગણાય કે તેઓ અમને ગોળી મારી દે.

bbc gujarati line

જેલનો અનુભવ

રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષિત થયેલાં નલિની

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ કહે છે, “મેં એટલી ચીસો પાડી કે મારાં ગળામાંથી લોહી નીકળવાં લાગ્યું. તે ખૂબ જ મુશ્કેલ સમય હતો. જ્યારે મારી ધરપકડ કરવામાં આવી ત્યારે મને પાંચ દિવસ તાવ રહ્યો હતો, હું પથારીમાંથી ઊઠી શકતી નહોતી.

તેઓએ મને બે દિવસ સૂવા ન દીધી. મારામાં આ પરિસ્થિતિઓનો સામનો કરવાની હિંમત નહોતી. હું બ્રશ કર્યા વિના કે મારા વાળમાં કાંસકો ફેરવ્યા વિનાં પડી રહેતી હતી.

સ્થિતિ સુધારા ઉપર આવી ત્યારે મારી છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો. ઘણા લોકોને લાગતું હતું કે હું નાટક કરી રહી છું, પરંતુ જ્યારે ડૉક્ટરે તપાસ કરી તો તેમને મારી ફરિયાદ સાચી લાગી. “થોડા સમય પછી પરિસ્થિતિ થોડી સુધરી. તેવામાં કોડિયાક્કરાય ષણમુગમનું અવસાન થયું. જેલ પ્રશાસને અમને હાથકડી પહેરાવવાનું શરૂ કર્યું. હું તેને મજાકમાં પૂછતી કે બંગડીઓ પહેરવાની વિધિ થઈ ગઈ છે કે કેમ?”

ટાડા કોર્ટે 28 લોકોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, જેમાં નલિનીનું નામ પહેલું હતું, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. નલિની કહે છે, “મેં ક્યારેય ગુનો આચર્યો હોવાનું સોગંદનામું આપ્યું નહોતું, પરંતુ હું ક્યારેય કોર્ટમાં સાબિત કરી શકી નહીં.

ચુકાદા બાદ મને અન્ય સેલમાં લઈ જવામાં આવી હતી. તેઓ અમને એવી રીતે બંધ રાખતા હતા જેવી રીતે મૃત્યુદંડના કેદીઓને રાખવામાં આવે છે. આના થોડા સમય બાદ મેં પુત્રીને જન્મ આપ્યો. સ્થિતિમાં થોડો સુધારો થયો."

જ્યારે નલિનીની ધરપકડ કરવામાં આવી ત્યારે તે લગભગ બે મહિનાનાં ગર્ભવતી હતાં. તેમની ધરપકડ બાદ તરત જ તેના પતિ, માતા અને નાના ભાઈની પણ ધરપકડ કરવામાં આવી હતી.

નલિની કહે છે કે તેનો પરિવાર આર્થિક રીતે સદ્ધર ન હતો અને આ સંજોગોમાં સ્થિતિ વધુ વણસી ગઈ. રાજીવ ગાંધીની હત્યા દરમિયાન અન્ય 16 લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા. તેમના પરિવારો દોષિતોને મુક્ત કરવાનો જોરદાર વિરોધ કરી રહ્યા હતા.

રેડ લાઇન
રેડ લાઇન

અફસોસ

રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષિત થયેલાં નલિની

ઇમેજ સ્રોત, Getty Images

નલિની કહે છે, “મને તેમના પરિવારજનો માટે દુઃખ છે. મને ખબર નથી કે તેમને પરિવારના સભ્યોની ખોટ માટે કોઈ આર્થિક મદદ મળી કે નહીં. આ ખરેખર તેમના માટે બહુ મોટી ખોટ છે.

મને લાગે છે કે ઘરના વડાને ગુમાવવા એ ખરેખર મોટી ખોટ છે. મને લાગે છે કે તેઓએ અમારી સ્થિતિ વિશે સમજવું જોઈએ."

તેઓ કહે છે, “મને બહુ ખરાબ લાગે છે. 17 લોકોની હત્યા પાછળનો મારો હેતુ શું હોઈ શકે? આની શું જરૂર છે? શું હું ભણેલી નથી? શું મારે તેમની હત્યા કરીને મારી આજીવિકા કમાવાની હતી?”

આ પ્રશ્ન સાથે તે પોતે જ આનો જવાબ આપે છે, “એવું કંઈ નથી. મને તેમનું નામ પણ ખબર નથી. પરંતુ તેમની હત્યાના ગુનો મારા માથે મઢવામાં આવ્યો.

આ અમારું દુર્ભાગ્ય છે, બીજું શું. અમે તેમને ક્યારેય જોયા પણ નથી. તેમને નુકસાન પહોંચાડવાનો કોઈ વિચાર નહોતો. મને લાગે છે કે તેઓએ આ વાત સમજવી જોઈએ."

હત્યામાં સંડોવાયેલા લોકો સાથેના પરિચય અંગે નલિની કહે છે, “તેઓ એવા દેખાતા ન હતા. તમે કહી શકો કે તે સમયે હું કદાચ એટલી સમજદાર નહોતી. હું ખૂબ વ્યસ્ત રહેતી હતી. હું ભણતી હતી, કામ કરી રહી હતી, ભણવા માટે ક્લાસમાં જતી હતી.

ભણીને આવીને હું 11 વાગ્યે જ સૂવા જઈ શકતી હતી. મેં આ દિનચર્યામાં કદી આવું વિચાર્યું નહોતું." નલિની કહે છે કે જ્યારે તેમની મૃત્યુદંડની સજા રદ કરવામાં આવી ત્યારે બાકીના લોકોની આશા વધી ગઈ. જોકે, તે પહેલાં તેમની ફાંસી માટે સો વખત જાહેરાત થઈ ચૂકી હતી.

જેમાં ચાર વખત તો તારીખ પણ નક્કી કરી દેવામાં આવી હતી. ત્યાં સુધી કે એક ધર્મગુરુ પણ તેમની અંતિમ ઈચ્છા જાણવા માટે આવીને મળી ગયા હતા. તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.

ફાંસીનું દોરડું પણ તૈયાર કરી દેવામાં આવ્યું હતું, કેદીને ફાંસી આપવા માટેનો સેલ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. તેમનું વજન પણ લેવામાં આવ્યું હતું અને તે જ વજનની રેતીની થેલી લટકાવીને રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

નલિની કહે છે, “આ બધું મારી નજર સામે થયું. પણ મેં ક્યારેય આશા છોડી નથી. મેં વિચાર્યું, મેં કંઈ ખોટું કર્યું નથી, તેથી મારી સાથે કંઈ ખરાબ થશે નહીં."

હવે જ્યારે છૂટ્યા પછી ફરી એક નવું જીવન શરૂ કરવાની તક મળી છે, ત્યારે નલિની આશા વ્યક્ત કરે છે, “હું મારા પતિ અને પુત્રી સાથે રહેવા માંગુ છું. હું પરિવારને એક કરવા માંગુ છું, આ મારી ઈચ્છા છે."

bbc gujarati line

ઘટનાક્રમ

રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષિત થયેલાં નલિની

ઇમેજ સ્રોત, Getty Images

21 મે, 1991ના રોજ રાજીવ ગાંધીની તમિલનાડુમાં ચેન્નાઈ નજીક શ્રીપેરુમ્બદુર ખાતે ચૂંટણી સભા દરમિયાન ધનુ નામના એલટીટીઈના આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી.

આ આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધી અને હુમલાખોર ધનુ સહિત 16 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 45 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં ટ્રાયલ કોર્ટે 26 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. જો કે મે 1999માં સુપ્રીમ કોર્ટે 19 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. બાકીના સાત આરોપીઓમાંથી ચાર (નલિની, મુરુગન ઉર્ફે શ્રીહરન, સંથન અને પેરારીવલન)ને મૃત્યુદંડની સજા અને બાકીના (રવિચંદ્રન, રૉબર્ટ પાયસ અને જયકુમાર)ને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.

ચારેયની દયા અરજી પર તમિલનાડુના રાજ્યપાલે નલિનીની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી. બાકીના આરોપીઓની દયાની અરજી રાષ્ટ્રપતિએ 2011માં ફગાવી દીધી હતી.

તમામ આરોપીઓ તેમની સમય પહેલાં મુક્તિની માંગ સાથે લાંબી કાનૂની લડાઈ લડી રહ્યાં હતાં.

તમિલનાડુ સરકારે તેમને સમય પહેલાં મુક્ત કરવા માટે રાજ્યપાલને ભલામણ પણ કરી હતી. જોકે, રાજ્યપાલે ભલામણ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ફાઈલ રાષ્ટ્રપતિને મોકલી દીધી હતી.

જૂનની શરૂઆતમાં, નલિની અને રવિચંદ્રને મદ્રાસ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી, તેમને મુક્ત કરવા માટે તમિલનાડુ સરકારને નિર્દેશ આપવાની માગ કરી હતી.

તેમાં કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2018માં કેબિનેટ દ્વારા તેમની મુક્તિ માટે કરવામાં આવેલી ભલામણનો રાજ્યપાલની મંજૂરી વિના અમલ કરવામાં આવે.

નલિનીની મુક્તિનો આધાર 18 મેના રોજ પેરારીવલનની મુક્તિ બન્યો. કોર્ટે પેરારીવલનને બંધારણના અનુચ્છેદ 142માં આપવામાં આવેલી અસાધારણ સત્તાનો હવાલો આપીને મુક્ત કરી દીધા હતા.

રેડ લાઇન
bbc gujarati line
bbc gujarati line