'અપહરણ'ના વિવાદ વચ્ચે સુરતમાં 'આપ'ના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી કેમ ખેંચી?

ઇમેજ સ્રોત, Kanchan Jariwala/FB
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પહેલાં રાજનીતિ તેજ થઈ ગઈ છે. સુરત (પૂર્વ) બેઠક પરથી આપના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારીપત્રક પરત કરી લીધું છે. આ પહેલાં આમ આદમી પાર્ટીએ ભાજપે જરીવાલાનું અપહરણ કરી લીધું હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ બધા વચ્ચે સુરત ચૂંટણીપંચની કચેરીએ પહોંચીને જરીવાલાએ પોતાનું ઉમેદવારીપત્રક પરત ખેંચી લીધું હતું. તેઓ જે વખતે પોતાનું નામાંકન પરત ખેંચવા કચેરીએ પહોંચ્યા હતા એ વખતે તેમને પોલીસંરક્ષણ પણ મળેલું હતું. બીબીસીને મળેલી માહિતી પ્રમાણે જ્યારે કંચન જરીવાલા ફૉર્મ પરત ખેંચવા ગયા ત્યારે ચૂંટણીપંચને અપહરણની વાત ખોટી હોવાનું જણાવ્યું હતું અને પોતે પોતાના મિત્રના ઘરે જતા રહ્યા હોવાની જાણ કરી હતી.
પારિવારિક ઝઘડાનું કારણ આગળ ધરીને તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો.
જ્યારે કંચન જરીવાલા ચૂંટણીપંચની કચેરીએ નામાંકન પાછું ખેંચવા પહોંચ્યા હતા ત્યારે પોલીસ અને સમર્થકો વચ્ચે ધક્કામુક્કીનાં દૃશ્યો સર્જાયાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મહત્ત્વપૂર્ણ છે કે સુરત (પૂર્વ)ની બેઠક પરથી કૉંગ્રેસના અસલમ સાઇકલવાલા અને ભાજપ તરફથી વર્તમાન ધારાસભ્ય અરવિંદ રાણા ચૂંટણી લડી રહ્યા છે.
જરીવાલાના પરિવારજને પણ અપહરણની વાત ખોટી હોવાની બીબીસીને પુષ્ટિ કરી છે. જોકે, આ દરમિયાન આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો છે કે ભાજપના દબાણને કારણે કંચન જરીવાલાએ તેમનું નામાંકન પરત લઈ લીધું છે. ભાજપે આરોપો ફગાવી દીધા છે.
સુરતસ્થિત બીબીસીના સહયોગી ધર્મેશ અમીને કંચન જરીવાલાનો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા જોકે, તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

શું છે સમગ્ર વિવાદ?

ઇમેજ સ્રોત, AAP Gujarat
આ પહેલાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત આપના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ જરીવાલાનું ભાજપે અપહરણ કરી લીધું હોવાનો આરોપ લગાવ્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આ ઘટનાને 'ધોળા દિવસે લોકશાહીની હત્યા' ગણાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાઘવ ચઢ્ઢાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ દ્વારા જરીવાલા અને તેમના પરિવાર પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ ગુજરાતમાં હારી રહ્યો હોવાથી 'ડરી ગયો' છે અને એટલે આપના ઉમેદવારનું અપહરણ કરી લીધું છે.
તેમણે જણાવ્યું છે,"કંચન અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે. તેઓ તેમના દસ્તાવેજની ચકાસણી માટે ગયા હતા. જે ક્ષણે તેઓ કાર્યાલયની બહાર નીકળ્યા એ જ ક્ષણે ભાજપના બદમાશો તેમને લઈ ગયા. હાલ તેઓ ક્યાં છે એની કોઈ જાણકારી નથી."
આવો જ આરોપ ગુજરાતમાં આપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ પણ લગાવ્યો હતો.
જોકે, આપના ભાજપ પર લગાવેલા આરોપોને ભાજપે ફગાવી દીધા હતા. સુરત ભાજપના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમે શા માટે દબાણ ઊભું કરીએ? જે ઉમેદવારને આપનો મૅન્ડેટ મળ્યો છે એ જાતે જ એમ કહેતો હોય કે તેણે રાજીખુશીથી નામાંકન પરત ખેંચી લીધું તો જ આખી કહાણી ખતમ થઈ જાય."
તેમણે એવું પણ ઉમેર્યું હતું, "ભાજપ ક્યારેય આ પ્રકારનાં દબાણ ઊભાં કરવામાં નથી માનતો."
આ પહેલાં જરીવાલાએ જ્યારે ઉમેદવારીપત્રક ભર્યું હતું એ વખતે ભાજપે જરીવાલાનું ફોર્મ રદ કરવાની માગ કરી હતી. એ વખતે ભાજપે જરીવાલા પર ઉમેદવારીપત્રકમાં સમર્થકોની બનાવટી સહી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. તો કૉંગ્રેસે પણ સુરત (પૂર્વ)ની બેઠક પરથી ઉમેદવારી કરી રહેલા તમામ ઉમેદવારોનાં પત્રકમાં સમર્થકોની સહી તપાસવાની માગ કરી હતી.

હવે ફાયદો કોને?

ઇમેજ સ્રોત, AAP Gujarat
આવી પરિસ્થિતિમાં સુરત (પૂર્વ) પર ભાજપને ફાયદો થાય એવું મનાઈ રહ્યું છે. કારણ કે કંચન જરીવાલાએ ફોર્મ પરત લેતાં આપે ડમી ઉમેદવાર તરીકે સલીમ અકબર મુલતાનીને ઊભા રાખ્યા છે.
ચૂંટણીના નિયમ પ્રમાણે એક વખત ઉમેદવારીપત્રક સ્વીકારાયા બાદ ડમી ઉમેદવાર પક્ષના ચિહ્ન પર ચૂંટણી લડી શકે નહીં. એટલે મુલતાની ઝાડુના ચિહ્ન પરથી ચૂંટણી લડી નહીં શકે. જેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે એમ છે.
વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "સુરત પૂર્વની બેઠક પરથી ભાજપે અરવિંદ રાણાને ટિકિટ આપી છે જ્યારે કૉંગ્રેસે અસલમ સાઇકલવાલાને ટિકિટ આપી છે. આ બેઠક પરથી ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમે પણ વસીમ ઇકબાલ ખોખર નામના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. એટલે જો આપના ડમી ઉમેદવારને ઝાડુનું ચિહ્ન નહીં મળે તો હિંદુ મતો વિભાજીત નહીં થાય અને તેનો સીધો ફાયદો ભાજપને થશે અને કૉંગ્રેસને નુકસાન થશે.”
આ બેઠક પર રાણા અને ખત્રી તથા મુસ્લિમ એમ ત્રણ સમુદાયના મતો અસરકારક છે. કંચન જરીવાલા પણ રાણા સમાજમાંથી આવે છે અને ભાજપના અરવિંદ રાણા પણ એ જ સમુદાય સાથે સંબંધ ધરાવે છે.
એ રીતે પણ જો કંચન મેદાનમાં હોત તો રાણા સમાજના મત વિભાજીત થઈ ગયા હોત એવું માનવામાં આવતું. હવે જ્યારે તેમણે નામાંકન પરત ખેંચી લીધું છે તે ત્યારે એનો સીધો ફાયદો અરવિંદ રાણાને મળશે એવું વરિયા કહે છે.
કૉંગ્રેસના ઉમેદવારે પણ આ સમગ્ર ઘટના ભાજપને ફાયદો પહોંચાડવા માટે રચી હોવાનો આરોપ લગાવ્યો છે.

સંક્ષિપ્તમાં
- અપહરણના આરોપ વચ્ચે સુરત પૂર્વ બેઠકના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફૉર્મ પરત ખેંચ્યું
- આમ આદમી પાર્ટીએ ભાજપ પર કંચન જરીવાલા પર દબાણ કરીને ફૉર્મ પરત ખેંચાવ્યું હોવાનો લગાવ્યો આરોપ
- આપે ભાજપ વિરુદ્ધ ચૂંટણીપંચમાં નોંધાવી ફરિયાદ
- દિલ્હીમાં ચૂંટણીપંચની કચેરી સામે આપ કાર્યકર્તાઓ દ્વારા ધરણાં અને પ્રદર્શન
- ભાજપે આપ પર લગાવ્યો ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ

કોણ છે કંચન જરીવાલા?

ઇમેજ સ્રોત, ANI
કંચન જરીવાલાએ પક્ષપલટો કરીને આપમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પહેલાં તેઓ જનતાદળ, ભાજપ, કૉંગ્રેસમાં રહી ચૂક્યા છે. સુરત મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં વૉર્ડ નંબર 13માંથી ઊભા રહ્યા હતા પરંતુ હારી ગયા હતા. એ બાદ તેઓ આપમાં જોડાયા હતા.
54 વર્ષના કંચન લલ્લુભાઈ જરીવાલા સ્ટેનલેસ સ્ટીલ ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલા છે. તેમનાં પત્ની પલ્લવીબહેન જરીવાલા જરીકામ સાથે જોડાયેલાં છે.
જરીવાલાના સોંગદનામા પ્રમાણે નાણાકીય વર્ષ 2021-22માં તેમની વાર્ષિક આવક 3.88 લાખ હતી અને છેલ્લાં પાંચ વર્ષની સરેરાશ વાર્ષિક આવક 4 લાખ છે. તેમનાં પત્ની પલ્લવીબહેન જરીવાલાની પણ વાર્ષિક આવક 4 લાખ છે. કંચનના હાથ પરની રોકડ રૂ. 2,16, 619 હતી, જ્યારે તેમનાં પત્નીના હાથ પર રોકડ રૂ. 87,305 હતી.
કંચન 'હ્યુન્ડાઈ આઈ-20' કારના માલિક છે. આ ઉપરાંત તેમની પાસે 85 ગ્રામ અને તેમનાં પત્ની પાસે 6 તોલું સોનું હોવાની માહિતી પણ ઉમેદવારીપત્રકમાં અપાયેલી છે. જરીવાલાની કુલ થાપણ રૂ. 10.89 લાખ દર્શાવવામાં આવી હતી. આ સિવાય તેમની પાસે જે રહેણાંક મકાન છે, તેની અંદાજીત કિંમત 70 લાખ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ દરમિયાન ઉમેદવારીપત્રક પરત ખેંચી લેવાયા બાદ આપના કાર્યકરોએ દિલ્હીમાં ચૂંટણીપંચની કચેરી ખાતે પ્રદર્શનો કર્યાં હતાં. આ પ્રદર્શનોમાં દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણીપંચની નિષ્પક્ષતા સામે સવાલો કર્યા હતા. તો બીજી તરફ અમદાવાદમાં આપના સાંસદ અને ગુજરાત આપના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ આ મામલે ભાજપ વિરુદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી હતી.














