પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને પત્નીને 14 વર્ષની સજા થઈ એ તોશાખાના કેસ શું છે?

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમનાં પત્ની બુશરાબીબીને પાકિસ્તાનની એક કોર્ટે તોશાખાના કેસમાં 14 વર્ષની સજા કરી છે.

નોંધનીય છે કે આ નિર્ણયના એક દિવસ પહેલાં જ ઇમરાનને સાઇફર મામલામાં દસ વર્ષની સજા થઈ હતી.

સજા બાદ બુશરાબીબીએ આત્મસમર્પણ કરી દીધું છે.

વર્ષ 2022માં ઇમરાન ખાનને વિપક્ષી દળોએ વડા પ્રધાનપદેથી હઠાવી દીધા હતા. તેઓ અગાઉથી જ ભ્રષ્ટાચારના એક મામલામાં દોષિત ઠેરવાતાં ત્રણ વર્ષની સજા કાપી રહ્યા છે.

મંગળવારે ઇમરાન ખાનને દેશની ગુપ્ત જાણકારી લીક કરવાના આરોપમાં સજા કરાઈ હતી. તેમજ, આજે તેમને ફરી વાર 14 વર્ષની સજા થઈ છે.

ઇમરાન ખાન પોતાના બચાવમાં કહેતા રહ્યા છે કે તેમની વિરુદ્ધના મોટા ભાગના મામલા રાજકારણથી પ્રેરિત છે.

ઇમરાનને આ સજા પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાવાના એક અઠવાડિયા પહેલાં થઈ છે. ઇમરાનના ચૂંટણીમેદાને ઊતરવા પર પહેલાંથી પ્રતિબંધ લાગી ચૂક્યો છે.

ઇમરાન ખાનને ગત વર્ષે ઑગસ્ટમાં ધરપકડ બાદથી જ જેલમાં રખાયા છે. તેમનાં પત્ની બુશરાબીબીને સુનાવણી દરમિયાન રિમાન્ડ પર રખાયાં હતાં. બંને પર આરોપ છે કે વડા પ્રધાનપદ પર ચાલુ હતા એ દરમિયાન બંનેએ ખાનગી લાભ માટે પોતાને મળેલી ભેટસોગાદો વેચી દીધી હતી.

પૂર્વ વિદેશમંત્રી અને ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીના ઉપાધ્યક્ષ શાહ મુહમ્મદ કુરેશીને પણ રાવલપિંડીની અદિયાલા જેલની અંદર સ્થાપિત કરાયેલી વિશેષ અદાલત દ્વારા દસ વર્ષની જેલની સજા ફટકારાઈ હતી, જ્યાં તેમને અને ઇમરાન ખાન બંનેને રાખવામાં આવ્યા છે.

તોશાખાના કેસ શું છે?

ઇમરાન ખાન પર આરોપ હતો કે તેમણે વડા પ્રધાન તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન જે ભેટો સ્વીકારી હતી તે વિશે અધિકારીઓને યોગ્ય જાણકારી નહોતી આપી.

તોશાખાન એક સરકારી વિભાગ હોય છે, જ્યાં વડા પ્રધાન, રાષ્ટ્રપતિ કે બીજા મોટા અધિકારીઓ વિદેશયાત્રા દરમિયાન મળતી કીમતી ભેટસોગાદોને રાખવામાં આવે છે.

અમુક વિદેશયાત્રા દરમિયાન, વિદેશમંત્રાલયના અધિકારી આ ભેટોનો રેકૉર્ડ રાખે છે અને વતન પરત ફર્યા બાદ એ બધું તોશાખાનામાં જમા કરાવાય છે.

તોશાખાનામાં રાખવામાં આવેલી વસ્તુઓને સ્મૃતિચિહ્ન તરીકે જોવામાં આવે છે. કૅબિનેટની મંજૂરી બાદ જ અહીં રાખવામાં આવેલી વસ્તુઓ વેચી શકાય છે.

પાકિસ્તાનમાં જો મળેલી ભેટની કિંમત 30 હજાર રૂપિયાથી ઓછી હોય તો વ્યક્તિ તેને ફ્રીમાં પોતાની પાસે રાખી શકે છે.

પરંતુ જો ભેટની કિંમત 30 હજાર રૂપિયાથી વધુ હોય, તો તે કિંમતના 50 ટકા જમા કરીને ખરીદી શકાય છે. વર્ષ 2020 પહેલાં સામાનની મૂળ કિંમતના માત્ર 20 ટકા જ જમા કરાવવા પડતા હતા.

આ ભેટોમાં સામાન્ય રીતે મોંઘી ઘડિયાળો, સોના અને હીરાના દાગીના, મૂલ્યવાન સજાવટનો સામાન, સ્મૃતિચિહ્ન, હીરા જડેલી પેન, ક્રોકરી અને જાજમનો સમાવેશ થાય છે.

ઑક્ટોબર 2022માં પાકિસ્તાનના ચૂંટણીપંચે તોશાખાના મામલામાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને આગામી પાંચ વર્ષ માટે ચૂંટણીમાં ઉમેદવારી નોંધવવા માટે અયોગ્ય જાહેર કરી દીધા હતા.

ચૂંટણીપંચે કહ્યું હતું કે ઇમરાન ખાને સત્તામાં હતા એ દરમિયાન જે ભેટો સ્વીકારી હતી એ વિશે અધિકારીઓને યોગ્ય જાણકારી નહોતી આપી. જોકે, ઇમરાને આ આરોપ ફગાવી દીધા હતા.

ઇમરાન પર આરોપ છે કે વડા પ્રધાનપદ પર હતા એ દરમિયાન તેમણે કીમતી ભેટો પોતાના લાભ માટે વેચી. ઇમરાન ખાને ચૂંટણીપંચને અપાયેલ પોતાની સંપત્તિની ઘોષણામાં આ વાતનો ઉલ્લેખ નહોતો કર્યો.

ચૂંટણીપંચે બાદમાં જિલ્લા અદાલતમાં ફરિયાદ કરી હતી કે વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ઇમરાન ખાનને જે ભેટસોગાદો મળી હતી તે તેમણી વેચી દીધી હતી. આ મામલામાં તેમને કાયદા અંતર્ગત સજા અપાય તેવી માગ કરાઈ હતી. આરોપો અનુસાર ઇમરાન ખાને પોતાના કાર્યકાળ દરમિયાન તોશાખાનાના મોંઘી ગિફ્ટો, ઘડિયાળો પોતાના લાભ માટે વેચી હતી.

શું છે સાઇફર કેસ?

સાઇફર કેસની વિગતો પ્રમાણે તેમાં ઇમરાન ખાન વડાપ્રધાનપદે હતા એ દરમિયાન વૉશિંગટનમાં પાકિસ્તાનના રાજદૂત દ્વારા ઇસ્લામાબાદ મોકલાવાયેલ ગુપ્ત રાજદ્વારી સંદેશ લીક થવાનો આરોપ હતો.

માર્ચ, 2022માં એટલે કે સત્તા ગુમાવ્યાના એક મહિના પહેલાં એક રેલી દરમિયાન સ્ટેજ પર રહેલા ઇમરાન ખાન હાથમાં એક કાગળ રાખી લોકોને બતાવતા દેખાઈ રહ્યા હતા. તેમના જણાવ્યાનુસાર એ કાગળ પર તેમની વિરુદ્ધ વિદેશી ષડ્યંત્ર મુદ્દે લખાણ હતું.

તેમણે કહ્યું હતું કે કાગળમાં લખ્યું છે કે, “જો ઇમરાન ખાનને સત્તા પરથી હઠાવવામાં આવશે તો તમામને માફ કરવામાં આવશે." જોકે, તેમણે કોઈ દેશનું નામ લીધું નહોતું, પરંતુ ત્યાર બાદ અમેરિકાની ભારે ટીકા કરી હતી.

ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાનનાં પગલાં એક ખાનગી દસ્તાવેજ લીક કરવા અને રાજદ્વારી સંબંધોને નુકસાન પહોંચાડવા સમાન છે. નોંધનીય છે કે આ કેસના બીજા આરોપમાં આજીવન કેદ અથવા મૃત્યુદંડ પણ થઈ શકે છે.

ઇમરાન ખાન ગત ઑગસ્ટ મહિનાથી અદિયાલા જેલમાં બંધ છે. છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી વિશેષ અદાલતની કાર્યવાહીમાં આંતરરાષ્ટ્રીય મીડિયાને હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે ન્યાયાધીશને તાજેતરમાં જ ઝડપથી સુનાવણી પૂરી કરવા કહેવાયું હતું.

પીટીઆઇના પ્રવક્તાએ કહ્યું કે તેઓ કોર્ટના ચુકાદાને પડકારશે. પાર્ટીએ આ ચુકાદાને ‘મજાક’ ગણાવ્યો છે.

આ કેસ સહિત અન્ય કેસોમાં ભૂતપૂર્વ વડા પ્રધાનના વકીલ નઇમ પંજુથાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું હતું કે, "અમે આ ગેરકાયદેસર નિર્ણયને સ્વીકારતા નથી."

તેમની પાર્ટીનું કહેવું છે કે સામાન્ય ચૂંટણીના ગણતરીના દિવસો અગાઉ પૂર્વ વડા પ્રધાન વિરુદ્ધ આ અત્યાર સુધીની સૌથી કડક સજા છે.

“આ પાછલા અમુક મહિનામાં ઇમરાન માટે બીજી સજા છે અને આ સુનિશ્ચિત કરે છે કે લોકપ્રિય ભૂતપૂર્વ વડા પ્રધાન જેલમાં જ રહેશે અને આગામી અઠવાડિયાની સામાન્ય ચૂંટણી પહેલાં લોકોની નજરથી દૂર રહેશે.”

ખાનના સહાયક ઝુલ્ફીકાર બુખારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે તેમની કાનૂની ટીમને ભૂતપૂર્વ વડા પ્રધાનનું પ્રતિનિધિત્વ કરવાની અથવા સાક્ષીઓની ઊલટતપાસ કરવાની કોઈ તક આપવામાં આવી નહોતી. તેમણે ઉમેર્યું હતું કે આ કાર્યવાહી જેલમાં કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, “આ સજા ઇમરાન ખાન માટેના સમર્થનને નબળું પાડવાનો પ્રયાસ છે.”

તેમણે રોઇટર્સ સાથે વાત કરતાં જણાવ્યું કે, "લોકો હવે સુનિશ્ચિત કરશે કે તેઓ બહાર આવીને ભારે સંખ્યામાં મત આપે."

નોંધનીય છે કે પીટીઆઇને પ્રચાર કરતા અટકાવવામાં આવી રહી હોવાના આક્ષેપો વચ્ચે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાશે.

100થી વધુ કેસ

ઇમરાન ખાન વર્ષ 2018માં પાકિસ્તાનના વડા પ્રધાન ચૂંટાયા હતા, પરંતુ ગત વર્ષે તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ હારી જવાને કારણે પદ પરથી હઠી જવું પડ્યું હતું.

એપ્રિલ, 2022માં વડા પ્રધાનપદેથી હઠાવાયા બાદ તેમના પર 100 કરતાં વધુ કેસો દાખલ કરાયા હતા. ઇમરાન ખાન આ બધા કેસોને ખોટા ગણાવતા રહ્યા છે અને તેઓ તેમના પરના તમામ આરોપોથી ઇનકાર કરતા રહ્યા છે.

ગત વર્ષે મે માસમાં ઇમરાન ખાનની કોર્ટનો આદેશ અનુસરીને રજૂ ન થવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. પરંતુ બાદમાં તેમની ધરપકડ ગેરકાયદેસર હોવાનું જણાવીને તેમને છોડી દેવાયા હતા.

તે બાદ પાર્ટીના ઘણા વરિષ્ઠ કાર્યકરોએ પાર્ટી છોડી દીધી, હજારો કાર્યકરોની ઇમરાન ખાનની ધરપકડ બાદ થયેલી હિંસામાં સામેલ થવાના આરોપસર ધરપકડ કરાઈ હતી.