You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, 14 તાલુકામાં ધોધમાર વરસાદ
ગુજરાત ચોમાસું બરાબરનું જામી ચૂક્યું છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ભારે વરસાદને કારણે જામનગર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે અને આથી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જામનગર પહોંચ્યા હતા.
તેમણે અહીં ગાંધીનગર વિસ્તારના વોર્ડ ખાતે ખોડિયાર હૉલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સમગ્ર ગુજરાતના જિલ્લા અને તાલુકામાંથી આવતા સમાચારો પ્રમાણે વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યાં છે.
પહેલી જુલાઈએ વલસાડના ધરમપુર તથા નવસારીના ખેરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
ગઈ કાલે પણ અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
અમદાવાદ શહેરમાં ગઈ કાલે પડેલા વરસાદ બાદ શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં.
સ્કાયમેટ વેધર અનુસાર, આગાહી 24 કલાકમાં ગુજરાત સહિત કોંકણ, ગોવા વગેરે જગ્યાએ પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતના 14 તાલુકામાં ધોધમાર વરસાદ
ગુજરાતના માહિતી ખાતાએ પહેલી જુલાઈએ સવારના છ વાગ્યાથી સાંજ સુધી વાગ્યા સુધી પડેલા વરસાદની માહિતી આપી છે.
જે અનુસાર, રાજ્યના 14 તાલુકાઓમાં ચાર ઈંથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ, પારડી, ધંધૂકા, ચુડા, કપરાડા, વીસાવદર, ભેંસાણ સહિત રાજ્યના 46 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
વલસાડના ધરમપુર તથા નવસારીના ખેરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 195 મિમી તથા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 191 મિ.મી વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરની માહિતી મુજબ પહેલી જુલાઈએ સાંજના છ વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લાના વીસાવદર તાલુકામાં 165 મિમી, ભેંસાણમાં 152 મિમી, વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 138 મિમી, પારડીમાં 136 મિમી, વાપીમાં 131 મિમી જેટલો વરસાદ નોંધાયો છે.
તો ધારીમાં 130 મિમી, અંકલેશ્વરમાં 125 મિમી, ભરૂચમાં 120 મિમી, ચીખલીમાં 115 મિમી, કપરાડામાં 115 મિમી, ધંધૂકામાં 107 મિમી, ચૂડામાં 106 મિમી, વલભીપુર તાલુકામાં 102 મિમી, જ્યારે અમદાવાદ શહેરમાં 102 મિમી જેટલો વરસાદ નોંધાયો છે.
ઉપરાંત વાંસદા અને જલાલપોર તાલુકામાં અનુક્રમે 93 અને 92 મિમી, લીંબડી તથા મહુવા તાલુકામાં અનુક્રમે 90 અને 89 મિમી, લુણાવાડા અને ભાવનગરમાં અનુક્રમે 87 અને 83 મિમી વરસાદ નોંધાયો છે.
ઘરોમાં, ખેતરોમાં પાણી
જામનગરથી બીબીસીના સહયોગી દર્શન ઠક્કરના જણાવ્યા અનુસાર, ભારે વરસાદથી જામનગરના હરિદ્વાર પાર્ક, મોહનનગર, નારાયણનગરનાં બધાં ઘરોમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયાં હતાં.
સતત 12 કલાક પડેલા વરસાદને લીધે લોકો પણ ઘરની અંદર પૂરાઈ રહેવા મજબૂર બન્યા હતા.
પાણીનો નિકાલ ન થતા લોકો પણ ગુસ્સે ભરાયા હતા. જામનગર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ મીડિયાને કહ્યું કે સતત વરસાદને લીધે અને રણજિતસાગર ડૅમ ઓવરફ્લો થવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
તો સુરેન્દ્રનગરના લીંબડી તેમજ ચૂડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને બોરણા ગામમાં ઘરોમાં પાણી ફરી વળ્યાં હતાં.
ભારે વરસાદને કારણે નદીનાળાં છલકાઈ ગયાં છે અને ડૅમમાં પાણીની આવક વધી છે.
જૂનાગઢથી બીબીસીના સહયોગી હનીફ ખોખરના જણાવ્યા અનુસાર, જિલ્લામાં ઘેડના સુત્રેજ ગામના બે લોકો નદીના પુરથી જીવ બચાવવા વીજપોલ પર ચડી ગયા હતા.
10 કલાક સુધી NDRFની ટીમે પૂરમાં ફસાયેલા બે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પાણીના તીવ્ર પ્રવાહથી બોટ આગળ ન વધી શકતા અંતે જામનગરથી હેલિકૉપ્ટર મંગાવાયું હતું અને બંનેને બચાવી લેવાયા હતા.
જૂનાગઢ જિલ્લામાં 10થી 15 ઇંચ વરસાદ પડ્યો છે અને ભારે વરસાદથી જિલ્લાની સૌથી મોટી ગણાતી ઓજત નદીનાં પાણી ઘેડનાં ગામડાંમાં ફરી વળ્યાં હતાં.
ભારે વરસાદને લીધે ગામડાં પણ જાણે કે બેટમાં ફેરવાઈ ગયાં હતાં.
કેશોદના ખામીદાણા ગામના રસ્તો પાણીમાં ધોવાઈ ગયો અને રોડ પણ તૂટી ગયો હતો.
તો અમરેલી-સાવરકુંડલાના જુનાસવાર ગામે રોડ પર 4 4 ફૂટ પાણી ભરાઈ ગયાં હતાં.
સાવરકુંડલા-લીલિયાને જોડતા જૂનાસાવર ગામ પાસેથી ચાર નદીઓ નીકળતી હોવાથી ગામની સ્થિતિ કફોડી બની હતી.
બાયડના દેરોલીથી સાઠંબા રોડ પર મહોર નદીના કોઝ વે પર પાણી ફરી વળતાં સાતથી વધુ ગામો મુશ્કેલી મુકાયા હતા.
જૂનાગઢના ભેંસાણમાં ધોધમાર વરસાદને લીધે ઉબેણ ડૅમ ઓવરફ્લો થયો હતો.
ડૅમમાં નવાં નીરની આવક થતા ખેડૂતોએ વરસાદને વધાવ્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી.
હજુ પણ વરસાદની આગાહી
તો આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ભારે તો ક્યાં ઓછા વરસાદ પડી શકે છે.
આગાહી અનુસાર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબીના વિસ્તારોમાં શુક્રવાર કરતાં શનિવારે વરસાદ ઓછો રહેશે. જોકે, વરસાદ સંપૂર્ણપણે બંધ નહીં થાય. તો બીજી બાજુ, કચ્છ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જોકે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી.
બીજી બાજુ, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. તો અમદાવાદ, આણંદ, ખેડા જિલ્લામાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે.
છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક સારો વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અહીં અતિભારે વરસાદની શક્યતા નથી.