'ઇન્સ્ટા ક્વીન' તરીકે ઓળખાતાં પંજાબનાં મહિલા કૉન્સ્ટેબલ ડ્રગ્સની તસ્કરીમાં કેવી રીતે ઝડપાયાં?

ઇમેજ સ્રોત, police_kaurdeep/Insta
- લેેખક, સુરિંદર માન
- પદ, બીબીસી માટે
પંજાબ પોલીસનાં કૉન્સ્ટેબલ અમનદીપકોર હેરોઈન જેવા કેફી પદાર્થ સાથે પકડાયાં પછી તેઓ ચર્ચાનો વિષય બન્યાં છે.
ભટિંડા જિલ્લા પોલીસ અને ઍન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના સંયુક્ત ઑપરેશન દરમિયાન ગયા બુધવારે અમનદીપકોરની ધરપકડ કરવામાં આવી હતી.
આ મહિલા પોલીસ કર્મચારી વારંવાર ચર્ચામાં રહે છે, કારણકે, તેઓ સોશિયલ મીડિયા પર 'ઉશ્કેરણીજનક' ગીતોની રીલ પણ પોસ્ટ કરે છે.
પોલીસ મહાનિરીક્ષક (હેડક્વાર્ટર) સુખચૈનસિંહ ગિલે પત્રકારોને જણાવ્યું હતું કે અમનદીપકોરની 17.71 ગ્રામ હેરોઇન સાથે ધરપકડ કરવામાં આવી હતી.
ભટિંડાના ડીએસપી (સિટી) હરબંસસિંહ ધાલીવાલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે અમનદીપની ભટિંડા શહેરમાં ધરપકડ કરવામાં આવી જ્યારે તેઓ એક એસયુવીમાં ડ્રગ્સ સાથે ક્યાંક જઈ રહ્યાં હતાં.
આ મહિલા પોલીસ કર્મચારી વિરુદ્ધ એનડીપીએસ ઍક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
કોણ છે અમનદીપકોર?

ઇમેજ સ્રોત, police_kaurdeep/Insta
અમનદીપકોર ભટિંડા જિલ્લાના ચક ફતેહસિંહ વાલા ગામનાં રહેવાસી છે.
આઈજી સુખચૈનસિંહના જણાવ્યા અનુસાર અમનદીપકોર હાલમાં માનસા જિલ્લામાં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "અમનદીપકોરને થોડા દિવસો પહેલા કામચલાઉ રીતે માનસાથી ભટિંડા પોલીસલાઇન્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં."
પંજાબના ડીજીપી ગૌરવ યાદવના આદેશ બાદ અમનદીપકોરને કલમ 311 હેઠળ પોલીસ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવ્યાં છે.
આઈજીએ કહ્યું કે બરતરફીના આદેશને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ મહિલા કૉન્સ્ટેબલ સોશિયલ મીડિયા પર પણ બહુ સક્રિય હતાં.
તેઓ પંજાબ પોલીસ કર્મચારીઓમાં 'ઇન્સ્ટા ક્વીન' તરીકે ખૂબ લોકપ્રિય બન્યાં હતાં.
અમનદીપકોર પંજાબ પોલીસનો યુનિફૉર્મ પહેરીને સોશિયલ મીડિયા પર પોતાની રીલ્સ પોસ્ટ કરવા માટે સામાન્ય લોકોમાં ખૂબ લોકપ્રિય હતાં.
તેઓ લગભગ દરરોજ પંજાબી ગીતોની રીલ્સ અપલોડ કરતાં હતાં.
અમનદીપકોરે તાજેતરમાં જ પોતાની કારના બૉનેટ પર કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેની રીલ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી.
તેમની ધરપકડ બાદ ઇન્સ્ટાગ્રામ પર અમનદીપના ફૉલોઅર્સની સંખ્યામાં એક દિવસમાં લગભગ 15,000નો વધારો થયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર અમનદીપકેર પરિણીત છે અને છેલ્લા કેટલાક સમયથી પોતાના પતિથી અલગ રહે છે.
વિવાદો સાથે જૂનો ઘરોબો

ઇમેજ સ્રોત, police_kaurdeep/Insta
તાજેતરના દિવસોમાં અમનદીપકોર પોલીસ યુનિફૉર્મમાં વીડિયો બનાવવાને કારણે વિવાદોમાં રહ્યાં છે.
અગાઉ પણ ડ્રગ્સના કેસમાં અમનદીપની પૂછપરછ થઈ ચૂકી છે, પરંતુ તે વખતે નક્કર પુરાવાના અભાવે પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.
શુક્રવારે ભટિંડા પોલીસે સિવિલ હૉસ્પિટલમાં અમનદીપકોરનો ડૉપ ટેસ્ટ પણ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો.
વર્ષ 2022માં તેમણે ભટિંડાના એસએસપીની ઑફિસની સામે કોઈ ઝેરી વસ્તુ ગળી જવાનો પ્રયાસ કર્યો હતો, તે વખતે પણ તેઓ વિવાદમાં આવ્યાં હતાં.
અમનદીપકોરે સિવિલ હૉસ્પિટલ ભટિંડામાં ડૉક્ટરો સાથે કથિત રીતે ગેરવર્તણૂક કર્યાં બાદ તેમણે 2022માં હડતાળ પર જવાની ધમકી આપી હતી.
પંજાબ પોલીસના રેકૉર્ડ મુજબ તે સમયે પણ સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરના નિવેદનના આધારે અમનદીપકોર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
'મને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહી છે'

ઇમેજ સ્રોત, police_kaurdeep/Insta
પંજાબ પોલીસે શુક્રવારે અમનદીપકોરને ભટિંડાની સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યાં હતાં.
ડીએસપી હરબંસસિંહ ધાલીવાલે કહ્યું કે કોર્ટે અમનદીપકોરને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યાં છે.
કોર્ટમાં તેમની હાજરી દરમિયાન અમનદીપકોરે ઊંચા અવાજમાં વાત કરી અને કહ્યું કે તેને ખોટા આરોપોમાં ફસાવવામાં આવી રહ્યાં છે.
આઈજી સુખચૈનસિંહે કહ્યું કે અમનદીપકોરની ધરપકડ બાદ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું, "પોલીસ અમનદીપકોરની સંપત્તિની પણ તપાસ કરી રહી છે. ગેરકાયદેસર સંપત્તિનો મામલો સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












