ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાતથી ભારતમાં કઈ ચીજવસ્તુઓના ભાવ વધશે?

ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ઘોષણા કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ઘોષણા કરી છે.

અમેરિકાએ લગભગ 100 દેશોની યાદી બનાવી છે જેના પર 'ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ્સ' લાદવામાં આવ્યાં છે. આ યાદીમાં ભારત પણ સામેલ છે. ભારત પર 26 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે.

કોઈ દેશમાંથી આયાત થતા માલ પર લગાવાતા ટૅક્સને ટેરિફ કહેવામાં આવે છે. આયાત કરનારી કંપનીએ પોતાના દેશની સરકારને આ રકમ ચૂકવવી પડે છે.

સામાન્ય રીતે વિદેશી પ્રતિસ્પર્ધાથી બચવા માટે ટેરિફ લગાવવામાં આવતા હોય છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે કોઈ દેશ અમેરિકન માલસામાન પર ઊંચો ટૅક્સ નાખતો હોય તો અમેરિકા પણ તે દેશમાંથી આવતા માલ પર ટેરિફ લગાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે આને રેસિપ્રોકલ ટેરિફ નામ આપ્યું છે.

એશિયન બજારો પર અસર

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ભારત અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ ટૅક્સ નિકાસ રોજગારી અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રેસિપ્રોકલ ટેરિફના લિસ્ટ સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ તમામ દેશો પર ટેરિફ નાખવાની જાહેરાત કરી છે જેમાં એશિયાના દેશોને સૌથી મોટો ફટકો પડ્યો છે. ચીન પર 34 ટકા, વિયેતનામ પર 46 ટકા અને કંબોડિયા પર 49 ટકા ટેરિફ નાખવામાં આવ્યો છે.

જોકે, તેની તુલનામાં ભારતની સ્થિતિ પ્રમાણમાં થોડી સારી છે.

એશિયા ડિકૉડેડના પ્રિયંકા કિશોર કહે છે કે, "26 ટકાનો એક સમાન ટેરિફ હજુ ઘણો ઊંચો કહેવાય અને ભારતમાં લેબર આધારિત નિકાસને તેનાથી મોટી અસર થઈ શકે છે."

તેઓ કહે છે કે, "તેના કારણે સ્થાનિક માંગ અને જીડીપીને અસર થવાની શક્યતા છે. આ એવા સમયે થશે જ્યારે ગ્રોથનો દર પહેલેથી ખચકાઈ રહ્યો છે."

જોકે, ભારતમાંથી ઇલેક્ટ્રોનિક્સની નિકાસને સંભવતઃ ફાયદો થવાની શક્યતા છે. વિયેતનામ જેવા દેશ પર વધારે ટેરિફ નાખવાના કારણે અમુક નિકાસ રિ-રુટ થાય તેવી શક્યતા છે.

આમ છતાં ટ્રમ્પે જે ટેરિફ જાહેર કર્યા છે તેની એકંદર નકારાત્મક અસરને ખાળવા માટે આ પૂરતું નહીં હોય.

કૅનેડા, મૅક્સિકો અને યુરોપિયન યુનિયનથી વિપરીત ભારતે અત્યાર સુધીમાં ટ્રમ્પ સાથે સહયોગનો રસ્તો અપનાવ્યો છે. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય સંધિ માટે વાતચીત કરી રહ્યા છે. હવે ટ્રમ્પનાં પગલાં સામે ભારત દ્વારા વળતી કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે.

ભારતીય ફાર્મા ઉદ્યોગ રાહતનો દમ લઈ શકશે કારણ કે દવાઓની નિકાસને રેસિપ્રોકલ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. ભારતમાંથી દર વર્ષે 13 અબજ ડૉલરની ફાર્મા પેદાશોની નિકાસ થાય છે.

ભારત આયાત પર સરેરાશ 17 ટકા ટેરિફ લગાવે છે

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ભારત અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ ટૅક્સ નિકાસ રોજગારી અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં લક્ઝરી કાર પર 125 ટકા ટેરિફ હતો, જે ઘટાડીને 70 ટકા કરાયો છે

ભારત એવા દેશોમાં સામેલ છે જે અમેરિકન સામાન પર સૌથી વધુ ટેરિફ લાદે છે.

ભારત આયાત પર સૌથી વધુ સરેરાશ 17 ટકા ટેરિફ લાદે છે. જ્યારે 2 એપ્રિલ પહેલા અમેરિકાનો ટેરિફ રેટ માત્ર 3.3 ટકા હતો.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ભારતમાં 1990-91 સુધી સરેરાશ ટેરિફ રેટ 125 ટકા હતો. ઉદારીકરણ પછી તે ઘટતું ગયું અને 2024માં ટેરિફ રેટ 11.66 ટકા હતો.

ધ હિંદુના અહેવાલ મુજબ ભારત સરકારે 150 ટકા, 125 ટકા અને 100 ટકાના ટેરિફ રેટ ખતમ કરી દીધા છે.

ટ્ર્મ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા ત્યાર પછી ભારત સરકારે ટેરિફ રેટમાં ફેરફાર કર્યો. હવે ભારતમાં સૌથી ઊંચો ટેરિફ રેટ 70 ટકા છે.

ટ્ર્મ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા ત્યાર પછી ભારત સરકારે ટેરિફ રેટમાં ફેરફાર કર્યો. હવે ભારતમાં સૌથી ઊંચો ટેરિફ રેટ 70 ટકા છે.

ભારતમાં લક્ઝરી કાર પર 125 ટકા ટેરિફ હતો, જે હવે ઘટીને 70 ટકા થઈ ગયો છે.

2025માં ભારતમાં એવરેજ ટેરિફ રેટ ઘટીને 10.65 ટકા થઈ ગયો છે. સામાન્ય રીતે દરેક દેશ ટેરિફ લગાવે છે, પરંતુ બીજા દેશોની તુલનામાં ભારત સૌથી વધુ ટેરિફ લગાડનારા દેશોમાં આવે છે.

અમેરિકામાં દવાઓ મોંઘી થશે, ભારતમાં રોજગારી ઘટશે

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ભારત અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ ટૅક્સ નિકાસ રોજગારી અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં ભારતની નિકાસમાં દવાઓનો સૌથી વધુ હિસ્સો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટ્રમ્પે લાદેલા ટેરિફ ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે મોટો ફટકો સાબિત થશે. વેપાર રિસર્ચ એજન્સી જીટીઆરઆઈ અનુસાર ફાર્માસ્યુટિકલ સેક્ટર ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક નિકાસ છે.

ભારત દર વર્ષે અમેરિકામાં લગભગ 12.7 અબજ ડૉલરની દવાઓની નિકાસ કરે છે, જેના પર તેણે લગભગ કોઈ ટૅક્સ ચૂકવવો પડતો નથી.

ભારતથી અમેરિકા નિકાસ કરવામાં આવતી જેનરિક દવાઓને ટેરિફમાંથી બહાર રાખવામાં આવી છે જેને કારણે આ દવા ઉદ્યોગને તેનાથી રાહત મળી એવું કહી શકાય.

આમ છતાં, ભારતમાં આવતી અમેરિકન દવાઓ પર 10.91 ટકા ડ્યૂટી ચૂકવવાની થાય છે. આનાથી 10.91 ટકાનો "વેપાર તફાવત" રહે છે.

આ સેક્ટર પર 10.9 ટકા ટેરિફને કારણે અમેરિકામાં દવાઓ મોંઘી થઈ શકે છે. મોંઘી દવાઓના કારણે નિકાસ ઘટી શકે છે અને તેના કારણે ભારતીય કારખાનાઓમાં ઉત્પાદન પર પણ અસર થઈ શકે છે. તેની સીધી અસર ભારતમાં રોજગાર પર પડી શકે છે.

ભારત પર લાદવામાં આવેલા ટેરિફને કારણે લાખો અમેરિકનો પર મેડિકલ બિલનો બોજ વધી શકે છે. અમેરિકામાં વેચાતી જેનરિક દવાઓમાંથી લગભગ અડધી દવાઓ ભારતમાંથી આવે છે. જેનરિક દવાઓ એ બ્રાન્ડ નેમ દવાઓની સસ્તી આવૃત્તિ હોય છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના કારણે જેનરિક દવાઓનું ઉત્પાદન કરતી કેટલીક ભારતીય કંપનીઓને બજારમાંથી બહાર નીકળવાની ફરજ પડી શકે છે. આનાથી અમેરિકામાં હાલની દવાઓની અછત વધુ વધી શકે છે.

અમેરિકામાં આવી દવાઓ ભારત જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે અને 10 માંથી 9 પ્રિસ્ક્રિપ્શન આ દવાઓ માટે હોય છે.

આનાથી અમેરિકાને હેલ્થકેરના ખર્ચમાં અબજો ડૉલરની બચત થાય છે. કન્સલ્ટિંગ ફર્મ IQVIAના એક અભ્યાસ અનુસાર, 2022માં ભારતીય જેનરિક દવાઓથી 219 બિલિયન ડૉલરની બચત થઈ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના કારણે જેનરિક દવાઓનું ઉત્પાદન કરતી કેટલીક ભારતીય કંપનીઓને બજારમાંથી બહાર નીકળવાની ફરજ પડી શકે છે. આનાથી અમેરિકામાં હાલની દવાઓની અછત વધુ વધી શકે છે.

જોકે, કેટલાક માને છે કે તેની અસર નહીં થાય.

ફાર્મા માર્કેટના નિષ્ણાત અજય બગ્ગાએ બીબીસીને કહ્યું, "ભારતમાં અમેરિકન દવાઓની નિકાસ માંડ અડધા અબજ ડૉલરની છે, તેથી તેના પર તેની અસર નહીંવત હશે."

આ જ કારણથી ભારતની સૌથી મોટી દવા ઉત્પાદક કંપનીઓના જૂથ આઈપીએએ પણ અમેરિકન દવાની નિકાસ પર શૂન્ય ડ્યુટીની ભલામણ કરી છે, જેથી રેસિપ્રોકલ ટેરિફની ભારત પર નકારાત્મક અસર ન થાય.

જ્વેલરી સસ્તી થશે, મોબાઇલ મોંઘા પડશે

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ભારત અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ ટૅક્સ નિકાસ રોજગારી અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં જ્વેલરની સસ્તી થઈ શકે છે.

સિટી રિસર્ચનો અંદાજ છે કે ટેરિફ લાદવાને કારણે ભારતને વાર્ષિક 7 અબજ ડૉલરનું નુકસાન થશે.

ભારતમાંથી અમેરિકામાં 11.88 અબજ ડૉલરના સોના, ચાંદી અને હીરાની નિકાસ થાય છે. આ ક્ષેત્રમાં નિકાસ ઘટશે તો તેની અસર નાના કારીગરો અને ઉદ્યોગપતિઓ પર પડી શકે છે.

ભારત અમેરિકાને 14.39 અબજ ડૉલરનાં મોબાઇલ, ટેલિકૉમ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું વેચાણ કરે છે. સ્વાભાવિક છે કે હવે આને પણ અસર થશે.

આનાથી આઇફોન અને અન્ય મોબાઈલ ઉપકરણો મોંઘાં થઈ શકે છે. ભારતમાં પણ ઘણાં મોબાઇલ ઉપકરણો મોંઘાં થઈ શકે છે.

આ ઉપરાંત ભારતમાંથી અમેરિકામાં 4.93 અબજ ડૉલરનાં કપડાંની નિકાસ થાય છે. આ સિવાય ફૂટવેર સેક્ટરને પણ ટેરિફનો ફટકો પડશે.

કઈ ચીજવસ્તુઓ મોંઘી થશે?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ભારત અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ ટૅક્સ નિકાસ રોજગારી અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત વિશ્વમાં આઠમા ક્રમે સૌથી મોટો કૃષિ નિકાસકાર દેશ છે

ભારત વિશ્વમાં કૃષિ ઉત્પાદનોનો આઠમો સૌથી મોટો નિકાસકાર છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) પ્રમાણે ભારતમાં યુએસ કૃષિ ઉત્પાદનો પર લાદવામાં આવેલ સરેરાશ ટેરિફ 37.7 ટકા છે, જ્યારે અમેરિકામાં ભારતીય કૃષિ ઉત્પાદનો પર તે 5.3 ટકા છે. પરંતુ હવે આ ટેરિફ 26% થઈ ગયો છે.

ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય કૃષિ વેપાર 800 કરોડ રૂપિયાનો છે. ભારત મુખ્યત્વે ચોખા, ઝીંગા, મધ, વનસ્પતિ અર્ક, એરંડાનાં તેલ અને કાળા મરીની નિકાસ કરે છે, જ્યારે અમેરિકા ભારતને બદામ, અખરોટ, પિસ્તા, સફરજન અને કઠોળની નિકાસ કરે છે.

ભારત અમેરિકામાં 2.58 અબજ ડૉલરના સી-ફૂડની નિકાસ કરે છે. તેની નિકાસ ઘટશે તો ભારતમાં તે સસ્તામાં મળી શકે છે. પરંતુ આ સેક્ટરના લોકોની આવકમાં ઘટાડો થશે.

ભારતથી અમેરિકા જતી ખાંડ, પ્રોસેસ્ડ ફૂડ અને કોકો પર ટેરિફની અસર થશે. તેના કારણે અમેરિકામાં ભારતીય મીઠાઈઓ અને નાસ્તો મોંઘાં થશે. નિકાસ ઘટશે તો ભારતીય કંપનીઓને નુકસાન થશે.

ડેરી ઉત્પાદનમાં 38.23 ટકા સુધી ટેરિફનો તફાવત છે. તેથી 181.49 મિલિયન ડૉલરના વેપારને મોટી અસર થશે.

ઘી, માખણ અને દૂધ મોંઘાં થશે અને બજાર હિસ્સો ઘટી જશે. ભારતમાં આ ઉત્પાદનો સસ્તાં થઈ શકે છે.

ટેરિફની જાહેરાત પછી નાળિયેર અને સરસવનાં તેલમાં ખર્ચ વધી જશે. તેથી ખેડૂતો પર અસર થઈ શકે છે.

ભારતમાં સરસવનાં તેલ અને નાળિયેરના ભાવ ઘટી શકે છે. પરિણામે ખેડૂતોની આવક ઘટશે.

ટેરિફ વધવાના કારણે સીધી અસર ઉત્પાદન પર પડશે. રોજગારી ઘટશે અને એકંદરે સમગ્ર આર્થિકચક્રને અસર થશે.

સેમિકંડક્ટર ટેરિફના આધીન નથી જેને કારણે ભારતને થોડી રાહત છે. ભારત અમેરિકાને 1.68 અબજ ડૉલરના સેમીકંડક્ટર વેચે છે. જોકે, ભારત દુનિયાના બજારમાં મોટો ખેલાડી નથી છતાં આ મામલે છૂટ મળવાને કારણે ભારતીય કંપનીને રાહત મળી છે.

લાકડું અને તેનાં ઉત્પાદનોને પણ ટેરિફની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે. ઊર્જા સંબંધિત કેટલાંક ઉત્પાદનો મામલે છૂટ છે જેમાં ઊર્જા ઉત્પાદન સાથે સંકળાયેલાં કેટલાંક મહત્ત્વનાં ખનીજો સામેલ છે.

ટ્રમ્પે જ્વેલરી અને ડાયમંડ ઉપર ટેરિફનું ઍલાન કર્યું છે જેની ભારતીય કંપની પર અસર પડશે.

અમેરિકાથી ભારત નિકાસ થતી કાર અને તેના સામાન પર ટેરિફ લાગે છે. હવે ટ્રમ્પે તેના પર વધુ ટેરિફની ઘોષણા કરી છે જેથી તેની અસર ભારતના કાર ઉત્પાદકો પર પડશે જેઓ અમેરિકા ખાતે કારની નિકાસ કરે છે.

ટ્રમ્પે રિફાઇન્ડ પેટ્રોલિયમ પર પણ આયાતની ઘોષણા કરી છે.

ભારતના ગાર્મેન્ટ્સ ઉદ્યોગને પણ ટેરિફને કારણે ફટકો પડ્યો છે.

ભારતમાં દૂરસંચાર ઉપકરણ ઉત્પાદનો હાલમાં 50 હજાર કરોડ રૂપિયાના સ્તરને પાર કરી ચૂક્યાં છે. તે પૈકી લગભગ 10 હજાર પાંચસો કરોડ રૂપિયાની નિકાસ થાય છે. ટેરિફ લાગવાને કારણે આ ઉદ્યોગ પર ગંભીર થશે. કારણકે ભારતમાંથી આ ઉપકરણો ઘણી માત્રામાં અમેરિકામાં જાય છે.

વર્ષ 2024માં 6.5 અબજ ડૉલરનાં ઉપકરણો અમેરિકાએ આયાત કર્યાં હતાં.

ટેરિફથી અમેરિકા પર કેવી અસર થશે?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ભારત અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ ટૅક્સ નિકાસ રોજગારી અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટેરિફના કારણે અમેરિકન અર્થતંત્રમાં 0.6 ટકાનો ઘટાડો થઈ શકે છે

અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે ટેરિફના કારણે અમેરિકન ગ્રાહકો માટે કિંમતો વધી જશે અને આયાતી ચીજવસ્તુઓમાંથી અમેરિકન કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચમાં વધારો કરશે.

તેમણે એવી ચેતવણી પણ આપી છે કે અન્ય દેશો દ્વારા લાદવામાં આવેલા વળતી ટેરિફને કારણે અમેરિકન નિકાસકારોને નુકસાન થશે.

મૂડીઝ ઍનાલિટિક્સનું કહેવું છે કે ટેરિફના કારણે અમેરિકાની ઇકૉનૉમી આગામી વર્ષમાં 0.6 ટકા ઘટશે અને તેના કારણે 2.5 લાખ નોકરીઓ છીનવાઈ જશે.

મૂડીઝ ઍનાલિટિક્સે કહ્યું છે કે કૅનેડા અને મૅક્સિકો તેમની આયાત માટે અમેરિકી બજાર પર નિર્ભર છે અને તેમને આ માટે ભારે કિંમત ચૂકવવી પડશે અને મંદીથી બચવું અશક્ય બનશે.

ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ કેમ લાદે છે?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ભારત અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ ટૅક્સ નિકાસ રોજગારી અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પની દલીલ છે કે ટેરિફના કારણે અમેરિકામાં ઉત્પાદન ક્ષમતા વધશે અને રોજગારી ટકી રહેશે

રાષ્ટ્રપતિ ટ્રમ્પની આર્થિક નીતિમાં ટેરિફ કેન્દ્રસ્થાને છે. તેઓ અમેરિકામાં વેપાર સંતુલન લાવવા અને અમેરિકાની આયાત અને નિકાસ વચ્ચેનું અંતર ઘટાડવા માંગે છે.

વર્ષ 2024માં અમેરિકા લગભગ 900 અબજ યુએસ ડૉલરની વેપાર ખાધનો સામનો કરી રહ્યું હતું.

ચોથી માર્ચે ટ્રમ્પે યુએસ કૉંગ્રેસમાં કહ્યું હતું કે, "અત્યાર સુધી દુનિયાના દરેક દેશે આપણને લૂંટ્યા છે. પરંતુ હવે અમે ભવિષ્યમાં આવું થવા દઈશું નહીં."

ટ્રમ્પ કહે છે કે લાંબા ગાળે ટેરિફથી અમેરિકાની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે અને નોકરીઓ બચશે. આ સાથે ટૅક્સની આવક અને આર્થિક વૃદ્ધિમાં વધારો થશે.

તેમણે કહ્યું છે કે ટેરિફથી અમેરિકાની આવક વધશે અને વિદેશી કંપનીઓ અમેરિકામાં સામાનનું ઉત્પાદન કરશે.

ટ્રમ્પે 24 માર્ચે જાહેરાત કરી હતી કે દક્ષિણ કોરિયાની કાર કંપની હ્યુન્ડાઈ અમેરિકામાં 21 અબજ ડૉલરનું રોકાણ કરી રહી છે. તેમણે દાવો કર્યો કે ટેરિફના કારણે કંપની પોતાની કામગીરી અમેરિકામાં ખસેડી રહી છે.

ચીનની સાથે સૌથી વધુ વ્યાપાર ખાધ

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ભારત અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ ટૅક્સ નિકાસ રોજગારી અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાની કુલ વ્યાપાર ખાધમાં ચીનનો હિસ્સો લગભગ 25 ટકા છે

વ્યાપાર બાબતોના નિષ્ણાત વિશ્વજીત ધરનું કહેવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ સતત ટેરિફ લગાવવાની વાત કરે છે.

વિશ્વજીત ધરે વ્હાઇટ હાઉસ દ્વારા રેસિપ્રોકલ ટેરિફ અંગે જારી થયેલી એક ફૅક્ટ શીટનો ઉલ્લેખ કર્યો હતો.

આ ફૅક્ટ શીટમાં લખેલું છે, "અમેરિકા જે દેશોને મોસ્ટ ફેવર્ડ નૅશન (એમએફએન)નો દરજ્જો આપે છે, તેની કૃષિ પેદાશો પર સરેરાશ 5 ટકા ટેરિફ લગાવે છે. પરંતુ ભારત જે દેશોને એમએફએનનો દરજ્જો આપે છે, તેની કૃષિ પેદાશો પર 39 ટકા ટેરિફ લગાવે છે."

"ભારત અમેરિકન મોટરસાઇકલ પર પણ 100 ટકા ટેરિફ લાદે છે, જ્યારે અમેરિકા ભારતીય મોટરસાઇકલ પર માત્ર 2.4 ટકા ટેરિફ લાદે છે."

અમેરિકાની સૌથી વધુ વ્યાપાર ખાધ ચીન સાથે છે. અમેરિકાની કુલ વેપાર ખાધમાં ચીનનો હિસ્સો 24.7 ટકા છે. જો ભારતની વાત કરીએ તો તે માત્ર 3.8 ટકા છે.

ભારત દ્વારા અમેરિકામાં નિકાસ કરવામાં આવતી પ્રોડક્ટ્સ મુખ્યત્વે 30 સેક્ટરમાંથી હોય છે. તેમાંથી 6 ઉત્પાદન કૃષિ ક્ષેત્રની અને 24 ઔદ્યોગિક ક્ષેત્રની હોય છે. ચાલો જાણીએ કે આ સૅક્ટર પર ટેરિફની કેવી અસર પડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.