'હજારો આંગણવાડીની ઘટ' ઉપરાંત કૅગના રિપોર્ટમાં ગુજરાત સરકારની કામગીરી વિશે બીજું શું કહેવાયું?

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભા શાળા કૅગ રિપોર્ટ બીએડીપી કચ્છ બનાસકાંઠા પાટણ આંગણવાડી

ઇમેજ સ્રોત, EPA

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

રાજ્યમાં 16 હજારથી વધારે આંગણવાડીઓની ઘટ છે, આંગણવાડીઓમાં શૌચાલય અને પાણી સહિતની સગવડોનો અભાવ છે અને કેટલીક આંગણવાડી જર્જરિત હાલતમાં છે તેવું રિપોર્ટ જણાવે છે.

ગુજરાતનાં સરહદી ગામોમાં પાયાની સુવિધાઓની બાબતમાં પણ ઘણી નબળી કામગીરી કરવામાં આવી છે તેવું કૅગ (કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા)ના રિપોર્ટમાં બહાર આવ્યું છે.

ગયા શુક્રવારે ગુજરાત વિધાનસભામાં કૅગનો રિપોર્ટ રજૂ કરાયો હતો, જેમાં બૉર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ (બીએડીપી)માં મોટી ગરબડ જોવા મળી છે.

કેટલાંક ઉદાહરણો જોવામાં આવે તો કૅગનો રિપોર્ટ કહે છે કે બનાસકાંઠા, કચ્છ અને પાટણ જેવા જિલ્લામાં જ્યાં પાણી સગવડ ન હોય તેવી જગ્યાએ RO પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે.

એટલું જ નહીં, શાળાથી 35 કિમીના અંતરે હૉસ્ટેલ બનાવવામાં આવી હોય અને તેનો કોઈ ઉપયોગ થતો ન હોય તેવા દાખલા છે.

આ ઉપરાંત રિપોર્ટ કહે છે કે કચ્છમાં 3.5 કિમીનું અંતર ધરાવતાં બે ગામો વચ્ચે 1.5 કિમીનો રોડ બાંધવામાં આવ્યો છે. જે જગ્યાએ ભૂગર્ભજળ ખારું છે ત્યાં ટ્યુબ વેલની મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત ચોક્કસ ફંડિંગ વગર જાહેર સુવિધાનાં કામો હાથ ધરવામાં આવ્યાં છે એવું પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં 16 હજારથી વધારે આંગણવાડીની ઘટ

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભા શાળા કૅગ રિપોર્ટ બીએડીપી કચ્છ બનાસકાંઠા પાટણ આંગણવાડી

કૅગના અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે બાળવિકાસ સેવાઓની યોજનાઓના અમલીકરણમાં પણ ખામી છે.

ગુજરાતમાં આંગણવાડીની ભારે ઘટ છે. રિપોર્ટ મુજબ રાજ્યમાં 16,045 આંગણવાડીની ઘટ પડે છે અને મોટી સંખ્યામાં આંગણવાડીઓ ખુલ્લી અથવા કામચલાઉ જગ્યામાં ચલાવાય છે.

વિધાનસભામાં રજૂ થયેલા કૅગના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં કુલ 53,029 આંગણવાડી છે જેમાંથી 3381 કેન્દ્રો કામચલાઉ જગ્યા પર ચાલે છે અને 30 કેન્દ્રો ખુલ્લી જગ્યામાં ચલાવાય છે. આ ઉપરાંત 8452 આંગણવાડી જર્જરિત હાલતમાં છે. એટલે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સુરક્ષિત બિલ્ડિંગો આપી નથી. આંગણવાડીમાં દર 30 બાળકો દીઠ 600 ચોરસ ફૂટની જગ્યા હોવી જોઈએ પરંતુ એક પણ આંગણવાડીમાં તેનું પાલન થયું નથી. તેના કારણે બાળકોએ ભીડમાં રહેવું પડે છે."

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભા શાળા કૅગ રિપોર્ટ બીએડીપી કચ્છ બનાસકાંઠા પાટણ આંગણવાડી

બાળકોમાં કુપોષણની સમસ્યા વિશે જણાવાયું છે કે જન્મ સમયે ઓછા વજનવાળાં નવજાત શિશુના પ્રમાણમાં વાર્ષિક બે ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક હજુ પ્રાપ્ત નથી થયો.

રિપોર્ટના પેજ નંબર 51 પર જણાવાયું છે કે 1299 આંગણવાડીમાં શૌચાલયની સુવિધા નથી જ્યારે 1032 આંગણવાડીમાં પાણીની સુવિધા ન હતી. 99 આંગણવાડી કેન્દ્રોની મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે ત્યાં રસોઈ બનાવવાના, પીરસવાનાં વાસણો, ટેક હોમ રાશન પૅકેટ, વજન માપવાનાં સાધનોની અછત હતી.

'સરહદી ગામોમાં સુવિધાઓનો અભાવ'

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભા શાળા કૅગ રિપોર્ટ બીએડીપી કચ્છ બનાસકાંઠા પાટણ આંગણવાડી

ઇમેજ સ્રોત, GUJARATASSEMBLY.GOV.IN

ઇમેજ કૅપ્શન, કૅગનો રિપોર્ટ ગુજરાત વિધાનસભામાં રજૂ થયો છે

ગુજરાતમાં બનાસકાંઠા, કચ્છ અને પાટણ એમ ત્રણ જિલ્લાના સાત બ્લૉકમાં બીએડીપીનો અમલ કરાયો છે.

2016-17 થી 2021-22 સુધીના સમયગાળા માટેના ઑડિટમાં કૅગે જણાવ્યું છે કે સરહદ પર આવેલાં 185 ગામોમાંથી એક પણ ગામ એવું નથી જ્યાં પાયાની તમામ સુવિધાઓ હોય.

બીએડીપી પ્રોગ્રામમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સૌપ્રથમ વસાહતથી 10 કિમીમાં આવેલાં તમામ ગામડાં, શહેરી અને અર્ધશહેરી વિસ્તારોને આવરી લેવાય છે.

બીએડીપી માટે 2015માં માર્ગદર્શિકા ઘડવામાં આવી હતી તે પ્રમાણે સરહદી ગામોમાં રસ્તાની કનેક્ટિવિટી, શાળાઓ, રમતગમતની સગવડ, આરોગ્ય સુવિધા, વીજળી, પાણી પુરવઠો, કૉમ્યુનિટી સેન્ટર અને મહિલાઓ માટે જાહેર શૌચાલયની સગવડ હોવી જરૂરી છે.

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભા શાળા કૅગ રિપોર્ટ બીએડીપી કચ્છ બનાસકાંઠા પાટણ આંગણવાડી

ઇમેજ સ્રોત, CAG Report

ઇમેજ કૅપ્શન, કૅગના રિપોર્ટમાં બીએડીપીના અમલીકરણમાં ઘણી ગેરરિતીઓ પ્રકાશ પાડવામાં આવ્યો છે.

સરહદથી 10 કિમીના વિસ્તારમાં 185 ગામોમાંથી એક પણ ગામ જુલાઈ 2023 સુધીમાં સંપૂર્ણ સુવિધા ધરાવતું ન હતું. તમામ સુવિધાઓ સાથેનું ગામ કોને કહેવું તેની વ્યાખ્યા પણ જાન્યુઆરી 2023 સુધીમાં નક્કી થઈ ન હતી.

આ કાર્યક્રમ સરહદી ગામોને લગતો હોવાથી બીએસએફ જે ગામોની ઓળખ કરે તેને પ્રાથમિકતા આપવી જરૂરી હોય છે.

કૅગનો રિપોર્ટ કહે છે કે જુલાઈ 2023ની કૉન્ફરન્સ દરમિયાન ગૃહ વિભાગના સચિવે જિલ્લાના અધિકારીઓને બીએસએફ પાસેથી વ્યૂહાત્મક ગામોની યાદી મેળવવા જણાવાયું હતું. જોકે, ઑડિટમાં જાણવા મળ્યું કે આ માટેની બેઠક નિયમિત રીતે મળી નહોતી.

મંજૂરી વગર નવાં કામો શરૂ કર્યાં

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભા શાળા કૅગ રિપોર્ટ બીએડીપી કચ્છ બનાસકાંઠા પાટણ

ઇમેજ સ્રોત, CAG Report

ઇમેજ કૅપ્શન, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાનાં સરહદી ગામો વિશેનાં કામો પર રિપોર્ટ અપાયો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રિપોર્ટમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આરોગ્ય અને સામાજિક ક્ષેત્રની ઉપેક્ષા કરવામાં આવી છે.

2016-17થી 2019-20 ના ઍન્યુઅલ ઍક્શન પ્લાન (એએપી) ગાળા દરમિયાન આ ક્ષેત્રની અવગણના થઈ હતી અને 2021 અને 2022માં કોવિડના કારણે કોઈ કામ થઈ શક્યું ન હતું.

સંબંધિત એએપી દરમિયાન 958 કામ હાથ ધરવામાં આવ્યાં જેમાંથી માત્ર 25 ટકા કામ પૂરાં થયાં હતાં.

2016-17 અને 2019-20 દરમિયાન 20 કરોડ રૂપિયાનાં 133 કામો કેન્દ્રની મંજૂરી વગર રદ કરાયાં હતાં. તેની સામે ભારત સરકારની પરવાનગી વગર 22.93 કરોડનાં 50 નવાં કામો મંજૂર થયાં હતાં અને તેમાં બીએડીપીની માર્ગદર્શિકાનો ભંગ થયો હતો.

કચ્છમાં નવેમ્બર 2020માં ધોરડો ખાતે એક પ્રદર્શન યોજાયું હતું જેના માટે કેન્દ્ર સરકારે ફંડ આપવાનો ઇનકાર કરી દીધી હતો. તેથી રાજ્ય સરકારે બીએડીપીમાંથી 6.27 કરોડ ખર્ચ કર્યા હતા.

પરંતુ ઑડિટમાં જાણવા મળ્યું કે આ ઘટની સામે રાજ્ય સરકારે પ્રોજેક્ટને કોઈ ફંડ નથી આપ્યું.

પાંચ લાખથી 30 લાખ રૂપિયા સુધીનાં કામો માટે ઓપન ટેન્ડર મગાવવા જરૂરી હોય છે, પરંતુ 6.43 કરોડ રૂપિયાનાં સાત કામ એવાં હતાં જેમાં ઓપન ટેન્ડરની પ્રક્રિયાનું પાલન થયું ન હતું.

શાળાથી 35 કિમી દૂર હૉસ્ટેલ બનાવી

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભા શાળા કૅગ રિપોર્ટ બીએડીપી કચ્છ બનાસકાંઠા પાટણ આંગણવાડી

ઇમેજ સ્રોત, CAG Report

ઇમેજ કૅપ્શન, કચ્છના ખાવડામાં શાળાથી ઘણા કિમી દૂર બાંધવામાં આવેલી હૉસ્ટેલ

ખાવડામાં માર્ચ 2019માં એક હૉસ્ટેલ બાંધવાનું કામ પૂર્ણ થયું હતું જેની પાછળ 38.75 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ઑડિટમાં જાણવા મળ્યું છે કે આ હૉસ્ટેલ સૌથી નજીકની માનવવસતીથી 2.5 કિમી દૂર અને ખાવડા ગામથી 3.5 કિમી દૂર છે.

આ હૉસ્ટેલ એક ટ્રસ્ટની ખાનગી જમીન પર બાંધવામાં આવી હતી અને તે ગોરેવાલી ગામની રહેણાક શાળાથી 35 કિમીના અંતરે આવેલી છે. જુલાઈ 2023 સુધી આ હૉસ્ટેલનો કોઈ ઉપયોગ કરતું ન હતું.

ઑગસ્ટ 2017માં ખાટિયા ગામે પાંચ લાખ રૂપિયાના ખર્ચે એક મિલ્ક કલેક્શન સેન્ટર શરૂ કરાયું પરંતુ તેનો કોઈ ઉપયોગ થયો ન હતો.

ખારું પાણી હોય તેવી જગ્યાએ ટ્યુબવેલ ખોદ્યા

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભા શાળા કૅગ રિપોર્ટ બીએડીપી કચ્છ બનાસકાંઠા પાટણ આંગણવાડી

ઇમેજ સ્રોત, CAG Report

ઇમેજ કૅપ્શન, કેટલીક જગ્યાએ આરઓ પ્લાન્ટ નાખવામાં આવ્યા પણ તેનો કોઈ ઉપયોગ નથી થતો

સપ્ટેમ્બર 2019માં કચ્છનાં પાંચ ગામોમાં નર્મદાના પાણીમાં ભેળવવા માટે સાત ટ્યુબવેલ ખોદવામાં આવ્યા. આ જગ્યાએ અત્યંત ખારું પાણી નીકળશે તેવો અંદાજ એક રિપોર્ટમાં અપાયો હતો. ત્યાર પછી સપ્ટેમ્બર 2020માં પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠાના પાંચ ગામોમાં પ્રાથમિક શાળાઓમાં આરઓ પ્લાન્ટનું કામ એપ્રિલ 2018માં પૂરું થયું હતું જેમાં 16 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પરંતુ ઑગસ્ટ 2022 સુધી છોતર નેસડા અને રાછેના ગામે આરઓ પ્લાન્ટનો ઉપયોગ થયો ન હતો.

અધિકારીઓનું કહેવું છે કે પાણીની જ અછત હોવાથી આરઓ પ્લાન્ટ ચલાવી શકાયો ન હતો.

કૅગના રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે કચ્છમાં લખપતના ઘડુલી નજીક 70 લાખ રૂપિયાના ખર્ચે 2.5 કિમી લાંબો રસ્તો બાંધવાની પંચાયત વિભાગે દરખાસ્ત કરી હતી.

ટેકનિકલ મંજૂરી વખતે આ જ ડિવિઝને એક કરોડ રૂપિયાનો આઉટલે મંજૂર કર્યો. પરંતુ તેમાંથી માત્ર 1.5 કિમી રસ્તો 60.60 લાખ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો અને બાકીનો રસ્તો જુલાઈ 2023 મુજબ કાચો જ હતો.

કૅગના રિપોર્ટ વિશે સરકાર અને જાણકારોનું શું કહેવું છે?

મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય હેઠળ આવતા આઈસીડીએસ (ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ સ્કીમ) પ્રોગ્રામના કમિશ્નર રણજિતસિંહે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "રાજ્યમાં આંગણવાડીની બિલ્ડિંગોની અછત નથી. વસતીના હિસાબે જ આંગણવાડીઓ બનાવવામાં આવતી હોય છે. અમે નવી આંગણવાડીઓ બનાવી રહ્યા છીએ."

અગાઉ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે "રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સંસ્થાઓમાં તબીબો ઉપલબ્ધ કરાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે."

તેમણે કહ્યું કે, "રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્‍દ્રો ખાતે પેરા મેડિકલ સંવર્ગની જગ્યાઓ ભરવા માંગણાપત્રકો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે."

ભાજપના નેતા અનિલ પટેલે એક ખાનગી ટીવી ચેનલની ડિબેટમાં જણાવ્યું હતું કે, "આ એક ઑડિટ રિપોર્ટ છે. તેમાં સરકારે ક્યાં સુધારા કરવા તે રજૂ થતું હોય છે. અમારી સરકાર હોલી બૂક તરીકે ગણીને કામ કરતી હોય છે.

તેમણે દાવો કર્યો કે "પોષણથી પ્રસૂતિ સુધી સરકારે યોજનાઓ બનાવી છે. જોકે, તેમાં સુધારાને અવકાશ છે."

નિષ્ણાતો માને છે કે બાળ કલ્યાણના મામલે ગુજરાતનો દેખાવ બહુ સારો નથી.

મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરતી સંસ્થા આનંદીનાં નીતા હાર્ડિકરે જણાવ્યું કે "ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિ દેખાય છે, પરંતુ આંગણવાડીની બિલ્ડિંગ માટે ટૅન્ડરની જે રકમ નક્કી થાય તેમાં કામ કરવાનું કૉન્ટ્રાક્ટરોને પોસાતું નથી તે એક મોટું કારણ છે."

"ગુજરાતમાં આંગણવાડીની ઘટ છે, તે ઉપરાંત તેની સાઇઝ એટલી નાની છે કે બાળકો ત્યાં રમી શકે, સૂઈ શકે તેટલી જગ્યા નથી હોતી."

તેમણે કહ્યું કે, "આંગણવાડીમાં કામ કરતી બહેનોને બીજાં ઘણાં કામ સોંપવામાં આવે છે. તેમણે રેકૉર્ડ કિપિંગનું પણ કામ કરવું પડે છે. આ ઉપરાંત ડેટા અને ફોટા મગાવવા પર વધારે ધ્યાન અપાય છે. આંગણવાડી બહેનોને પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ ઉપલબ્ધ નથી."

આ વિશે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાનો સંપર્ક થઈ શક્યો ન હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.