ગુજરાત : આરટીઈમાં પ્રવેશ માટેની આવક મર્યાદા વધારવાના નિર્ણયથી ગરીબોને નુકસાન થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત સરકારે રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) કાયદા અંર્તગત પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓના વાલીની આવક મર્યાદામાં વધારો કર્યો છે. સરકારે આવક મર્યાદામાં કરેલા વધારાને કેટલાક લોકો આવકારી રહ્યા છે, તો કેટલાક આરટીઈ માટે કામ કરતાં લોકો ગરીબોને કોઈ ફાયદો નહીં થવાનું પણ જણાવી રહ્યા છે. જો કે શિક્ષણવિદોનું કહેવું છે કે સરકારે સરકારી શાળાઓમાં કથળી ગયેલી શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે કામ કરવાની જરૂર છે.
આરટીઈ કાયદા અંર્તગત પ્રવેશ મેળવવા માંગતાં બાળકોના વાલીઓની વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તારમાં રૂ.1.50 લાખ અને ગ્રામીણ વિસ્તારમાં રૂ.1.20 લાખ હતી. ગુજરાત સરકારે હવે ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારમાં વાલીઓની વાર્ષિક આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરી છે.
આરટીઈના અસરકારક અમલીકરણ માટે કામ કરતાં કર્મશીલોનું કહેવું છે કે આરટીઈના કાયદા અનુસાર ગરીબ અને વંચિત બાળકોને પ્રી-પ્રાઇમરી (પૂર્વ પ્રાથમિક - બાલમંદિર) સ્તરેથી પ્રવેશ આપવામાં આવે તે બાળકોનાં શિક્ષણ માટે મહત્ત્વનું છે.
મળતી માહિતી અનુસાર સરકાર હાલ પ્રી-પ્રાઇમરીની ખાનગી શાળાઓની નોંધણી ચાલુ કરી છે. આ નોંધણી પૂર્ણ થયા બાદ આ અંગે નિર્ણય થશે.
સરકારે આવક મર્યાદા વધારવાનો આ નિર્ણય લીધા પહેલાં જ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટેનાં ફોર્મ ભરવાની તારીખ વીતી ગઈ હોવાથી હવે નવા નિર્ણય પ્રમાણે આરટીઈ હેઠળ વેબસાઈટ પર ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા માટેનું પોર્ટલ ફરીથી ખોલવામાં આવશે. વાલીઓ 15 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે. તેમજ જે વાલીઓએ અગાઉ ફોર્મ ભર્યા હોય તે સુધારા વધારા પણ કરી શકશે.
નબળા અને વંચિત વર્ગનાં બાળકોને 1 થી 8 ધોરણ સુધી આરટીઈના કાયદા અર્તગત ખાનગી શાળામાં મફતમાં શિક્ષણ આપવામાં આવે છે.
સરકારી શાળાના શિક્ષણ પર કેમ સવાલ ઊઠી રહ્યા છે ?

ઇમેજ સ્રોત, Getty Images
શિક્ષણ અને બાળકોના અધિકારો માટે કામ કરતાં કર્મશીલો અને આરટીઈનાં જાણકારો ગુજરાત સરકારના નિર્ણયને આવકારે છે, પરંતુ તેમને પાસે સરકારી શાળામાં શિક્ષણની ગુણવત્તા અને સુવિધાઓના અભાવને કારણે શૈક્ષણિક પ્રક્રિયાની અસરકારકતા વિશે સવાલો છે.
બાળઅધિકારોના કર્મશીલ સુખદેવ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "ગુજરાત સરકારે આરટીઈના કાયદા અંર્તગત પ્રવેશ મેળવવા માંગતા બાળકોના વાલીઓની આવક મર્યાદામાં વધારો કર્યો તે નિર્ણય આવકાર્ય છે, પરંતુ પુરતો નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "સરકારે ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવાને બદલે સરકારી શાળાઓ ઉત્તમ બનાવવી જોઈએ. સરકારી શિક્ષણ ખાડે જઈ રહ્યું છે. જેના માટેનાં કારણો તપાસીને તેને સુધારવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. દરેક બાળકોને જો સરકારી શાળામાં ઉચ્ચ ગુણવત્તાનુ શિક્ષણ મળે તો વાલીઓ પણ પોતાનાં બાળકોને સરકારી શાળામાં જ ભણાવવાનું પસંદ કરશે."
આરટીઈમાં પ્રી-પ્રાઇમરીમાં પ્રવેશ અંગે શું જોગવાઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજ્યની ઘણી ખાનગી શાળાઓમાં બાળકને પૂર્વ-પ્રાથમિક (પ્રી-પ્રાઇમરી) સ્તરેથી એટલે કે બાલમંદિર કે જુનિયર કિન્ડરગાર્ટન (જુનિયર કેજી)થી પ્રવેશ આપી દેવામાં આવે છે. જેથી એનાં વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં આવે ત્યારે વર્ગોમાં સંખ્યા ભરાઈ ગઈ હોય છે. પ્રી-પ્રાઇમરીમાં પ્રવેશ સમયે જ આરટીઈના અમલ અંગે સરકાર કોઈ નિર્ણય નથી કરી રહી હોવાનું પણ કર્મશીલો કહે છે.
રાજુ સોલંકી આરટીઈના અસરકારક અમલીકરણ માટે વર્ષોથી કામ કરતાં કર્મશીલ છે. તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યુ, "આરટીઈના કાયદાની કલમ 12 (1)(C) માં સ્પષ્ટ ઉલેખ્ખ છે કે જે ખાનગી શાળાઓમાં પ્રી-સ્કૂલ ચાલતી હશે તે શાળાઓએ પ્રી-પ્રાઈમરીથી જ આરટીઈના કાયદા મુજબ કુલ વિદ્યાર્થીઓની સંખ્યાની 25 ટકા સંખ્યાને મફતમાં પ્રવેશ આપવાનો રહેશે. ગુજરાત સરકારમાં આ અંગે મે અગાઉ રજૂઆતો પણ કરી છે, પરંતુ સરકાર આ દિશામાં કોઈ નિર્ણય કરતી નથી."
ગરીબ અને વંચિત બાળકોને પ્રી-પ્રાઇમરીના અભ્યાસથી જ આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ આપવો કેમ જરૂરી છે તે અંગે રાજુ સોલંકીએ કહ્યું, "ખાનગી શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતાં બાળકો જુનિયર કેજી અને સિનિયર કેજી ભણીને આવ્યા હોય છે. જ્યારે જે બાળકોને આરટીઈ અંર્તગત પ્રવેશ આપવામાં આવે છે. તે બાળકો સામાન્ય રીત આંગણવાડીમાં ભણેલા હોય છે, અથવા આંગણવાડીમાં પણ નથી ગયેલાં હોતા. ત્યારે આરટીઈ અંર્તગત પ્રવેશ મેળવનાર 25 ટકા બાળકો તેમના વર્ગના 75 ટકા બાળકો સાથે સ્પર્ધામાં ટકી શકતાં નથી. ખાનગી શાળાઓ વાલીઓનાં માતા-પિતાને ખાનગીમાં બોલાવીને કહે કે તમારાં બાળકો આ સ્પર્ધામાં ટકી શકશે નહીં તેમ સમજાવીને વાલીઓ પાસે પ્રવેશ રદ કરાવે છે."
તેઓ વધુમાં કહે છે, "આવી સ્થિતિને કારણે જો ગરીબ અને વંચિત બાળકોને પ્રી-પ્રાઇમરીથી જ ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવશે તો તેમના શિક્ષણ માટે મહત્ત્વનું છે. મે વારંવાર રજૂઆત કરી છે કે આરટીઈના કલમ 12 (1) (C)નો અમલ કરવામાં આવે."
ગુજરાત સરકાર પૂર્વ પ્રાથમિક સ્તરે આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવા માટે કેમ કોઈ નિર્ણય કરતી નથી? આ વિશે શિક્ષણ વિભાગનાં એક અધિકારીએ નામ ન આપવાની વિનંતી કરતાં કહ્યું,"સરકારે પ્રી-પ્રાઇમરીની શાળાઓ અને તેની સંખ્યાનાં રજિસ્ટ્રેશન માટે પોર્ટલ બનાવ્યું છે. આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન થયા બાદ સરકાર પાસે પ્રી-પ્રાઈમરી શાળા અને તેની સંખ્યા અંગેના ચોક્કસ આંકડાઓ આવશે. આ આંકડાઓ આવ્યા બાદ સરકાર આ દિશામાં કામ કરશે."
આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદા વધવાથી ગરીબ અને વંચિત વર્ગના બાળકોને નુકસાન થશે?

ઇમેજ સ્રોત, Getty Images
પોતાનાં બાળકોને આરટીઈ અંતર્ગત સ્કૂલમાં પ્રવેશ અપાવવા માંગતાં વાલીઓની આવક મર્યાદા વધારવાના સરકારના નિર્ણયથી ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓને કોઈ લાભ ન થવાનું સોલંકી માને છે.
તેઓ કહે છે, "સરકારના આ નિર્ણયથી ગરીબોને કોઈ ફાયદો થવાનો નથી. સામાન્ય રીતે જે લોકો પાસે પૈસા છે તેઓ પોતાનાં બાળકોને જુનિયર અને સિનિયર કેજીમાં જ સ્કૂલમાં દાખલ કરી દે છે અને પછી તેમને પહેલા ધોરણમાં પ્રવેશ મળી જાય છે."
જોકે આ આવક મર્યાદામાં વધારો કર્યા બાદ પણ વંચિત અને ગરીબ બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ માટે પ્રાથમિકતા આપવામાં આવશે તેમ શિક્ષણ વિભાગના અધિકારીઓનું કહે છે. ગુજરાતના પ્રાથમિક શિક્ષણ નિયામક એમ. આઈ. જોષી કહે છે, "ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને અગ્રતા આપવામાં આવશે. જેમકે, કોઈ એક બેઠક પર પ્રવેશ આપવાનો છે અને એક વાલીની વાર્ષિક આવક 5.50 લાખ રૂપિયા છે અને બીજા વાલીની વાર્ષિક આવક રૂ.3.20 લાખ છે તો રૂ.3.20 લાખની વાર્ષિક આવક ધરાવતા વાલીના બાળકને પ્રવેશ આપવામાં આવશે."
આવક મર્યાદા વધી તો શું બેઠકો વધશે ?

ઇમેજ સ્રોત, SOPA IMAGES
ગુજરાત સરકારના આ નિર્ણયથી આરટીઈના કાયદા હેઠળ પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા વધી જશે. તો શું રાજ્યમાં આ વધી જનારી સંખ્યાને પ્રવેશ મળે તે માટે શાળાઓમાં પૂરતી બેઠકો છે?
આ વિશે ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "સરકારે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ મેળવવા માટેના માપદંડોમાં આવક મર્યાદામાં વધારો કર્યો છે તે આવકાર્ય છે. સરકારે માત્ર આવક મર્યાદા વધારી છે, પરંતુ બેઠકો વધારી નથી. સરકારે આરટીઈના પ્રવેશ માટેની આકવક મર્યાદા 6 લાખ રૂપિયા કરી હોવાથી હવે 60 ટકા લોકો આ માપદંડોમાં સમાવેશ થશે. જેથી સરકારે આરટીઈ અર્તગત પ્રવેશની બેઠકોમાં વધારો કરવો જોઈએ."
આરટીઈ હેઠળની બેઠકોમાં વધારા અંગે ઊભી થયેલી જરૂરિયાત અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક એમ. આઈ. જોશી કહે છે, "આરટીઈના કાયદામાં જોગવાઈ છે કે ખાનગી શાળાના વર્ગોની કુલ સંખ્યાના 25 ટકા બેઠકો પર આરટીઈનાં બાળકોને પ્રવેશ આપવાનો છે. આ કાયદામાં જોગવાઈ છે, હાલ તેનું પાલન કરવામાં આવે છે. કાયદાનુસાર બેઠકોમાં વધારો નહીં થાય."
આરટીઈના કાયદા અનુસાર પ્રવેશ આપવા માટે અગ્રતા નકકી કરવામાં આવી છે. આ અગ્રતાના ક્રમમાં પ્રવેશ આપવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
એમ.આઈ.જોષીએ જણાવ્યુ હતું કે "આરટીઈના કાયદામાં કૅટેગરી મુજબ અગ્રતા નક્કી કરવામાં આવી છે. અગ્રતા અનુસાર પ્રવેશ આપવામાં આવશે. અગ્રતામાં પ્રથમ ક્રમે અનાથ બાળકો છે. પહેલા અનાથ બાળકોની કૅટેગરીમાં આવેલાં બાળકોને આરટીઈ અંર્તગત પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ અન્ય કૅટેગરીમાં આપવામાં આવશે. આ રીતે અગ્રતા અનુસાર પ્રવેશ આપવામાં આવશે."
આરટીઈમાં પ્રવેશ માટે અગ્રતાક્રમ
1.અનાથ બાળકો
2.સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળું બાળક
3.બાળગૃહનાં બાળક
4.બાળમજૂર/ સ્થળાંતરીત મજૂરોનાં બાળકો
5.માનસિક રીતે અક્ષમ, સેરેબ્રલપાલ્સી, શારીરિક રીતે વિકલાંગ બાળકો
6.એન્ટ્રી રેટરલ વાઇરલ થેરપીની સારવાર લેતાં બાળકો
7.ફરજ દરમિયાન શહિદ થયેલા લશ્કરી, અર્ધ લશ્કરી અને પોલીસદળના કર્મચારીઓનાં બાળકો
8. જે માતા-પિતાને એક માત્ર સંતાન હોય અને તે સંતાન દીકરી હોય તે દિકરી
9.રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
10. 0-20 આંક ધરાવતા ( SC,ST,SEBC,GENERAL) કૅટેગરીના BPL પરિવારોનાં બાળકો
11.અનુસૂચિત જાતી (SC) અને અનુસૂચિત જનજાતી (ST)નાં બાળકો
12. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ કે વિચરતી વિમુક્ત જાતીનાં બાળકો (SEBC)
13.સામાન્ય કૅટેગરી (બિન અનામત વર્ગ)નાં બાળકો
આરટીઈની વેબસાઇટ અનુસાર 1 થી 7 કૅટેગરી અને 10મા ક્રમની કૅટેગરીમાં આવકની મર્યાદા નથી.
એમ.આઇ જોશીએ વધુમાં જણાવ્યુ હતું કે "8,9,11,12,13 કૅટેગરી માટે જ આવક મર્યાદા રાખવામાં આવી છે. જે આવક મર્યાદા વાર્ષિક 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિવાયની કૅટેગરીમાં આવક મર્યાદાનો માપદંડ નથી."
આરટીઈ અંર્તગત ફોર્મ કેવી રીતે ભરી શકાય, કયા દસ્તાવેજ જોઈએ?
આરટીઈની વેબસાઈટ પર આપેલી માહિતી અનુસાર
આરટીઈ અંર્તગત નબળા અંને વંચિત બાળકોને પહેલા ધોરણમાં મફતમાં પ્રવેશ આપવામાં આવે છે.1 જુન સુધી 6 વર્ષની ઉંમર થઈ હોય તેવા બાળકોના પ્રવેશ માટે ફોર્મ ભરી શકાય છે.
નબળા અને વંચિત વર્ગના બાળકોને 1 થી 8 ધોરણ સુધી આરટીઈના કાયદા અર્તગત ખાનગી શાળામાં મફતમા શિક્ષણ આપવામાં આવે છે.બાળકોને પહેલા ધોરણમાં જ પ્રવેશ આપવામાં આવે છે. બાદમાં પ્રવેશ આપવામાં આવતો નથી
જરૂરી દસ્તાવેજો
-સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ આવકનો દાખલો
-અગ્રતા કેટેગરીમાં 1 થી 6 કેટેગરીમાં આવતા બાળકોને કેટેગરી અંગેનુ સક્ષમ અધિકારીનો દાખલો
-એક જ દિકરી હોય તે કેટેગરીમાં ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીનો દાખલો અને નગરપાલીકામાં ચીફ ઓફીસરનો દાખલો અને મહાનગરપાલીકામાં સક્ષમ અધિકારીનો દાખલો
-SC,ST,SEBC કેટેગરી માટે જાતીનુ પ્રમાણપત્ર
-રહેઠાણના પુરાવા
આરટીઈ અંર્તગત પ્રવેશ મેળવનાર બાળકોને સ્કુલ યુનિફોર્મ, બુટ , પુસ્તકો અને બેગ પણ આપવામાં આવે છે. તેમજ જો તે શાળામાં ભોજનની વ્યવસ્થા ન કરવામાં આવતી તો બાળકના બેન્કના ખાતામાં પૈસા આપવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












