રાજકોટની આગમાં ત્રણનાં મોત, ડિલિવરી આપવા બિલ્ડિંગમાં આવ્યા હતા અને જીવ ગુમાવ્યો

બીબીસી ગુજરાતી, રાજકોટ, અગ્નિકાંડ, આગ, બિલ્ડિંગ, ટીઆરપી ઝોન, ફાયરબ્રિગેડ

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, રાજકોટ આગની દુર્ઘટનામાં કલ્પેશ, મયૂર અને અજય નામના યુવાનનાં મોત થયાં છે

રાજકોટના ટીઆરપી ઝોનની આગની ઘટનાને હજુ એક વર્ષ પણ નથી વીત્યું, ત્યાં શહેરમાં એક બહુમાળી ઇમારતમાં આગ લાગતા ત્રણ લોકોનાં મોત થયાં છે.

રાજકોટના 150 ફૂટ રોડ પર આવેલા ઍટલાન્ટિસ ઍપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. તેમાં ગંભીર રીતે દાઝી જવાથી ત્રણ લોકો માર્યા ગયા છે.

મૃતકોમાં બે ડિલિવરીમૅન સામેલ છે જેઓ ફૂડ અને બીજી ચીજવસ્તુઓની ડિલિવરી માટે ઇમારતમાં ગયા હતા અને આગની ઝપેટમાં આવી ગયા હતા.

બિલ્ડિંગમાં છઠ્ઠા માળે આગ લાગી હતી, પરંતુ ઉપરના માળે લોકો ફસાઈ ગયા હતા.

રાજકોટ સિટી પોલીસના ઝોન-2ના ડેપ્યુટી પોલીસ કમિશનર જગદીશ બાંગરવાએ બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયાને જણાવ્યું કે "મૃત્યુ પામેલા લોકોની ઓળખ મયૂર લેવા, કલ્પેશ લેવા અને અજય મકવાણા તરીકે થઈ છે. મયૂર અને કલ્પેશ ગીર સોમનાથ જિલ્લાના ઉનાના વતની હતા, જ્યારે અજય રાજકોટના વતની હતા."

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

મૃતકોમાં બે ડિલિવરીમૅન સામેલ

બીબીસી ગુજરાતી, રાજકોટ, અગ્નિકાંડ, આગ, બિલ્ડિંગ, ટીઆરપી ઝોન, ફાયરબ્રિગેડ

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, ઍટલાન્ટિસ ઍપાર્ટમેન્ટ

જગદીશ બાંગરવાએ જણાવ્યું કે "કલ્પેશ લેવા એ બ્લિન્કઇટના ડિલિવરીમૅન હતા અને મયૂર તેમના પિતરાઈ ભાઈ હતા. તેવી જ રીતે, અજય સ્વિગીના ડિલિવરીમૅન હતા."

"કલ્પેશ ઍટલાન્ટિસ બિલ્ડિંગના દસમા મળે કોઈ વસ્તુની ડિલિવરી કરવા ગયા હતા અને તેમના પિતરાઈ ભાઈ પણ સાથે ગયા હતા. અજય આઠમા માળે કોઈ વસ્તુની ડિલિવરી કરવા ગયા હતા. તેઓ જ્યારે બિલ્ડિંગમાં હતા ત્યારે છઠ્ઠા માળે આગ ફાટી નીકળતા તેઓએ સીડી મારફત બિલ્ડિંગની બહાર નીકળવાની કોશિશ કરી હોય તેમ લાગે છે. પરંતુ, ગૂંગળાઈ જવાથી ત્રણેયનાં મોત થયાં હતાં. ત્રણેયના મૃતદેહ છઠ્ઠા માળે સીડી પરથી મળી આવ્યા હતા."

સ્વિગી એ ફૂડ ડિલિવરી માટેનું ઑનલાઇન પ્લૅટફૉર્મ છે. તેવી જ રીતે બ્લિન્કટ ઑનલાઇન ઑર્ડર લઈને લોકોના ઘરે કરિયાણું, શાકભાજી વગેરે પહોંચાડવાની સેવા આપતું પ્લૅટફૉર્મ છે.

બે કલાકના પ્રયત્નો પછી આગ ઠારી શકાઈ

બીબીસી ગુજરાતી, રાજકોટ, અગ્નિકાંડ, આગ, બિલ્ડિંગ, ટીઆરપી ઝોન, ફાયરબ્રિગેડ

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, વિલાપ કરતા પરિવારજનો

બાંગરવાએ ઉમેર્યું હતું કે "આગમાં પંદર વર્ષનાં કવિતા દરજી પણ દાઝી ગયાં હતાં, પરંતુ તેમની સારવાર ચાલુ છે અને તેમના જીવને જોખમ નથી."

"તેઓ બાજુના બિલ્ડિંગમાં સાફસફાઈનું કામ કરે છે. તેઓ તેમનાં ભાભીને લેવા ઍટલાન્ટિસના આઠમા માળે ગયાં હતાં. પરંતુ આગ ફાટી નીકળતાં તેઓ દાઝી ગયાં હતાં."

રાજકોટના ઇનચાર્જ ચીફ ફાયર ઑફિસર અમિત દવેએ ગોપાલ કટેશિયાને જણાવ્યું કે, "છઠ્ઠા માળે આવેલા એક ફ્લૅટમાંથી આગ ચાલુ થઈ હતી અને પછી બાજુના ફ્લૅટમાં ફેલાઈ ગઈ હતી. અમે હાઇડ્રોલિક પ્લૅટફૉર્મની મદદથી પાંત્રીસથી ચાલીસ લોકોને બચાવી લીધા. અમારા ફાયરમૅનોએ હાઇડ્રોલિક પ્લૅટફૉર્મથી પાણીનો મારો ચલાવીને આગને પ્રથમ કાબૂમાં લીધી અને લગભગ બે કલાકના ઑપેરશન પછી તેને સંપૂર્ણપણે ઓલવી નાખી હતી."

રાજકોટમાં આગની બીજી મોટી ઘટના

બીબીસી ગુજરાતી, રાજકોટ, અગ્નિકાંડ, આગ, બિલ્ડિંગ, ટીઆરપી ઝોન, ફાયરબ્રિગેડ

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, ઍટલાન્ટિસ ઍપાર્ટમેન્ટ આસપાસ એકઠા થયેલા લોકો

રાજકોટમાં ગયા વર્ષે મે મહિનામાં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી હતી જેમાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં બાળકોની પણ મોટી સંખ્યા હતી.

આગ એટલી ભયંકર હતી કે લોકોની ઓળખ પણ ઘણા સમય પછી થઈ શકી હતી.

ગેમઝોનમાં પણ આગ વખતે બહાર જવાનો રસ્તો નહોતો અને એટલે ઘણા લોકો અંદર ફસાઈ ગયા હતા. મૉલના ગેમઝોનમાં વૅલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં શૉર્ટ-સર્કિટની ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે, એક વર્ષ કરતાં ઓછા સમયમાં બહુમાળી ઇમારતમાં આગની ઘટના બની છે જેમાં ત્રણ લોકો માર્યા ગયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.