અમેરિકામાં અભ્યાસ માટે જવાનું ભારતીય વિદ્યાર્થીઓનું સપનું હવે તૂટી જશે?

બીબીસી ગુજરાતી અમેરિકા ભારતીય ગુજરાતી યુનિવર્સિટી ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઈડન એજ્યુકેશન કૉલેજ વિદ્યાર્થી યુએસએ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન યુનિવર્સિટીના કૅમ્પસમાં ભારતીય વિદ્યાર્થિની (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

મુંબઈમાં રહેતાં 21 વર્ષીય ઝીલ પંડ્યા અમેરિકાની યુનિવર્સિટી ઑફ રોચેસ્ટરમાં માસ્ટર્સનો અભ્યાસ કરવા માગે છે. અમેરિકામાં ભણવાની તક અને ખાસ કરીને પોતાના કોર્સ બાબતે તેઓ ઉત્સાહિત છે.

અત્યારે તેઓ અમેરિકા જવા માટેના વિઝાની રાહ જુએ છે.

તેમણે બીબીસી સાથે વીડિયો કૉલ પર વાત કરી. તેમણે જણાવ્યું કે, "હું મારા પરિવાર સાથે બેઠી હતી. અમે લોકો ચા પીતાં હતાં અને ટીવી પર સમાચાર જોતાં હતાં. ત્યારે મારા પિતાએ મને પૂછ્યું કે, શું હું ખરેખર અમેરિકા જવા માગું છું? તેમણે કહ્યું કે, ત્યાંની કૉલેજો અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ વિશે અવારનવાર સમાચાર આવી રહ્યા છે, તેનાથી પોતે ચિંતિત છે. પછી તેમણે ઘણા સવાલ પૂછ્યા. જેમ કે, શું ત્યાં પોતાનો કોર્સ પૂરો કર્યા પછી હું કામ કરી શકીશ? મેં તેમને આશ્વાસન આપવાનો પૂરતો પ્રયત્ન કર્યો. તેઓ માની પણ ગયા, પરંતુ, છેવટ સુધી તેઓ ચિંતિત જ રહ્યા."

હકીકતમાં, અમેરિકામાં ભણવા સંબંધી જે પ્રકારની ચિંતા ઝીલના ઘરમાં જોવા મળી, એવી જ ચિંતા અત્યારે ભારતનાં ઘણાં ઘરોમાં જોવા મળી રહી છે.

આ મુદ્દે થોડા દિવસ પહેલાં બીબીસીએ ભારતમાં ઝીલ જેવા વિદ્યાર્થીઓ, અમેરિકામાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો સાથે વાતચીત કરી. તેમનાં મનમાં રહેલી ચિંતા અને અનિશ્ચિતતાનો અનુભવ કર્યો.

બીબીસી ગુજરાતી ન્યૂઝ વૉટ્સઍપ સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં 'સૌથી પસંદગીના દેશોમાંથી એક'

બીબીસી ગુજરાતી અમેરિકા ભારતીય ગુજરાતી યુનિવર્સિટી ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઈડન એજ્યુકેશન કૉલેજ વિદ્યાર્થી યુએસએ
ઇમેજ કૅપ્શન, ભારતીય વિદ્યાર્થીની ઝીલ પંડ્યા

ભારત સરકારના ડેટા અનુસાર, ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા 'સૌથી પસંદગીના દેશોમાંથી એક છે'. ઈ.સ. 2024માં સાડા સાત લાખ કરતાં વધારે ભારતીય વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ ગયા. તેમાંથી બે લાખ કરતાં વધારે વિદ્યાર્થી અમેરિકા ગયા; એટલે કે, લગભગ 27 ટકા વિદ્યાર્થીઓ.

જોકે, ઈ.સ. 2023માં વિદેશ જનારા વિદ્યાર્થીઓની સંખ્યા—અને તેમાં પણ અમેરિકા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા—ઈ.સ. 2024 કરતાં વધારે હતી. દરમિયાનમાં, એક સમાચાર પ્રમાણે, અમેરિકામાં ભણવા માટે વિઝા આપવામાં ઘટાડો થયો છે.

હવે કારણોની વાત કરીએ.

ગયા વર્ષે, પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના કાર્યકાળમાં ઇઝરાયલ-ગાઝા યુદ્ધના વિરોધમાં અમેરિકાની ઘણી કૉલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધપ્રદર્શન થયાં હતાં. પોલીસે તેમાંના ઘણા વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરી હતી. ત્યારે અમેરિકામાં વિદ્યાર્થીઓના અભ્યાસના વાતાવરણ વિશે સવાલ ઊભા થયા હતા.

ચાલુ વર્ષે, જ્યારથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા છે ત્યારથી નીતિઓની સમીક્ષા, યુનિવર્સિટીઓ માટે ફંડિંગ સિસ્ટમમાં ફેરબદલ અને કેટલાક વિદ્યાર્થીઓની ધરપકડો જેવા મુદ્દા સમાચારોમાં છવાયેલા રહ્યા છે.

અમેરિકાની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને શું ચિંતા છે?

બીબીસી ગુજરાતી અમેરિકા ભારતીય ગુજરાતી યુનિવર્સિટી ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઈડન એજ્યુકેશન કૉલેજ વિદ્યાર્થી યુએસએ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાવર્ડ યુનિવર્સિટીનું કેમ્પસ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયામાં પીએચ.ડી. કરી રહેલા તેજસ હરડ 2023માં ભારતમાંથી ત્યાં ગયા હતા. તેમણે જણાવ્યું કે, છેલ્લાં થોડાંક અઠવાડિયાંથી કૅમ્પસમાં અનિશ્ચિતતા વધી છે.

તેમણે જણાવ્યું કે, "અમને રોજ એક નવા ઑર્ડરની માહિતી મળે છે. વિદ્યાર્થીઓને એ નથી સમજાતું કે કાલે શું થશે? આવતા વર્ષે શું થશે? ક્યાંક ફંડમાં કાપ મુકાઈ રહ્યો છે, તો કોઈ યુનિવર્સિટી પોતાનું બજેટ ઘટાડવાની રીતો શોધી રહી છે. લોકો વિચારે છે કે, તેઓ પોતાનો ખર્ચ કઈ રીતે પ્લાન કરે? દરરોજ આ જ બધા મુદ્દાની ચર્ચા થઈ રહી છે. ઇ-મેલ આવી રહ્યા છે. જોકે, અમારી યુનિવર્સિટીના અધિકારીઓએ અમને આશ્વાસન આપ્યું છે કે, અમારા ફંડિંગ પર હાલ પૂરતી કશી અસર નહીં થાય."

છેલ્લા બે મહિનામાં, જુદાં જુદાં કારણો આપીને વહીવટી તંત્રે ઘણાં પગલાં ભર્યાં છે, જેણે અમેરિકાની યુનિવર્સિટીઓની મુશ્કેલીઓ વધારી છે.

જેમ કે, ફેબ્રુઆરીમાં વહીવટી તંત્રે જાહેરાત કરી હતી કે, બાયોમેડિકલ રિસર્ચ માટે સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને મળતી રકમમાં કાપ મૂકવામાં આવશે. એમ કહેવાયું કે, આ નિર્ણયથી ચાર અબજ ડૉલર (આશરે 34,400 કરોડ રૂપિયા)ની બચત થશે.

ચાલુ મહિનાની શરૂઆતમાં સરકારે કોલંબિયા યુનિવર્સિટીને મળતા 400 મિલિયન ડૉલર (લગભગ 3,400 કરોડ રૂપિયા)ના ફંડને એમ કહીને અટકાવી દીધું કે ત્યાં યહૂદી ધર્મના વિદ્યાર્થીઓને હેરાન કરાતા હતા.

ચાલુ વર્ષે 19 માર્ચે ટ્રમ્પ વહીવટી તંત્રએ યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાની નીતિઓનો આધાર ટાંકીને સરકાર પાસેથી મળતા 175 મિલિયન ડૉલર (લગભગ 1,500 કરોડ રૂપિયા)ના ફંડિંગ પર પ્રતિબંધ મૂકી દીધો.

આ પ્રકારના નિર્ણયોથી ઘણી સંસ્થાઓએ, જેમ કે, યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયા, સ્ટૅન્ડફોર્ડ, નૉર્થ-વેસ્ટર્ને નવી નિમણૂકો અને બીજા બિનજરૂરી ખર્ચ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વિદ્યાર્થીઓ પર કેવી કાર્યવાહી કરી?

બીબીસી ગુજરાતી અમેરિકા ભારતીય ગુજરાતી યુનિવર્સિટી ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઈડન એજ્યુકેશન કૉલેજ વિદ્યાર્થી યુએસએ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જો બાઈડનના કાર્યકાળ દરમિયાન ઘણી યુનિવર્સિટીઓમાં ગાઝા-ઈઝરાયલ યુદ્ધ વિરુદ્ધ દેખાવો થયા

કેટલાક વિદ્યાર્થીઓ પર ગંભીર આરોપ કરીને વહીવટી તંત્રે ધરપકડો પણ કરી છે. તેમના વિઝા રદ કરવાના નિર્ણય પણ લીધા છે.

ચાલુ મહિને કોલંબિયા યુનિવર્સિટીનાં પીએચ.ડી.નાં વિદ્યાર્થિની રંજની શ્રીનિવાસનનો વિઝા રદ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી તેમણે જાતે જ દેશ છોડી દીધો હતો. તેમના પર હિંસા અને ચરમપંથીઓને સમર્થન આપવાનો આરોપ હતો. જોકે, તેઓ આ આરોપોને નકારે છે.

જૉર્જટાઉન યુનિવર્સિટીના સંશોધક અને ભારતીય નાગરિક બદરખાન સૂરીને હમાસના પ્રચાર અને તેમના ચરમપંથી જૂથના નેતા સાથે નિકટના સંબંધ હોવાના આરોપસર થોડાક દિવસ પહેલાં જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સૂરીના વકીલોએ આ આરોપોને નકાર્યા છે.

એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે, આ સંસ્થાઓ પાસેથી વસૂલવામાં આવતા ટૅક્સનો દર પણ વધી શકે છે.

અમેરિકામાં આ વર્ષે ઍડમિશન ઘટી શકે છે

બીબીસી ગુજરાતી અમેરિકા ભારતીય ગુજરાતી યુનિવર્સિટી ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઈડન એજ્યુકેશન કૉલેજ વિદ્યાર્થી યુએસએ
ઇમેજ કૅપ્શન, સુશીલ સુખવાણી

આ કારણો જણાવીને લગભગ બધા જ નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યું કે, અમેરિકામાં ઍડમિશનના આ વર્ષના આંકડા અગાઉનાં વર્ષોની સરખામણીમાં ઓછા હશે.

સુશીલ સુખવાણી ઍડવાઇઝ ઇન્ટરનૅશનલ સંસ્થાના માલિક છે. તેમણે અમને જણાવ્યું કે, "આપણે સમજીએ છીએ કે અમેરિકન યુનિવર્સિટીઓમાં કુલ અરજીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમના પ્રતિનિધિઓ આ સંખ્યા વિશે ચિંતિત છે."

"મને લાગે છે કે, અનિશ્ચિતતા ટ્રમ્પને પસંદ છે, પરંતુ તે હાનિકારક પણ છે. જો તેઓ નિર્ણય લેતા સમયે વધારે સ્પષ્ટ હશે, પોતાની વાતને સમજીવિચારીને રજૂ કરશે, તો મદદ મળશે; અન્યથા, વિદ્યાર્થીઓ અમેરિકા પરનો વિશ્વાસ ગુમાવી દેશે અને બીજે ક્યાંક નજર દોડાવવા લાગશે."

બીબીસીએ ઍસોસિયેશન ઑફ અમેરિકન યુનિવર્સિટીઝ, જે ત્યાંની 71 રિસર્ચ યુનિવર્સિટીઓનું જૂથ છે, તેની સાથે પણ સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ કશો જવાબ ન મળી શક્યો.

અમેરિકામાં વિદ્યાર્થીઓના ભણતર પર કેવી અસર થઈ છે?

બીબીસી ગુજરાતી અમેરિકા ભારતીય ગુજરાતી યુનિવર્સિટી ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઈડન એજ્યુકેશન કૉલેજ વિદ્યાર્થી યુએસએ
ઇમેજ કૅપ્શન, સુયસ દેસાઈ

ઘણા વિદ્યાર્થીઓએ પોતાનું નામ ન જણાવવાની શરતે બીબીસીને કહ્યું કે, આ ઘટનાઓથી તેમના મનમાં કે તેમના પરિવારજનોનાં મનમાં અમેરિકામાં ભણવા બાબતે અવઢવ છે.

ઝીલ પંડ્યાએ જો પોતાના પિતા સમક્ષ અમેરિકામાં ભણવાની તરફેણ કરી, તો બીજી તરફ, અનીશ (નામ બદલ્યું છે)ને તેમના સંબંધીઓએ સમજાવ્યા કે તેમણે અમેરિકામાં ભણવાનું પોતાનું સપનું છોડવું ન જોઈએ.

અનીશે કહ્યું, "ભણ્યા પછી હું ત્યાં નોકરી કરી શકીશ? શું ત્યાં એવું માર્કેટ હશે કે વિદેશી વિદ્યાર્થીઓને નોકરીઓ મળશે? મેં આશા છોડી દીધી હતી અને યુરોપના દેશોમાં તક શોધતો હતો; પરંતુ, અમેરિકામાં મારા જે સંબંધીઓ છે, તેમણે મને કહ્યું કે મારે અમેરિકામાં જ ભણવું જોઈએ. હવે હું અમેરિકા જવાની ફરીથી તૈયારી કરવા લાગ્યો છું."

ન્યૂ યૉર્કમાં વસેલા ભારતીય મૂળના પત્રકાર મેઘનાદ બોઝે ગયા વર્ષે કોલંબિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી.

તેમણે બીબીસીને જણાવ્યું, "અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં મનમાં ડર અને ચિંતા છે. પોતાના સોશિયલ મીડિયા પર તેઓ શું લખી રહ્યા છે, તે બાબતે વિદ્યાર્થી ડરેલા છે. જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અહીં સ્કૉલરશિપ લઈને આવે છે, તેમને એ ખબર નથી કે આગળ ફંડ મળશે કે નહીં. શું ભણવાનું પૂરું કરીને નોકરી કરી‌ શકવાના નિયમોમાં કશા ફેરફાર થશે? અહીં અમેરિકામાં બાબતો ઘણી ઝડપભેર બદલાઈ રહી છે. ટ્રમ્પ વહીવટી તંત્ર પારદર્શિતા સાથે કામ નથી કરતું. એવું નથી વિચારતું કે વિદ્યાર્થી એકસાથે આટલાં બધાં પરિવર્તનોનો સામનો કઈ રીતે કરશે."

કૅમ્પસમાં થતી વાતચીતનું વર્ણન કરતાં તેજસે જણાવ્યું કે, "મારા અનુમાન પ્રમાણે આગામી વર્ષે આપણે અમેરિકન યુનિવર્સિટીઓમાં પીએચ.ડી. વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જોઈશું."

સામાન્ય રીતે પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસના સમગ્ર સમયગાળા માટે કૉલેજ દ્વારા દર મહિને સ્ટાઇપેન્ડ અને બીજા કેટલાક ખર્ચ માટે એક રકમ આપવામાં આવે છે. તેના બદલામાં તેઓ પોતાના અભ્યાસ ઉપરાંત શિક્ષકોના કાર્યમાં મદદ પણ કરે છે.

સુયશ દેસાઈ એક રિસર્ચ સ્કૉલર છે. તેઓ ચીનની સૈન્ય પ્રવૃત્તિઓ પર ઝીણવટથી ધ્યાન આપે છે. ગયા વર્ષે તેમણે અમેરિકામાં પીએચ.ડી. કરવાના ઇરાદે બાર યુનિવર્સિટીના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ, તેમને એક પણ કૉલેજમાં ઍડમિશન ન મળી શક્યું, એ વાતે તેઓ નિરાશ છે.

તેમણે કહ્યું, "ઘણાં વર્ષોના પ્રયત્નો પછી હું આ મુકામે પહોંચ્યો છું. સામાન્ય રીતે પીએચ.ડી.માં ઍડમિશન ન મળવાનાં ઘણાં કારણ હોઈ શકે છે, પરંતુ, આ વર્ષ કોઈ સામાન્ય વર્ષ નથી. હું જે કંઈ પણ સમજી શક્યો છું, તે એ કે, અત્યારે અમેરિકામાં ઘણા બધા ઉતારચઢાવ થઈ રહ્યા છે. ત્યાંની યુનિવર્સિટીઓ પોતાને બચાવવાની કોશિશ કરી રહી છે. પોતાના વર્તમાન સમયના વિદ્યાર્થીઓને બચાવવાની કોશિશ કરી રહી છે. તે નવા પીએચ.ડી. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી રાખવા માગે છે."

અમેરિકન દૂતાવાસના પ્રવક્તાએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી અમેરિકા ભારતીય ગુજરાતી યુનિવર્સિટી ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઈડન એજ્યુકેશન કૉલેજ વિદ્યાર્થી યુએસએ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જે વિદ્યાર્થી સ્કૉલરશિપના મધ્ય સમયગાળામાં છે તેમના માટે અનિશ્ચિતતા વધી છે (પ્રતીકાત્મક તસવીર)

બીબીસીએ ભારતમાં અમેરિકન દૂતાવાસના એક પ્રવક્તાને પૂછ્યું કે શું અમુક સ્કૉલરશિપ સ્કીમ માટે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે? તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, "અમેરિકાની સરકાર વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવતાં કાર્યોની વ્યૂહાત્મક સમીક્ષા કરી રહી છે, જેથી તેમનાં બધાં કાર્ય 'અમેરિકા ફર્સ્ટ'ના ઍજન્ડા સાથે સંકળાયેલાં હોય. તેમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના કાર્યક્રમો પણ સમાયેલા છે."

એટલે જે વિદ્યાર્થી સ્કૉલરશિપના મધ્ય સમયગાળામાં છે અને તેમની સામે અનિશ્ચિતતા છે. શું સરકાર એવા વિદ્યાર્થીઓને કશી મદદ કરશે? જવાબમાં તેમણે જણાવ્યું કે, કેટલાક એવા પ્રોગ્રામ છે, જેના પર અસર થશે. પરંતુ વધુ માહિતી ન આપી.

તેમણે એ વાત પણ સ્પષ્ટ ન કરી કે, સરકારની વ્યૂહાત્મક સમીક્ષા ક્યારે પૂરી થશે.

ઍજ્યુકેશન કાઉન્સિલર કરણ ગુપ્તાએ જણાવ્યું કે, "કેટલીક યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને અપાયેલા પ્રસ્તાવ પાછા પણ લઈ લીધા છે. આ બાબતે ખાસ કરીને 'સ્ટેમ' એટલે કે વિજ્ઞાન, ટેકનોલૉજી, એન્જિનિયરિંગ અને મૅથમેટિક્સમાં પોસ્ટ-ડૉક્ટરલ વિદ્વાનો અને ફૅલોશિપ મેળવનારાઓને અસર કરી છે. આ વિષયોમાં બહારનું ફંડિંગ એક અગત્યની ભૂમિકા ભજવે છે."

શું અભ્યાસ માટે અમેરિકાનું આકર્ષણ ઘટી રહ્યું છે?

બીબીસી ગુજરાતી અમેરિકા ભારતીય ગુજરાતી યુનિવર્સિટી ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઈડન એજ્યુકેશન કૉલેજ વિદ્યાર્થી યુએસએ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિદ્યાર્થીઓ અમેરિકા સિવાયના અન્ય વિકલ્પો વિશે પણ વિચારવા લાગ્યા છે.

આ સવાલના જવાબમાં નિષ્ણાતોમાં મતમતાંતર જોવા મળ્યો.

કેપી સિંહ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ ઍન્ડ ફૉરેન સ્ટડીઝના સંસ્થાપક અને ડાયરેક્ટર પણ છે. તેમના અનુસાર, "અમેરિકાની યુનિવર્સિટી આજે પણ તે દરેક માટે એક મોટું આકર્ષણ છે જેઓ આધુનિક સંશોધન પર કાર્ય કરવા માગે છે. આપણા વિદ્યાર્થી ત્યાં ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ માટે જઈ રહ્યા છે. આપણે તેમને રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું કહીએ છીએ."

"તદુપરાંત, આજે આખી દુનિયામાંના બે દેશોમાંથી જ સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થી વિદેશ જઈ રહ્યા છે – ભારત અને ચીન. આપણે જોઈ રહ્યા છીએ કે, ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. તેથી, બજાર ફક્ત ભારત પર આધારિત છે. તેથી, જે ગુણવત્તાસભર શિક્ષણ આપે છે એ બધા દેશો માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ભારતીય વિદ્યાર્થીઓની જરૂર છે. તેમાં અમેરિકા પણ સામેલ છે."

શું અમેરિકામાં સંશોધનની તક ઓછી થઈ જશે? ના, કેમ કે, અમેરિકામાં જ્યાં સરકાર પાછળ ખસે છે, ત્યાં કૉર્પોરેટ અમેરિકા ડગલું માંડશે. તેને પોતાની પકડ જાળવી રાખવા માટે અત્યાધુનિક તકનીક અને સંશોધનની જરૂર છે."

પરંતુ ઍડવાઇઝ ઇન્ટરનૅશનલના સુશીલ સુખવાણી અનુસાર, જે વિદ્યાર્થીઓ અભ્યાસની તક શોધી રહ્યા છે, તેઓ અમેરિકા સિવાયના અન્ય વિકલ્પો વિશે પણ વિચારવા લાગ્યા છે.

તેમણે કહ્યું, "વિદ્યાર્થીઓએ નવા દેશો તરફ જોવાનું શરૂ કરી દીધું છે. જર્મનીને જોઈ રહ્યા છે. ફ્રાન્સને પણ જોઈ રહ્યા છે. દુબઈ પર પણ દૃષ્ટિ છે, કેમ કે, દુબઈની અર્થવ્યવસ્થા સારી છે. વિદ્યાર્થી ત્યાં કામ કરી શકે છે, અભ્યાસ કરી શકે છે, નોકરીઓ મેળવી શકે છે. આયર્લૅન્ડ પહેલાં કરતાં સારું કરી રહ્યું છે."

તેમનું કહેવું છે કે, "હકીકતમાં, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ મોટી સંસ્થાઓમાં રિસર્ચના ફંડિંગ પર કાપ મૂકી રહ્યા છે, ત્યારે તે ચોક્કસપણે એવા લોકોમાં ડર પેદા કરી રહ્યા છે જે લાંબા સમયના કામ વિશે વિચારી રહ્યા છે. જેમ કે, સ્કૉલર્સ. તેઓ હવે બીજા દેશો તરફ જોવાનું શરૂ કરી રહ્યા છે."

અમેરિકન યુનિવર્સિટીઝ ઍસોસિયેશન અને ઘણી કૉલેજોએ ટ્રમ્પ શાસનના 'ફંડિંગ કટ ઑર્ડર'ના જવાબમાં એક કેસ નોંધાવ્યો છે. તેમાં ચેતવણી આપી છે કે, જો તેને લાગુ કરવામાં આવશે, તો આ કાપ અમેરિકાની યુનિવર્સિટીઓમાં તબીબી સંશોધનને 'નષ્ટ' કરી દેશે.

ચિંતિત પરંતુ આશાવાદી

બીબીસી ગુજરાતી અમેરિકા ભારતીય ગુજરાતી યુનિવર્સિટી ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઈડન એજ્યુકેશન કૉલેજ વિદ્યાર્થી યુએસએ
ઇમેજ કૅપ્શન, ડોરોથી મિલર

શ્રેયા માલવણકર મુંબઈમાં પોતાનો ડિગ્રી અભ્યાસ પૂરો કરી રહ્યાં છે. ત્યાર પછી તેઓ અમેરિકાની પર્ડ્યૂ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવવાની ઇચ્છા ધરાવે છે. તેઓ એક ડેટા વિશ્લેષક બનવા માગે છે.

અમે તેમને પૂછ્યું કે, અમેરિકામાં જે થઈ રહ્યું છે, તેને તેઓ કઈ રીતે જુએ‌ છે?

તેમણે કહ્યું, "દેખીતું છે, મને ડર લાગે છે. પરંતુ, મને એવું પણ લાગે છે કે ત્યાંની ગુણવત્તા અન્ય દેશો કરતાં ચડિયાતી છે. તેથી હું ત્યાં જવા માગું છું. મને પર્ડ્યૂમાંથી આંશિક સ્કૉલરશિપ મળી છે. તેનાથી મારું જીવન થોડું સરળ થઈ ગયું છે. સાથે જ, હું લોન લેવાની છું. હું મારાં માતાપિતા પર બોજ બનવા નથી માગતી, પરંતુ, મને આશા છે કે ત્યાંની સ્થિતિ જલદીથી સારી થઈ જશે. જો તે ચાલુ રહે, તો ભવિષ્યમાં વિદ્યાર્થી ડરશે. તેઓ અમેરિકામાં અભ્યાસ કરવાનો નિર્ણય કરતાં પહેલાં બે વાર વિચાર કરશે."

'ધ કૉર્નેલ ડેલી સન' 1880માં સ્થપાયેલું કૉલેજનું સ્વતંત્ર રીતે ચાલતું અખબાર છે. ડોરોથી મિલર અખબારનાં મૅનેજિંગ એડિટર છે અને કૉર્નેલ યુનિવર્સિટીના બીજા વર્ષનાં વિદ્યાર્થિની પણ છે. તેમણે કહ્યું કે, આ અશાંતિના સમયનું એક સકારાત્મક પરિણામ એ આવ્યું કે, વિદ્યાર્થી સમૂહ પોતાના સમુદાયમાંથી સમર્થન મેળવી રહ્યા છે.

તેમણે જણાવ્યું, "વિદ્યાર્થી એકબીજાનો સાથ શોધી રહ્યા છે. તેઓ આશ્વાસનની શોધ કરી રહ્યા છે અને તેઓ પોતાના સમુદાયોમાં તે મેળવી પણ રહ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.