ગુજરાતમાં લૂંટ કરીને વારાણસીમાં સાધુના વેશમાં છુપાયેલો આરોપી 21 વર્ષે કેવી રીતે પકડાયો

ઇમેજ સ્રોત, APOORVA PAREKH
- લેેખક, અપૂર્વ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વલસાડ જિલ્લામાં 21 વર્ષ અગાઉ લૂંટ ચલાવનાર એક આરોપી છેક હવે પોલીસના સકંજામાં આવ્યો છે.
આરોપીએ 2004માં 23,500 રૂપિયાની લૂંટ કરી ત્યારે તેની ઉંમર 34 વર્ષ હતી, પરંતુ પોલીસે તેને 55 વર્ષની ઉંમરે પકડ્યો છે. આ દરમિયાન લગભગ એક દાયકાથી આરોપી વારાણસીના મઠમાં સાધુના વેશમાં રહેતો હતો તેવું પોલીસ કહે છે.
વલસાડમાં ઑફિસ લૂંટી આરોપી ફરાર

ઇમેજ સ્રોત, APOORVA PAREKH
વલસાડના ભીલાડમાં 2004માં લૂંટની એક ઘટના બની હતી. તેમાં ભરતભાઈ જાદવની ઑફિસમાં છ લૂંટારુ આવ્યા અને તેમને માર મારી, તમંચો બતાવીને ઑફિસમાંથી રૂ. 23,500ની લૂંટ કરી ભાગી ગયા હતા.
આ લૂંટમાં સામેલ પપ્પુ યાદવ, રાકેશ, પંકજ અને મનોજ નામના આરોપીઓ પકડાઈ ગયા હતા, પરંતુ આનંદ તિવારી હજુ સીધી હાથ લાગ્યો ન હતો. આનંદ તે વખતે વાપીમાં રહેતો હતો પરંતુ આ ઘટના પછી ઘર છોડી ભાગી ગયો હતો. તાજેતરમાં પોલીસે આ કેસ ખોલ્યો, જૂના આરોપીઓની પૂછતાછ કરી અને તિવારીનું પગેરું મેળવ્યું હતું.
પોલીસ અનુસાર ચાર આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેમનો એક સાથીદાર વારાણસીમાં સાધુ બની ગયો હતો અને નામ બદલીને એક મઠમાં રહેતો હતો.
પોલીસે આપેલી માહિતી મુજબ આના આધારે વલસાડ જિલ્લા પોલીસની ટીમ વારાણસી પહોંચી, ત્યાં વેશપલટો કરીને તેમણે સ્વામી અનંતદેવ પર નજર રાખી જે અસલમાં આનંદ તિવારી હોવાની ખાતરી થઈ હતી. 2004માં ભીલાડની લૂંટમાં ફરાર થયેલ તિવારી જ આ સાધુ હોવાની ખાતરી થતાં પોલીસે તેને પકડી લીધો અને વલસાડ લઈ આવી હતી.

ઇમેજ સ્રોત, APOORVA PAREKH
વલસાડ જિલ્લાના પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલાએ બીબીસીને જણાવ્યું કે, "જૂના આરોપીઓ તેમજ અન્ય બાતમીદારો પાસેથી બાતમી મળતા પોલીસ બનારસ પહોંચી હતી. મઠમાંથી સાધુના વેશમાં રહેતા આરોપીને પકડવાના હોવાથી કંઈ ગરબડ ન થાય તેની ખાસ તકેદારી રખાઈ હતી. એક પોલીસ ઇન્સ્પેક્ટર અને ચાર કૉન્સ્ટેબલોએ ત્યાં જ ડેરો નાખ્યો હતો."
તેમણે કહ્યું કે "પોલીસના માણસો ગમછો નાખીને ફરતા અને સ્થાનિક ભાષામાં જ વાત કરીને આનંદ પર નજર રાખતા હતા. 108 સ્વામી અનંતદેવ આનંદ તરીકે વ્યક્તિ જ આનંદ તિવારી હોવાની ખાતરી થતા તેને પકડવા પહોંચ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેમણે આશ્રમવાસીઓ સાથે પણ વાત કરીને તિવારી અસલમાં કોણ છે તેની ખાતરી આપી હતી. ત્યાર પછી 55 વર્ષીય તિવારીની ધરપકડ કરી હતી."
2014માં વારાણસી જઈ સંન્યાસ લીધો

ઇમેજ સ્રોત, APOORVA PAREKH
આરોપી આનંદ તિવારી મૂળ ઉત્તર પ્રદેશનો જ વતની હતો. 21 વર્ષ અગાઉ 34 વર્ષની ઉંમરે યુવાવસ્થામાં વલસાડના ઔદ્યોગિક શહેર વાપીમાં રહેતો હતો. એ સમયે તેણે લૂંટ કરી હતી અને પોલીસનું દબાણ વધતા ગુજરાત છોડી ઉત્તર પ્રદેશ જતો રહ્યો હતો.
પોલીસ મુજબ યુપીમાં તેની પત્ની, એક પુત્રી અને એક પુત્ર રહેતા હતા. વર્ષ 2014માં તેણે સંન્યાસ લીધો અને પરિવારથી દૂર વારાણસીમાં પાંડે ઘાટની બાજુમાં આવેલા ચોસઠી ઘાટ પર આવેલા ચોસઠી મઠમાં સાધુ બની રહેવા લાગ્યો હતો. સન્યાસ લીધા બાદ તેણે પોતાનું નામ શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ રાખ્યું હતુ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












