You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનાં કયાં વિવાદાસ્પદ દૃશ્યોને કારણે મોહનલાલની નવી ફિલ્મ એમ્પુરાનનો થઈ રહ્યો છે વિરોધ?
- લેેખક, નિકિતા યાદવ
- પદ, બીબીસી સંવાદદાતા
દક્ષિણના સુપરસ્ટાર મોહનલાલ દ્વારા અભિનિત મલયાલમ ભાષાની ફિલ્મ L2: એમ્પુરાન ગત સપ્તાહે રિલીઝ થઈ કે તરત જ તેને ભાજપ તથા હિન્દુ જૂથો તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો.
આ ફિલ્મમાં ગુજરાત રાજ્યમાં 2002માં થયેલાં મુસ્લિમ વિરોધી રમખાણોનો ઉલ્લેખ હતો અને તેનાં દૃશ્યો હતાં.
હિન્દુ રાષ્ટ્રવાદી જૂથોની ટીકા બાદ સુપરસ્ટાર મોહનલાલે માફી માંગી અને કહ્યું કે તેમની એમ્પુરાનમાંથી કેટલાંક દૃશ્યોને દૂર કરવામાં આવશે.
એ પછી ફિલ્મમાં 24 કટ મારવાના, દૃશ્યોને ટૂંકાવી દેવાના, અમુક સંવાદોને 'ખામોશ' કરી દેવાના, હુલ્લડના દૃશ્યોના ચોક્કસ ઘટનાક્રમને હઠાવીને 'અમુક વર્ષ પહેલાં' જેવી નોંધ મૂકવામાં આવી, હોવાના અહેવાલ આવ્યા.
વિવાદ અને બહિષ્કારના આહ્વાન છતાં આ ફિલ્મ સૌથી સફળ મલયાલયમ ફિલ્મોમાંથી એક બની ગઈ છે.
દરમિયાન ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટ્રેટે ફિલ્મના સહનિર્માતા ગોકુલમ ગોપાલમના ચીટફંડના એકમો ઉપર રેડ કરી છે. આરોગ્ય, શિક્ષણ, મીડિયા, સિનેમા, હૉસ્પિટાલિટી અને ટ્રાન્સપૉર્ટ ક્ષેત્રમાં વેપારીહિતો ધરાવનારા ગોકુલમ ગોપાલમ ઉપર ફોરેન ઍક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટની જોગવાઈઓનો ભંગ કરવાના આરોપ લાગ્યા છે.
ફિલ્મ ઍનાલિટિક્સ ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, નવ દિવસમાં ભારતમાંથી જ 90 કરોડ કરતાં વધુની કમાણી કરી છે અને બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.
ભાજપ વિ. કૉંગ્રેસ-ડાબેરી
મોહનલાલે ફેસબુક પર લખ્યું, "એક કલાકાર તરીકે મારી ફરજ છે કે હું ખાતરી કરું કે મારી કોઈપણ ફિલ્મ કોઈપણ રાજકીય ચળવળ, વિચારધારા અથવા ધાર્મિક જૂથને પ્રતિકૂળ ન હોય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોહનલાલે ઉમેર્યું, "એમ્પુરાનની ટીમ અને હું મારા પ્રિયજનોને થયેલા દુઃખ બદલ દિલથી દિલગીર છીએ. ફિલ્મ પર કામ કરનારા આપણા બધાની જવાબદારી છે તે સમજીને, અમે સાથે મળીને ફિલ્મમાંથી આ વિષયને દૂર કરવાનો નિર્ણય લીધો છે."
મોહનલાલ કેરળ રાજ્યમાં ઘર-ઘરમાં જાણીતું નામ છે. આ ઘટનાક્રમથી કલાત્મક સ્વતંત્રતાની આસપાસ ચર્ચા શરૂ થઈ છે. જેમાં વિપક્ષી કૉંગ્રેસ અને ડાબેરી પક્ષોએ ભાજપ પર ફિલ્મ નિર્માતાઓ પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો.
જોકે, ભાજપના નેતાઓએ કહ્યું છે કે પાર્ટીએ ફિલ્મ વિરુદ્ધ જાહેર ઝુંબેશ શરૂ કરી નથી. લોકોને સોશિયલ મીડિયા પર પોતાના મંતવ્યો વ્યક્ત કરવાનો અધિકાર છે.
ફિલ્મ શેના વિશે છે?
L2: એમ્પુરાન 2019 ની મલયાલમ રાજકીય થ્રિલર ફિલ્મ લ્યુસિફરની સિક્વલ છે, જેમાં મોહનલાલે સ્ટિફન નેડુમ્પલ્લીની ભૂમિકા ભજવી હતી. જે એક રહસ્યમય વ્યક્તિ છે અને પાછળથી આંતરરાષ્ટ્રીય ગુના સિન્ડિકેટના વડા હોવાનું બહાર આવે છે.
બીજા મલયાલી સ્ટાર પૃથ્વીરાજ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી અને તેનાં રિવ્યૂ મોટાભાગે હકારાત્મક રહ્યા હતા.
તેથી, L2: એમ્પુરાન માટે અપેક્ષાઓ પણ ઘણી વધારે હતી. મોહનલાલનું પાત્ર કેરળના રાજકારણના તારણહાર તરીકે પરત ફરે છે તેના પર કેન્દ્રિત છે. જે હાલમાં ભ્રષ્ટ અને દુષ્ટ લોકોના હાથમાં આવી ગયું છે.
રિલીઝ થાય તે પહેલાં જ આ ફિલ્મ તેના બજેટ - પ્રમાણમાં ઓછા અંદાજિત મલયાલમ ફિલ્મ ઉદ્યોગ માટે વિશાળ - અને સ્ટાર-સ્ટડેડ પ્રમોશનને કારણે સમાચારમાં રહી હતી.
તેણે ભારતીય શહેરોમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા જગાવી હતી, શરૂઆતના દિવસના શો ફૂલ થઈ ગયા હતા.
ફિલ્મ ઍનાલિટિક્સ ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ફિલ્મે તેના શરૂઆતના સપ્તાહના અંત સુધીમાં કુલ લગભગ રૂ. દોઢસો કરોડની કમાણી કરી લીધી હતી, પરંતુ આ ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર સમીક્ષાઓ મળી હતી.
હિન્દુસ્તાન ટાઇમ્સ અખબારે તેને "ઓળખની સમસ્યા, લાંબી અને સ્ક્રિપ્ટમાં ગડબડ" સાથે ઝઝૂમી રહેલી ફિલ્મ ગણાવી હતી. ધ ઇન્ડિયન ઍક્સપ્રેસે કહ્યું હતું કે "લ્યુસિફરને ટકાવી રાખનાર ભાવનાત્મક ઊંડાણ અને નાટકીયતા એમ્પુરાનમાં મોટાભાગે ગેરહાજર છે," પરંતુ "મોહનલાલના કમાન્ડિંગ પર્ફૉર્મન્સ" અને ફિલ્મના કેટલાક અન્ય પાસાઓની પ્રશંસા કરી હતી.
વિવાદ શા માટે થયો?
L2: એમ્પુરાન ફિલ્મની શરૂઆત દિગ્દર્શક પૃથ્વીરાજ દ્વારા ભજવવામાં આવેલા પાત્ર ઝાયેદ મસૂદની પૃષ્ઠભૂમિથી થાય છે, જે 'ભારતના એક સ્થળે' રમખાણો દરમિયાન અનાથ થઈ જાય છે.
જેમાંની કેટલીક વિગતો 2002 માં મોદી ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી હતા, ત્યારે થયેલી ધાર્મિક હિંસા જેવી જ છે. લાંબી ફ્લૅશબૅક સિક્વન્સમાં હિંસા દરમિયાન હિન્દુઓને મુસ્લિમો સામે હિંસક ગુનાઓ કરતા દર્શાવવામાં આવતા કેટલાંક દૃશ્યો બતાવવામાં આવ્યાં છે.
તે એ પણ બતાવે છે કે હિંસાના ગુનેગારોમાંથી એક કેવી રીતે વધુને વધુ શક્તિશાળી બનતો જાય છે અને કેરળના રાજકારણમાં મુખ્ય સ્થાન મેળવવા માંગે છે. ફિલ્મનાં આ દૃશ્યોને કારણે હોબાળો થયો.
ભાજપના રાજ્ય પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે જેમણે ફિલ્મની રિલીઝ પહેલાં ફિલ્મની ટીમને શુભકામનાઓ આપી હતી. તેમણે પછીથી કહ્યું કે તેમને હવે સમજાય છે, "ફિલ્મમાં એવા વિષયને સ્પર્શતું હતું કે જે મોહનલાલનાં ચાહકો અને અન્ય દર્શકોને પરેશાન કરે છે."
"ફિલ્મને ફિલ્મ તરીકે જોવી જોઈએ. તેને ઇતિહાસ તરીકે ન જોઈ શકાય. ઉપરાંત કોઈપણ ફિલ્મ જે સત્યને વિકૃત કરીને વાર્તા બનાવવાનો પ્રયાસ કરે છે તે નિષ્ફળ જ જશે."
રાજીવ ચંદ્રશેખરે ઉમેર્યું કે તેઓ ફિલ્મ જોશે નહીં.
કેટલાક ભાજપના નેતાઓએ આને ટેકો આપ્યો હતો, ત્યારે અન્ય લોકોએ નિર્માતાઓની ટીકા કરી હતી અને ફિલ્મમાં "રાષ્ટ્ર વિરોધી થીમ્સ" દર્શાવવાનો આરોપ લગાવ્યો હતો.
ભાજપના પાલક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા પ્રકાશિત મૅગેઝિન - ધ ઑર્ગેનાઇઝર વિકલી - એ એમ્પુરાનને "સિનેમાના સ્વાંગમાં વિભાજનકારી વાર્તા" ગણાવી હતી.
તેની સમીક્ષામાં જણાવાયું કે, "એમ્પુરાન માત્ર એક ખરાબ ફિલ્મ જ નથી, તે શ્રદ્ધા અને સંતુલિત વાર્તા કહેવાની ભાવના પર હુમલો છે."
ફિલ્મ રિલીઝ થઈ ત્યારે શરૂઆતમાં કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે બહિષ્કાર કરવાની પણ હાકલ કરી, પરંતુ તે મોટા પાયે ઑનલાઇન ઝુંબેશ કે વ્યાપક વિરોધમાં પરિણામી ન હતી.
ફિલ્મનાં દૃશ્યોમાં ફેરફારો
સપ્તાહના અંતે ફિલ્મના નિર્માતાઓમાંથી એક ગોકુલમ ગોપાલને કહ્યું કે તેમણે પૃથ્વીરાજને "જો એમ્પુરાનનાં કોઈપણ દૃશ્યો અથવા સંવાદોથી કોઈને દુઃખ થયું હોય તો" ફેરફારો કરવા કહ્યું હતું.
આ પછી રવિવારે મોહનલાલની પોસ્ટ આવી જેમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે કેટલાંક દૃશ્યો દૂર કરવામાં આવશે. પૃથ્વીરાજે ફેસબુક પર પોસ્ટ શૅર કરી હતી, પરંતુ વધારાની ટિપ્પણી આપી ન હતી.
ભારતના સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન - જે સેન્સર બોર્ડ તરીકે ઓળખાય છે - દ્વારા ફિલ્મને મંજૂરી આપવામાં આવી છે. આ જાહેરપ્રદર્શન માટે ફિલ્મોની સમીક્ષા કરે છે, પરંતુ નિર્માતાઓ પાસે વધુ કટ માટે તેને ફરીથી સબમિટ કરવાનો વિકલ્પ હોય છે.
વિવાદ વચ્ચે, L2: એમ્પુરાનને ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) અને કૉંગ્રેસ પક્ષ તરફથી પણ સમર્થન મળ્યું. કેરળમાં કૉમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર છે. કેરળમાં બંને પક્ષોની મજબૂત હાજરી છે જ્યારે રાષ્ટ્રીય સ્તરે શક્તિશાળી ભાજપ રાજ્યમાં પ્રવેશ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
મુખ્યમંત્રી પિનરાયી વિજયને કહ્યું કે "એમ્પુરાન અને તેના સર્જકો વિરુદ્ધ સાંપ્રદાયિક નફરતનું અભિયાન ખૂબ જ ચિંતાજનક છે."
તેમણે ઉમેર્યું, "ભય અને ધમકીઓ દ્વારા સર્જનાત્મક સ્વતંત્રતાને નબળી પાડવી એ લોકશાહીના મૂળ પર પ્રહાર કરે છે."
કૉંગ્રેસના નેતા વી.ડી. સતીશને લખ્યું, "સિનેમા એ કલાકારોના જૂથનું કાર્ય છે. સોશિયલ મીડિયા દ્વારા ધમકી આપીને, અપમાનિત કરીને કલાના કાર્યની સામગ્રીમાં ફેરફાર કરવો એ કોઈ જીત નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન