ટપરવેર : મહિલાઓને મનગમતી આ બ્રાન્ડ બંધ થવાને આરે કેમ પહોંચી?

    • લેેખક, સીન સેડૉન અને માઇકલ રેસ
    • પદ, બીબીસી ન્યૂઝ

તમે ઘણી વાર મહિલાઓના મોઢે ટપરવેરનું નામ તો સાંભળ્યું જ હશે. તમે કેટલાકનાં ઘરોમાં ટપરવેરની વસ્તુઓ પણ જોઈ હશે. ત્યારે આ ટપરવેરની બ્રાન્ડ એ ફૂડ સ્ટોરેજનો એટલો લોકપ્રિય પર્યાય બની ગયો છે કે ઘણા લોકો કોઈપણ જૂનાં પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉલ્લેખ કરતી વખતે તેના નામનો ઉપયોગ કરે જ છે.

જોકે 77 વર્ષ જૂની આ યુએસ કંપનીના ખરાબ દિવસો આવ્યા છે. આ કંપનીના વધતા દેવા અને ઘટતા વેચાણ સાથે ચેતવણી આપવામાં આવી છે કે આ રોકાણ વિના બંધ થઈ શકે છે.

તાજેતરનાં વર્ષોમાં આ કંપનીએ નવી પ્રોડક્ટસ લાવવાના પ્રયાસો થયા, આમ છતાં તેના વેચાણમાં થઈ રહેલા ઘટાડાને અટકાવી ન શકાયો.

1950 અને 1960ના દાયકાને 'ટપરવેર પાર્ટી'નો જમાનો કહેવાય છે, તેનાં ઍરટાઇટ અને વૉટરટાઇટ કન્ટેનરોએ બજારમાં ધૂમ મચાવી દીધી હતી.

જોકે તેના વેચાણનું મૉડલ જૂદું હતું, તેનું મુખ્ય વેચાણ સ્વરોજગાર પર નિર્ભર લોકો દ્વારા થતું હતું, જેઓ ઘરેથી આવી ચીજોનું વેચાણ કરતા હતા. ધીમે-ધીમે આ પદ્ધતિ ઓછી કાર્યક્ષમ થઈ ગઈ અને 2003માં આ પદ્ધતિ બંધ થઈ ગઈ.

કંપનીના બૉસે સ્વીકાર્યું છે કે નવા ફંડ વિના આ લોકજીભે ચડેલી આ બ્રાન્ડ બજારમાંથી અદૃશ્ય થઈ શકે છે.

રિટેલ ઍનાલિસિસ ફર્મ સેવી માર્કેટિંગના સ્થાપક કેથરિન શટલવર્થે જણાવ્યું હતું કે, "અમે તેનો (ટપરવેર) એક સંજ્ઞા તરીકે ઉપયોગ કરીએ છીએ, જે બ્રાન્ડ માટે તદ્દન અસામાન્ય છે."

"મને લાગે છે કે ઘણા યુવાનોને આશ્ચર્ય થશે કે તે પોતે જ એક બ્રાન્ડ છે."

શટલવર્થે વધુમાં કહ્યું હતું કે, દાયકાઓ પહેલાં ટપરવેર એ "ચમત્કારિક ઉત્પાદન" હતું, પરંતુ તાજેતરનાં વર્ષોમાં સસ્તા વિકલ્પો ધરાવતી કંપનીઓ વધી ગઈ છે.

કોવિડ-19 મહામારી દરમિયાન આ બ્રાન્ડના પુનરુત્થાનની આશા પ્રગટી હતી, લોકોમાં બેકિંગ અને રસોઈ બનાવવા માટે ઉત્સાહ હતો અને એથી ટપરવેરના શૅરના ભાવમાં વધારો થયો હતો, પરંતુ તે વૃદ્ધિ અસ્થાયી નીકળી હતી.

શટલવર્થના જણાવ્યા અનુસાર, ત્યાર બાદ વેચાણ ફરી ઘટી ગયું, કારણ કે કંપની છેલ્લાં 10થી 20 વર્ષમાં તેના પ્રતિસ્પર્ધીઓ સામે ટકી રહેવા "પૂરતી સક્ષમ" નથી.

કંપનીની સ્થાપના 1946માં શોધક અર્લ ટપર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેનો ચહેરો એક મહિલા હતાં: બ્રાઉની વાઇસ.

ટપરનું ઉત્પાદન એ એક મોટી વાત હતી, તેમણે ખોરાકને લાંબા સમય સુધી તાજું રાખવા માટે જુદા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો. આ એ જમાનાની વાત છે જ્યારે રૅફ્રિજરેટર્સ ઘણા લોકો માટે ખૂબ મોંઘું હતું. જોકે બ્રાઉની વાઇસ ન આવ્યાં, ત્યાં સુધી તેનું વેચાણ થઈ રહ્યું ન હતું.

તેમણે આવ્યાં બાદ તરત જ કન્ટેનર્સ વેચવા માટે કાર્યક્રમો યોજવાનું શરૂ કર્યું. તેમણે ગૃહિણીઓ સાથે નાની-નાની મિટિંગ કરવાની શરૂ કરી, જેમને તેઓ આ ચીજો વેચવા માગતાં હતાં. આ પ્રકારના સામાજિક અભિગમથી કંપનીએ અલગ સ્થાન ઊભું કર્યું.

તેમની નવીન શૈલી અને તેમના વેચાણના આંકડાએ ટપર કંપનીના અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું, અને તેમને બઢતી આપવામાં આવી અને ઍક્ઝિક્યુટિવ સ્તરનું પદ આપવામાં આવ્યું, આ એ વખત હતો જ્યારે મહિલાઓને બોર્ડરૂમમાંથી બાકાત રાખવામાં આવતી હતી.

વાઇસ અને ટપરવેરના પ્રભાવ મુદ્દે હજુ પણ વિવાદ છે, પરંતુ ઘણા લોકો કહે છે કે તેણે યુદ્ધ પછી અમેરિકામાં મહિલાઓને કાર્યબળમાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને વિશ્વભરની અન્ય મહિલાઓને આવકનો સ્રોત પૂરો પાડ્યો હતો.

ટપરવેરના કારણે મહિલાઓને રોજગારી મળતી

તેમાંથી એક એલિસન ક્લાર્ક, જેઓ યુનિવર્સિટી ઑફ ઍપ્લાઇડ આર્ટ્સ વિયેનામાં ડિઝાઇન ઇતિહાસ અને સિદ્ધાંતના પ્રોફેસર અને Tupperware: The Promise of Plastic in 1950s Americaનાં લેખક છે.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, "મને લાગે છે કે આ વારસાએ મહિલાઓને રોજગારીનો સ્રોત પૂરો પાડ્યો છે, જેમની પાસે તેમની અનુકૂળતાને અનુરૂપ રોજગારી ન હતી."

"જ્યારે અમેરિકામાં પાર્ટીઓમાં તેનું વેચાણ સૌપ્રથમવાર થઈ રહ્યું હતું, ત્યારે ઘણી મહિલાઓને તેમના પરિવારોથી દૂર યુદ્ધ પછીના ઉપનગરીય શહેરોમાં અલગ રાખવામાં આવી હતી.”

“ટપરવેરનું વેચાણ કરતી કોઈ વ્યક્તિને જાણતા હોવ તો જ તમે તેને ખરીદી શકતા હતા. તેથી તે વિશિષ્ટ ગણાતું હતું અને તેના વેચાણમાં મહિલાઓનું મોટું યોગદાન હતું.

"મને વિચાર આવ્યો કે આ મૂડીવાદનું મહિલાઓ વિરુદ્ધનું કાવતરું હતું અને હું આ મહિલાઓને મળ્યો જેમનું જીવન તેના કારણે પલટાઈ ગયું હતું."

'પરિવર્તનમાં નિષ્ફળ'

આ કંપનીમાં મહિલાઓનું વિશેષ યોગદાન રહ્યું છે, જોકે કંપનીના બોર્ડરૂમમાં એવું જોવા મળ્યું નથી.

પ્રોફેસર ક્લાર્કે કહ્યું કે, "આ પ્રોડક્ટ્સની ડિઝાઇન તો જુદી હતી જ પણ સાથે જ તેને વેચવાની રીત પણ જાદુઈ હતી, પરંતુ આ ડિજિટલ દુનિયામાં ફેસ-ટુ-ફેસનું મૉડલ સાંપ્રત નથી રહ્યું."

કન્સલ્ટન્સી ગ્લોબલ ડેટામાં રિટેલના મૅનેજિંગ ડિરેક્ટર નીલ સૉન્ડર્સ દ્વારા જાહેર કરાયેલું આ વિશ્લેષણ છે.

તેમણે જણાવ્યું હતું કે, ટપરવેર તેનાં ઉત્પાદનો અને વિતરણના સંદર્ભમાં "સમય સાથે પરિવર્તન કરવામાં નિષ્ફળ" રહ્યું હતું, જે દર્શાવે છે કે તેની પાર્ટીઓ દ્વારા સીધું વેચાણ કરવાની પદ્ધતિ યુવાન અથવા જૂના ગ્રાહકો સાથે જોડાઈ રહી ન હતી.

તેમણે કહ્યું હતું કે, યુવા ગ્રાહકોએ ખોરાકને તાજો રાખવા માટે મીણના કાગળ જેવા પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો પણ અપનાવ્યા છે.

અન્ય રિટેલ વિશ્લેષક રિચાર્ડ હાયમેને જણાવ્યું હતું કે, ટપરવેરના ઉત્પાદનોના મૂળભૂત સિદ્ધાંતો અન્ય કંપનીઓ દ્વારા "નકલ કરવા મુશ્કેલ ન હતા”. તે ઉગ્ર સ્પર્ધાને જોતાં તેઓએ કહ્યું કે કંપનીએ "સારું પ્રદર્શન કર્યું હતું.

કંપનીએ તેની વ્યૂહરચનામાં વિવિધતા લાવવા માટે કેટલાક પ્રયાસો કર્યા છે, જેમાં યુ.એસ. રિટેલ ચેઇન ટાર્ગેટ અને વિશ્વભરના અન્ય લોકોને વેચવા અને અન્ય રસોઈ ઉત્પાદનોનો સમાવેશ કરવા માટે તેની શ્રેણીનો વિસ્તાર કરવો સામેલ છે.

સૉન્ડર્સે કહ્યું હતું કે, જો ટપરવેરે 10 વર્ષ પહેલાં મોટા ફેરફારો કર્યા હોત, તો કંપની હાલ અલગ સ્થિતિમાં હોત.

જોકે હવે ટપરવેરના માલિકો પાસે આશ્ચર્ય કરવાનો સમય નથી કે હવે શું થઈ શકે છે. કંપની ઝડપી રોકડ મદદ (રોકાણ) વિના બંધ થઈ શકે છે અને આવી પ્રસિદ્ધ બ્રાન્ડ નામ સાથે વૉલમાર્ટ અથવા તો ઍમેઝૉન જેવા રિટેલ જાયન્ટની સંભાવનાને નકારી શકાય નહીં.

સોમવારે ટપરવેરના શેરમાં ઘટાડો થયો હતો અને મંગળવારે થોડા સુધારા બાદ પણ આશંકાઓ વધી રહી છે કે નોંધપાત્ર નવા નાણાકીય સમર્થન વિના ટપરવેરની પાર્ટીની રોશની હંમેશા માટે ખતમ થઈ શકે છે.