You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એમેઝોન 18 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાં કેમ કાઢી મૂકશે?
- લેેખક, એનેબેલ લિએન્ગ
- પદ, બીબીસી સંવાદદાતા
- ટ્વીટર અને ફેસબુક બાદ હવે એમેઝોને પણ તેના હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી છે
- એમેઝોને અગાઉ તેના કેટલાક બિઝનેસ યુનિટ બંધ કર્યા છે
- ટ્વિટર અને ફેસબુક સહિત અમેરિકન ટેક જગતની ઘણી કંપનીઓએ બદલાતી આર્થિક સ્થિતિને જોતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે
- અસરગ્રસ્ત કર્મચારીઓને આગામી 18 જાન્યુઆરીથી સૂચના મળવાની શરૂ થશે
અમેરિકાની ટેક ઇન્ડસ્ટ્રીમાં લોકોને નોકરીમાંથી કાઢવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે.
ટ્વિટર અને ફેસબુક બાદ હવે એમેઝોને પણ તેના હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી છે.
એમેઝોનના મુખ્ય કાર્યકારી અધિકારી એન્ડી જેસીએ તેમના કર્મચારીઓના નામે લખેલી એક ચિઠ્ઠીમાં તેની માહિતી આપી છે.
તેમણે લખ્યું છે કે, “અસરગ્રસ્ત કર્મચારીઓને આગામી 18 જાન્યુઆરીથી સૂચના મળવાની શરૂઆત થઈ જશે.”
આ કર્મચારીઓની સંખ્યા 18000થી વધુ બતાવવામાં આવી રહી છે, જે કંપનીના કુલ 3 લાખ લોકોના સ્ટાફના 6 ટકા છે.
એમેઝોને આ પહેલાં નવેમ્બરમાં સૂચના આપી હતી કે, તે ખર્ચ ઓછો કરવા માટે તેના કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકશે.
એન્ડી જેસીએ કહ્યું છે કે, "અમે આ પગલાથી પ્રભાવિત લોકોને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અમારા કર્મચારીઓને એક પૅકેજ ઑફર કરી રહ્યા છીએ, જેમાં નાણાકીય સહાય અને ટ્રાન્ઝિશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ તેમજ અન્ય કંપનીઓમાં નોકરી શોધવામાં સહાયનો સમાવેશ થાય છે.
આ સાથે તેઓએ લખ્યું છે કે, “એમેઝોન અગાઉ પણ અર્થવ્યવસ્થાના ખરાબ સમયને પાર કરવામાં સફળ રહી છે અને ભવિષ્યમાં પણ આમ કરતી રહેશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાથી ભારત અને યુરોપના તમામ દેશોમાં ઑફિસ અને કર્મચારીઓ છે
વિશ્વની સૌથી મોટી ઈ-કૉમર્સ કંપનીનો બિઝનેસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયેલો છે.
એમેઝોનની અમેરિકાથી ભારત અને યુરોપના તમામ દેશોમાં ઑફિસ અને કર્મચારીઓ છે.
પરંતુ કંપનીએ હજુ એ નથી જણાવ્યું કે, કયા દેશોમાં તેના કર્મચારીઓને આ નિર્ણયથી અસર થશે.
જોકે, કંપનીએ કહ્યું છે કે, “યુરોપમાં જ્યાં જરૂર પડશે, ત્યાં તે કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ સાથે વાત કરશે.”
કંપનીએ વધુમાં જણાવ્યું છે કે, “મોટા ભાગની નોકરીઓ એમેઝોન સ્ટોર ઑપરેશન અને તેની પીપલ, એક્સપિરિયન્સ અને ટેકનોલૉજી ટીમમાંથી જશે.”
બે મહિના પહેલાં એમેઝોને કહ્યું હતું કે, “તે તેની વ્યાવસાયિક ગતિવિધિઓની વાર્ષિક સમીક્ષામાં ખર્ચ ઘટાડવાની રીતો શોધવાનો પ્રયાસ કરશે.”
એમેઝોન આ પહેલાં જ લોકોને નોકરી આપવાની પ્રક્રિયાને અસ્થાયી રૂપે અટકાવી દીધી છે.
આ સાથે એમેઝોને તેના વેરહાઉસને વિસ્તૃત કરવાની યોજનાને બંધ કરવાની સાથે, ચેતવણી આપી છે કે તેણે મહામારી દરમિયાન જરૂરિયાત કરતાં વધુ લોકોને નોકરી આપી છે.
એમેઝોને અગાઉ તેના કેટલાક બિઝનેસ યુનિટ બંધ કર્યા છે, જેમાં પર્સનલ ડિલિવરી રોબૉટ્સ જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
આ પહેલાં ટ્વિટર અને ફેસબુક સહિત અમેરિકન ટેક જગતની ઘણી કંપનીઓએ બદલાતી આર્થિક સ્થિતિને જોતા પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.